ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 37
શિર્ષક:- મહેનત નકામી ગઇ.
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
જરા વિચારો! તમે કોઈક કાર્ય માટે ઘણી મહેનત કરી છે. દિવસ રાત એક કરીને કામ કર્યું છે, અને સફળતા મળશે જ એવો તમને વિશ્વાસ છે. બની શકે કે ખરેખર સફળતા મળે જ! બસ, ખાલી એક ક્ષણ માટે કલ્પના કરો કે તમે નિષ્ફળ ગયા! શું થયું? હચમચી ગયા ને? થાય ક્યારેક. કરેલી મહેનત નકામી ય જાય. પણ એનાથી નાસીપાસ થવાની જરુર નથી. આવો જ એક મહેનત પાણીમાં જતી રહે એ પ્રકારનો કિસ્સો સ્વામીજીએ આ પ્રકરણમાં ચર્ચા માટે લીધો છે.
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
📚 પ્રકરણઃ 37."મહેનત નકામી ગઇ."
મેં પ્રયાગરાજનો કુંભમેળો તો જોયો જ હતો. ત્રણ વર્ષ પછી હવે હરદ્વારનો કુંભમેળો આવ્યો હતો. આ ત્રણ વર્ષમાં હું સાધુસમાજથી ઠીક ઠીક પરિચિત થઈ ગયો હતો, થોડું સંસ્કૃત પણ શીખ્યો હતો.
કનખલમાં આવેલા શ્રીકૃષ્ણનિવાસ આશ્રમમાં હું ઊતર્યો હતો. હરિભજનદાસજી ચેતનદેવ કુટિયામાં ઊતર્યાં હતા. 'ચેતનદેવ કુટિયા' કહેવા માટે તો કુટિયા કહેવાતી, પણ તેમાં એટલું બધું બાંધકામ હતું કે એક આખું ગામ સમાઈ જાય. કદાચ આખા કનખલ આશ્રમો કરતાં અહીં વધુ સાધુઓ રહેતા. ઉદાસીન સંપ્રદાય હોવા છતાં બીજા સંપ્રદાયના સાધુઓને પણ અહીં જગ્યા મળી જતી. ત્યાગી, વિરક્ત, વિદ્વાન અને ભક્ત બધા જ પ્રકારના સાધુઓ અહીં રહેતા. મહંત ગુરુમુખદાસજી બહુ ઉદાર તથા ભલા મહાત્મા હતા.
શ્રીકૃષ્ણનિવાસ આશ્રમમાં પણ સારી વ્યવસ્થા હતી. તેના અધ્યક્ષ સ્વામી પૂર્ણાનંદજીનો પ્રચાર પંજાબ તથા ગુજરાતમાં વિશેષ હતો, ઘણા ભક્તો આવતા અને રમણીય સ્વચ્છ આશ્રમમાં રહેતા. સ્વામી પૂર્ણાનંદજી બહુ વિદ્વાન ન હોવા છતાં ઉત્તમ વક્તા હતા તથા સૌની સાથે હળીમળી જનારા હતા. તેમનામાં અદ્ભુત વ્યવહાર—કુશળતા હતી. પૈસાના ઢગલા કરવા એ તેમને મન રમતવાત હતી. ભલભલા વિદ્વાનો જે ન કરી શકતા તે તેઓ કરી બતાવતા.
આ આશ્રમમાં મારે રહેવાનું થયું. પેલો છોકરો પણ મળ્યો. પણ તેનું અહીં રહેવું ભયજનક હતું, કારણ કે નાગાજી શોધતા શોધતા અહીં જરૂર આવશે તેવી ભીતિ હતી. બીજા બધા સાધુઓ સાથે હું નવો હતો એટલે આવી પારકી પંચાતમાં પડવાની મારી મૂર્ખતામાં કોઈ ટેકો આપવા તૈયાર ન પણ થાય. તેને સમજાવીને બીજે દૂર મોકલી દીધો. હજી તે ફફડતો હતો.
મારી ધારણા સાચી પડી. થોડા જ દિવસમાં નાગાજી ત્યાં આવી પહોંચ્યા. ચારે તરફ ખૂબ તપાસ કરીને પાછા ગયા. ફરી બીજી-ત્રીજી વાર પણ આવ્યા. પણ પ્રત્યેક વાર પાછા જવું પડ્યું.
કુંભમેળો પૂરો થયો, સૌ વિદાય થયા. હવે મને લાગ્યું કે વાંધો નહિ આવે. પેલો છોકરો આવી ગયો. એક સારા વિદ્વાન મહાત્માની સેવામાં તેને ગોઠવી દીધો જેથી તે ભણી શકે તથા રક્ષિત રહે. હવે તેના પ્રશ્નથી આખો આશ્રમ સભાન થઈ ગયો હતો. એટલે હવે હું એકલો તેના પક્ષે ન હતો, પણ આખો આશ્રમ તેના પક્ષે હતો.
એકાદ મહિના પછી એક દિવસ પેલા નાગાજી હાથમાં સોટી લઈને આશ્રમમાં આવી પહોંચ્યા. તેમણે પેલા છોકરાને જોઈ લીધો. સાધુઓના નિયમ પ્રમાણે તેના અસલ ગુરુ પાસે તેને હાજર કરતાં પહેલાં મેં તેને ખૂબ સમજાવ્યો કે તું સાથે જવાની ના કહેજે. પોલીસ બોલાવવાની ધમકી આપજે. રોકકળ કરજે વગેરે. પણ સૌ સાધુઓની વચ્ચે જ નાગાજીને જોતાં તેનું મોંઢું સિવાઈ ગયું, તે કશો વિરોધ ન કરે તો અમારાથી શું થઈ શકે ? અમારા વચ્ચેથી વાઘ જેમ બકરાને લઈ જાય તેમ નાગાજી તેને લઈને ચાલતા થયા. અમે સૌ જોતા જ રહી ગયા. મેં માથું પછાડ્યું. બધી જ મહેનત નકામી ગઈ. જતાં જતાં નાગાજી મારી તરફ ડોળા કાઢતા ગયા — જેનો ભાવ હતો, મારા શિષ્યને તેં જ ભગાડયો છે. હવે હું તને જોઈ લઈશ.
હું જાણતો હતો કે હવે બિચારા પર શું-શું વીતશે, પણ શું થાય, અમારા હાથ હેઠા પડ્યા.
આભાર
સ્નેહલ જાની