32. ‘અન્નપૂર્ણા ‘
રસોઈ તો મોના બહેનની જ. આંગળાં ચાટી રહો એવી. એમનો મુખ્ય શોખ, કેટલાક લોકો તો રમૂજમાં એમનો ‘શ્વાસ પ્રાણ’ પણ રસોઈ જ છે એમ કહેતા. તેમને રસોઈ એટલી તો ગમતી જાણે તેમના જીવનનો આધાર આ રસોડું જ હોય.
તેઓ વાસણો એટલી હદે ચમકાવેલાં રાખતાં કે કોઈ એન્ટીક મ્યુઝીયમ પણ એની પાસે પાણી ભરે.
પાછું એક જ વાનગી સરસ બનાવવી એમ નહીં, તેઓ સતત જાતજાતના પ્રયોગો કરી નવીનવી વાનગીઓ બનાવ્યા જ કરે.
પણ કોને માટે? તેમના પતિ મુકુલભાઈ તો બસ, કોઈ પબ્લિક સેક્ટરની નોકરી કરતા. અધિકારી હતા એટલે ઓફિસમાં ઘણી વાર મોડું થાય. આવે અને મોનાબહેન થાળી પીરસે એટલે એમના પોતાના ઓફિસના વિચારોમાં લીન રહી લગભગ મૂંગામૂંગા જમી લે. એ પછી પણ એમને વાંચનનો શોખ હતો એટલે કોઈ ને કોઇ પુસ્તક કે ઓનલાઇન કોઈ ઇ બુકમાં માથું નાખી બેસી જાય.
જમવા માટે એ કહેતા કે આખરે તો જીવવા માટે પેટ ભરવાનું. ખાવું એટલે પેટમાં કંઇક ઓરવાનું. ખાવાનું આખરે બધું સરખું.
તેઓ થોડા ધુની પણ ખરા. ઘરમાં બેઠા હોય ત્યારે આજે ઓફિસમાં જે બન્યું એ માનસિક રીતે રી પ્લે કર્યા કરે અથવા કોઈ બુક કે મેગેઝિન ઊંધું ઘાલી વાંચ્યા કરે.
બિચારાં મોનાબહેન! એમના સાહ્યબા માટે નવુંનવું બનાવવાની એમની હોંશ એમ જ રહે. છતાં તેઓ ક્યારેય નિરાશ થતાં નહીં. નવી નવી વસ્તુઓ પર પ્રયોગો કર્યા જ કરે.
ક્યારેક તેઓ મુકુલભાઈને પૂછે કે આ વાનગી કેવી બની છે? મુકુલભાઈ એમનાં ધ્યાનમાં જ ખાતાંખાતાં કોઈ ભાવ વગર ‘બહુ સરસ‘ એટલું જ બોલે. થોડી વાર રહી કાં તો ઓફિસમાં બન્યું એની વાત કરવા લાગે કાં તો ‘અરે, આ મેગેઝીનમાં આ લેખ આવ્યો છે એ કહું? તેં વાંચ્યો?’ પૂછે. મોનાબહેન ‘ના, નથી વાંચ્યો’ એમ કે ‘પછી વાંચીશ‘ કહે તો આવી બન્યું.
“આ રસોડામાં ઢસરડા કરીને જ તારી જિંદગી પૂરી થઈ જશે. વાંચ, કાંક સારું વાંચ. રસોડાં બહાર ઘણી વિશાળ દુનિયા છે” એમ કહી દે.
મોનાબહેનને અંતરમાં ઘા તો વાગે પણ મૂંગાંમૂંગાં સાંભળી લે. કહેવાનું મન તો એમને પણ થાય કે ‘ભગવાને જીભ છ રસ ચાખવા આપી છે. ખાઈને કહો તો ખરા? એક વાર અન્નના કોળિયા પર તમારી ઓફિસ કે બુક જેવું ધ્યાન આપી જુઓ, ખોરાક માણી જુઓ.’ પણ વાતનું વતેસર એમને પસંદ ન હતું.
કહો તો પણ મુકુલભાઈની દ્રઢ માન્યતા હતી કે આપણે જીવવા માટે જ ખાઈએ છીએ. ખાવું એ જ મહત્વનું. સ્વાદિષ્ટ વગેરે બનાવવામાં શી ધાડ મારી?
આમ રાંધવા ખાવામાં બેય પતિ પત્ની ઉત્તર દક્ષિણ ધ્રુવ હતાં.
એક વખત બહાર વરસાદ વરસતો હતો. માટીની મસ્ત સુગંધ નાકને તરબતર કરી દેતી હતી. મોનાબહેન તો તરત કહે “ચાલો, આ હવામાનનાં માનમાં આજે તો ભજિયાં ઉતારી દઉં. મરચાં, કેળાં, મેથી, ડુંગળી એમ છ સાત જાતનાં ભજિયાં ઉતારી દઉ. સાથે ચા ને બદલે રસમ જેવો ઉકાળો.”
મુકુલભાઈ કહે “તારે જે બનાવવું હોય એ બનાવ. મારે તો આ ઠંડી હવામાં ગીતો સાંભળતાં આ ઋતુ માટે જ લખેલી કાલિદાસની કૃતિ વાંચવી છે. બીજાં પણ કેટલાંક કામ પતાવવાં છે.”
“અરે પણ એક વાર ચાખો તો ખરા! ખાસ તમારે માટે તો બનાવું છું.” થોડાં નિરાશ થયેલાં મોનાબહેને વિનવણી કરતાં હોય એવા સુરે કહ્યું.
“કહ્યું ને? ઈનફ ઇઝ ઈનફ. મને મારું કામ કરવા દે.” કહેતાં મુકુલભાઈએ જાણે ભજિયાંના ઉકળતા તાવડામાં પાણી નાખ્યું.
મોનાબહેને તો પોતાને માટે પણ કાંઈક ગાતાં ગાતાં ભજિયાં ઉતાર્યાં જ. મુકુલભાઈએ કઈ રીતે? જાણે ડૂચા મારતા હોય એમ ખાઈ લીધાં હશે.
મોનાબહેનનું બહેનપણીઓ અને પાડોશણોમાં એક સારાં પાકશાસ્ત્ર નિષ્ણાત તરીકે ખૂબ માન હતું. તેમની પાસે વિવિધ વાનગીઓની નોટ બનાવેલી હતી. નહીંનહીં તો પણ ચારસો ઉપર વાનગીઓ! તેઓ જેને શીખવી હોય તેને ઘેર જઈ બતાવી મદદ પણ કરતાં હતાં. જો તેમણે કુકિંગ ક્લાસ ખોલ્યા હોત તો ખૂબ કમાણી થાત.
તેમને પોતાનાં કામનો ન તો ક્યારેય કંટાળો આવતો કે ન તો ક્યારેય થાક લાગતો હતો. એમનો રસોઈ પ્રત્યેનો શોખ એક અલગ જ લેવલનો હતો. તેઓ નવા નવા પ્રયોગો કર્યે રાખતાં અને ઘરમાં ભલે પ્રતિસાદ ન મળે, અમુક પાડોશણો અને સખીઓ સાથે શેર કર્યે રાખતાં.
ઈશ્વરને કરવું તે મોનાબહેનને ટાઇફોઇડ થયો. પ્રથમ તો વાયરલ છે એમ ગણી ડોકટરે બે ચાર દિવસો જવા દીધા, પછી બીજા ટેસ્ટ કરાવ્યા અને નિદાન થયું ત્યાં અઠવાડિયું થઈ ચૂકેલું. મોનાબહેન તાવથી ધખતાં પથારીમાં પડ્યાં રહ્યાં. એક મહિનો પથારીવશ રહ્યાં. એમને માટે મુકુલભાઈએ કોઈ બાઈ સાદું ભોજન કરી જવા રાખી.
શરૂમાં તો મુકુલભાઈને ‘એન ઘેન ડાહીનો ઘોડો છૂટ્યો..’ જેવું લાગ્યું. જ્યાં મન થાય ત્યાં મુક્ત મને ખાવા પીવા ચાલ્યા જવાનું. બધાં સ્વાદ માણ્યા પણ ખાસ મઝા ન આવી. પોતે જ કહેતા કે આપણે જીવવા માટે ખાઈએ છીએ પછી જે હોય એ, શું ફેર પડે! પણ પછી તેમણે કોઈ સારાં રેસ્ટોરન્ટની મોંઘી થાળી મંગાવી. તેમાં ભાત વધુ પડતા અને દાળ ઓછી આવતી. તે પણ ખૂબ તેલ વાળી અને તીખી. દાણા પણ ઊભા હોય.
એક વીક પછી તેમણે કોઈ ઘરઘરાઉ ટિફિન બંધાવ્યું. તેમાં રોટલીઓ સાવ ત્રણ જ આવતી. એ પણ સાવ નાની, પાતળી. શાક રોજ એકનું એક. એમણે વળી ત્રીજી જગ્યાએ ટિફિન બંધાવ્યું. એની કાચી રોટલીઓ પચતી નહીં અને એનું સ્વાદમાં તો સારું લાગતું દાળ શાક વગેરે ખાઈ તેમને એસિડિટી થઈ ગઈ. હવે તેઓ ખાલી દાળભાત બહારથી લઈ આવી ઘેર અમુલનું દહીં લઈ આવી એનાથી ચલાવવા લાગ્યા. રાતે વડાપાઉં, મસાલા બન, ચાયનીઝ જેવું ખાઈ લેવા લાગ્યા પણ એનાથી પેટ ભરાતું નહીં.
હવે તેમની તબિયત પણ બગડતી ચાલી. મોનાબહેનને એટલી નબળાઈ હતી કે ડોકટરે હજી ઊભાં થઇ રસોઈ કરવાની ના જ કહી હતી. ત્યાં પોતે માંદા પડ્યા.
તેમને ભાન થયું કે ‘સબસે ઊંચી રસોઈ ઘર કી બનાઈ..’
આખરે તેમણે ઘરમાં રસોઈ બનાવવાનું નક્કી કર્યું. હવે બહુત ગઈ ને થોડી રહી એમ માનીને. પણ રસોડામાં ઘુસતાં જ તેમને ચંદ્ર પર ઉતર્યા હોય એવું અજાણ્યું લાગ્યું. આટલાં વર્ષોમાં ક્યારેય રસોડામાં પગ મૂકેલો નહીં! હરામ જો ક્યારેય ચા પણ બનાવી હોય તો. મસાલાઓ ગોતવા આખરે મોનાબહેનને જ ઊભાં કરવાં પડ્યાં. રસોઈમાં પ્રમાણની પણ તેમને ખબર પડે નહીં. ખૂબ મહેનતથી તેમણે ભાત રાંધ્યા અને દહીં સાથે જેમતેમ ખાઈ લીધા. વધેલા ભાત ફેંકી દીધા તો ન પક્ષીએ ખાધા ન કૂતરાંએ. આવું જ બધું રોટલી, દાળ વગેરે બનાવવાના નિષ્ફળ પ્રયત્નો કરતાં થયું. બને એટલું ધ્યાનથી રાંધવા છતાં તેમને રાતે ઊઠીને ભૂખ લાગ્યા કરતી. એ સાથે પેટમાં પણ ચુંક આવવા લાગી. હવે એ પોતે માંદા પડ્યા અને ડોકટરે પરેજી સુચવી. સૂઈ શકાય એટલે ઊંઘની દવા પણ આપી. ઊંઘમાં પણ તેમને પૂરણપોળી, ઢોંસા, પરોઠા જેવી વાનગીઓ દેખાયા કરતી. એક રાત્રે જાગીને મોનાબહેનને ખબર ન પડે તેમ તેઓ ખોબામાં મોં રાખી રડી પડ્યા.
હવે એમને ખબર પડી કે ભલે જીવવા માટે ખાવાનું હોય છે, સરખી રીતે શરીર અને મગજ ચલાવી સરખી રીતે જીવવા સરખું ખાવું જોઈએ. મોનાબહેનની કિંમત પણ તેમને હવે સમજાઈ.
બીજે દિવસે મોનાબહેન તેમને વકાસેલાં મોંએ રડમસ બેઠેલા જોઈ ગયાં. તેમણે સખત નબળાઈમાં પણ ઊભાં થઈ પોતાને માટે સૂપ કર્યો અને તેમને આપ્યો. એ સાથે તેઓ બે ત્રણ વાટકા સૂપ પી ગયા. મોનાબહેને જ મસાલેદાર ભાત કરી આપ્યા. એમણે ઘણા વખતે સરખું રાંધેલું ખાધું. એ સાથે મોનાબહેનને પકડી તેઓ છૂટથી રડી પડ્યા.
“મારી અન્નપૂર્ણા, હું ન તને ઓળખી શક્યો ન તારી રસોઈને. મને માફ કર.” કહેતા લાગણીવશ બની ગયા. મોનાબહેને તેમને પંપાળીને શાંત કર્યા.
થોડા વખત પછી મોનાબહેનની સખી એમને ઘેર ગઈ તો વાતાવરણ સાવ અલગ હતું.
“મોના, આજે સરગવો, કોળું નાખેલો સામ્બાર એકદમ ટેસ્ટી હતો. તેં બીજું શું નાખેલું?”
તેઓ મોનાબહેનની રસોઈનાં વખાણ તેમની સમક્ષ જ કરવા લાગેલા. હવે જમતી વખતે બધા જ વિચારો ખંખેરી નાખતા. બન્ને સાથે બેસી કોઈ સ્તોત્ર બોલતાં અને સાથે જમતાં. મોનાબહેન દિવસમાં બનેલ કોઈ મઝાની વાત કે કોઈ વોટ્સેપ પર વાંચેલ જોક કહેતાં. મુકુલભાઈ ઓફિસના કામ સિવાયની વાત કરતાં જમતા.
મોનાબહેન પૂછે કે શું બનાવું? તો મુકુલભાઈ સામેથી “આજે તો મેથીનાં થેપલાં થઈ જાય” એમ ઉત્સાહથી કહેતા. મોનાબહેન બમણા ઉત્સાહથી એ બનાવવા ગેસ ચાલુ કરતાં. આખરે રસોઈ એમનો મુખ્ય શોખ હતો, જાણે અન્નપૂર્ણાનો અવતાર!
***