Mara Anubhavo - 36 in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા અનુભવો - ભાગ 36

Featured Books
Categories
Share

મારા અનુભવો - ભાગ 36

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 36

શિર્ષક:- સાધુ-છોકરો ભગાડ્યો.

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ 36. "સાધુ-છોકરો ભગાડ્યો."




માત્ર હિન્દુ ધર્મમાં જ નહિ, જ્યાં જ્યાં સાધુ થવાની પ્રક્રિયા અસ્તિત્વ ધરાવે છે, ત્યાં ત્યાં સાધુ થવાનાં કારણો તથા પ્રકારો સરખાં જોવા મળે છે. શાસ્ત્રીય પ્રકારનો કોઈ વૈરાગ્ય થાય અને ઘરસંસારમાં મન ન લાગે એટલે તેવી વ્યક્તિ સાધુ થાય. તીવ્ર વૈરાગ્યથી સાધુ થયેલી વ્યક્તિ પણ જીવનભર વૈરાગ્યવાન રહી શકશે તેની કોઈ ખાતરી ન કહેવાય. કારણ કે મનના ભાવો તથા બુદ્ધિના નિર્ણયો ક્યારે પલટો ખાશે તે કહી શકાય નહિ. છતાં પણ સાધુ થવા માટે એક માત્ર પ્રબળ કારણ વૈરાગ્યને જ કહી શકાય.




વૈદિક પરંપરામાં સંન્યાસ માટે ત્રણ કારણ છે :

1. સંન્યાસ લેવાય જ નહિ. જીવનભર ગૃહસ્થાશ્રમી રહીને અગ્નિહોત્રાદિ કર્મો કરતા રહેવું જોઈએ. આ પૂર્વ મીમાંસકોનો મત છે.

2. સંન્યાસાશ્રમ સાચો, પણ તે ગૃહસ્થાશ્રમ ભોગવ્યા પછી. વાનપ્રાસ્થાશ્રમ પસાર કર્યા પછી પંચોતેર વર્ષની ઉંમરે સંન્યાસ ગ્રહણ કરવો. સંન્યાસ વિના મોક્ષ નથી, એટલે છેવટમાં સંન્યાસ તો લેવો જ. આ પ્રાચીન મત છે.

3. જ્યારે પણ વૈરાગ્ય થાય ત્યારે સંન્યાસ લઈ લેવો, ગૃહસ્થાશ્રમ ભોગવ્યા પહેલાં પણ લઈ શકાય (યદહરેવ વિરજેત્ તદહરેવ પ્રવ્રજેત્ ગૃહાદ્ ના વનાદ્ વા). આ અપેક્ષાકૃત નવીન મત છે. એવું લાગે છે કે આ મત ઉપર અવૈદિક બૌદ્ધ-જૈન સાધુપદ્ધતિનો પ્રભાવ છે, જે હોય તે. પ્રથમ નકાર પછી બે હકારાત્મક વિધાનો સિવાય પણ સાધુ થવાનાં કારણો અસ્તિત્વ ધરાવે છે :




(૧) વૈરાગ્ય વિના પણ મિલકતના લોભે સાધુ થનાર.

(૨) દેવું તથા અન્ય સાંસારિક અગવડોથી કંટાળીને સાધુ થનાર.

(૩) વૈરાગ્ય વિના પણ ખાવાનું સારું સારું મળે છે તેવી આશાએ સાધુ થનાર.

(૪) અનિચ્છાએ, ભોળપણથી અથવા દબાણથી સાધુ થવા વિવશ થનાર.



આવા પ્રકારો સર્વત્ર થોડાઘણા અંશે વિદ્યમાન હોય જ છે.આપણને ચોથા પ્રકાર સાથે થોડો સંબંધ છે. એટલે તે દિશામાં ચર્ચા કરીશું.




પેલો નાગાજીનો શિષ્ય જે અમારી સાથે ભણતો હતો તે બાર-ચૌદ વર્ષની ઉંમરનો હશે. તે પોતાની ઇચ્છાથી સાધુ થયો ન હતો. તેને નાગાજી ઉપાડી લાવ્યા હતા. કશી સૂઝસમજ વિનાનો એ બાળક એક વાર ભાગી પણ છૂટયો હતો. પણ રસ્તામાંથી જ પકડાઈ જવાના કારણે પાછો આવ્યો હતો. તેને પુષ્કળ માર પડ્યો હતો. માર તો તેને અવારનવાર પડતો જ રહેતો. એક વાર તો મારા દેખતાં તેને સોટીએ ને સોટીએ ઝૂડી નાખ્યો હતો. હું સમસમી ઊઠ્યો હતો, પણ કાંઈ કરી શકાય તેમ ન હતું. કારણ કે આ છોકરો એટલો બધો ગભરાઈ ગયેલો હતો કે હવે તેના પોતાનાથી કશું જ થઈ શકે તેમ ન હતું. માર ખાઈ ખાઈને તેનું સત્ત્વ હણાઈ ગયું હતું.




અમને પણ બીક લાગતી કે કદાચ બીકનો માર્યો નાગાજીને કાંઈક કહી દે તો અમારી સાથે ઝઘડો થાય. નાગાજીને તેમના જેવા જ મિત્રો હતા અને તેમની ધાક હતી. સૌ કોઈ તેમનાથી ડરતા. એક તરફ આ સ્થિતિ હતી તો બીજી તરફ પેલા છોકરાનો દયામણો ચહેરો, તેનું ભવિષ્ય વગેરેનો વિચાર હતો. તમે પોતે જેનો ઉદ્ધાર કરવા માગતા હો તે પોતે જ અવિશ્વસનીય સ્થિતિવાળી વ્યક્તિ હોય ત્યારે તમારું કામ ઘણું જટિલ થઈ જાય. ધરમ કરતાં ધાડ પડવા જેવી દશા થઈ જાય. પણ ભીરુ માણસો કદી સાહસ કરી શકતા નથી હોતા અને સેવાનાં કે પરમાર્થનાં કેટલાંક કામો તમારી પાસે સાહસની અપેક્ષા રાખતાં હોય છે.




કોઈને કાંઈ આપી છૂટવું તે રમત વાત છે. પણ કોઈના ઉદ્ધાર માટે કોઈની પ્રતિષ્ઠા, પ્રાણ અને ધન વગેરેને હોડમાં મૂકી દેવું તે તદ્દન જુદી વાત છે. સાહસી કાર્યકર્તા અને સાહસી સેવકો મળવા કઠિન હોય છે. પેલા છોકરા માટે અમારે કાંઈક આવું જ જોખમ ખેડવાનું હતું. એક અખિલ નિયમ પ્રમાણે કોઈ બીજા સાધુના શિષ્યને ભગાડી ન શકે, તેને ફરી દીક્ષિત ન કરી શકે, તેમ પાછો ઘેર જતો રહેવામાં મદદ પણ ન કરી શકે, તેનો સર્વેસર્વા તો ગુરુ હોય છે.




હરિભજનદાસ અને મે મળીને યોજના બનાવી. કોઈ રીતે આ ગાયને કસાઈ ખાનામાંથી છોડાવવી હતી.




આવતા ઉનાળામાં હરિદ્વારમાં  કુંભમેળો આવતો હતો, અમે સૌ કુંભમેળમાં જવાના હતા. શ્રી હરિભજનદાસજી તો ચેતનદેવ કુટિયામાં ઊતરવાના હતા, પણ મારે કશી જ ઓળખાણ ન હતી. પાસે જ આશ્રમના એક સ્વામીજીએ મને કહ્યું કે, 'તુમ કૃષ્ણનિવાસી આશ્રમમેં આના. વહાઁ વ્યવસ્થા હો જાયેગી.."




ભણવાના નિમિત્તે અમારી સાથે પેલા છોકરાનો ગાઢ સંબંધ થઈ ગયો હતો. તેના ગુરુને પણ કંઈક વહેમ તથા કંઈક ભય લાગ્યો હતો. પણ તે કશું બોલતા નહિ. અંતે એવું ઠરાવ્યું કે પેલા છોકરાએ પંદર દિવસ પહેલાં જ ભાગી જવું. તેને ભાગી જવા અમે ખૂબ હિંમત આપી હતી. તેનો ભય ઓછો કરાવ્યો હતો. આ યોજના પ્રમાણે એક દિવસ તે ભાગી છૂટ્યો. અમે બંને તો વૃદાવનમાં હાજર હતા. એટલે આ કાર્યમાં અમે સંડોવાયેલા છીએ તેવું કોઈને પ્રત્યક્ષ રીતે લાગતું નહિ. થોડી પૂછપરછ થઈ તો અનભિજ્ઞતા બતાવી દીધી. કેટલીક વાર આવા નિર્દોષના રક્ષણકાર્ય માટે અસત્ય બોલવું સત્ય કરતાં પણ વધુ કલ્યાણકારી થઈ જતું હોવું જોઈએ. ભગવાન જાણે, પણ અમને તો એમાં જ કલ્યાણ દેખાયું, એવું ના બને કે કોઈ પાપાત્મા સત્યનો ગેરલાભ ઉઠાવી જાય અને નિર્દોષ પુણ્યાત્મા સત્યને કારણે બરબાદ થઈ જાય. નિયમોની જડતા કરતાં વિવેકભરી ચેતના ઉત્તમ કહેવાય.




નાગાજીને કલ્પનાયે નહિ હોય કે તેમનો ગામડિયો અબુધ છોકરો ઠેઠ હરિદ્વાર સુધી દોટ લગાવશે. તેમને તો એમ કે તે પોતાના ઘર તરફ ગયો હશે, જેમ પહેલાં એક વાર ભાગ્યો હતો તેમ તેમણે તથા તેમના સાગરિતોએ આકાશપાતાળ એક કરી નાખ્યું પણ પેલો છોકરો હાથમાં ન આવ્યો.




જેમ પૂર્વે ભૂમિકામાં કહ્યું તેમ આ છોકરો વૈરાગ્યથી સાધુ થયો ન હતો. તેને પકડી લાવીને દબાણથી સાધુ બનાવાયો હતો. આવા કેટલાક છોકરાઓને નાદાનીમાં દબાણથી, લલચાવીને, ફોસલાવીને સાધુ કરી દેવામાં આવતા હોય છે. સારું સારું ખાવાનું અને સારાં કપડાં પહેરાવીને તેમને રાજી રાખવા પ્રયત્ન થતા હોય છે. મોટી ઉંમર થયે આવા માણસો પાછા ઘેર જઈ શકતા નથી. એટલે ઇચ્છા કે અનિચ્છાએ જીવન પૂરું કરવું પડતું હોય છે. જો કે કેટલાક સારું ભણી શકતા હોય છે તથા સારા સાધુ થતા હોય છે. પણ તે તો અપવાદરૂપ કહેવાય. જન્મજાત ઉત્તમ પ્રકૃતિ હોય છે. અનિચ્છાએ આવી ગયા હોય તોપણ ઉત્તમ થતા હોય છે. પણ જો કોઈ સાધુ નિયમોને પાળી ન શકે તો તેમાં તેમનો દોષ ન ગણવો જોઈએ, કારણ કે તે ઇચ્છાપૂર્વક સાધુ થયા જ નથી, તેને જોતરી દેના૨નો દોષ ગણવો જોઈએ.




પંદર દિવસ પછી અમે કુંભમેળામાં જવા રવાના થયા, ત્યારે અમને ખ્યાલ ન હતો કે હવે ફરી સ્વામી માત્રાનાં દર્શન નહિ થઈ શકે... તેમના આશીર્વાદ લઈને અમે નીકળ્યા હતા.



આભાર

સ્નેહલ જાની