Mara Anubhavo - 35 in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા અનુભવો - ભાગ 35

Featured Books
Categories
Share

મારા અનુભવો - ભાગ 35

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 35

શિર્ષક:- વાડકો વેચ્યો

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ 35. "વાડકો વેચ્યો."



વૃંદાવનના નિવાસકાળની થોડી વાતો લખવા જેવી છે. એટલે ફરી પાછા ભૂતકાળમાં જઈશું.



સ્વામીજી બીરગિરિજીએ મને થોડા જ દિવસમાં એક રૂમ રહેવા આપ્યો. એક મહિને એક રૂપિયાની પ્રાપ્તિ થઈ, તેમાંથી પેલા ‘લઘુકકૌમુદી'ના અઢી આના ચૂકવી દીધા તે આગળ નોંધ્યું છે. બાકીના પૈસામાંથી કેરોસીન, નાની દીવડી અને દીવાસળી લાવ્યો, જેથી રાત્રે ભણી શકાય. ખાસ કરીને સાંજે દીવાનો ઉપયોગ ન કરતો. કોઈ માર્ગ ઉપરની લાઇટ દ્વારા ભણી લેતો, પણ પરોઢિયે દીવાનો ઉપયોગ કરતો. જો બન્ને સમય દીવાનો ઉપયોગ કરું તો કેરોસીન વપરાઈ જાય.



મસ્તરામ નામના એક મહાત્મા કોઈ કોઈ વાર આ આશ્રમમાં રહેવા આવતા, ભણેલા ઓછું પણ બહુ સારા વક્તા હતા. લોકો તેમને પ્રવચન માટે બોલાવતા. તેમણે મને બે કે ત્રણ વાર એક-એક રૂપિયો આપેલો. તે વખતે તે એક રૂપિયો ઘણો કીમતી થઈ પડતો. આમ તો ગુજરાતમાં મારો પિરિચત વર્ગ હતો. હું લખું તો પાંચ-પચીસ રૂપિયા સહેજે મોકલી આપે.



પણ હું કોઈને કાંઈ લખતો નહિ. એક ભાઈનો વારંવાર પત્ર આવતો, તેમાં તે લખતા, કાંઈ જરૂર હોય તો મંગાવજો. હું કાંઈ જ મંગાવતો નહિ, પણ એક વાર હું બીમાર થયો. પગનાં તળિયાંનું કોઈ ખાસ રસાયણ ખસી જવાથી આ દરદ થાય છે. રામકૃષ્ણમિશન દૂર, પગ મંડાય નહિ, છતાં જેમ તેમ કરીને હું દવા લેવા જતો. મને થયું, લાવ એ ભાઈને કાંઈ ઇશારત જેવું લખું, જેથી ઘોડાગાડી કરીને દવા લેવા જઈ શકું.



મેં તેમને લખ્યું વારંવા૨ કાંઈક મંગાવવાનું લખો છો તો જે વસ્તુ તમારી પાસે વધારે હોય અને મારે અહીં કામ આવે એવી હોય તેવી વસ્તુ મોકલશો આ ભાઈ સમજીને પણ ન સમજી શક્યા. આ ભાઈ મારી સાથે વધારે પત્રવ્યવહાર રાખતા. એક વાર તેમના બે-ત્રણ પત્રોનો જવાબ પોસ્ટકાર્ડ ન હોવાથી આપી શકાયો નહિ. તેમણે તરત જ જવાબ આપવા આગ્રહભર્યોપત્ર લખ્યો. હવે શું કરવું ? અંતે મેં નિર્ણય કર્યો. સાંજની ભિક્ષામાં આવતી દાળ લેવાનો એક સામાન્ય વાડકો મારી પાસે હતો, તે સાડા છ આનામાં વેચીને મેં તેમને પત્રનો જવાબ આપ્યો. તેમને ખબર નહીં કે પોસ્ટકાર્ડ કેવી રીતે ખરીદાયું છે. આગળના પત્રોમાં પણ તેઓ ચીજવસ્તુ જોઈતી કરતી હોય તો મંગાવવાનું લખતા રહ્યા. આજ પણ આ સુખી શ્રીમંતભાઈ સાથે મારે સારા સંબંધ છે, પણ મેં તેમને પેલા પોસ્ટકાર્ડની જાણ થવા દીધી નથી. હજી પણ તેમના સ્વભાવમાં પરિવર્તન થયું નથી. પણ હવે મારે પ્રભુકૃપાથી તેમની જરૂર નથી, જ્યારે તેઓ સહાય કરીને બહુ મોટું કર્તવ્ય બજાવી શકે તેમ હતા, ત્યારે પણ મેં તેમની સાથે કોઈ અણગમો કર્યો ન હતો.



કેટલાક લોકો પ્રદર્શિત ઉદારતા વાણી દ્વારા તો બતાવી શકે છે, પણ જો એક વાર તમે કાંઈક માગો તો તેમની ઉદારતાના દડામાં પંકચર પડીને તે હવા વિનાનો થઈ જાય છે. હું જીવનમાં એક બોધપાઠ શીખ્યો છું કે ગૌશાળામાં બધી જ ગાયો કાંઈ પવાલી ભરીને દૂધ આપનારી નથી હોતી. એકાદ બે ગાયો વરોલ (વાંઝણી) – દૂધ વિનાની – પણ હોઈ શકે. આપણાસંબંધોમાં પણ કેટલાક માણસો ઉપયોગ વિનાના હોઈ શકે. તેમને નિભાવવા જોઈએ. માત્ર ઉપયોગ અને તેમાં પણ પૈસાનો ઉપયોગ જ સંબંધમાં નિમિત્ત બનવો ન જોઈએ. હાનિકારક ન હોય તેવી વરોલ ગાયોને નિભાવીએ તેમ માણસને પણ નિભાવવા જોઈએ.



શ્રી હરિભજનદાસજી કોઈ કોઈ વાર માધુકરી માટે ઝોળી લઈને નીકળી પડતા. ઝોળી ભરીને ભાત ભાતની ભિક્ષા લઈ આવતા. મને પણ જમાડતા. એક વાર કહ્યું, મારે પણ માધુકરી માટે જવું છે, મને ઝોળી બાંધી આપો. મને કાશીનો અનુભવ હતો, પણ સારો ન હતો, પણ ત્યાં તો પંચદ્રવિડ બ્રાહ્મણોને ત્યાં જ ભિક્ષા લેવા જવાનો નિયમ હતો, જ્યારે આહીં તો બધી જગ્યાએથી ભિક્ષા લાવવાની છૂટ હતી. મારી વાત સાંભળીને હરિભજનદાસજી હસ્યા. બોલ્યા, 'તેરા કામ નહીં.' તો પણ મેં આગ્રહ કર્યો એટલે તેમણે મને ઝોળી બાંધી આપી. હું ઝોળી લઈને નીકળ્યો. સમાજમાં જ્યાં સૌથી વધુ સુખી માણસો રહેતાં હતાં તે મહોલ્લામાં ગયો. સુંદર રંગ કરેલા ભવ્ય બંગલાઓ,રાચરચીલું અને ચમકતા ચહેરા અને ચળકતાં વસ્ત્રોવાળાં માણસો ત્યાં રહેતાં હતાં. મને એમ હતું કે એકાદ રોટલી આપવામાં આમને કંઈ જ ભાર નહિ પડે. કોઈ સામાન્ય માણસને તો કદાચ મુશ્કેલી પણ નડે. એકાદ કલાક રખડીને માત્ર બે-ત્રણ રોટલીઓ લઈને હું પાછો ફર્યો.



મારી ઝોળી જોઈને હરિભજનદાસજી હસ્યા.મેં કહતા થા નિ કિ તુમ્હારા કામ નહીં કહીં ગયા થા ?”મેં પેલા મહોલ્લાની વાત કરી. તે ફરી હસ્યા. વહાં..... વહાઁ..... રોટી નહીં દેતે, પૈસે દેતે હૈં. મેં કહ્યું કે મને તો પૈસા પણ ન આપ્યા. તો ફરીથી તે હસીને બોલ્યા, અરે બુદ્ધુ , વહાઁ હર કિસી કો પૈસા નહીં મિલતા; જીસ કો શીશે મેં ઉતારના આતા હો ઉસકો હી મિલતા હૈ”



તેમની વાત સાચી હતી. બધા માટે ન કહેવાય, પણ મોટા ભાગના શ્રીમંતો માટે આ વાત સાચી હતી. તેમની ઉદારતા શરતી હોય છે. તેમનું ગણિત હોય છે અને પોતાની ઉદારતાની વસૂલાત, નામ-યશ-પ્રતિષ્ઠા વગેરે દ્વારા કરી લેવાની ગણતરી હોય છે. જે લોકો હજોરોનાં દાન તકતીઓ મૂકવા માટે આપી શકે છે, તે કદાચ બે રોટલી કે બે રૂપિયા નથી આપી શકતા.શરત વગરની ઉદારતા સામાન્ય માણસોમાં ભરપૂર જોવા મળતી હોય છે.



બીજા દિવસે તેમણે સામાન્ય ઘરો બતાવ્યાં અને ત્યાં ભિક્ષા લેવા જવાનું કહ્યું. મારા આશ્ચર્ય વચ્ચે તે દિવસે તેમના કરતાં પણ હું વધુ ભિક્ષા લઈ આવ્યો. મારી નાની ઉંમર તથા દેખાવ લોકોને ભિક્ષા આપવા પ્રોત્સાહન આપતાં હતાં. કેટલીક જગ્યાએ બહેનો મને ઘેરી વળતી અને પૂછતી, તેરો નામ કા હૈ ?” “તૂ કાહે સાધુ વ્હે ગયો ?” “યે સાધુ ભયે કી ઉંમર હે ?” વગેરે.



સ્વામી માત્રાનંદજીના જેવા જ સ્વામી હરિભજનદાસ ઉદાસીન હતા. તેમના સહવાસથી મને ઘણો લાભ થયો. તેઓ વિદ્વાન ન થઈ શક્યા, પણ ખૂબ ત્યાગી તથા ઉત્તમ પ્રકારના ભક્ત જરૂર થયા.



આભાર

સ્નેહલ જાની