Red 2 in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | રેડ 2

Featured Books
Categories
Share

રેડ 2

રેડ 2

- રાકેશ ઠક્કર

અજય દેવગનની ફિલ્મ ‘રેડ 2’ ને સમીક્ષકોનો મિશ્ર પ્રતિભાવ મળ્યો છે અને ફિલ્મ ખરેખર નવા ડબ્બામાં જૂનો માલ જેવી છે. એમ કહી શકાય કે એની ‘રેડ’ ની સફળતાને કારણે દર્શકોએ સીકવલ જોવાનું પસંદ કર્યું છે. ‘પૈસા યે પૈસા’ ગીતવાળી ‘રેડ 2’ એક સાફસૂથરી ફિલ્મને કારણે પૈસા વસૂલ લાગી છે.

‘રેડ 2’ ને અજય પારિવારિક ફિલ્મોમાં જ કામ કરતો હોવાથી એની ઈમેજનો લાભ મળ્યો છે. બોલિવૂડમાં ફિલ્મની સફળતાનો લાભ મેળવવા માટે એના એકથી વધુ ભાગ બનાવવાનો એક ફોર્મૂલા અમલમાં છે. દર્શકો ‘રેડ’ ના અમય પટનાયકના પાત્ર સાથે જોડાયેલા હોવાથી નિર્દેશક રાજકુમાર ગુપ્તાએ અજય સાથે ફરી ‘રેડ 2’ બનાવી છે. એમાં અગાઉની ફિલ્મની સરખામણીએ નવીનતા નથી છતાં એક સફળ ફ્રેન્ચાઇઝી બની રહી છે.

‘રેડ’ ના જોઈ હોય એને ‘રેડ 2’ જોવાની વધારે મજા આવશે. કેમકે ‘રેડ’ ની જેમ જ એક રાજકારણીને ત્યાં ઇન્કમટેક્સની રેડનો જ પ્લોટ છે. જોકે સીકવલ માટે બીજી કોઈ વાર્તા લેવાય એમ ન હતી. એટલે એને 75 મી રેડ તરીકે વિશેષ બનાવી છે. એમાં એવા રાજકારણીને ત્યાં રેડ બતાવી છે જે ગરીબોનો મસીહા છે અને એને પ્રજાનો સહયોગ છે. આ સંજોગોમાં અમય એના ઘરે કેવી રીતે રેડ કરે છે એ જોવામાં મજા આવે છે.

અજયની એ ખાસિયત રહી છે કે ચિલ્લાઈને સંવાદ બોલવાને બદલે ધીર ગંભીર રહી પોતાની અદાથી બોલે છે. ફિલ્મમાં એની સ્ટાઈલ સારી રહી છે. જોકે અજયની ઇમેજ થોડી અજીબ બની રહી છે. ‘સિંઘમ અગેન’ માં એને ભગવાનની જેમ રજૂ કરાયો હતો. ‘રેડ 2’ માં પણ સાથી કર્મચારી એને પગે લાગતાં બતાવાયા છે. હીરોઈન તરીકે ઇલિયાનાને બદલે આ વખતે વાણી કપૂર છે. એણે પોતાની ભૂમિકા ઈમાનદારીથી ભજવી છે પણ અજય સાથે એની જોડી જામતી નથી. એમ લાગશે કે વાર્તામાં એના પાત્રની જરૂર ન હતી.

ફિલ્મના પહેલા ભાગમાં રિતેશ ‘દાદાભાઈ’ તરીકે અજય પર ભારે પડે છે. રિતેશ માટે નકારાત્મક ભૂમિકા ભજવવાનું ડાબા હાથનો ખેલ બની રહ્યું છે. આવી ભૂમિકામાં દરેક વખતે તેણે પ્રભાવિત કર્યા છે. રિતેશનું પાત્ર જ અજયના પાત્રને હીરો તરીકે વધુ મજબૂત બનાવે છે. આમ પણ ‘રેડ’ નો ચહેરો અજય રહ્યો છે. એની સીકવલને રિતેશના નવા ચહેરાના આધાર પર વેચવામાં આવી હતી. પણ નિર્દેશકે બીજા ભાગમાં રિતેશનું મહત્વ ઘટાડી દીધું છે અને અજય પર જ ફોકસ કર્યું છે. જો રિતેશને ઉત્તરપ્રદેશના બાહુબલીને બદલે મહારાષ્ટ્રનો બતાવ્યો હોત તો પાત્ર વધુ દમદાર બન્યું હોત.

અમિત સિયાલ કોમેડી સાથે રંગ બદલીને મનોરંજન પૂરું પાડે છે. સૌરભ શુક્લાને ‘રેડ’ ની લોકપ્રિયતાનો લાભ લેવા રાખ્યા છે. એમની ભૂમિકા હજુ લાંબી હોવી જોઈતી હતી. સુપ્રિયા પાઠક અને યશપાલ શર્મા જેવા પ્રતિભાશાળી ઘણા કલાકારો સાથે એવું જ થયું છે.

ફિલ્મની શરૂઆત બહુ સામાન્ય રીતે થાય છે. પછી ધીમે ધીમે ટ્વીસ્ટ આવતી જાય છે. ઇન્ટરવલ સુધી ખાસ જમાવટ થતી નથી. એમાં બે ગીત વાર્તાને અટકાવે છે. એ પછી એમાં થોડું સસ્પેન્સ અને થ્રીલ ઉમેરાય છે. એટલાથી એને ‘ક્રાઇમ થ્રીલર’ ગણી શકાય એમ નથી.

‘રેડ’ માં દર્શકોએ દિમાગનો ઉપયોગ કરવાની જરૂર પડી હતી. ‘રેડ 2’ માં રેડને બહુ સામાન્ય રીતે બતાવી છે. આખી વાર્તા જ નહીં અંત પણ કલ્પી શકાય એવો હોવાથી દિમાગની જરૂર પડતી નથી. તેથી ફાયદો એ પણ છે કે એ સરળતાને કારણે કોઈપણ દર્શક સવા બે કલાકની આ ફિલ્મને જોઈ શકે છે અને સમજી શકે છે.

‘રેડ 2’ જોયા પછી ઘણાને એમ થશે કે ખરેખર તો ‘રેડ’ એક પરફેક્ટ ફિલ્મ હતી એની સીકવલ બનાવવાની જરૂર ન હતી. નિર્દેશકે ‘રેડ’ ની અજયની ઈમેજને વટાવવા જ ‘રેડ 2’ બનાવી હોય એવું સાબિત થાય છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત સારું છે પણ ગીતો નિરાશ કરે છે. તમન્ના ભાટિયાનું આઈટમ ગીત ‘સ્ત્રી 2’ જેવું દમદાર બન્યું નથી.