31. વાત કરે કે?
આ આશરે ચાલીસ વર્ષ પહેલાંની વાત છે. આ વાત જેમની છે તેમણે જ હસતાંહસતાં કહી હતી અને મને યાદ રહી ગઈ છે.
એક સન્નારી ખૂબ સારી પર્સનાલિટી વાળાં અને નાગરસહજ રૂપાળાં. તેમાં પણ તેઓ બહુ ઓછી નાગરાણીને મળ્યું હોય એવું ભરીભરીને રૂપ ધરાવતાં હતાં. છતાં તેમને રૂપનું અભિમાન ન હતું. કોઈ આડુંઅવળું બોલે તો તાકીને જોઈ રહે, એકાદ શબ્દમાં જ પેલાને ચૂપ કરી દે. પણ એવું ભાગ્યે જ થતું. તેમની સહુમાં એક સન્માનનીય નારી તરીકે છાપ હતી.
એક વખત નવરાત્રીના દિવસો હતા. તેમની સોસાયટીમાં સારા કાર્યક્રમો હતા. એ પહેલાં આરતીનો સમય થયો. આજે તેમનાં ઘરની આરતી હતી. તેઓ ખૂબ ચીવટથી, સુંદર રીતે તૈયાર થયાં હતાં. શોભે તેવા મનમોહક રંગોની ચમકતાં રેશમી વસ્ત્રની સાડી તેમણે સ્ટાઈલથી પરિધાન કરેલી. ઊંચો અંબોડો લીધેલો અને એમાં એ જમાનામાં સ્ત્રીઓના શૃંગારમાં પ્રચલિત હતી તેવી મઘમઘતી વેણી નાખેલી. અલંકારો મર્યાદિત પણ શોભે તેવાં પહેરેલાં. તેઓ કોઈની પણ નજર પડે તો એક ક્ષણ સ્થિર થઈ જાય એવાં દેખાતાં હતાં.
સ્ત્રીઓ માટે નવરાત્રી માતાજીની આરાધનાનો સમય. એ સમયે દરેક સ્ત્રી પોતાની શ્રેષ્ઠ રીતે તૈયાર થઈ સોળે શણગાર સજે. આ સન્નારીએ પણ એમ જ કરેલું.
એ વખતે એમના પતિ સાથે નોકરી કરતા એક મિત્ર ભાઈ એમને ઘેર એમના પતિ સાથે આવ્યા. આરતીનો સમય થતો હતો.
એ સન્નારીના પતિ એમના મિત્ર સાથે સોસાયટીમાં દાખલ થયા. મિત્ર હતા બીજી બધી રીતે સામાન્ય પણ સ્ત્રીઓ પ્રત્યે કદાચ એમની આસક્તિ વધુ હતી. સોસાયટીમાં આવતાં જ એ બહેન સામાં મળ્યાં. પોતાના પતિ સામે જોઇને તેઓ સ્મિત આપે તે પહેલાં પેલા મિત્ર બોલી ઉઠ્યા- "હાય …, તારી સોસાયટીમાં તો રૂપરૂપના અંબાર રહે છે ને કાંઈ! વાહ બાપુ, જામો પડી જાય."
એ પતિ એટલે મારા નજીકના વડીલ. તેઓ સમજી ગયા કે ‘રૂપરૂપનો અંબાર’ કોને કહે છે. તેમણે સાવ અજાણ્યા બની પૂછ્યું, "એમ! કોણ? તું કોની વાત કરે છે?"
મિત્ર કહે "અરે દોસ્ત, આ હમણાં ગઈ એ. માન ગયે યાર. ચાંદનો કટકો છે આ તો. એય, કહું છું, એ તારી સામું જુએ?"
"ખાસ નહીં. ક્યારેક જુએ." એ સન્નારીના પતિ બોલ્યા.
મિત્ર તો રંગમાં આવી ગયો. કહે,
"અરે વાહ. મઝો પડી જાય. પણ હેં, કહું છું, એ તારી સાથે બોલે કે નહીં?"
પતિ પોતાની પત્ની માટે શું કહે? કહે "હા, બોલે ને!"
"તો તો તું બડભાગી. લે, ખુશ થઈ જવાય એવો આડોશપાડોશ છે તારો. તે.. રોજ્જે મળે ત્યારે બોલે એમ?" મિત્રએ પૂછ્યું.
"એ તો.. ક્યારેક ક્યારેક." મારા વડીલ બોલ્યા.
"જામે હોં બાકી. દહાડો સુધરી જાય." મિત્રે કહ્યું.
"રાત પણ." સાવ ધીમા અવાજે, પોતાને જ સંભળાય તેમ મારા વડીલે કહ્યું.
બન્ને ઘરમાં આવ્યા. એમની નાનકડી દીકરી એમને જોતાં જ ચણિયાચોળી પર ઓઢણી સરખી કરતી દોડી. મારા વડીલ એ બેબીની ઓઢણી સરખી કરતાં લાડથી કહે "જો, આ અંકલ આવ્યા છે. જા અને આરતી થઈ જાય એટલે મમ્મીને કહે કે પપ્પાના કોઈ ખાસ ફ્રેન્ડ આવ્યા છે એટલે ઘેર આવે."
બેબી દોડતી ગઈ.
મિત્ર હજી અટક્યા નહીં.
"પેલી એકદમ રૂપાળી …, શું તૈયાર થયેલી! એને હાથે પ્રસાદ મળે તો.."
"ભલે. તો એમ કરશું. તારે માટે એને હાથે પ્રસાદ લેવા ટ્રાય તો કરીશ." સ્ત્રીના પતિએ પેલો શબ્દ સાંભળ્યો ન સાંભળ્યો કરી કહ્યું.
આરતી પુરી થઈ. બેબી એની મમ્મીની સાડીનો છેડો પકડી દાખલ થઈ.
"આ મારાં મિસિસ." સ્ત્રીના પતિએ ઓળખાણ કરાવી.
"અને આ … મારી સાથે ઓફિસમાં છે."
એ સ્ત્રીએ મધુરું સ્મિત કરી હાથ જોડ્યા.
મિત્ર તો જોઈ જ રહ્યા. અવાચક. કાપો તો લોહી ન નીકળે!
મિત્રને હૃદયમાં જે ઘા વાગેલો.. બોલતી બંધ થઈ ગઈ. બેઠા એટલી વાર ચૂપ રહ્યા. એ સુંદર સન્નારીના હાથની ચા મૂંગામૂંગા પીધી અને ચૂપચાપ નીચું જોઈ ચાલતા થયા.
બીજે દિવસે એ સન્નારીના પતિ, મારા વડીલને એ મિત્ર કહે "શું તું યે.. કહેતો નથી કે તારી પત્ની છે! તારી સામે જુએ કે નહીં ને તારી સાથે બોલે કે નહીં એમ પૂછ્યું ત્યારે તો સાચું કહેવું હતું!"
મારા વડીલ, એ સ્ત્રીના પતિ કહે "હજી હું તો સાચું જ કહું છું. મારી સામે આંખ મેળવી ક્યારેક જ જુએ. આખો દિવસ હું તો નોકરીએ હોઉં ને એ એનાં કામમાં. અને બીજું પણ. ક્યારેક ક્યારેક જ બોલે છે મારી સાથે. બાકી આખો દિવસ કામમાં હોય ને?
એમાં મેં શું ખોટું કહ્યું?"
***