"તું શું કામ ચિંતા કરે છે બેટા..? હું છું ને તારી સાથે.. હું તને બધું જ શીખવી દઈશ.. ઓકે..?" દેવાંશ કવિશાની આંખમાં આંખ પરોવીને તેને વ્હાલપૂર્વક સમજાવી રહ્યો હતો..અને કવિશા ન છૂટકે હકારમાં પોતાનું માથું ધુણાવી રહી હતી..તેના દિલોદિમાગમાં હજી ગડમથલ ચાલી રહી હતી.. કે "હું શું કરું..? દેવાંશ સાથે ઝઘડો કરીને તેને ના પાડી દઉં...?"પરંતુ દેવાંશને દુઃખી કરવા તેનું મન તૈયાર થતું નહોતું... કારણ કે, દેવાંશના ચહેરા ઉપર આ વાતને લઈને કંઈક વિશિષ્ટ ખુશી વર્તાઈ રહી હતી...ટોટલ દોઢસો જેટલા સ્ટુડન્ટ્સના નામ આ પ્રોગ્રામ માટે આવી ગયા હતા....બીજે દિવસે ફરીથી કોણ કયા પ્રોગ્રામમાં ભાગ લેશે તે નક્કી કરવા માટે ફરીથી રીશેષ પછી મીટીંગ ગોઠવવામાં આવી હતી..બીજે દિવસે કવિશાની તબિયત થોડી નરમ હતી એટલે તે કોલેજમાં આવી શકી નહોતી...દેવાંશે ડાન્સ અને ડ્રામા બંનેમાં પોતાના પાર્ટનર તરીકે કવિશાનું નામ લખાવી દીધું હતું...પ્રાપ્તિએ પોતાના ડાન્સ પાર્ટનર તરીકે મયંકની પસંદગી કરી લીધી હતી...આમ દરેકે પોતાને અનુકૂળ પાર્ટનર સિલેક્ટ કરીને જોડીઓ બનાવી લીધી હતી...બધું જ ખૂબ સુંદર રીતે ગોઠવાઈ ગયું હતું..બે દિવસ પછી કવિશા જ્યારે કોલેજમાં આવી ત્યારે તેને જાણ થઈ કે દેવાંશે તેનું નામ પોતાના પાર્ટનર તરીકે લખાવી દીધું છે...તે વિચારતી રહી કે, "હું કઈ રીતે આ બધું કરી શકીશ..?"પહેલા ચાર લેક્ચર પૂરા કરીને જેણે પ્રોગ્રામમાં ભાગ લીધો હતો તેણે પ્રેક્ટિસ માટે આજે હોલમાં પહોંચી જવાનું હતું..દેવાંશ પ્રેક્ટિસ હોલમાં પહોંચી ગયો હતો અને પ્રાપ્તિ તેમજ કવિશાની રાહ જોતો બેઠો હતો.પ્રાપ્તિ કવિશાને કેન્ટિન તરફ ખેંચીને લઈ જઈ રહી હતી અને સાથે સાથે બોલી રહી હતી કે, "બહુ ભૂખ લાગી છે પહેલા કંઈક ખાવું પડશે પછી પ્રેક્ટિસ થશે."કવિશા પોતાની દરરોજની કોર્નરવાળી જગ્યાએ ગોઠવાઈ ગઈ જ્યાંથી આખાયે કેન્ટિન ઉપર નજર રહી શકે..પ્રાપ્તિ ગરમાગરમ પૌંઆ અને બે કપ ચા લઈને કવિશાની સામે ગોઠવાઈ ગઈ.બંને જણાં પૌંઆ ખાવાની શરૂઆત કરે તે પહેલાં તેમના ટેબલ પાસે એક સાડા પાંચ ફૂટની હાઈટ ધરાવતો ઘઉંવર્ણ, પહોળા ખભા ધરાવતો સૂડોળ નાક અને ગોળ મોં ધરાવતો, જેના બાયસેપ્સ ભરાવદાર હતા જે તેની હાફસ્લીવ્સ ટી શર્ટ માંથી બહાર ડોકાઈ રહ્યા હતા, જેના કાંડા મજબૂત હતા અને પગમાં પહેરેલા સ્કેચર્સના શૂઝ તેમજ વ્હાઈટ ટી શર્ટ અને બ્લૂડેનિમમાં તે હેન્ડસમ ખૂબજ આકર્ષક દેખાઈ રહ્યો હતો જે પહેલી જ નજરમાં કોઈને પણ ગમી જાય તેટલો લોભામણો લાગતો હતો..તેની બોલી પણ તેના વ્યક્તિત્વ જેટલી જ સુંદર અને લોભામણી હતી..."કેન આઈ સીટ હિઅર..?" તેણે કવિશા અને પ્રાપ્તિની સામે જોઈને પ્રશ્ન તો કર્યો પરંતુ તે જવાબની રાહ જોયા વગર જ કવિશાની સામેની અને પ્રાપ્તિની બાજુની સીટ ઉપર ગોઠવાઈ ગયો..કવિશા અને પ્રાપ્તિ બંને એકબીજાની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા હતા..એ બંનેના મનની વાત સમજતો હોય તેમ તે નવયુવાન પોતાની જાતે જ પોતાનો પરિચય આપવા લાગ્યો.."મારું નામ ઋષિલ છે..ઋષિલ મલ્હોત્રા.. તમે બંને કદાચ મને નહીં ઓળખી શકો કારણ કે હું તમારાથી એક વર્ષ આગળ છું. બસ મારું આ લાસ્ટ ઈયર છે અને હું દર વર્ષે મારા ક્લાસમાં ટોપ કરું છું...""પણ આ બધું તમે..??" પ્રાપ્તિનો સવાલ અધૂરો જ રહ્યો અને ઋષિલે આગળ બોલવાનું ચાલુ રાખ્યું.."હા, હું તમને એ જ કહેવા જઈ રહ્યો છું.. તમે તમારો આ બ્રેકફાસ્ટ ખાવાનું ચાલુ રાખો ઠંડો થઈ જશે.. તમે બંનેએ એન્યુઅલ ફંક્શનમાં પાર્ટીશિપેટ કર્યું છે રાઈટ 👍 તો મારી ઈચ્છા એવી છે કે, મિસ કવિશા મારી ડાન્સ પાર્ટનર બને..""પણ શા માટે..?" સ્વાભાવિક પણે જ પ્રાપ્તિથી પૂછાઈ ગયું."કારણ કે હું ડાન્સમાં પણ માહિર છું એન્ડ ફોર યોર કાઈન્ડ ઇન્ફોર્મેશન હું ડાન્સ ક્લાસ ચલાવું છું. મારા પોતાના ક્લાસ છે."ક્યારની ચૂપ બેઠેલી કવિશા હવે અકળાઈ ગઈ હતી, " પણ મારે તો ડાન્સ પણ નથી શીખવો અને આ પ્રોગ્રામમાં ભાગ પણ નથી લેવો.. અને ક્યારના તમે શું અમારું માથું પકાવો છો.. પ્લીઝ અમને એકલા છોડી દેશો..?" કવિશાનું મોં ફૂલી ગયું હતું.પરંતુ પ્રાપ્તિ ઋષિલની વાતો સાંભળીને તેની પાસેથી ડાન્સ શીખવા માટે અધીરી થઈ ગઈ હતી..."યસ, આઈ એમ ઈન્ટ્રેસ્ટેડ..." પ્રાપ્તિએ તૈયારી બતાવી દીધી.કવિશા એની સામે આંખો ફાડીને જોઈ રહી હતી પરંતુ પ્રાપ્તિ ઉપર તેની કોઈ અસર થઈ નહીં..થોડીવાર માટે ત્રણેય વચ્ચે ચૂપકીદી છવાયેલી રહી...એટલામાં ઋષિલના સેલફોનમાં રીંગ વાગી..અને તે પ્રાપ્તિ અને કવિશાની સામે જોઈને બોલ્યો કે, "તો આવો તમે બંને પ્રેક્ટિસ હોલમાં.. મને બોલાવે છે એટલે હું જવું છું."થોડી જ વારમાં પ્રાપ્તિ અને કવિશા પોતાનો બ્રેકફાસ્ટ પૂરો કરીને પ્રેક્ટિસ હોલ તરફ આગળ વધી રહ્યા હતા અને રસ્તામાં કવિશા પ્રાપ્તિને ઋષિલ સાથે ડાન્સ નહીં શીખવા સમજાવી રહી અને તેને કહી રહી હતી કે, " તું જ તો કહેતી હતી કે, દેવાંશને ડાન્સ ખૂબ સરસ આવડે છે અને હવે આની જોડે શીખવા સમજાવી રહી તૈયાર થઈ જાય છે."પ્રાપ્તિ તો જાણે ઉછળી રહી હતી, "અરે તે સાંભળ્યું નહીં? આ તો ડાન્સ ક્લાસ ચલાવે છે.. ડાન્સ ક્લાસ.. એટલે એને કેટલો જોરદાર ડાન્સ આવડતો હોય.. હું તો તેની પાસેથી જ શીખીશ.. અને પછી તો આપણું પર્ફોર્મન્સ જોરદાર હશે..""શું આમ ગમે તેની વાતોમાં આવી જાય છે?"બંને જણાં પ્રેક્ટિસ હોલમાં પહોંચી ગયા..સૌનું ધ્યાન તેમની તરફ જ હતું.કારણ કે તેમની પાછળ પાછળ કોલેજના મ્યુઝિક ટીચર ક્રીષ્ના શ્રીવાસ્તવ આવી રહ્યા હતા.ક્રીષ્ના શ્રીવાસ્તવ કલાના પ્રશંસક હતા અને કલા પ્રત્યેના પોતાના અભિગમ બાબતે થોડા સ્ટ્રીક્ટ પણ હતા..છોકરાઓએ જાતે બનાવેલા પ્રોગ્રામના લિસ્ટ ઉપર અને ડાન્સ તેમજ ડ્રામાના પાર્ટીશિપેટ્સના લિસ્ટ ઉપર તેમણે પોતાની નજર સ્થિર કરી અને કહ્યું કે, "ડ્રામામાં કોને કયો રોલ આપવો અને ડાન્સમાં કોની સાથે કોને પેરમાં રાખવા તે હું નક્કી કરીશ તેમ જ થશે.."અને તેમની આ વાત સાંભળીને આખાયે હોલમાં સોપો પડી ગયો...ક્રમશઃ ~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 11/5/25