ત્રીશા મીઠાઈ લઈને ઘરે પહોંચે છે.
બેઠક રૂમમાં ત્રીશાને જોવા આવેલ વિશાલ,
એના મમ્મી પપ્પા સાથે બેઠો છે.
ત્રિશા અંદરનાં રૂમમાં જાય છે,
ત્રિશાને જોતાજ,
( વિશાલ અતિ ઉત્સાહિત થઈ એનાં મમ્મી પપ્પાને )
વિશાલ :- મમ્મી...પપ્પા...મને ત્રિશા પસંદ છે.
બસ, જો હું એને ગમતો હોઉં,
તો હું એની સાથે લગ્ન કરવા તૈયાર છું.
અચાનક દીકરાની આ વાત સાંભળીને એના મમ્મી પપ્પા વિશાલ ને થોડી ધીરજ અને શાંતિ રાખવા માટે કહે છે.
તેમ છતાં વિશાલ તો બોલવાનું ચાલું રાખે છે, ને એના મમ્મીને અને પપ્પાને કહે છે કે,
વિશાલ :- મમ્મી પપ્પા ત્રીશા સાથે હું ખાલી લગ્ન કરવાની તૈયારી જ નહીં,
એની સાથે સાથે હું તમને બંનેને
બીજી એક વાતનો પણ વિશ્વાસ અપાવું છું કે,
તમને બંનેને તમારા દીકરા માટે જેવી વહુ જોઈએ છે, એનાથી પણ સવાઈ છે આ ત્રીશા.
વિશાલના મોઢેથી બોલાઈ રહેલ આ શબ્દો સાંભળીને,
આચાર્યચકિત, અચંબિત, કે પછી
અસમંજસ ભર્યા મિશ્ર ભાવ સાથે તેઓ વિશાલ સામે જોઈ રહે છે.
વિશાલ એની વાત આગળ વધારતા પોતાની મલ્ટીનેશનલ કંપનીનું પૂરું નામ, અને એ કંપનીમાં એનાં હોદ્દા સાથેની વિગત પણ એના મમ્મી પપ્પાને જણાવે છે.
ને વિશાલના મોઢેથી આટલું સાંભળતાં જ...
વિશાલ ના મમ્મી પપ્પાની સાથે સાથે
અંદરનાં રૂમમાં તૈયાર થઈ રહેલી ત્રીશા ના ચહેરા પર પણ, થોડી શરમ સાથેનું સ્મિત રેલાઈ જાય છે.
હા દોસ્તો,
ત્રિશા જે ઓફિસમાં કામ કરે છે,
એ જ ઓફિસની HOમાં,
વિશાલ ઊંચી પોસ્ટ ઉપર છે, ને એટલે જ....
વિશાલે ત્રિશાની કામ કરવાની ક્ષમતા, એની મહેનત, એની ધગશ અને એની હોશિયારીની વાતો ખૂબ જ સાંભળી હોય છે,
ને અહીં કુદરતનો વિશેષ કરિશ્મા એ હતો કે,
હમણાં થોડાં સમય પહેલાં જ...એમજ...
HO માં ત્રિશાનાં બાયોડેટા પર પણ વિશાલની નજર ગઈ હતી.
એટલે વિશાલ ત્રીશાને એક નજરે જ ઓળખી ગયો હતો.
બસ એજ રીતે... સામે ત્રિશાથી પણ,
વિશાલ સરનું નામ, અને એમનું કામ અજાણ ન હતું.
બીજી બાજુ
ત્રિશાની મમ્મી રસોડામાં નાસ્તો તૈયાર કરી રહ્યાં છે,
ને ત્રિશાનાં પપ્પા થોડી વાર મહેમાન પાસે અને થોડી વાર રસોડામાં મદદ માટે આંટા મારી રહ્યાં છે.
ત્રિશા હજી અંદરનાં રૂમમાં ફ્રેશ થઈ રહી છે, ત્યાંજ....
ત્રિશાનાં કાને વિશાલનામમ્મીનો અવાજ આવે છે.
વિશાલના મમ્મી :- કહું છું,
આ છોકરીને પગાર કેટલો હશે ?
વિશાલના પપ્પા :- જે હોય એ,
આપણે ક્યાં એને નોકરી કરાવવી છે.
ત્રિશા તૈયાર થઈને બહાર આવે છે.
અત્યાર સુધીમાં ત્રિશાના મમ્મી-પપ્પા પણ મહેમાનવાળા રૂમમાં આવી ગયા છે.
આ લોકોની થોડી ઔપચારિક વાતોને અંતે,
બંનેનાં માતા-પિતા ત્રીશા, અને વિશાલને કહે છે કે,
તમારે બંનેએ એકબીજા સાથે કંઈ વાત કરવી હોય,
તો બાજુના રૂમમાં કરી આવો બેટા.
ત્યાંજ ત્રિશા એ હમણાં રૂમમાં તૈયાર થતી વખતે વિશાલના મમ્મી પપ્પાની નોકરી વિશેની વાત સાંભળી હતી,
એ વાતને લઈને...
ત્રીશા:- અંકલ-આંટી,
જૂઓ અમે બંને વાત કરીએ,
એ પહેલાં મારે તમારી સાથે થોડી વાત કરવી છે.
અચાનક ત્રીશા ની આ વાત સાંભળી,
એક ક્ષણ માટે બધાં અવાક થઈ જાય છે,
ને બીજીજ ક્ષણે નોર્મલ થતાં...
વિશાલના મમ્મી-પપ્પા :- હા બોલને બેટા
ત્રીશા :- અંકલ, મારા પપ્પાનું સપનું રહ્યું છે કે,
મને ભણાવી-ગણાવીને પગભર કરવી,
મારું ભવિષ્ય ઊજળું ને મજબૂત બનાવવું.
અને મારી મમ્મીએ પણ,
મારા ગણતરમાં કોઈજ કચાસ રાખી નથી, પછી એ નોકરી ધંધાની સમજ હોય કે પછી
ઘર સંસારને લગતી સમજ હોય,
મારા મમ્મી પપ્પાએ મને બધી રીતે તૈયાર કરી છે. ને એટલે જ
આજે મને પણ એક વાત સારી રીતે સમજાઈ ગઈ છે કે,
દિકરો હોય કે દિકરી,
જમાનાની સાથે કદમ મિલાવવા હોય,
તો ભણી-ગણીને એનો ઉપયોગ પણ કરવો જ રહયો.
અને રહી વાત ઘરકામની,
એતો આજે પણ હું કરુંજ છું,
ને મને એમાં મજા પણ આવે છે, ને જો
કોઈકવાર ઓચિંતું કોઈ કારણ આવશે,
તો ઓફિસથી પહેલી રજા હું લઈ લઈશ.
બોલો હવે તમને કોઈ વાંધો છે ?
આટલું સાંભળી,
વિશાલ અને તેનાં મમ્મી-પપ્પા ખૂશ થઈ જાય છે, ને ત્રિશાના મમ્મી-પપ્પા તો દિકરીની વાત સાંભળી એમની આંખોમાં તો
હરખનાં આંસુ આવી જાય છે.
ને પછી બધાં મો મીઠું કરે છે.