Jaat in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | જાટ

Featured Books
Categories
Share

જાટ

જાટ

- રાકેશ ઠક્કર

         જ્યારે પણ દક્ષિણના નિર્દેશક સાથે બોલિવૂડના હીરોનું જોડાણ થયું છે ત્યારે એક મનોરંજક ફિલ્મ જોવા મળી છે. એનું વધુ એક ઉદાહરણ નિર્દેશક ગોપીચંદ માલીનેની સાથે સની દેઓલની ‘જાટ’ છે. ગોપીચંદ 2024 સુધીમાં તેલુગુમાં સાત માસ ફિલ્મો બનાવી ચૂક્યા હોય અને સની જેવો એક્શન હીરો સાથે હોય ત્યારે ‘જાટ’ જોરદાર બને એ બાબતે શંકા ના હોય.

         જો આ ફિલ્મમાં સનીના સ્થાને રવિ તેજા જેવો કોઈ દક્ષિણનો હીરો હોત તો એ દાયકા જૂની દક્ષિણની ફિલ્મ જેવી જ બની હોત. પણ સનીએ આખી ફિલ્મને એક નવી ઊંચાઈ આપી છે. ‘ગદર’ પછી કોઈ નિર્દેશકે સનીને માસ દર્શકો માટે આ રીતે રજૂ કર્યો નથી. સની રાજકુમાર સંતોષીની ફિલ્મોમાં જે કરતો હતો એનાથી અનેકગણું વધારે કરી શકે છે એની ‘જાટ’ થી ખબર પડી છે. નિર્દેશકે સનીને એવા જ અવતારમાં રજૂ કર્યો છે જેના માટે જાણીતો રહ્યો છે. જોકે, સનીની 67 વર્ષની ઉંમરને ધ્યાનમાં રાખીને નિર્દેશકે એની પાસે દોડધામ કરાવવાને બદલે ઊભા રહીને જ એક્શન દ્રશ્યો કરાવ્યા છે!

         અભિનયની રીતે ‘ગદર 2’ પછી સની માટે યોગ્ય ફિલ્મ છે. પરંતુ બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત બાદ વર્ડ ઓફ માઉથથી આવક વધી રહી હોવાથી એમ માનવામાં આવે છે કે પ્રમોશન બરાબર કરવામાં આવ્યું ન હતું. ટ્રેલરને સારો પ્રતિભાવ મળ્યા પછી પ્રચાર પર મહેનત કરી હોત તો બોક્સ ઓફિસ પર અસર જોવા મળી હોત. ફિલ્મના 22 દ્રશ્યો પર સેન્સર બોર્ડ દ્વારા કાતર ચલાવવામાં આવી અને યુ/એ (16+) સર્ટીફિકેટ મળ્યું એનાથી પણ દર્શકો ઘટી ગયા હતા. ફિલ્મ પૈસા વસૂલ જરૂર છે. એમાં ખાસ કોઈ કમી નથી. કેમકે જેણે જોઈ છે એણે પસંદ કરી જ છે. ફિલ્મ નિષ્ફળ રહેશે તો પણ સનીનું સ્ટારડમ ખતમ થઈ જવાનું નથી. એનો ભૂતકાળ જેટલો ભવ્ય છે એટલું ભવિષ્ય ઉજળું છે. એની પાસે બોર્ડર 2, ગદર 3, લાહોર 1947 જેવી ફિલ્મો છે જે ભરોસો આપે છે કે સની પાછો બોક્સ ઓફિસ પર ગદર મચાવશે.

         ફિલ્મનો પહેલો ભાગ બહુ સારો બન્યો છે પણ બીજો ભાગ સ્લો મોશન એક્શન, ઉર્વશીનું આઈટમ ગીત જેની જરૂર ન હતી. એ ગીતને કારણે જ ‘એ’ ગ્રેડના હીરોની ફિલ્મ ‘બી’ ગ્રેડની બની ગઈ. ઘણા દ્રશ્યો દક્ષિણની ટિપિકલ ફિલ્મોની યાદ અપાવે છે. કેમકે એમાં દક્ષિણના કલાકારો વધુ છે. ઇન્ટરવલ પછી 15 મિનિટ ફિલ્મ જાણે અટકી જાય છે. ટૂંકા નામવાળી આ ફિલ્મની લંબાઈ ટૂંકી કરવાની જરૂર હતી. ક્યારેક વાર્તા ‘નવી બોટલમાં જૂનો દારૂ’ જેવી લાગશે. હીરો વિલન સાથે જે કારણથી લડે છે એ નવું અને અલગ છે. ફિલ્મની વાર્તા ‘સિકંદર’ અને ‘જવાન’ ની વચ્ચે ઝૂલતી લાગશે.

         ‘જાટ’ માં ફ્લેશબેક સાથે રહસ્ય ખોલવામાં આવતા હોવાથી વાર્તા બાંધી રાખે છે. સનીની ઇમેજ અને ચિલ્લાઈને બોલવાની સ્ટાઇલનો લાભ ઉઠાવવા ફિલ્મમાં સંવાદ હજુ દમદાર જોઈતા હતા. માત્ર પોલીસ સ્ટેશનના દ્રશ્યોમાં તાળીમાર ડાયલોગ્સ છે. વિલન તરીકે રણદીપ હુડા કમાલનું કામ કરી જાય છે. સની સામે ખલનાયક ‘રાણાતુંગા’ તરીકે ખતરનાક અને જવાબ આપી શકે એવો વિશ્વસનીય લાગે છે. છેલ્લા થોડા વર્ષોમાં ‘જાટ’ પહેલી એવી ફિલ્મ હશે જેમાં નિર્દેશકે હીરોથી વધુ વિલન પર ફોકસ રાખ્યું છે. એની અલગ વાર્તા આપી છે. રણદીપ પાસે વિલન તરીકે આટલું સારું કામ કરાવી શકાય એની બીજા નિર્દેશકોને હવે ખબર પડશે. તેના અવાજથી પણ પ્રભાવ ઊભો થાય છે.

         રણદીપની સાથે ‘છાવા’ થી વધારે જાણીતા થયેલા વિનીતકુમારે શાનદાર કામ કર્યું છે. તે પોતાના ચહેરા કરતા જે અવાજ કાઢે છે એ સાઉન્ડ ઇફેક્ટથી વધારે જાણીતો થયો છે. નબળું પાત્ર લખાયું હોવા છતાં સૈયામી ખેર પ્રાભાવિત કરે છે.

         થમનનું બેકગ્રાઉન્ડ સંગીત સનીની એક્શનમાં શક્તિઓ બતાવે છે. ‘ઓહ રામા’ સિવાયના ગીતોમાં નિરાશ કરે છે. આ એક્શન ફિલ્મ રોમાન્સ, ડાન્સ વગેરે પસંદ કરતાં દર્શકો માટે નથી. સારી વાત એ છે કે એક્શન પાછળના કારણ આપવામાં આવ્યા છે. છતાં ગાજર – મૂળાની જેમ માથા કાપવાના બિભત્સ અને કેટલાક લોહીયાળ હિંસાના દ્રશ્યો એવા છે કે બાળકો અને નબળા દિલવાળાએ ‘જાટ’ દૂર રહેવું પડશે.