Sorry for the mistake. in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | ભૂલચૂક માફ

Featured Books
  • પરંપરા કે પ્રગતિ? - 14

    આગળ આપણે જોયું કે પ્રિયા પોતાનું કામ ખૂબ જ રસ પૂર્વક કરતી હત...

  • ભાગવત રહસ્ય - 291

    ભાગવત રહસ્ય - ૨૯૧   શુકદેવજી વર્ણન કરે છે-અનેક વાર ગોપીઓ યશો...

  • ધૈર્ય

    ધૈર્ય शनैः पन्थाः शनैः कन्था शनैः पर्वतलंघनम । शनैर्विद्या श...

  • અભિનેત્રી - ભાગ 48

    અભિનેત્રી 48*                                  શર્મિલાએ કરેલ...

  • વૃદ્ધ દંપતી

    વૃદ્ધ દંપતી दाम्पत्यमनुकूलं चेत्किं स्वर्गस्य प्रयोजनम्। दाम...

Categories
Share

ભૂલચૂક માફ

ભૂલચૂક માફ

- રાકેશ ઠક્કર

        બોલિવૂડમાં ‘મેડોક ફિલ્મ્સ’ ની ફિલ્મો અલગ રહેતી હોવાથી દર્શકોને એમના પ્રત્યે અપેક્ષા વધી છે ત્યારે ‘ભૂલચૂક માફ’ આવી છે. જો આવી નાની ‘ભૂલચૂક’ થતી રહેશે તો આગામી સમયમાં એમની ફિલ્મોને દર્શકોનો અને સમીક્ષકોનો પ્રેમ કદાચ મળશે પણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવવાનું શક્ય બનશે નહીં. રાજકુમાર રાવની ‘ભૂલચૂક માફ’ માત્ર બે કલાકની અને મનોરંજન આપી જતી ફિલ્મ છે એના કરતાં આજકાલ આવતી ફિલ્મો કરતાં સારી છે એ કારણે વધુ પસંદ કરવામાં આવી છે. ‘મેડોક ફિલ્મ્સ’ ની પ્રતિષ્ઠા મુજબની આ ફિલ્મ નથી.

        સામાન્ય રીતે ‘ટાઈમ લૂપ’ ના વિષય પરની ફિલ્મો સાઈફાઈ હોય છે ત્યારે ‘ભૂલચૂક માફ’ને સામાજિક કોમેડી તરીકે બનાવવામાં આવી છે. અને એને ભગવાન ભરોસે છોડી દેવામાં આવી છે. ગીતોની જરૂર જણાતી નથી છતાં થોડી થોડી વારે ગીતો આવે છે. પહેલા ગીતમાં વાર્તાની અગાઉની વાર્તા આવતી હોવાથી બરાબર છે. બાકી ગીતો ટૂંકી ફિલ્મને લાંબી કરવાનું કામ જ કરે છે. પહેલા ભાગમાં વાર્તા આગળ જ વધતી લાગતી નથી. બીજા ભાગથી ખરી વાર્તા શરૂ થાય છે અને મનોરંજન પૂરું પાડે છે. ‘મેડોક ફિલ્મ્સ’ ની વાર્તા એવી હોય છે કે આગળ શું થશે એ વિચારવાનું મુશ્કેલ બની જાય છે. તેથી અંત સુધી રસ જળવાય છે. ક્લાઇમેક્સ ખેંચવામાં આવ્યો છે પણ જોરદાર છે.

        મધ્યમવર્ગીય પારિવારિક ડ્રામા ફિલ્મમાં રાજકુમારને એક્સપર્ટ માનવામાં આવે છે. બાકી પોતાની ભૂમિકામાં એ કશું નવું કરી શક્યો નથી. સવાલ એ છે કે એની એક જ પ્રકારની ભૂમિકામાં દર વખતે દર્શકોને નવું શું લાગશે? એના ચાહકોનું મન હવે એને અલગ ભૂમિકામાં જોવાનું છે. આખી ફિલ્મ જોયા પછી એમ થશે કે ‘ભૂલચૂક’ એવી કરી છે કે માફ થઈ શકે છે. જો એમાં ક્લાઇમેક્સ પર જલદી પહોંચી ગયા હોત, સંવાદો હજુ મજેદાર હોત અને ગીતોના શબ્દો કેચી હોત તો વધુ મજા આવી હોત. ફિલ્મ જે કહેવા માગે છે એ વિચાર સારો છે. એને નિર્દેશકે કંટાળાજનક બનતો અટકાવવાની જરૂર હતી.

         ફિલ્મ માટે ઇરાદો અને પ્રયત્ન સારા જણાશે પણ એ હજુ વધુ સારી બની શકી હોત એમ જરૂર થશે. ‘મેડોક ફિલ્મ્સ’ ની જ વિકી કૌશલ સાથેની ‘જરા હટકે જરા બચકે’ કદાચ વધુ સારી હતી. વિકી- સારાની જેમ રાજકુમાર- વામિકાની કેમેસ્ટ્રી ઠીક જ લાગે છે. વામિકા રાજકુમાર સાથેના ઘણા દ્રશ્યોમાં ઓવરએક્ટિંગ કરતી લાગે છે. બંને વચ્ચેના નોંકઝોંકના દ્રશ્યો અપેક્ષા કરતાં ઠંડા છે. નિર્દેશકે જ લખેલી વાર્તા મજબૂત નથી. એક જ તારીખમાં રાજકુમાર જીવે છે એ પ્રસંગ વારંવાર જોવાનું બગાસા લાવી દે એવું છે. રાજકુમારના પાત્રને ભોળો બતાવવા બનારસનો બતાવાયો છે. પણ ત્યાંની ભાષા, માહોલ કે સંવાદોમાં એની અનુભૂતિ થતી નથી. બનારસના બે-ચાર સ્થળો બતાવીને સંતોષ માની લીધો છે.

        રાજકુમારને સરકારી નોકરી મળવાનો મહત્વનો પ્રસંગ હાસ્યાસ્પદ બન્યો છે. પહેલી વાત એ છે કે રાજકુમાર સરકારી નોકરી મેળવે એવી શરત પાછળ વામિકાના પિતાનું કોઈ ઠોસ કારણ અપાયું નથી. બંનેની પ્રેમકહાની અટપટી લાગે છે. ક્યારેય પ્રેમની વાત કરતાં નથી અને તકરાર જ કરતાં દેખાય છે. કરણ શર્માનું નિર્દેશન કોઈ વિશેષતા વગર સામાન્ય છે. સીમા પાહવા, સંજય મિશ્રા, રઘુવીર યાદવ વગેરે અનુભવી કલાકારો ઘણા દ્રશ્યોને સાચવી લે છે. સંજય મિશ્રા મહેમાન ભૂમિકામાં સૌથી વધુ આનંદ આપી જાય છે.

        ફિલ્મ જોવા માટેના કારણો એ છે કે પરિવાર સાથે જોઈ શકાય એવી છે અને થોડું મનોરંજન આપવા સાથે છેલ્લે વિચાર કરવા મજબૂર કરે એવો અંત છે. અસલમાં ફિલ્મ બનાવ્યા પછી નિર્માતાઓને એમ લાગ્યું હતું કે એને બનાવવામાં કોઈ ભૂલચૂક થઈ ગઈ છે અને થિયેટરમાં રજૂ કરવાનું યોગ્ય નથી. એમ કરવા જતાં કોર્ટમાં કેસ થયો હતો. તેથી એને OTT પર જ રજૂ કરવામાં આવનાર હતી પરંતુ પહેલાં થિયેટરમાં રજૂ કરવી પડી છે.  

         બોલીવૂડની હાલની કોમેડી ફિલ્મોની સૌથી મોટી સમસ્યા એ થઈ છે કે તે ફક્ત કોમેડી પીરસવા માગતી નથી. નિર્માતાએ દર્શકોને હસાવવા સાથે એમાં સામાજિક સંદેશ આપવો છે પણ એ હસાવવાનું જ ભૂલી જાય છે! (‘ભૂલચૂક’ થઈ હોય તો દર્શકો માફ’ કરે!)