મિત્રો, ઘણા સમય પછી તમારી સમક્ષ ફરી અલગ અલગ ટૂંકી વાર્તાઓ રજૂ કરવા જઈ રહી છું.
મારી આ વાર્તાઓનું મુખ્ય શીર્ષક “અંતરના દર્પણથી” રહેશે, જેમાં અલગ અલગ ટૂંકી વાર્તા રજૂ કરીશ.
પાત્રો અને સ્થળ કાલ્પનિક છે જેની સૌએ નોંધ લેવી.
ભાગ – 1 - માધુ ની વફાદારી
ઉનાળાની એ ધખધખતી ધોમ તપતા સૂરજની બપોર હતી. આટલી લૂ વા વા છતાં પણ લોકો પોત પોતાના જે કામ હતા અને જેમણે બહાર નીકળવું જ પડે તેમ હતુ તે ફરી રહ્યા હતા.
આવા સમયે એક મજૂર વર્ગનો માણસ જેનું નામ માધુ હતુ તે પણ પોતાની પેંડલ રીક્ષામાં સામાન લાદવીને નીકળ્યો હતો. ધોમધખતો તડકો અને ચામડી ને તપવી નાખે એવી લૂમાં માધુ જે ગરીબ વર્ગનો માણસ હતો તે પોતાના કામથી નીકળ્યો હતો. માધુના ઘરમાં તેની પત્ની અને બે બાળકો હતા, એક દીકરો અને એક દીકરી. પરિવારને પોષવા માટે માધુ પાસે આવી આકરી મજૂરી કર્યા સિવાય કોઈ ચારો ન હતો. કારણ માધુ ઝાઝુ ભણેલ ન હતો અને તેથી જ પોતાના બાળકોને આવા કપરા જીવનનું ભવિષ્ય તે આપવા માંગતો ન હતો અને મજૂરી કરીને તેમને ખૂબ ભણાવવા માંગતો હતો. માધુના સંઘર્ષમાં તેની પત્ની પણ પૂરતો સહકાર આપતી હતી. તે પણ ઘણા ઘરના કચરા-પોતા, વાસણ એવા બધા કામો કરીને મહિને અમુક રકમ કમાઈને માધુને સહકાર આપતી હતી. સાથે સાથે નિરાંતના સમયમાં તે સિવણકામ પણ કરતી હતી જેથી પરિવારમાં આર્થિક રીતે સાથ મળી રહે.
માધુના બંન્ને બાળકો ભણવામાં ખૂબ હોંશિયાર હતા અને તેઓ તેમના ઘરથી નજીક આવેલી સરકારી શાળામાં અભ્યાસ કરતા હતા. દીકરો આઠમાં ધોરણમાં હતો અને દીકરી છઠ્ઠા ધોરણમાં ભણતી હતી. બંન્ને બાળકો પણ તેમના માતા-પિતાનો સંઘર્ષ જોતા હતા તેથી તેઓ પણ તેમના ભણતરમાં પૂરેપુરુ ધ્યાન આપતા હતા અને હાલના સમયને જોતાં ઘણી બધી બાબતો એવી હોય કે બાળકો લલચાઈ જાય પરંતુ બંન્ને બાળકો ખૂબ સમજદાર હતા.
આજે માધુ જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે તેને શરીરે સારુ લાગતુ ન હતુ, પરંતુ જો એક દિવસ પડે તો આર્થિક રીતે નુકસાન જાય તે વિચારી તે કામે નીકળ્યો હતો. જે શેઠના ત્યાં તે રોજબરોજ જતો હતો ત્યાં તે પહોંચ્યો અને રીક્ષામાં જે માલ નાખવાનો હતો તે નાખીને તેના નિર્ધારિત સ્થળે પહોંચાડવા માટે માધુ નીકળી પડે છે. એક તો ધોમ ધખતો તાપ અને લૂ વાતો પવન આ બંન્ને માધુના શરીરને ખૂબ જ તકલીફ આપતા હોવા છતાં એક હાથે થી પરસેવાને લૂછતો લૂછતો અને બીજા હાથે રીક્ષા ચલાવતો ચલાવતો માધુ જાય છે. માધુનુ શરીર પરસેવાથી તરબતર થઈ ગયુ હોય છે, અને આંખો તો સામા લૂ વાતા પવનના કારણે લાલચોળ થઈ ગઈ હોય છે પરંતુ તે બધુ તે ગણકાર્યા વગર રીક્ષા હાંકતો હાંકતો નિર્ધારીત સ્થળે પહોંચી જાય છે અને ત્યાં જઈને જે માલ હતો તે ઉતારીને ત્યાંના માલિક પાસે પહોંચે છે જેથી તે તેનું રોકડુ ભાડુ આપી દે.
જ્યારે તે ફેક્ટરીના માલિક પાસે જાય છે ત્યાંરે ફેક્ટરીના માલિક કોઈ અગત્યની બાબતમાં બીજા વ્યક્તિઓ સાથે રોકાયેલા હોય છે. માધુ તેમના ત્યાં રોજબરોજ માલ આપવા આવતો હોવાથી તેઓ માધુને સારી રીતે ઓળખતા હોય છે. તેઓ માધુને થોડી વાર માટે રાહ જોવા કહીને ફરી પાછા તેમની વાતોમાં લાગી જાય છે આમને આમ ઘણો સમય વીતી જાય છે. આખરે માધુને પણ બીજા ફેરામાં જવાનું હોવાથી તે ફેકટરીના માલિક પાસે પાછો આવે છે અને ભાડુ માંગે છે ત્યારે ફેક્ટરીના માલિક થોડા રોષમાં આવી જાય છે પરંતુ તે માધુ ત્યાં રોજ આવતો હોવાથી તેઓ તેમની પાસે રહેલી બેગમાંથી અમુક રકમ કાઢીને ઉતાવળમાં જ માધુને આપી દે છે. માધુ આ લઈને ત્યાંથી નીકળી જાય છે.
ત્યારબાદ માધુ ત્યાંથી બીજા તેના જે કામ પૂરા કરવા નીકળી જાય છે. અને સાંજના સમયે તે પોતાના ઘરે પરત ફરે છે. સાંજે તે નવરાશના સમયે જમવાનું પતાવીને ઓસરીમાં બેસે છે, ત્યાં તેને વિચાર આવે છે કે આજે જે કમાણી થાઈ તે તો ગણી જ નથી, લાવ ગણી લઉ. આમ રોજ બરોજ માધુ તેની બાંધેલી જે માલ સામાન હેરફેર કરતો હતો તે અને છૂટક ફેરા કરે તે બધુ કરે તો સાંજ પડે તે 500 થી 700 રૂપિયાની આવક કરી શકતો હતો. કોઈક વાર કોઈ કારણસર તે ઓછી કમાણી પણ થતી અને કોઈ વાર વધુ પણ થતી પરંતુ આમ તો તેની આવક 500 થી 700 ની વચ્ચે જ હતી.
માધુ એ પોતાના પેન્ટના ખિસ્સામાં હાથ નાખીને તેની પાસે જર્જરિત એક જૂનૂ પુરાણુ પર્સ હતુ જેનો તે ઘણા સમયથી ઉપયોગ કરતો તે કાઢ્યુ જેમાં તે પોતાની રોજની આવક મૂકતો હતો. પર્સની અંદર તે પોતાની પત્ની અને બાળકોના ફોટા રાખતો હતો. માધુએ જ્યારે પર્સ કાઢ્યુ ત્યારે તેને પર્સ ભારે લાગ્યુ તેને થયું કે કેમ પર્સ ભારે લાગે છે ? અને આ શું તે જેવો પર્સ ખોલ્યુ તો તેમાંથી તો ઘણી બધી નોટો ડોકાચીયા કરીને બહાર આવી ગઈ. ઓહો આટલી બધી નોટો કેવી રીતે ? તે વિસ્મયમાં મૂકાઈ ગયો, તેને થયું કે તે સપનું તો નથી જોતો ? તેણે તેની પત્નીને તરત જ બૂમ પાડી કે વિમલા, ઓ વિમલા જલ્દી આવ તો અહીં. એટલે વિમલા દોડતી દોડતી આવી કે શું થયું ? કેમ આટલી બૂમો પાડો છો ? માધુએ કહ્યુ કે આ જો મારુ પર્સ, તો વિમલાએ પર્સ જોયું તો તેમાં તો બહુ બધી 500 ની નોટો હતી. તે પણ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ. તેણે પૂછ્યુ આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા તમે ? માધુ કહે મને જ નથી ખબર ને. અને હા સાંભળ આજે મને સમય જ નથી મળ્યો એટલે જે પણ ફેરા કરવા ગયો અને જે પૈસા આપ્યા તે ગણ્યા સિવાય મેં પર્સમાં મૂકી દીધા હતા. એક તો ધોમધખતી ગરમીમાં એવો કંટાળ્યો હતો એટલે આ બાબતનો ખ્યાલ જ ના રહ્યો. હવે આ કોના પૈસા હશે ? એ વિચારમાં માધુ તો ડૂબી ગયો અને તે કંઈ ઓછી નોટો ન હતી 500 ની 10 નોટો હતી એટલે 5000 રુપિયા હતા. માધુ વિચાર કરવા લાગ્યો કે કયાં ગયો હતો અને કેવી રીતે નાણાં આપ્યા હતા એમ વિચાર માં ને વિચારમાં અર્ધ રાત્રી સુધી માધુને ઊંઘ જ ના આવી તેને થયું કે આ કોના નાણાં મારી પાસે આવી ગયા છે ? આખરે વિમલાએ એને બળ જબરી પૂર્વક ઊંધી જવા કહ્યુ એટલે માધુ ઊંઘી ગયો પંરતુ સવારે પણ તે વહેલો જાગી ગયો અને ફરી ગણવા લાગ્યો કે આ કોના નાણાં હશે ? આખરે વિચારતા વિચારતા તને યાદ આવ્યુ કે જ્યારે પહેલો ફેરો હતો તે શેઠે અલ્પેશભાઈએ તેને ઘણું બેસાડી રાખેલો તેઓ વ્યસ્ત હોવાથી અને આખરે જ્યારે તેણે ફરી તેમની પાસે નાણાં માગ્યા ત્યારે તેઓએ ગણ્યા વગર રૂપિયાની થોકડી તેને આપી દીધી હતી અને માધુએ પણ જોયા વગર મૂકી દીધી હતી. આ બાબતે માધુને હવે પાકી ખાતરી થઈ ગઈ કે આ નાણાં તો અલ્પેશભાઈના જ છે.
આથી માધુ ઘરે ભાથુ પણ લેવા રોકાયો નહી અને તેણી સીધી તેની પૈંડલ રીક્ષા અલ્પેશભાઈના ફેક્ટરી ભણી હંકારી કાઢી. અને ઝડપથી તે રઘવાયો થતો થતો ત્યાં પહોંચ્યો ત્યારે અલ્પેશભાઈ પણ ત્યાં ચિંતામાં બેઠેલા તેણે જોયા અને માધુએ તેમની પાસે જઈને તેમને તરત જ તે રુપિયા આપ્યા અને કહ્યુ કે શેઠ તમે મને કાલે ભૂલથી આ નાણાં વધુ આપી દીધા હતા તે મારા થી ના લેવાય મને મારી મજૂરીને રૂપિયા આપી દ્યો. આ સાંભળી અલ્પેશભાઈના જીવમાં જીવ આવ્યો અને કહ્યુ અરે માધુ ગઈકાલના હું અને મારી સાથેના કર્મચારી આ 5000 રુપિયા કોને વધુ આપી દીધા એ જ દ્વિધામાં હતી પરંતુ તે આવીને બધુ હલ કરી દીધુ. તારો ખૂબ ખૂબ આભાર.
એમ કહી અલ્પેશભાઈએ તેને મજૂરીના રૂપિયા ઉપરાંત 1000 રૂપિયા ભેટ તરીકે આપ્યા પંરતુ માધુએ તેનો સ્વીકાર કરવા ના પાડી કે મારી મજૂરી ના જ આપો શેઠ. આખરે અલ્પેશભાઈની ઘણી બધી મનાવણી પછી માધુ 1000 રૂપિયા લેવા સહમત થયો, અને હસતા મુખે ત્યાંથી વિદાય થયો અને અલ્પેશભાઈ અને તેમના સાથીદારો એક ગરીબ પરંતુ વફાદાર વ્યક્તિને આ રીતે જતાં જઈને ખુબ ખૂશ થયા.
મિત્રો, આમ માધુની વફાદારી પરથી આપણને પણ શીખ મળે છે કે જીવનમાં ક્યારે પણ કોઈનુ ખોટુ લેવુ નહી અને જો કોઈ પણ મળે તો જેનુ હોય તેને પહોંચતુ કરવામાં જ આનંદ છે.
ફરી મળીશુ એક નવી ટૂંકી વાર્તા સાથે....
આપની આભારી
વાયોલેટ ઉર્ફે વિરોનીકા
તા. 24.04.25