આગળ આપણે જોયું પક્ષી રાજકુમારને મદદ કરવા તૈયાર થઈ જાય છે.
તો રાજકુમાર તેને તેના લોકમાં ઉપર લઈ જવાનું કહે છે.
પણ પક્ષી ના પાડતા કહે છે તે સંભવ નથી.
રાજકુમાર પૂછે છે, "પક્ષી રાજ કેમ સંભવ નથી?" તો પક્ષી કહે છે, "મુસાફરી લાંબી છે અને હું થાકી જઈશ. મને એકધારું ઉપર ઉડવા માટે પાણી અને ખોરાકની જરૂર પડશે, નહીં તો મારી પાંખો મારો સાથ નહીં આપે અને મારી પાસે એટલો બધો ખોરાક પણ નથી."
રાજકુમાર પક્ષી રાજને કહે છે, "તમને હું રસ્તા માટે ખોરાકની સગવડતા કરી આપીશ, તમે ઉપર સુધી જવા માટે તૈયાર રહેજો. હું અહીંના રાજાને મળીને આવું, તે મારી ચોક્કસ મદદ કરશે." એમ કહીને રાજકુમાર રાજમહેલ શોધવા જંગલની બહાર નીકળે છે.
આ તરફ રાજકુમારી હેમખેમ રાજમહેલ પહોંચી જાય છે અને તેના પિતાને તે બહાદુર રાજકુમાર અને ડ્રેગનની બધી વાત કરે છે. રાજા રાજ્યમાં એલાન જાહેર કરે છે, "જે પણ કોઈ આ બહાદુર રાજકુમારને શોધીને લાવશે તેને રાજા ઇનામ આપશે."
આ બાજુ રાજકુમાર રાજ્યમાં પહોંચે છે અને રાજમહેલ વિશે પૂછે છે તો ખબર પડે છે કે રાજા રાજકુમારને જ શોધી રહ્યા છે. તો તે રાજા પાસે પહોંચી જાય છે. રાજકુમારી તેમના પિતાને તે રાજકુમારની બહાદુરીના વખાણ કરે છે. રાજા રાજકુમારનો આભાર વ્યક્ત કરે છે અને પોતાનું અડધું રાજ્ય આપી અને રાજકુમારી સાથે વિવાહ કરવાનું કહે છે.
પણ રાજકુમાર ના પાડે છે. તે રાજાને કહે છે, "હું પણ એક રાજકુમાર છું, મને એક રાજકુમારી સાથે પ્રેમ છે. મને માફ કરી દો, હું તમારી દીકરી સાથે વિવાહ નહીં કરી શકું. પણ શું તમે મને મદદ કરશો? મારે થોડાક દિવસનું ભોજન અને પાણી પક્ષી રાજ માટે જોઈએ છે જેથી તે મને ઉપર મારા લોક સુધી પહોંચાડી દે."
રાજા તરત જ હુકમ કરે છે. પક્ષીરાજ અને રાજકુમાર માટે બધી સગવડતા કરી તેમને પક્ષીરાજ સુધી પહોંચાડવામાં આવે છે. પછી રાજકુમાર રાજાનો આભાર માનતા વિદાય લે છે.
રાજકુમાર પક્ષીરાજ સાથે ઉપર ઉડવા જાય તે પહેલાં પક્ષી કહે છે, "રાજકુમાર, હું તમને જ્યારે ઉડતા ઉડતા એક પ્રકારનો અવાજ કરું તો તમારે સમજી જવું કે મને હવે ભોજન અને પાણીની જરૂર છે એટલે તમારે તરત જ મારી ચાંચ ખોલવી એટલે મારું ભોજન મૂકી દેવું જેથી મને ઉડવા માટે શક્તિ મળે."
પછી બંને ઉપર તરફ ઉડવા લાગે છે. જ્યારે પક્ષીરાજ અવાજ કરે એટલે તરત જ તેમની ચાંચમાં એક મોટો માંસનો કટકો અને પાણી રાજકુમાર મૂકી દેતા.
હવે ઉપર પહોંચવા જ આવ્યા હતા ત્યાં પક્ષી રાજનું ભોજન સમાપ્ત થઈ ગયું. પક્ષીરાજ કહે છે, "હવે થોડુંક જ રહ્યું છે, મારી પાંખો પણ થાકી ગઈ છે. હવે એક યોજન દૂર છે પણ મને ખોરાકની જરૂર છે."
રાજકુમાર કહે છે, "હિંમત ન હારતા, તમે મોઢું ખોલો, હું તમને ભોજન આપીશ." પક્ષીરાજ મોઢું ખોલે છે.
રાજકુમાર એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાની સાથળમાંથી એક કટકો તલવારના એક ઘાથી કાપીને પક્ષીરાજના મોઢામાં મૂકી દે છે.
પક્ષીરાજ તેમને તેમના લોક સુધી પહોંચાડી આપે છે.
રાજકુમારને લોહીલુહાણ હાલતમાં જોઈ પક્ષીરાજ પૂછે છે.
તો રાજકુમાર કહે છે, "ભોજન સમાપ્ત થઈ ગયું હતું એટલે મેં મારા શરીરમાંથી તમને આપ્યું."
પક્ષીરાજ તેમની ચાંચમાંથી તે કટકો પાછો કાઢીને રાજકુમારના લોહીલુહાણ ઘા પર મૂકે છે.
તો રાજકુમારને વરદાન હોવાથી તે ઘા રુજાઈ જાય છે.
પક્ષીરાજને રાજકુમાર પૂછે છે, "તમને ભૂખ અને તરસ લાગી હતી તો તમે કેમ તે કટકો ખાધો નહીં?"
પક્ષીરાજ કહે છે, "ભૂખ તો લાગી હતી પણ જ્યારે તમે મને માંસનો કટકો મારી ચાંચમાં મૂક્યો ત્યારે તે ગરમ લોહીવાળું તાજું માંસ છે તે મને ખબર પડી ગઈ એટલે મેં તે ન ખાધો. હું તમારી બહાદુરીને સલામ કરું છું. હવે મને રજા આપો, મારા બચ્ચાંઓ ભૂખ્યા મારી રાહ જોતા હશે." રાજકુમાર કહે છે, "તમે બિલકુલ ચિંતા ન કરો, તેમના ખોરાકની સગવડતા રાજાએ કરી દીધી છે, તેમનું ધ્યાન રાખશે. તમે થોડો આરામ કરો." પછી રાજકુમાર તેમને ખોરાક પાણીની સગવડ કરી આપે છે.
પક્ષીરાજ રાજકુમારની રજા લઈને તેમના લોકમાં જવા પરત ફરે છે.
રાજકુમારને તેના કુટિલ ભાઈઓની ખબર હોવાથી તે વિચારે છે કે હવે શું કરવું.
તે રાતના સંતાઈને રાજમહેલમાં જાય છે અને સામાન્ય માણસોના કપડાં પહેરીને પોતાના કક્ષમાં આરામ કરે છે. સવારે તે રાજ્યમાં ભ્રમણ કરતાં કરતાં ખબર પડે છે કે ત્રીજી રાજકુમારી માટે સ્વયંવર રાખવામાં આવ્યો છે. જે પણ કોઈ રાજકુમારીને તેના મનગમતા ત્રણ પોશાક બનાવી આપશે તો રાજકુમારી તેની સાથે વિવાહ કરશે.
રાજકુમાર તેમના શાહી દરજી પાસે જાય છે અને સામાન્ય માણસની જેમ તેમની પાસે કામ માગે છે.
શાહી દરજી મૂંઝવણમાં હોવાથી કહે છે (રાજકુમારને ઓળખતો નથી) અને કહે છે, "તારું નામ શું છે?"
રાજકુમાર પોતાનું નામ લુઈસ કહે છે.
દરજી કહે છે, "જો તું મારા મનગમતા પોશાક બનાવી દઈશ તો હું તને ખૂબ ધન આપીશ અને કામ પણ આપીશ." રાજકુમાર કહે છે, "તમે કહેશો તેવો પોશાક બનાવી આપીશ પણ મારી શરત છે, હું કામ કરું ત્યારે મારા કક્ષમાં કોઈ ન આવવું જોઈએ."
શાહી દરજી માથે મોટા રાજકુમારોનું દબાણ હોવાથી તે તેની શરત માની લે છે.
રાજકુમાર બે-ત્રણ દિવસમાં દરજી પાસેથી બધું જાણી લે છે.
મોટા બંને રાજકુમારોએ નાના રાજકુમારને મૃત જાહેર કરીને પોતાના પિતા રાજાને અંધારામાં રાખીને નાની રાજકુમારી સાથે વિવાહ કરવા માગે છે.
પણ નાની રાજકુમારીની શરતો આડે આવી જાય છે. હવે તે મને ત્રણ અદ્ભુત વસ્ત્ર બનાવી આપવાનું કહે છે: એક પ્રકૃતિને દર્શાવતો, એક આકાશને દર્શાવતો, અને એક જળ અને સમુદ્રને દર્શાવતો પોશાક જોઈએ છે.
મેં કેટલાય પોશાક બનાવ્યા પણ એકેય રાજકુમારીને ગમ્યા નહીં. હવે જો હું આ વખતે તેમને ગમતો પોશાક નહીં બનાવું તો રાજકુમારો મને મારી નાખશે.
નાનો રાજકુમાર તરત જ રાજકુમારીની ભાવના સમજી ગયો કે રાજકુમારી મારી રાહ જોઈ રહી છે અને તેને યાદ આવે છે કે રાજકુમારીએ તેને ત્રણ જાદુઈ ડબ્બી આપી હતી અને તેમાં આ ત્રણ તત્ત્વોને દર્શાવતા અદ્ભુત પોષાકો છે.
દરજી કહે છે, "તારું ક્યાં ધ્યાન છે લુઈસ? તું મને કહે તું ક્યારે આ પોષાકો બનાવી આપીશ?"
રાજકુમાર કહે છે, "તમે ચિંતા ન કરો, ત્રણ દિવસમાં થઈ જશે પણ મારા કક્ષમાં હું એકલો જ કામ કરીશ, ત્યાં કોઈ ન આવવું જોઈએ, તમે પણ નહીં."
દરજી તેની વાત માની લે છે અને બીજે દિવસે તે કાપડ વગેરે બધો સિલાઈનો સામાન અને સારું મજાનું ભોજન, મીઠાઈ, ફળો વગેરે મૂકીને જતો રહે છે.
બે દિવસ પછી દરજી પાછો આવીને બહારથી બારણું ખખડાવતા પૂછે છે, "લુઈસ, તેં વસ્ત્ર તૈયાર કરી લીધા? મારે દરબારમાં જવાનું છે."
નાનો રાજકુમાર બારણા પાસે જઈને કહે છે, "તમે કાલે સવારે ચડતા પહોરે આવજો, તમારા પોશાક તૈયાર હશે."
દરજી મૂંઝવણમાં કહે છે, "ભલે, હું સવારે આવીશ." પછી રાજકુમાર અડધી રાત થતાં તે ત્રણે ડબ્બીઓ એક પછી એક ખોલે છે તો તેમાંથી ચમકતાં અદ્ભુત સુંદર વસ્ત્રો નીકળે છે. પછી રાજકુમાર સૂઈ જાય છે.
જ્યારે સવારે દરજી આવીને બારણું ખખડાવે છે તો રાજકુમાર બારણું ખોલે છે અને દરજીને તે ત્રણે પોશાક બતાવે છે. દરજી પોશાક સામે જોતો જ રહી જાય છે. તેના રંગો ત્રણેય તત્ત્વોને ખૂબ જ સરસ રીતે દર્શાવતા હોય છે.
દરજી ખુશ થઈ જાય છે.
તે ત્રણેય સુંદર પોષાકોને લઈને મહેલમાં રાજકુમારી પાસે પહોંચે છે.
નાની રાજકુમારી વસ્ત્રોને જોતાં જ ઓળખી જાય છે, "આ તો ત્રણ જાદુઈ ડબ્બીના વસ્ત્ર છે જે મેં નાના રાજકુમારને આપી હતી."
રાજકુમારી દરજીને કહે છે, "તમે આ વસ્ત્ર નથી બનાવ્યા. જેણે આ પોષાક બનાવ્યા છે તેને મારી સામે લાવો." દરજી માફી માગતા તરત જ કહે છે, "એ તો મારા માણસે બનાવ્યા છે, તેનું નામ લુઈસ છે. હું હમણાં જ તેને તમારી સામે હાજર કરું છું."
દરજી નાના રાજકુમારને મહેલમાં લઈ જાય છે, ત્યાં રાજકુમારી સાથે રાજા પણ હાજર હોય છે.
દરજી બધી હકીકત રાજાને કહે છે અને લુઈસને તેમની સામે ઊભો રાખે છે.
રાજા નાના રાજકુમારને જીવંત જોઈને રાજી થતાં તેમને ભેટી પડે છે.
નાનો રાજકુમાર તેની સાથે જે પણ થયું તે અને તે ક્યાં ગયો હતો તે બધી વાત કરે છે.
રાજા મોટા બંને રાજકુમારોને દરબારમાં હાજર થવાનું કહે છે.
રાજા નાના રાજકુમારને દરબારમાં વેશ પલટો કરીને બેસવાનું કહે છે.
બંને મોટા રાજકુમારો દરબારમાં હાજર થાય છે.
પછી રાજા તેમને સવાલ પૂછે છે, "તમારા બંનેમાંથી જેણે રાક્ષસને માર્યો હશે તેને હું રાજા બનાવીશ અને નાની રાજકુમારી સાથે પરણાવીશ."
બંને રાજકુમાર અંદરોઅંદર ઝઘડવા લાગે છે.
એક કહે, "મેં રાક્ષસને માર્યો," બીજો કહે, "મેં માર્યો."
રાજા ગુસ્સામાં કહે છે, "શાંત થઈ જાઓ!"
પણ તે માનતા નથી અને એકબીજાની પોલ છતી કરવા લાગે છે.
મોટો રાજકુમાર કહે, "તેણે જ નાનાને કૂવામાંથી બહાર કાઢવાની ના પાડી હતી." વચલો રાજકુમાર કહે, "તેણે જ કીધું હતું તારે રાજા થવું હતું, મારે તો ફક્ત નાની રાજકુમારી સાથે લગ્ન કરવાં હતાં." આમ બંને રાજકુમારોની સાજિશ અને મૂર્ખતા રાજાની સામે આવી જાય છે.
રાજા ક્રોધમાં બંને રાજકુમારોને કારાવાસ ભોગવવા જેલમાં મોકલી દે છે.
અને નાનો રાજકુમાર રાજાને ડ્રેગનની સાત જીભ અને ત્રણ જાદુઈ વસ્ત્રની ડબ્બીઓ રાજાને આપે છે અને રાજાને કહે છે, "મેં જે રાક્ષસને માર્યો હતો તે એક શ્રાપિત દેવતા હતા. તેમને શ્રાપમાંથી મુક્ત કરવા બદલ તેઓએ મને વરદાન આપ્યું કે મને ગમે તેવો ઘા લાગશે તે તરત જ રુજાઈ જશે."
રાજા રાજકુમારની બહાદુરીથી ખુશ થઈ જાય છે
અને નાના રાજકુમારના લગ્ન નાની રાજકુમારી સાથે કરી દે છે.
Dh,story book ☘️
Heenagopiyani ✒️
-------------વાર્તા સમાપ્ત --------‐--‐-------