Aaspaas ni Vato Khas - 33 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | આસપાસની વાતો ખાસ - 33

Featured Books
  • स्रिया काम करीत नाहीत काय?

    स्रियांची कामं ; आम्ही खरंच दयावान आहोत का?         स्री.......

  • कर्मा रिटर्न

      दैनंदिन जीवनमधे काही उतार आणि चढ़ाव ही येत राहतात आणि हेच उ...

  • विश्वास

    "आणि एवढं बोलून मी माझे दोन शब्द संपवतो, धन्यवाद!" - असं म्ह...

  • आठवणीतले घर ..

    आठवणीतले घर ..                                             ...

  • Swadisht Pohe

    ---रेसिपीचं नाव: “चकाकते चविष्ट पोहे!”साहित्य:(४ जणांसाठी)जा...

Categories
Share

આસપાસની વાતો ખાસ - 33

33. બસ, આજની રાત

ડોકટરે બહાર આવી કહ્યું “વેન્ટિલેટર પર ત્રીજો દિવસ છે. ખાસ કોઈ આશા જણાતી નથી. બધા પેરામીટર એમ તો નોર્મલ નજીક છે પણ ક્યારેક કિડની બગડે, ક્યારેક  થોડા ઝાડા થતા હોય એવું લાગે તો ક્યારેક પેટ ચુંકાતું હોય એમ લાગે. મૂળ હવે શ્વાસની તકલીફ શરૂ થઈ છે. હાર્ટ ઘણું અનિયમિત ચાલે છે.

અમે બનતું કરી લીધું. હવે વેન્ટિલેટર હટાવવા તમારા કોઈની પરમિશન જોઈએ.

વિચાર કરીને અર્ધા કલાકમાં મને કહેવરાવો.”

ડોકટર અન્ય રૂમોમાં બીજા પેશન્ટ્સને જોવા ચાલ્યા ગયા.

સુકેતુભાઈને આઇસીયુમાંથી તો બહાર લઈ આવેલા પણ હવે વેન્ટિલેટર પર હતા. શ્વાસની  સખત તકલીફ  પડતી હતી.

સાથે હિંમત આપવા, જરૂર પડે બિલ ભરવા ટેકો દેવા કે નજીક દોડા કરવાને બહાને સગાઓ બેઠેલા. સહુએ સુકેતુ ભાઈનાં પત્ની સીમા બહેન સામું જોઈ રાખ્યું.

સીમાબહેન શું બોલે?

તેમણે થોડીવાર શૂન્યમનસ્ક નજરે આજુબાજુ જોયું.  તેઓ સગાંઓ સામે, સગાંઓ તેમની સામે જુએ. એમ થોડી ક્ષણો પસાર  થઈ. હવે ડોકટર રાઉન્ડમાંથી પરત આવ્યા. સીમાબહેન સામું જોયું. સીમાબહેને ફરીથી સગાંઓ તરફ એક દૃષ્ટિ કરી. હવે એ સહુની આંખમાં ઉતાવળ હતી. ‘ક્યારે પતે, ક્યારે આ બાઈ રડે, આશ્વાસન આપીએ અને દેહ લઈને..’

આખરે તેમણે મન કઠણ કરી ડોકટર સાહેબને હવે વેન્ટિલેટર હટાવી લેવા સંમતિસૂચક ડોક હલાવી. તરત ડોકટર અંદર સુકેતુભાઈ  સૂતા હતા તે રૂમમાં ગયા. ફરી તપાસે ત્યાં નર્સ એક ફોર્મ લઈ બહાર આવી. સીમાબહેન ફોર્મ લઈ અંદર ગયાં. પતિના કપાળ પર હળવેથી હાથ ફેરવ્યો. તેમનો હાથ થોડી વાર હાથમાં રાખ્યો. માસ્કની અંદરથી સુકેતુભાઈએ ધીમેથી આંખો ખોલી.

સીમા બહેને તેમનાં આખાં શરીરે હાથ ફેરવ્યો અને બીજી બાજુ જોઈ એક ડૂસકું ખાધું અને ફોર્મમાં સહી કરી દીધી. તરત મોં ઢાંકી ફરથી વિઝીટર્સ એરિયામાં આવીને ખોબામાં મોં રાખી ઊંડા શ્વાસ લેવા લાગ્યાં. એક ભાભી તેમને બરડે હાથ ફેરવતી રહી.

સહુની આંખો એ દર્દીના રૂમ તરફ હતી.

ગુસપુસમાં કોઈ બોલ્યું “મેં એક વીડિયોમાં આત્મા શરીરમાંથી બહાર નીકળતો જોયેલો.” 

કોઈએ કહ્યું “અંત વખતે રામનામ બોલીએ. અલા એય, હોસ્પિટલના ગેટ બહાર ક્યારો છે ત્યાંથી તુલસી પાન લઇ આવ. ચોકીદાર ના નહીં પાડે.” એક છોકરો કદાચ એ પાન લેવા બહાર ગયો.

કોઈ વળી અંદરોઅંદર ગુસપુસ કરતા હતા. કોઈ અન્ય સગાની અંતિમ ક્ષણો કેવી હતી એની વાતો ચાલતી હતી.

બીજાઓને શું? માણસ પોતાનું જતું હતું. સીમાબહેને એ સહુ તરફ જોયું. એ સહુ પણ ચૂપચાપ તેમની તરફ ફર્યાં.  ‘હવે કેટલી વાર?’ કહેતા હોય તેમ તેઓ સીમાબહેન સામે પ્રશ્નસુચક નજરે જોઈ રહ્યા.

સીમાબહેનથી એ લોકોની દૃષ્ટિ જીરવાઈ નહીં.  તેઓ તરત અંદર ગયાં.

વેન્ટિલેટર હટી ગયેલું.  સુકેતુભાઈએ થોડા ઊંડા શ્વાસ લેવા  બળથી પ્રયત્ન કર્યો.  સીમાબહેન તેમનો હાથ પસવારતાં આકાશ સામે જોઈ હોઠ ફફડાવી રહ્યાં.  સુકેતુ ભાઈનાં ગળામાં થોડી ઘરેરાટી બોલી, છાતી ઝડપથી ઊંચી નીચી થઈ  અને થોડી જ ક્ષણોમાં સુકેતુભાઈ શાંત થઈ ગયા. તેમની આંખો બંધ થઈ ગાઈ. જાણે  ગાઢ ઊંઘમાં હોય તેમ.

પહેલાં નર્સ પછી ડોકટર આવ્યા. નાડી જોઈ. સામે રાખેલા મોનીટરમાં સીધી લીટી જોઈ. સુકેતુભાઈની આંખોનાં પોપચાં ઊંચાં કરી ટોર્ચ નાખી અને એમનાં મોં પર ચાદર ઢાંકી દીધી.

“સોરી. ઈશ્વર એમને ચિર શાંતિ આપે” કહી તેઓ ગંભીર મોંએ બહાર નીકળી ગયા.

નર્સ હવે પરાણે રડવું રોકી રાખી પતિની છાતી પર માથું મૂકી સીસકારા બોલાવતાં સીમાબહેનની પીઠ પસવારી આશ્વાસન આપી રહી.

મોટી હૉસ્પિટલ હોવા છતાં અહીં માનવતા જીવતી હતી. બાકી એમનું કામ પત્યું.

હજી બે મિનિટ થઈ ન હતી ત્યાં સાથે બેઠેલા કોઈ એકે કહ્યું “ચાલો, બિલ માટે કેશ કાઉન્ટર પર જઈએ. પ્રોસીજર પતતાં બે ત્રણ કલાક જશે.”

પ્રોસીજર શરૂ કરાવવા સગાંઓ તો ત્વરિત ગતિએ ઊપડ્યાં. હવે થવું હતું તે થઈ ગયું.

“એમ કહો કે સુકેતુભાઈ છૂટ્યા. 

સીમા  બિચારી.. હશે. ઈશ્વરે ધાર્યું હોય એ ખરું. પણ હવે બને એટલું જલ્દી બોડી મળી જાય તો હોસ્પિટલથી નીકળીએ. આમ તો હજી સાંજ છે. અંધારાં પહેલાં અગ્નિદાહ આપી દઈ કાલે સવારે ઘર ભેગા થઈ જઈએ.“ સીમાબહેનનો  સગો ભાઈ ધીમેથી કોઈને કહી રહ્યો.

“હા રે હા. આપણાથી કાઈં જીવ પાછો થોડો લાવી શકાય? સત્યવાન સાવિત્રી જેવી તો પૌરાણિક કથાઓ હોય.“

“બહુ વહેલું થયું પણ હવે તો દેહને અગ્નિને સોંપી, અસ્થિ પધરાવી, એમના આત્માની શાંતિ માટે બેસણું રાખી પછી જિંદગી ચાલતી હતી તેમ ચાલુ કરવા સિવાય બીજો શું ઉપાય છે? હરિ.. હરિ..”  ભાઈ સાથે ઉભેલા બીજા  વડીલ બોલ્યા.

બીજા સગા તો થોડી વાર માટે અદ્રશ્ય થઈ ગયેલા. કદાચ ‘બોડી‘  જલ્દી લઈ જવું પડે તો ભૂખ્યા ન રહેવાય એટલે હોસ્પિટલની અંદર આવેલી કેન્ટીન તરફ ગયા એમ લાગ્યું.

સીમા બહેને હેલ્થ ઇંનસ્યોરન્સ  પોલિસીના કાગળ પર્સમાંથી કાઢ્યાં અને તેમના ભાઈને એક ખૂણે બોલાવી કશીક મસલત કરી.

તેઓ કેશ કાઉન્ટર પર ગયાં અને બધી ચુકવણી કરી ડિપોઝિટ સામે એડજસ્ટ  કરવાની વ્યવસ્થા કરવા કહ્યું. ત્યાંના સ્ટાફે સામેથી ઇનસ્યોરન્સ કંપનીનો મેઈલ આવે એટલે તરત પેશન્ટ સોંપી દેવાની ખાતરી આપી.

સગાં હવે સાવ આસપાસ આવી ગયેલાં. ખુદ સીમા બહેનનો ભાઈ જ કહે “બને એટલું જલ્દી કરીએ. બીજું કોઈ આવવાનું તો નથી. સાંજ પહેલાં ‘બધું પતાવી નાખીએ‘ પછી જેને વિદાય થવું હોય તે થાય. રાત્રે તો અગ્નિદાહ દેવાશે નહીં. 

હું એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા જાઉં છું.”

સીમા બહેન અંદરથી સાવ ભાંગી પડેલાં છતાં તેમણે હિંમત કરી ભાઈને રોક્યો.

“જો ભાઈ, તેઓએ આખી જિંદગી ખૂબ ઢસરડો કર્યો છે. આ અમારું પોતાનું ઘર પણ હમણાં જ થયું. તેઓ ત્યાં રાતે સરખું સૂતા જ નથી, કોઈ ને કોઈ કામ આવી પડે કે કોઈ  સારી એવી શારીરિક તકલીફ  હોય.

હું કહું છું કે ઘેર લઈ જઈએ અને આજની રાત તેઓ ઘરમાં જ નિરાંતે સુશે. અમે બે જ સુશું. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.”

કેન્ટિનમાં ગયેલા સગા આવી પહોંચ્યા. તેઓ અને બીજા જે હતા, સીમાબહેનને આશ્વાસન આપનાર ભાભી, બધાં જ કહે “સીમા, બનવું હતું તે બની ગયું. હવે જેમ બને તેમ મૃતદેહને કાઢી જઈ અગ્નિદાહ આપી દેવામાં જ સાર છે. ઘેર સૂઈને પણ એમને થોડી ખબર પડશે કે હું મારા ઘરમાં સૂતો છું?”

“મેં કહ્યું ને, કે આજે હું એકલી એમની સાથે અમારાં નવાં બનાવેલાં ઘરમાં રહીશ! એમને આજની રાત તો નિરાંતે એમનાં ઘરમાં સુવા દો!” કંઇક મક્કમ અવાજે સીમાબહેને કહ્યું.

ધીમેથી ભાભી બોલી “આ આઘાત જ એવો છે કે વ્યક્તિ સાનભાન ગુમાવી બેસે.” 

“એ તો કહે, સાંજે સૂર્યાસ્ત પહેલાં બધું પતાવી નાખીએ. કાલે  ઘેર જઈ એક દિવસમાં અસ્થિ વિસર્જન અને બેસણું..”

ખુદ ભાઈ પોતાની બહેનના સુહાગ માટે બોલતો હતો. ઘેર છોકરાં મૂકીને આવેલા. કામધંધો પણ હોય ને?

“ગમે તે કરો. હું એમને લઈને ઘેર જ જઈશ. આજની રાત.. ફક્ત આજની એક રાત..” એટલું કહેતાં હવે ખૂબ ટેન્શનમાં આવી ગયેલાં સીમાબહેન ભાંગી પડ્યાં. હવે તેમનાથી વધુ વિરોધ થાય એમ ન લાગ્યું પણ તેઓ મક્કમ હતાં. મૃત પતિને ફક્ત એક રાત શાંતિથી પોતાનાં ઘરમાં સુવાડવા માટે.

“એમ્બ્યુલન્સની વ્યવસ્થા થઈ ગઈ છે. બિલમાં ખાસ આપવું પડે એમ નથી.  બસ. થોડી જ વાર..” કેંટીનમાંથી આવેલા સગાએ કહ્યું.

“બોલાવે એટલી વાર. હું જરા કેશ કાઉન્ટર સુધી જઈ આવું.” કહેતો ભાઈ ઊભો થયો.

“એમ્બ્યુલન્સ આવવામાં જ હશે.” સગાએ કહ્યું અને ગંભીર હોવાનો દેખાવ કરી અદબ વાળી એક બાજુ ઊભી સામે દીવાલ પર મૂકેલ ટીવી પર ન્યુઝ ચેનલ આવતી હતી તે જોવા લાગ્યો.

સીમાબહેનને ખાતરી થઈ ગઈ કે પોતાના વરનાં પાર્થિવ શરીર સાથે હવે છેલ્લી ક્ષણો છે.

તેઓ કશું બોલ્યા વગર જોરથી ડૂમો મૂકી રડતાંરડતાં અંદર પેશન્ટના રૂમમાં દોડ્યાં. 

સુકેતુભાઈના દેહ પર માથાં પછાડી જોરથી રડતાં કશુંક અસ્પષ્ટ બોલવા લાગ્યાં.

નર્સ અંદર આવી અને સીમા બહેનને પાણી આપવા લાગી. તેમને પકડીને બેઠાં કરવાની કોશિશ કરવા લાગી.

&&&

ત્યાં ડોર ખૂલવાનો ચરર.. અવાજ આવ્યો અને સુકેતુભાઈની યુવાન ભત્રીજી દાખલ થઈ. એણે ‘કાકી, બસ. શાંત થાઓ.” કહી સીમાબહેનને પકડી પોતાની સાથે ચાંપ્યાં.

સીમા બહેનને લાગ્યું કે એમ્બ્યુલન્સ આવી પહોંચી. સ્ટ્રેચરની તૈયારીઓ થતી લાગી.

સીમાબહેન  સુકેતુભાઈના દેહ પર માથું પછાડવા લાગ્યાં. અતિ તણાવને કારણે એમની છાતી પર પોતાના હાથ  પછાડવા લાગ્યાં.

ઓચિંતો ભત્રીજીની આંખમાં ઝબકારો થયો.

તે કલ્પાંત કરતાં કાકીને કહે “કેટલી વાર પહેલાં આ બન્યું? આઈ મીન, દેહ છૂટ્યો?”

રડવું અટકાવી ઊંડો શ્વાસ લઈ સીમા બહેન કહે “હમણાં જ વેન્ટિલેટર હટાવ્યું. પંદર વીસ મિનિટ થઈ હશે.”

ભત્રીજીએ મૃત કાકા સામે જોયું. શાંતિથી સૂતા હોય, ભર ઊંઘમાં હોય તેવી તેમની મુખમુદ્રા હતી. મોં પર પીડાનાં કોઈ ચિન્હ દેખાતાં ન હતાં.

ભત્રીજી તરત કહે “કાકી,  છાતી પર હાથ મારવા ચાલુ રાખો. હું આસિસ્ટેડ રેસ્પીરેશન માટે પ્રયત્ન કરું છું.”

ભત્રીજીએ પોતે બે આંગળી લાંબી કરી સુકેતુભાઈના દેહ પર જોરથી ભોંકી. આવું ચાર પાંચ વાર કર્યું. તેણે પોતાના હાથ માછલીની જેમ ભેગા કર્યા અને ધબ.. ધબ.. કરતી  સુકેતુભાઈની છાતી પર મારતાં છાતી  વેગથી દબાવવા લાગી.

ડોર ખોલી નર્સ પ્રવેશી. “હેઇ, આ શું ચાલી રહ્યું છે?” તેણે પૂછ્યું.

ઉંચું જોયા વગર ભત્રીજી કહે “CPR. કૃત્રિમ રીતે હ્રદય ચાલુ કરવાનો પ્રયાસ.”

“બહેન, અમારી પાસે શોક આપવાનું ઇલેક્ટ્રિક મશીન પણ છે. એવું હોત તો ડોકટર સાહેબ ન કહેત!” નર્સે કહ્યું.

સીમાબહેને પણ કોઈ જવાબ ન આપ્યો. એમણે હળવેથી માથું પતિની છાતી સાથે અફળાવ્યું. 

“કાકી, થોડું રોકાઓ. પંદરેક સેકંડ. પછી ફરીથી પ્રેશર ચાલુ રાખો.” ભત્રીજીએ કહ્યું. 

હવે તેણે સુકેતુભાઈનું ધડ ડોક પાસેથી વાળ્યું અને ગળાં પાસે આંગળીઓ મારવા લાગી.

ડોકટર અંદર દોડી આવ્યા. એક ક્ષણ આ બધું જોતા ઊભા રહ્યા. થોડો વિચાર કરી તેમણે આ પ્રક્રિયા અટકાવવાને બદલે ફરીથી ઓકસીજન માસ્ક લગાવી ઓકસીજન કદાચ ફૂલ ચાલુ કર્યો. પોતે પણ પેશન્ટનાં પેટ પર, ડાયેફ્રામ પર પ્રેશર આપી રહ્યા.

તેમનાં  આશ્ચર્યનો પાર ન રહ્યો જ્યારે મોનીટર માંની સીધી લાઇન ધ્રુજી. 

એમનાથી લગભગ બૂમ પડાઈ ગઈ “અરે! પેશન્ટ રિસ્પોન્ડસ ટુ CPR!”

ઓચિંતી ડોક ઉઠાવી મોનીટર સામે રહેલાં સીમાબહેનનું ધ્યાન મોનીટર સામે ગયું. તેમણે  સુકેતુભાઈનું કાંડું પકડી નાડી પણ પકડી.

“જુઓ તો સાહેબ, કોઈ સંચાર લાગે છે.”

તેમણે લગભગ ચીસ પાડતા અવાજે કહ્યું. તેમને પણ આશ્ચર્ય, આઘાત, ખુશી, રાહત - બધી લાગણીઓ એક સાથે થવા લાગી.

મોનીટર પર હાર્ટબીટ્સના આંકડા દેખાવા લાગ્યા.

“હવે  CPR બંધ કર બેટા. મેં સાંભળ્યું હતું, વિડિયો જોયેલા. મેં ઇલેક્ટ્રિક શોકથી ઘણાં હાર્ટ ચાલુ કર્યાં છે પણ આ મારી સામે સફળ થતું પહેલી વાર જોયું. શાબાશ બેટા. હવે ઓક્સીજન થોડો ધીમો કરું છું. હાર્ટબીટ્સ માપવા હું પોતે બેઠો છું. પેશન્ટ હેઝ કમ બેક. લિટરરી.” એમણે કહ્યું.

અરે! થોડી વાર બાદ સુકેતુભાઈએ આંખ પણ  મહા મહેનતે થોડી ખોલી. તેમનું ધ્યાન સીમાબહેન સામે ગયું. સીમાબહેન હવે છૂટથી, મોકળા મને રોઈ પડ્યાં. જાણે શાંત રહેવા કહેતા હોય એમ સુકેતુભાઈએ ડોક થોડી હલાવવા પ્રયત્ન કર્યો.

ડોકટરે માસ્ક હટાવી લીધો.

હવે કોઈની અનુમતીની જરૂર ન હતી.

“થોડો આરામ કરી લો. પછી તમે મહેનત કરી, જાત નીચોવી ઊભાં કરેલાં ઘરમાં નિરાંતે સુજો. બસ.  અહીં આજની જ રાત.” સીમાબહેને  પતિ સામે જોતાં કહ્યું.

‘સ્વજનો‘  ડોર ખોલી ડોકું નાખી જોવા લાગ્યા કે હજી બોડી કેમ બહાર નીકળ્યું નહીં?

ડોકટરે જ કહ્યું “પેશન્ટ જીવી ગયા છે. તમે સહુ બહાર બેસી શકો છો.”

સીમાબહેન કહે   “બધા પોતપોતાને ઘેર જઈ પણ શકો છો. તમે બધાંએ બહુ સાથ આપ્યો. હવે અમે સાચે જ ઘેર જશું. બસ આજની જ રાત.”

***

(ગોટીલા ગાર્ડનમાં કોઈ બે અજાણ્યાં યુગલોની નજીકના બાંકડે બેઠાં સાંભળેલી વાત પર થી.

CPR નું વર્ણન ડો. રસેશ દીવાન ના યુ ટ્યુબ વિડિયો પર આધારિત છે.)

***