એક સુંદર મજાનું જંગલ હતું. એ જંગલમાં એક નદી વહેતી હતી એનું નામ હતું તૃષ્ણા. તૃષ્ણા એટલે ખડખડ વહેતી ઝરણા રૂપે, પર્વતની ટોચથી અવનીના પાલવમાં પોતાને ઉછાળી દઈ વહી આવતી એક નદી. આ નદી કોઈ સામાન્ય નદી નહોતી. આ નદી પોતાની સાથે લાવતી હતી હજારો અવનવી વાર્તાઓ.
એક વખતની વાત છે, નદીમાં ખૂબ મોટું પુર આવ્યું. આ સમયે એક હરણું તેના માતા પિતા સાથે પાણી પીવા આવ્યું હતું. પણ આ ત્રણેયને ક્યાં ખબર હતી કે એમનું જીવન બદલાઈ જવાનું છે.
"જે પોષતું તે મારતું એ ક્રમ દીસે છે કુદરતી." એવું કહેનાર ઝવેરચંદ મેઘાણી મુજબ જળ જે તારે એ જ મારે પણ. અને બને છે પણ કંઈક એવું જ, આ પાણીના પ્રવાહ સાથે માતા-પિતા વહી ગયા અને મૃગ બાળ; એની કિસ્મત કહો કે એ બચી ગયો. તે દિવસથી દરરોજ એ મૃગ બાળ આ નદીના કિનારે આવી રાહ જોતું કે એના મા-બાપ કદાચ પાછા વળશે પણ નદીના પ્રવાહ ક્યાં ઉલટા વહે છે?! એ તો એક જ દિશામાં વહે, છતાં આશા તો અમર હોય છે ને, એ રોજ આવીને ત્યાં ઉભું રહેતું.
નદી તૃષ્ણા રોજ એને જોતી અને વિચારતી કે, "શું એ શક્ય છે કે હું એના માતા પિતાને એને પાછા આપી શકું! પણ મેં ક્યાં એના માતા-પિતાને છીનવી લીધા છે!આમ તો ના ને આમ તો હા. શું કરવું?"
હવે તો બાળ પણ મોટું થઈને એક મૃગમાં પરિવર્તિત પામ્યું હતું છતાં તે દરરોજ ખબર નહિ કઈ આશાએ નદી કિનારે આવતું, કલાકો સુધી તૃષ્ણાના ધસમસતા પ્રવાહને તો ક્યારેક શાંત વહી આવતા જળને જોયા કરતુ.
એક દિવસ તૃષ્ણાથી ના રહેવાયું અને એક સ્ત્રી રૂપે મૃગની સામે પ્રગટ થઈ. એણે મૃગને પૂછ્યું,
"તું અહી રોજ શું કરવા કલાકો સુધી આ વહેતા પ્રવાહને જોયા કરે છે?"
મૃગે કહ્યું, "બસ એમ જ."
તૃષ્ણાએ પૂછ્યું, "એમ જ. એવું તો કઈ રીતે બને કે કોઈ એમ જ કલાકો કલાકો સુધી સતત અવિરતપણે ચૂક્યા વગર રોજે રોજ ધસમસતા પાણીના પ્રવાહને જોયા કરે? કંઇક તો કારણ હોય ને!"
વધુ આગ્રહ કરતાં મૃગે જવાબ આપ્યો, "હું મારા માતા પિતાની રાહ જોઉં છું."
તૃષ્ણાએ કહ્યું, "માતા પિતાની! પણ હવે ક્યાં..." એમ બોલી એ ચૂપ થઈ ગઈ.
મૃગે કહ્યું, "હવે ક્યાં મતલબ?"
તૃષ્ણા બોલી, "એ તો પ્રવાહમાં વહીને ક્યાંના ક્યાં જતા રહ્યા હશે. એ ફરી પાછા ક્યાં વળવાના! આગળ વધી ગયેલા પાણીને કદી પાછળ વહેતા જોયા છે? આગળ વધી ગયેલા સમયને કદી પાછા વળતો જોયો છે?"
"નદીના પાણી અને સમયની તો ખબર નથી પણ મારા માતા-પિતા મને ખૂબ પ્રેમ કરતા એટલે મને આશા છે કે કોઈક દિવસ તો એ પાછા વળશે જ."
તૃષ્ણાએ કહ્યું, "આ શક્ય નથી. જે એકવાર જાય તે પાછું વળતું નથી. આ ખોટી આશા રાખવી રહેવા દે.
સત્યનો સ્વીકાર કર અને જીવનમાં આગળ વધ."
મૃગે પૂછ્યું, "તમે કોણ? તમે કઈ રીતે મારા માતા-પિતા વિશે જાણો છો, જણાવશો? તમને કઈ રીતે ખબર કે તે ફરી પાછા નહીં આવે."
તૃષ્ણાએ કહ્યું, "જીવનમાં એવું ઘણું બધું હોય છે કે જેનો સમજાવવું ઘણું અઘરું થઈ પડે છે, એમાં કોઈનો વાંક નથી હોતો છતાં ક્યાંક ને ક્યાંક મનના ખૂણામાં એક વસવસો હોય છે પછી એ સજીવ હોય કે નિર્જીવ પોતાનો વાંક ન હોવા છતાં પ્રારબ્ધને ન સ્વીકારવાની જે વૃતિ છે એ જ દુઃખનું કારણ બને છે. જીવન કોઈનું પણ પૂર્ણ હોતું નથી, જીવન કોઈનું પણ હોય માત્ર સુખરૂપ હોતું નથી, દુઃખ-પીડા અથવા બીજા ઘણા બધા ગુણો-અવગુણો એમની સાથે જોડાયેલા હોય છે, જે એના જીવનનું નિર્માણ કરે છે."
"મારા જીવનનું નિર્માણ તો માત્ર મારા માતા-પિતા કરી શકતા હતાં, જે હમણાં મારી સાથે નથી. આમાં કોનો વાંક? કોણે મારા માતા-પિતાને મારાથી અલગ કર્યા? કેમ મારા માતા પિતા મને છોડીને જતા રહ્યા? મને મારગ કોણ બતાવવાનું? મને કોણ શીખવવાનું? મારું ગુરુ કોણ બનવાનું?" મૃગેશે નિસાસો નાખ્યો.
તૃષ્ણા બોલી, "જો તને વાંધો ન હોય તો હું એક દીકરીની વાર્તા કહું?"
"વાર્તા!" મૃગે આશ્ચર્યથી પૂછ્યું.
તૃષ્ણા બોલી, "હા વાર્તા. તું સાંભળીશ?"
મૃગે કહ્યું, "હા. સાંભળીશ."
(ક્રમશઃ)
- મૃગતૃષ્ણા
🌷🌷🌷