Ground Zero in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | ગ્રાઉન્ડ ઝીરો

Featured Books
Categories
Share

ગ્રાઉન્ડ ઝીરો

ગ્રાઉન્ડ ઝીરો

- રાકેશ ઠક્કર

         દર્શકો વધુ ઇમોશન અનુભવી શકે એવી તાકાત ઈમરાન હાશમીની ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’ માં નથી. વાસ્તવિક વાર્તા ખરેખર વાસ્તવિક લાગે એવી રીતે રજૂ કરવામાં નિર્દેશક તેજસ પ્રભા સફળ રહ્યા નથી. બી.એસ.એફ.ના જવાન પર પહેલી વખત ફિલ્મ બની છે. એ પાત્ર માટે ઈમરાનની કદ કાઠી બરાબર છે પણ તે ઇમોશનમાં અને પાત્રની પ્રતિતી કરાવવામાં કાચો પડ્યો છે. દર્શકો એને બી.એસ.એફ.ના જવાન તરીકે માની લે એવું કામ નથી. 

        ફિલ્મ વાસ્તવિક વાર્તા પરથી બની છે પણ નિર્દેશકે ઇમોશન વગર બનાવી હોવાથી દર્શકો એની સાથે જોડાઈ શકતા નથી. ઇમરાને ‘સેલ્ફી’ અને ‘ટાઈગર 3’ માં પોતાની ઇમેજ તોડવાનો પ્રયત્ન કર્યો છે. એવી જ રીતે એણે ‘ગ્રાઉન્ડ ઝીરો’ માં જૂની ઇમેજ છોડવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ એના વ્યક્તિત્વમાં દર્શકોને ખેંચી શકવાનો કરિશ્મા ન હોવાથી બોક્સ ઓફિસ પર ઈમરાન હાશમીને એની ઇમેજ નડી ગઈ હોવાનું પણ કહી શકાય એમ છે. કેમકે કારકિર્દીના પહેલા એક દાયકામાં ખાસ પ્રકારના ગીતો અને પાત્રોથી એની જે ઇમેજ બની હતી એ પીછો છોડી રહી નથી.

 

        ઈમરાનનો અભિનય સારો છે. એણે પોતાની ભૂમિકા પર મહેનત સારી કરી છે. છતાં નિર્દેશક ‘ઉરી’ જેવા ન હોવાથી પરિણામ એવું મળી શક્યું નથી. ‘ઉરી’ જ નહીં ‘મિશન કાશ્મીર’ કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જેવા ઇમોશન અનુભવાતા નથી. તેથી કાશ્મીર પર બનેલી આ એક નબળી ફિલ્મ ગણાઈ છે. 

        ખૂંખાર આતંકવાદી ‘ગાજી બાબા’ ને એવો બતાવી શક્યા નથી. એને એવી રીતે છુપાવ્યો હતો કે કોઈ મોટો સ્ટાર એ ભૂમિકામાં દેખાશે એવો માહોલ ઊભો થયો હતો. એ ભૂમિકા રોકી રૈનાએ ભજવી છે. જે કારકિર્દીના નવ વર્ષ પછી પણ કોઈ ફિલ્મમાં કમાલ બતાવી શક્યો નથી. એને બહુ સામાન્ય રીતે રજૂ કરવામાં આવ્યો છે. જો આમ સરળ અને સામાન્ય રીતે બતાવવાનો હતો તો પછી છુપાવીને રાખવાની જરૂર જ ન હતી. અને એનો ડર ઊભો કરવામાં નિર્દેશક નિષ્ફળ રહ્યા છે. ઇમરાનના પાત્રને સ્થાપિત કરવા માટે પણ એક ખતરનાક વિલનની જરૂર હતી.

 

        મરાઠી ફિલ્મોના નિર્દેશક તેજસ પ્રભા વિજયની ‘ગ્રાઉન્ડ ઝીરો’ ની સાથે જ મરાઠી ફિલ્મ આવી છે. સૌથી પહેલાં પટકથાનો વાંક કાઢવો પડે એમ છે. ક્યાંય ચોંકાવતી નથી કે મનોરંજન આપતી નથી. વાર્તાની પૃષ્ઠભૂમિ તૈયાર કરવામાં બહુ સમય લીધો છે પણ જે મિશન પર ફિલ્મ બનાવી છે એને ટૂંકું બતાવીને છેલ્લે બહુ જલદી નિપટાવી દીધું છે. તેથી અસર મૂકી જતું નથી. એવું એકપણ દ્રશ્ય કે સંવાદ પણ નથી કે દર્શકોના રૂંવાડા ઊભા થઈ જાય કે તાળીઓ પાડવાનું મન થાય. બે લેખકો અને નિર્દેશક વાર્તાને સમજી જ શક્યા નથી. અગાઉ ફિલ્મોમાં આવી ચૂક્યું છે એવું જ બતાવ્યું છે. સવા બે કલાકની લંબાઈમાં પણ સ્ક્રીનપ્લે કંટાળાજનક બને છે. કશું નવું આપવાનો પ્રયત્ન કર્યો જ નથી.

 

        બી.એસ.એફ. ના જવાનો કોડને કેવી રીતે ડીકોડ કરે છે એવું કશું બતાવ્યું નથી. ફિલ્મ એક મામૂલી સસ્પેન્સ થ્રીલર જેવી લાગે છે. કાશ્મીર પર ફિલ્મ બનાવવાનું સરળ નથી એનો નિર્દેશકને ખ્યાલ આવ્યો હશે. ‘ગ્રાઉન્ડ ઝીરો’ માં કાશ્મીર વિશે ઉપર ઉપરથી બતાવીને બીજું છુપાવ્યું હોય એમ લાગે છે. અને એટલે દિમાગ પર અસર છોડી શકતી નથી. જે ખરો વિષય હાથો એ પાછળ જ રહી જાય છે. કાશ્મીરને અંદરથી બતાવવાની તક લેખકો ચૂકી ગયા છે. ફિલ્મ બનાવવાનો હેતુ લોકોને સત્ય બતાવવાનો દેખાતો નથી. કાશ્મીરને બદલે આર્મી પર જ ફોકસ રાખ્યું છે. સાચું નિર્દેશક જ જાણે પણ ફિલ્મમાં માત્ર આર્મીની વાર્તા લઈ પૈસા બનાવવાનો ઇરાદો દેખાયો છે. ડ્રામા કરતાં ડોક્યુમેન્ટ્રી ફિલ્મની કેટેગરીમાં વધુ આવે છે.

 

        ઈમરાન સિવાય બીજા કલાકારો ક્યાં તો ભૂમિકાને કારણે ક્યાં તો ખોટી પસંદગીને કારણે સારું કામ કરી શક્યા નથી. ઈમરાનની પત્ની તરીકે સાઈ તામ્હણકરને એવા દ્રશ્યો જ મળ્યા નથી કે પોતાની પ્રતિભા બતાવી શકે. મીડિયા સામે કહેવાનું દ્રશ્ય બાદ કરીએ તો તેને સરખી તક જ મળી નથી. બી.એસ.એફ. અધિકારી તરીકે મુકેશ તિવારી જામતો નથી.

 

        ફિલ્મના સંગીતની વાત કરવા જેવી જ નથી. ચાર ગીતકારોમાં કોઈએ એકપણ એવું આપ્યું નથી જે દેશભક્તિની ભાવના જાગૃત કરી શકે. સંવાદો આવી ફિલ્મમાં બહુ દમદાર હોવા જોઈએ. મુશ્કેલી એ છે કે બહુ સંવાદ જ નથી. જેમને કાશ્મીર પરની ફિલ્મો જોવામાં રસ છે અને ઈમરાનના ખાસ ચાહક છે એમને જ પસંદ આવે એવી છે.