યારે કૂવામાં ઉતરવાનું હતું ત્યારે મોટા રાજકુમારને વિચાર આવ્યો કે ઘાયલ પ્રાણી કદાચ મરી ગયું હશે, એટલે પિતાશ્રી (રાજાજી) સામે બહાદુરીનું ઇનામ મેળવવાનો આ એક સારો મોકો છે.આથી, મોટો રાજકુમાર કૂવામાં ઉતરે છે, પરંતુ થોડે આગળ જતાં અંધકારથી ડરી જાય છે અને બહાર નીકળવા માટે ગભરાઈને બૂમો પાડવા લાગે છે. ઉપર ઊભેલા બે રાજકુમારો ઝડપથી દોરડું ઉપરની તરફ ખેંચીને મોટા ભાઈને બહાર કાઢી લે છે.બીજી વખત, મધ્યમ રાજકુમાર મોટા ભાઈની મજાક ઉડાવતાં કહે છે, "જુઓ, હું કેવી રીતે તે ભયાનક પ્રાણીને મારી આવું છું!" પછી તે કૂવામાં ઉતરે છે, પરંતુ તેની હિંમત પણ અડધે રસ્તે ખૂટી જાય છે અને તે પાછો ઉપર આવી જાય છે.હવે સૌથી નાનો રાજકુમાર કૂવામાં ઉતરે છે. તે જરા પણ ડર્યા વગર કૂવાના તળ સુધી પહોંચી જાય છે. તેણે તેના ભાઈઓને કૂવા પાસે રાહ જોવાનું કહ્યું હતું. તે દોરડું છોડીને મશાલ પ્રગટાવે છે, તો તેને એક ગુફા દેખાય છે. નાનો રાજકુમાર ગુફામાં દાખલ થાય છે અને ત્યાં એક અલગ, સુંદર દુનિયા જુએ છે—સુંદર બગીચો, રંગબેરંગી પક્ષીઓ, સોનેરી હરણો અને મનોહર વૃક્ષો. થોડું આગળ જતાં, ફૂલોના ઝૂલા પર ઝૂલતી ત્રણ કુમારિકાઓ દેખાય છે.નાનો રાજકુમાર તે કુમારિકાઓને રાક્ષસ વિશે વાત કરે છે. તેમાંથી એક બોલે છે, "અમને, ત્રણ બહેનોને, આ રાક્ષસે બળજબરીથી અપહરણ કરીને અહીં લાવી છે. અમારી પાસે જાદુઈ ત્રણ ડબ્બીઓ છે, એટલે તે અમારી સાથે લગ્ન કરવા માગે છે."નાનો રાજકુમાર કહે છે, "તમે બિલકુલ ગભરાશો નહીં, હું તે રાક્ષસને મારી નાખીશ. તે ક્યાં છે, તે મને કહો." સૌથી નાની બહેન, જે સુંદર અને બુદ્ધિમાન હતી, તે રાજકુમારને કહે છે, "આ રાક્ષસને મારવો હોય તો તે નિંદ્રામાં હોય ત્યારે મારવો પડશે. તેની બંને આંખો પર વાર કરવો પડશે, તોજ તે મરશે. તે સૂતી વખતે એક આંખ ખુલ્લી રાખે છે. તે જ સમયે વાર કરશો, તોજ તે મરશે. જો એક ક્ષણ પણ વિચારશો તો તે સજાગ થઈ જશે." તે રાજકુમારને રાક્ષસના મહેલમાં લઈ જઈ તેનો કક્ષ બતાવે છે.રાજકુમાર રાક્ષસને ચોરીછૂપીથી જુએ છે. રાક્ષસ એક આંખ ખુલ્લી રાખીને સૂતો હોય છે. રાજકુમાર તરત જ બાજુમાં પડેલો ભાલો ઉપાડીને રાક્ષસની આંખમાં મારે છે. રાક્ષસ અધમૂઓ થઈ જાય છે અને તેનો પ્રાણ નીકળી જાય છે. ત્યારે એક દેવતા પ્રગટ થાય છે અને રાજકુમારનો આભાર માનતાં કહે છે, "હે રાજકુમાર, તમે મને વર્ષોના શાપમાંથી મુક્ત કર્યો છે. હું તમને એક વરદાન આપું છું—તમારા શરીર પર ઘા થશે તો તેનો દુખાવો નહીં થાય અને ઘા તરત રૂઝાઈ જશે."ત્યારબાદ, ત્રણેય રાજકુમારીઓ રાજકુમારને એક સુંદર ભોજનખંડમાં લઈ જાય છે. ત્યાં વિવિધ પકવાનો સાથે બે સોનેરી રંગનાં સફરજન પણ હોય છે, જે તેઓ રાજકુમારને ખવડાવે છે.પછી, રાજકુમાર ત્રણેય રાજકુમારીઓને લઈને કૂવા પાસે પહોંચે છે અને તેમને એક સોનેરી સફરજન આપે છે. તે વિનંતી કરે છે, "મારા બંને ભાઈ બહાદુર રાજકુમારો છે, તેઓ તમને ગમશે. જો તમને પસંદ હોય તો તેમને હા પાડીને આ ત્રણ વીંટીઓમાંથી ગમે તે રાજકુમારને પહેરાવી દેજો." પરંતુ સૌથી નાની રાજકુમારીને નાના રાજકુમારની બહાદુરી ગમી ગઈ હતી. તેથી, તે નાના રાજકુમારના હાથમાં ત્રણ જાદુઈ ડબ્બીઓ આપતાં કહે છે, "તમે મને પસંદ છો, હું તમારી સાથે જ લગ્ન કરીશ. આ ત્રણ ડબ્બીઓમાં ત્રણ પોશાક છે, જે ધરતી, આકાશ અને જળ—આ ત્રણ તત્ત્વોને દર્શાવે છે. આ તમારી પાસે રાખો. હું તમારી રાહ જોઈશ."રાજકુમાર ત્રણેય રાજકુમારીઓને દોરડાથી બાંધીને તેના ભાઈઓને દોરડું ઉપર ખેંચવા માટે જોરથી બૂમ પાડે છે. કૂવા પાસે રાહ જોતા રાજકુમારો તેનો અવાજ સાંભળે છે અને તરત દોરડું ખેંચવા લાગે છે. ઉપર આવેલી ત્રણેય સુંદર રાજકુમારીઓને જોઈને તેઓ આશ્ચર્યમાં પડી જાય છે. રાજકુમારીઓ બધી વાત રાજકુમારોને કહે છે. પછી, બંને રાજકુમારો રાજકુમારીઓની પસંદગી માટે એકબીજા સાથે ઝઘડવા લાગે છે.આ બાજુ, કૂવામાં નીચે ઊભેલો નાનો રાજકુमાર બૂમો પાડીને થાકી જાય છે, પરંતુ કોઈ જવાબ આપતું નથી. જ્યારે નાની રાજકુમારી દોરડું ખેંચવાનું કહે છે, ત્યારે રાજકુમારો હાથ દુખતાં હોવાનું બહાનું કાઢીને કહે છે, "અમે મહેલના સિપાઈઓને દોરડું ખેંચવા મોકલીશું. હવે ઝડપથી ચાલો, આ જંગલમાં ભયાનક પ્રાણીઓ રહે છે." એમ કહીને તેઓ બધા મહેલ તરફ જતા રહે છે.નાનો રાજકુમાર બે-ત્રણ દિવસ સુધી કૂવામાં રાહ જોતો રહે છે, પરંતુ કોઈ આવતું નથી. તે હિંમત હારતો નથી, કારણ કે તેને તેના ભાઈઓની ખબર હતી. તે કૂવાની અંદરના દેશમાં ફરે છે, જેથી ઉપર જવાનો રસ્તો મળી જાય. ફરતાં-ફરતાં તેને એક ઘરડો માણસ મળે છે, જે ઉપર જવા માટે માટીના પહાડમાં રસ્તો બનાવતો હતો. રાજકુមાર તેને કૂવાની બહાર જવાનો બીજો માર્ગ પૂછે છે. ઘરડો માણસ કહે છે, "આગળ જતાં એક સરોવર આવશે, જેમાં બે મોટાં પક્ષીઓ તરતાં હશે—એક સફેદ રંગનું અને એક લીલા રંગનું. તમારે આંખ બંધ કરીને તેમની નજીક જઈ, પક્ષીને પકડી તેની પીઠ પર ચડી જવું. તે તમને ઉપર પહોંચાડી દેશે. પરંતુ સાવધાન! જો તમે ભૂલથી લીલા રંગના પક્ષી પર બેસી જશો, તો તે તમને વધુ નીચે, બીજી દુનિયામાં લઈ જશે. આંખ ખોલતા પહેલાં પક્ષીની પીઠ પરથી ઉતરી જજો."રાજકુમાર આગળ વધે છે. એક જંગલ પાર કરતાં તેને સરોવર દેખાય છે, જેમાં બે પક્ષીઓ તરતાં હતાં. રાજકુમાર ધીમે-ધીમે તેમની પાસે પહોંચે છે, આંખ બંધ કરીને એક પક્ષીની પીઠ પર બેસી જાય છે. પક્ષી ઉડવા લાગે છે અને એક જગ્યાએ રાજકુમારને ઉતારે છે. રાજકુમાર આંખ ખોલે છે, તો જુએ છે કે તે એક અલગ, સુંદર દુનિયામાં છે. તે તરત જ પક્ષી તરફ જુએ છે, અને તે લીલા રંગનું હોય છે. પક્ષી ઉડી જાય છે.રાજકુમાર હિંમત નથી હારતો અને આગળ વધે છે. ચાલતાં-ચાલતાં એક જગ્યાએ થાકીને બેસી જાય છે. જ્યારે તે આરામ કરવા જાય છે, ત્યાં તેને કોઈના રડવાનો અવાજ સંભળાય છે. રાજકુમાર તરત જ સજાગ થઈને અવાજની દિશામાં ધીમે-ધીમે જાય છે. ત્યાં, ખાવા-પીવાની વિવિધ વસ્તુઓ સાથે, એક મોટા પથ્થર સાથે બંધાયેલી એક સુંદર કુમારિકા દર્દનાક રુદન કરતી દેખાય છે. રાજકુમાર તેની પાસે જઈને પૂછે છે, "તું કેમ રડે છે? તને આમ પથ્થર સાથે કેમ બાંધી છે?"કુમારિકા રડતાં-રડતાં કહે છે, "હું એક રાજકુમારી છું. જંગલમાં શિકાર કરવા નીકળી હતી, ત્યાં જંગલી આદિવાસીઓએ મને પકડી લીધી. અમારા રાજ્યમાં ડ્રેગનનો ત્રાસ છે, એટલે આ આદિવાસીઓએ મને અહીં બાંધી દીધી. તમે મને બચાવો, નહીં તો ડ્રેગન મને ખાઈ જશે."બહાદુર રાજકુમાર કહે છે, "તું ડરીશ નહીં, હું તને બચાવીશ." રાજકુમારી કહે છે, "જો તમે મને બચાવવા માગો છો, તો એક વાત કહું. આ ડ્રેગનનાં સાત માથાં છે, અને વચ્ચેના માથા પર એક શિંગડું છે. તેને કાપી નાખશો, તો જ ડ્રેગન મરશે."રાજકુમાર નજીકના એક મોટા વૃક્ષની ડાળ પર સંતાઈને ડ્રેગનની રાહ જુએ છે. જેવો ડ્રેગનનો અવાજ સંભળાય છે, રાજકુમાર સજાગ થઈ જાય છે. ડ્રેગન રાજકુમારીની નજીક આવે છે, ત્યાં રાજકુમાર ડાળ પરથી કૂદીને ડ્રેગનના માથા પર ચડી જાય છે અને તેના વચ્ચેના માથા પરનું શિંગડું પોતાની બરછીથી એક જ ઘામાં કાપી નાખે છે. ડ્રેગન એક કરુણ ચીસ પાડીને જમીન પર પડે છે અને પ્રાણ છોડી દે છે.રાજકુમાર રાજકુમારીને દોરડાના બંધનમાંથી મુક્ત કરે છે, પરંતુ તે ગભરાઈને જંગલની બહાર દિશામાં ભાગી જાય છે. રાજકુમાર ડ્રેગનની સાતેય જીભો કાપીને નિશાની તરીકે પોતાની પાસે રાખી લે છે.રાજકુમારને ઘણા દિવસથી ભૂખ લાગી હતી, તેથી તે ડ્રેગન માટે રાખેલા ખોરાકમાંથી થોડું ખાય છે અને બાકીનું સાથે બાંધી લઈ આગળ વધે છે. ત્યાં તેને એક વિશાળ વૃક્ષ દેખાય છે. ત્રણ રાતથી ન સૂવાને કારણે તેને ઊંઘ આવતી હતી, તેથી તે વૃક્ષની એક મોટી ડાળ પર ચડીને સૂવાની કોશિશ કરે છે. ત્યાં, તેની ઉપરની ડાળ પર એક વિશાળ પક્ષીના માળામાં, બચ્ચાઓને એક અજગર ખાવાની કોશિશ કરતો હતો. બચ્ચાઓના રુદનથી રાજકુમાર સજાગ થઈ જાય છે અને અજગરને પોતાની બરછીના ઘા મારીને ઘાયલ કરે છે. અજગર નીચે પડીને તરફડે છે.ત્યાં વિશાળ પક્ષી આવીને રાજકુમાર પર હુમલો કરવા જાય છે, પરંતુ બચ્ચાઓ તેને રોકીને કહે છે, "આ માણસે અમારો જીવ બચાવ્યો છે. જુઓ, નીચે અજગર મરેલો પડ્યો છે." પક્ષી રાજકુમારનો ઉપકાર માનતાં કહે છે, "હું તમારા માટે શું કરું, કહો."
(વાર્તા અહીં અધૂરી છે...)
ત્રીજા ભાગની રાહ જુઓ