છોરી 2
- રાકેશ ઠક્કર
બોલિવૂડની ઘણી ફિલ્મો માટે એમ કહેવાય છે કે એને સીધી OTT પર રજૂ કરવાની જરૂર હતી. ‘છોરી 2’ જેવી બહુ ઓછી ફિલ્મ હોય છે જેના માટે કહેવાય છે કે થિયેટરમાં લાવવી જોઈએ. 2017 ની મરાઠી ‘લપાછપી’ ની હિન્દી રિમેક ‘છોરી’ 2021 માં આવી હતી. એ એટલી ડરામણી હતી કે હોલિવૂડે એની રિમેક બનાવી હતી. ‘છોરી 2’ હોરર છે પણ એને નામને કારણે ‘સ્ત્રી’ ની સાથે સરખાવી શકાય એમ નથી.
આ કોઈ ફોર્મૂલા હોરર ફિલ્મ નથી. એમાં કોમેડી બિલકુલ નથી છતાં પરિવાર સાથે જોઈ શકાય એવી ભૂતિયા ફિલ્મ છે. એ હોરરના પરિચિત ઝોનરમાં નથી. લોકકથાઓ પર આધારિત બનાવવામાં આવી છે. એને જોવા માટે પહેલા ભાગને જોવાનું ફરજિયાત નથી. શરૂઆતમાં ‘છોરી’ ની ઝલક આપી દીધી છે. વાર્તા 7 વર્ષ પછી ત્યાંથી શરૂ થાય છે જ્યારે નુસરત પતિને મારીને સાસરિયાંથી પોતાનો અને પુત્રીનો જીવ બચાવીને ભાગી હતી. તેણે બાળકીને જન્મ સાથે મારી નાખવાની કુપ્રથા સામે લડાઈ લડી હતી. હવે પુત્રીને એક અજીબ બીમારી થાય છે અને એની સાથે ભૂતકાળ જોડાયેલો હોય છે. એનું અપહરણ થાય છે. તેને એક ભયાનક ભૂતિયા ગામમાં લઈ જવાય છે. જ્યાં સુરંગોની અંદર એક મહિલા વિરોધી દુનિયાની રચના થઈ હોય છે. એમાં દર્શકે જે વિચાર્યું હોય છે એ થતું નથી અને જે વિચાર્યું નથી એ થાય છે. ભૂતિયા કરતાં સસ્પેન્સ થ્રીલર વધુ છે. નિર્દેશકે અસલી ‘ભૂત’ બતાવવાનો પ્રયાસ કર્યો છે.
દરેક સામાન્ય કલાકાર અલગ જ ભૂમિકામાં છે. કોઈ સ્ટાર કલાકાર ન હોવાથી કોની કેવી ભૂમિકા હશે એનો ખ્યાલ આવતો નથી અને એનો અભિનય જબરદસ્ત હોવાથી વધારે જોવાલાયક બને છે. નુસરત ભરૂચાએ એક માની ભૂમિકાને બહુ સંવેદનાસભર અભિનય સાથે ન્યાય આપ્યો છે. નુસરત પાસે કેટલી બધી પ્રતિભા છે એ પહેલી વખત જોવા મળ્યું છે. તેની પાસે હજુ વધારે અપેક્ષા રાખી શકાય છે.
જેના અભિનયની ક્યારેય નોંધ લેવાઈ નથી એ સોહા અલી ખાન ખરેખર એક સશક્ત અભિનેત્રી બની શકે એવી ક્ષમતા ધરાવે છે. એને નિર્દેશકોએ વધુ તક આપવાની જરૂર છે. આ ફિલ્મથી એણે કમબેક કર્યું છે. નુસરતની પુત્રી તરીકે હાર્દિકા પણ અભિનયમાં કમ નથી. પોલીસ ઓફિસર તરીકે ગશ્મીર મહાજની પોતાના અભિનયથી છાપ છોડી જાય છે. નિર્દેશક વિશાલ ફુરિયાને એ વાતની દાદ આપવી પડશે કે સામાન્ય કાલાકારો પાસેથી સારું કામ કઢાવ્યું છે. અને કેમેરા એંગલ સાથે સંગીતથી પણ ડરાવ્યા છે. બેકગ્રાઉન્ડ સંગીત ડર ઊભો કરે છે. હેડફોન લગાવીને ફિલ્મ જોવાથી વધારે ડરામણો અનુભવ થશે. તેમ છતાં એમ લાગશે કે પહેલી ફિલ્મ ‘છોરી’ વધુ ડરામણી હતી. નિર્દેશક અને લેખકે સ્ક્રિપ્ટ પર વધારે મહેનત કરવાની જરૂર હતી. હિંમત કરીને હોરરને ફોર્મૂલાથી બહાર લાવ્યા છે. પણ એમાં ડર વધુ હોવો જોઈતો હતો. સારી વાત છે કે વિષય પકડી રાખવા એકપણ ગીત વગર બનાવી છે. કેટલાક દ્રશ્યો વધુ પડતાં લાંબા થઈ ગયા છે તો એકબીજાની શોધમાં સુરંગોમાં ફરવાના ઘણા દ્રશ્યોમાં પુનરાવર્તન થાય છે. કોઈ બાબત યાદગાર બની શકી નથી.
ફિલ્મ કન્યા ભ્રૂણ હત્યા, બાળવિવાહ અને બીજી ઘણી બાબતે સંદેશ આપી જાય છે. છોરી 2’ માં VFX નો કોઈ મોટો કમાલ નથી. દર્શકોને વાર્તાથી વધારે ચોંકાવ્યા છે. પહેલા ભાગ કરતાં બીજા ભાગની ગતિ ધીમી છે. ક્લાઇમેક્સ દમદાર છે પણ બહુ જલદી પૂરો થઈ જાય છે. છેલ્લે એના ત્રીજા ભાગનો સંકેત આપી દીધો છે. માતા- પુત્રીનો મજબૂત સંબંધ દર્શાવતી ફિલ્મ ‘છોરી 2’ અભિનય અને સામાજિક સંદેશ આપવા બાબતે ઉલ્લેખનીય છે. પરંતુ ખરાબ VFX, નબળી સ્ક્રિપ્ટ અને ક્લાઇમેક્સ નિરાશ કરે છે. અલબત્ત OTT પર એક વખત જરૂર જોવા જેવી છે.