ક્રીશાનો ફોન આવ્યો એટલે શિવાંગ પરીને કહીને પોતાની માધુરીના ચહેરા ઉપર પ્રેમથી હાથ ફેરવીને તેને આલિંગન આપીને પોતાના ઘરે જવા માટે નીકળી ગયો...અને પરી ઈંતજાર કરતી રહી કે ફરીથી પોતાની માધુરી મોમ ક્યારે ભાનમાં આવે...અને સાથે સાથે તે ડોક્ટર નિકેતને ફોલો કરતાં કરતાં બીજા પેશન્ટને ચેક કરવા માટે રાઉન્ડમાં નીકળી પડી...તે ડોક્ટર નિકેત સાથે રાઉન્ડમાં તો નીકળી પડી પરંતુ તેનું મન આજે વિચલિત હતું...જે ડોક્ટર નિકેતે નોટિસ કર્યું...બંને દરેક પેશન્ટનો એક વખતનો રાઉન્ડ પૂરો કરીને ડોક્ટર નિકેતની કેબિનમાં પ્રવેશ્યા..ડોક્ટર નિકેતે પરીને થોડી વ્યાકુળ જોઈને તેને પૂછી જ લીધું કે, "તમે કંઈક વિચારોમાં ખોવાયેલા હોય તેમ લાગે છે.."પરીએ પ્રશ્નાર્થ નજરે ડોક્ટર નિકેતની સામે જોયું અને તે પોતાના મનમાં ઘૂંટાઈ રહેલા સવાલનો જવાબ ઈચ્છતી હોય તેમ તેણે ડોક્ટર નિકેતને પૂછ્યું કે, "માધુરી મોમ મારી મા છે છતાં મારી લાગણીઓ તેના હ્રદયને સ્પર્શી શકી નહીં અને ડેડના સ્પર્શથી તેના અંતરમન ઉપર કેવી તરત જ અસર થઈ અને તે કેવી હોશમાં આવવાની કોશિશ કરવા લાગી..! તો શું મારો પ્રેમ, મારી લાગણીઓ, મારી તેને મળવાની ઘેલછા એ બધું શું ખોટું હતું..?બસ આઔ સવાલ મને ક્યારનો મૂંઝવ્યા કરે છે... હું સમજણી થઈ ત્યારથી મારી મોમને મળવા માંગુ છું તેને ભેટવા માટે હું ઝંખી રહી છું.. તેની સાથે મારે બાળપણથી અત્યાર સુધીની પેટભરીને વાતો કરવી છે... હું તેની આંખોમાં મારા માટેનો પ્રેમ જોવા માટે કેટલા વર્ષોથી તડપી રહી છું...આટલા બધા લાંબા સમયથી હું સતત તેને મારા તેની નિકટ હોવાના સ્પર્શને, પ્રેમને લાગણીને તેના હ્રદય સુધી પહોંચાડતી રહી અને છતાં મારો કોઈ પ્રયાસ કામે ન લાગ્યો.. મને સતત અને સતત નિષ્ફળતા જ મળતી રહી....તો શું મારો આ પ્રેમ ખોટો હતો..?મારી આ તડપનું શું..?"પરીની આંખમાં ઝળઝળીયાં આવી ગયા.. તે ડોક્ટર નિકેતની સામે આમ પરવશ થઇને રડવા નહોતી માંગતી અને છતાં તેના આંસુઓ તેના કાબૂ બહાર વરસવા લાગ્યા...ડોક્ટર નિકેત પણ તેની લાગણીઓને તેના પ્રેમને સમજી રહ્યા હતા..તેમણે તેના આંસુઓને વરસવા દીધાં..થોડી ક્ષણો તે ચૂપ જ રહ્યા..થોડી વાર પછી તેમણે પરીની સામે પાણીનો ગ્લાસ ધર્યો અને તેને પાણી પીવા માટે કહ્યું..પરી બધું જ પાણી ગટગટાવી ગઈ...હવે જાણે તેની અંદરની વિહવળતા થોડી શાંત થઈ હતી... પરંતુ તે ચૂપ હતી..શું કરવું તેની કંઈ જ સમજમાં આવતું નહોતું..તે નિઃસહાય બનીને ડોક્ટર નિકેતની સામે જોઈ રહી હતી..ડોક્ટર નિકેત તેને પ્રેમથી સમજાવવા લાગ્યા કે, "તું નાહકની દુઃખી થાય છે.. હું તને સમજાવું મારી વાત સાંભળ.. તું જ્યારે તારી મોમના પેટમાં હતી ત્યારે તારી મોમ પાગલ અવસ્થામાં હતા રાઈટ અને એ પછી તારો જ્યારે તારો બોર્ન થયો ત્યાર પછી તે કોમામાં સરી પડ્યા હતા...એટલે તારા સ્પર્શને ઓળખવો તેમના માટે મુશ્કેલ છે.. એવું મને લાગે છે...જ્યારે બીજી બાજુ તારા ડેડીને શિવાંગસરને એ દિલોજાનથી, પોતાના હ્રદયના ઊંડાણથી તે ખૂબ જ ચાહતા હતા..તેમના સ્પર્શને, તેમના પ્રેમને તારી મોમ જીવી છે... દરેક માણસનો એક ઔરા હોય છે એ તને ખબર છે ને..?પરી હકારમાં માથું ધુણાવી રહી હતી..તારા ડેડના ઔરાથી તારી મોમ પરિચિત છે... તે તેમને ખૂબ ચાહતા હતા અને હંમેશા તેમણે તેમને મેળવવાની ઝંખના સેવી હશે...તેમના હ્રદયમાં તારા ડેડની જૂની યાદો અકબંધ હશે અને તેમના સ્પર્શથી તે જીવંત થઈ હશે અને કદાચ માટે જ તેમના સ્પર્શને પામીને તેમની અંદર ચેતનાનો સંચાર થયો અને તે ભાનમાં આવવાની કોશિશ કરવા લાગ્યા... હવે આપણે તારી મોમને ભાનમાં લાવવાની જવાબદારી તારા શિવાંગ ડેડને સોંપી દેવાની છે અને મને લાગે છે કે આ જવાબદારી તેમને માટે પણ તેમના અહોભાગ્ય સમાન હશે અને એકવાર તારી મોમ ભાનમાં આવી જાય પછીથી આગળની બધી જ જવાબદારી આપણે સંભાળી લઈશું.."અને ડોક્ટર નિકેતે ઉત્સાહ પૂર્વક પરીની સામે જોયું..."ભાનમાં આવી ગયા પછીની જવાબદારી એટલે હું કંઈ સમજી નહીં..?""મિસ પરી આવા પેશન્ટ ફક્ત ભાનમાં આવી જાય એટલે કામ પૂરું નથી થઈ જતું એ પછી પણ એને નોર્મલ કરવા માટે સમય લાગે છે.""અચ્છા ઓકે.. પણ આપણે તે કરી તો શકીશું ને..?""મિસ પરી સંકલ્પ સે સૃષ્ટિ બનતી હૈ...અગર આપને અપને મનમેં ઠાન લી હૈ કિ મૈં અપની મોમ કો ઠીક કરકે હી રહૂંગી તો ફિર ઉનકા ઠીક હોના તો આવશ્યક હૈ..""હા મેં એટલું તો નક્કી કરી જ લીધું છે કે હું મારી મોમને પાછી મેળવીને જ રહીશ...""બસ તો પછી ડરો છો શું કામ.. હું તમારી સાથે જ છું.." ડોક્ટર નિકેતે ટેબલ ઉપર પડેલા પરીના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો અને તેને વિશ્વાસ અપાવ્યો કે પોતે તેની દરેક પરિસ્થિતિમાં તેની સાથે જ છે....આજે પરીના મનમાં ડોક્ટર નિકેત માટે અનેકગણું માન વધી ગયું હતું...દેવાંશ કવિશાને ચોંટી પડ્યો.. અને "થેન્ક્સ માય ડિયર થેન્ક યુ.." કહેવા લાગ્યો...કવિશાને તો શું કરવું તે જ સમજમાં નહોતું આવતું.. તે દેવાંશથી છૂટી પડી અને નીચું જોઈને પોતાના કપડા સરખા કરવા લાગી.."આપણે ત્રણેય હવે અહીં જ ઉભા રહીશું કે ક્લાસમાં પણ જઈશું..?" પ્રાપ્તિ બોલવા લાગી...અને ત્રણેય જણા પોતાના ક્લાસ તરફ આગળ વધ્યા.... ત્રણેય જણા ક્લાસમાં જઈને બેઠા કે તરત જ ક્લાસમાં એક અગત્યની નોટિસ આવી કે, "આ વર્ષના એન્યુઅલ ફંક્શન માટે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે તો છૂટ્યા પછી દરેક વિદ્યાર્થીએ ઉપર હોલમાં આવવાનું રહેશે.છૂટવાનો બેલ વાગ્યો એટલે એક પછી એક કોલેજના બધા જ સ્ટુડન્ટ મીટીંગ હોલમાં જવા લાગ્યા પ્રાપ્તિ પણ કવિશાને પોતાની સાથે મીટીંગ માં લઇ જવા માટે ખેંચી રહી હતી અને કવિશા ઈન્કાર કરી રહી હતી એટલામાં દેવાંશ કવિશાની નજીક આવ્યો અને તેના હાથમાં પોતાનો હાથ પરોવીને તેને મીટીંગ હોલ તરફ ખેંચી ગયો...પ્રાપ્તિ એક સુંદર યુગલને જતાં જોઈ રહી..મીટીંગમાં એન્યુઅલ ફંક્શનની ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી...સૌ પ્રથમ જેને પ્રોગ્રામમાં ભાગ લેવાની ઈચ્છા હોય તેમણે પોતાના નામ લખાવી દેવાના હતા...ડ્રામા, ડાન્સ, ગરબા, એક પાત્રી અભિનય અને કેટવોક જેવા મજેદાર કાર્યક્રમો આ ફંક્શનમાં દર વર્ષે જોર શોરથી ઉજવાતા હતા અને તેમાં કોલેજના રસીલા વિધ્યાર્થીઓ હરખભેર ભાગ લેતા હતા..દેવાંશે પોતાનું અને કવિશાનું નામ ડાન્સ અને ડ્રામા બંનેમાં લખાવી દીધું હતું...કવિશા આ પ્રોગ્રામમાં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી રહી હતી... અને દેવાંશ તેની સામે જીદ કરી રહ્યો હતો...હવે દેવાંશની જીદ જીતે છે કે કવિશાની ના...??તો જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...??~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 25/4/25