ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
... ચાર પાંચ મિનિટ પછી દરવાજે નોક થયો. નિનાદે દરવાજો ખોલ્યો અને આગન્તુક ને કહ્યું. "આવ શેરા," વિક્રમે આગન્તુક ની સામે જોયું. લગભગ 26-27 વર્ષ ની ઉંમર 6 ફૂટ 2 ઈંચની હાઈટ, કસાયેલું પડછન્દ શરીર, હાફ સ્લીવના શર્ટની બાંય માંથી દેખાતા માંસલ મજબૂત બાવળા, વ્હાઇટ શર્ટ અને જીન્સ પહેરીને ઉભેલા એ આદમીમાં એક અનેરી આભા હતી. શેરા રૂમમાં પ્રવેશ્યો કે તરત જ એની નજર વિક્રમ પર પડી. એ એક ક્ષણ અચકાયો, અને પ્રશ્ન વાચક નજરે નિનાદની સામે જોયું.
"અરે આને ન ઓળખ્યો? આ વિક્રમ છે. વિક્રમ મહેન્દ્ર ચૌહાણ, મહેન્દ્ર અંકલનો દીકરો." સાંભળતા જ શેરાના ચહેરા પર એક પરિચિતને અચાનક મળતા આવે એવું સ્મિત આવી ગયું. એ આગળ વધ્યો અને પોતાનો કસાયેલ જમણો હાથ આગળ કરીને વિક્રમ તરફ લંબાવ્યો.
"હાથ મિલાવ વિક્રમ, આ શેર બહુ ઓછા લોકો સાથે હાથ મિલાવે છે. તું ખુશ નસીબ છે કે એ સામેથી હાથ મિલાવી રહ્યો છે. જનરલી એનો હાથ કોઈનું જબડું તોડવા માટે જ ઉંચો થાય છે."
"પણ નિનાદ મને આ બધું સમજાતું નથી શું ચાલી રહ્યું છે."
"વાત એમ છે કે મહેન્દ્ર અંકલ ની તબિયત વધુ નાદુરસ્ત છે. અને શેરને એક હાઇડ આઉટ ની જરૂરત છે. મેં મારી સાથે સાતેક મહિના રાખ્યો. હજી આખી જિંદગી રાખી શકું છું. પણ મારા માથે મારી જવાબદારી છે. મારી કંપનીની અને એ સિવાય ઘણી બધી."
"તો તું શું ઈચ્છે છે?"
"મારી ઈચ્છા એવી છે કે તું તારી સાથે શેર ને મુંબઈ લઇ જા. મહેન્દ્ર અંકલ સાથે એના વિશે સમય મળે ત્યારે વાત કર જે. એક ધરોહર છે. એને જીવની જેમ સાચવવાનો છે. દુનિયાની નજરમાં એ તારો બોડીગાર્ડ બનીને રહેશે. પણ જરૂરત પડે તો તારો જીવ આપી ને એને બચાવવાનો છે. આ મારી નહિ મહેન્દ્ર અંકલની ઈચ્છા છે. શેરા નું કામ થોડું અટવાયું છે. ચાર છ મહિનામાં એ પૂરું થઈ જાય એટલે તું છુટ્ટો."
"પણ,, "
“એક કામ કર હું ત્રાહિત વ્યક્તિ છું. તું તારા પપ્પાને ગમે ત્યારે ફોન કરી શકે છે. એમને હમણાં ફોન કરીને કહે કે નિનાદે તમે સાચવવા આપેલ જણસ પછી આપી છે. શું કરું. અને જવાબ સાંભળી લે."
વિક્રમે તરત જ પોતાના મોબાઈલ થી મહેન્દ્ર ચૌહાણને ફોન લગાવ્યો. અને સ્પીકર ચાલુ કર્યું. એ સુતા હતા. સુમતિ ચૌહાણે ફોન ઉચક્યો. સ્ક્રીન પર વિક્રમનું નામ હોવાથી એમણે કહ્યું. "બેટા ક્યાં છે તું? કેટલા વખતે ફોન કર્યો. તારા પપ્પા તબિયત વધારે ખરાબ છે. જલ્દી આવી જા ઘરે." આટલું બોલતા માં એમનાથી રડી પડાયું.
"હા મોમ, બસ 5 દિવસમાં ફાઇનલ એક્ઝામ ખતમ થાય છે. અને એ જ દિવસની હું ફ્લાઇટ પકડી લઈશ, પણ પપ્પા ક્યાં છે?"
"એ આરામ કરે છે. થોડીવારમાં ફોન...એક મિનિટ, તારા ફોનથી જાગી ગયા આપું એમને."
"હા દીકરા શું કરે છે. મજામાં?"
"હા પપ્પા, હું તો મજામાં છું. પણ તમને શું થયું છે?' રડમસ અવાજે વિક્રમે પૂછ્યું. કેમ કે, ફોનમાં મહેન્દ્ર ચૌહાણનો અવાજ એકદમ માંદલો આવતો હતો.
"અરે કઈ નથી. આ ડોક્ટર અંકલ છેને, ઓલો મહેતા. એ વાયડો છે. ખોટા બધાને બીવડાવે છે."
"પપ્પા હું કઈ નાનો નથી. તમારા અવાજથી સમજાય છે મને."
"અરે વાહ, મારો દીકરો મોટો થઈ ગયો. શાબાશ, પણ જોજે તું મારા જેવું ન કરતો. મેં તારી મોમને ખુબ હેરાન કરી છે. અને એ પાપનું ફળ ભોગવું છું. હું અંદરથી તૂટી ગયો છું. બસ એક વાર તને જોઈને હું શાંતિથી.."
"અરે પપ્પા એવું ન.."
"સાંભળ, મને બે દિવસ પહેલા જ ખબર મળ્યા કે નિનાદ નો પણ ફોન હતો મારી ખબર પૂછવા. આ સુમતિ ને લાગ્યું કે બિઝનેસ રિલેશનમાં કેઝ્યુઅલ ફોન હશે. પણ એને મેં એક કામ સોંપ્યું હતું."
"ઓલી જણસ" વિક્રમ થી અનાયાસ બોલાઈ ગયા. મહેન્દ્રના અવાજમાં આવનારા મોતના પડછાયા વિક્રમે પણ જોઈ લીધા હતા.
"અરે.. તને એ વિશે ક્યારે ખબર પડી?"
"હમણાં જ નિનાદ મળ્યો હતો દોઢેક કલાક પહેલા અને અત્યારે હું એની સામે જ છું. સ્પીકર ચાલુ છે."
"નિનાદ થેંક્યુ. કઈ પણ પૂછ્યા વગર મારું કામ કરી આપવા બદલ, તારી જિમ્મેદારી હવે પૂરી થઈ. હવે વિક્રમ તું બને એટલી ઝડપથી શેરાને અહીં લઇ આવ," કહેતા મહેન્દ્ર એ ફોન કટ કર્યો ...
વિક્રમ શેરા સાથેની પહેલી મુલાકાત યાદ કરતો હતો એ જ વખતે શેરાના ફોનમાં મંગલ સિંહના ફોન માંથી કોલ આવ્યો.
xxx
"હેલો, હેલો, મંગલ, તું ઠીક તો છે ને? કેમ છેલ્લા એક દોઢ કલાકથી ફોન નથી ઉંચકતો?" ચિંતિત સ્વરે શેરા એ ફોનમાં પૂછ્યું.
"શેરા, મારે તારા વિશે વધુ માહિતી જોઈએ છે. તું કોણ છે? અત્યારે ક્યાં છે? અને શું કામ તારે શંકર રાવ સાથે દુશ્મનાવટ છે?"
"કોણ બોલે છે? અને તારા હાથમાં મંગળનો ફોન ક્યાંથી?" શેરાએ રાડ નાખતા કહ્યું. એ સાંભળીને એની બાજુમાં ઉભેલા વિક્રમના કાન ચમક્યા.
"શેરા, તારા વિશેની માહિતી મેં કાઢવી છે. હજી ઘણી બધી વિગતો મને ખબર નથી એ હું સવારે ચાકલીયા પહોંચીશ ત્યાં સુધીમાં સમજાઈ જશે." જીતુભા એ કહ્યું.
"કોણ છો તું? મંગલ ક્યાં છે?" શેરાએ ફરીવાર પૂછ્યું.
"પહેલા એ કહે કે તારે શંકર રાવ સાથે શેની દુશ્મનાવટ છે. કેમ કે તને શોધી ને પકડી લાવવાના રૂપિયા એક કરોડ એણે મને ઓફર કર્યા છે."
"હું તને બમણા રૂપિયા આપીશ. તું એ હરામખોરનું ખૂન કરી નાખીશ તો. શેરાએ ધ્રુજતા અવાજે કહ્યું. વિક્રમે એના હાથમાંથી ફોન છીનવી લીધો. એણે બધી વાત સાંભળી હતી. એ ફોનમાં બોલ્યો. તું જે હોય તે એટલું યાદ રાખજે કે જો મંગલને કઈ થયું છે તો..."
"તું કોણ બોલે છે શેરાના ફોનમાં? અને રહી વાત મંગલની તો એને આજે બપોરે જ શંકર રાવે મરાવી નાખ્યો છે એના કઝીન લખનના દ્વારા." હું શેરાને એના હવાલે કરીશ તો શું થશે એ તને સમજાતું હશે. અને મને જોઈતી માહિતી ચાકલીયામાં મળી રહેશે. મને નિર્દોષ લોકો મરે એ નથી ગમતું એટલે મેં શેરાને પૂછ્યું કે એને શંકર રાવ સાથે શું દુશ્મનાવટ છે."
"જો તને કોઈ નિર્દોષ મરે એ ના ગમતું હોય તો આ ફોનને ફેંકી દે. તું કોણ બોલે છે. બોલ હું તને ન્યાલ કરી દઈશ. હમણાં જ અત્યારે જ તારા ખાતામાં 5 કરોડ ટ્રાન્સફર કરાવી દઉં. પણ તું શંકર રાવનો માણસ તો નથી ને? વિક્રમે ચિંતિત સ્વરે પૂછ્યું.
"જીતુભા, જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા. હવે આ શેરાને કહે કે મારી સાથે સરખી વાત કરીને મને સમજાવે, કે એને શંકર રાવ સાથે...." જીતુભાનું વાક્ય અધૂરું હતું એને કાપતા વિક્રમે કહ્યું.
"જીતુભા? જીતુભા, મુંબઈ વાળા સોનલનો ભાઈ. જીતુભા, હું ક્યારનોય તમને ફોન લગાવું છું ઉપાડતા કેમ નથી. હું વિક્રમ બોલું છું. વિક્રમ મહેન્દ્ર ચૌહાણ" મોબાઇલ માંથી આવતા વિક્રમના અવાજથી જાણે જીતુભાના કાનમાં કોઈ તેજાબ રેડી રહ્યું હતું. એના હાથમાંથી ફોન પડતા પડતા માંડ બચ્યો.
xxx
"શું આંટી તમે આમ નાના બચ્ચા જેવી વાતો કરો છો? કોણ તમારા પર નજર રાખી રહ્યું છે? અને શું કામ? અને આમ પાપારાઝી થી ડરવાનું થોડું હોય? એ એમનું કામ કર્યા કરે અને આપણે આપણું." પૂજાએ વાતાવરણ હળવું કરવા સહેજ હસતા કહ્યું.
"હું પાપારાઝી નો સામનો વર્ષોથી કરું છું. એ લોકો ને આપણા ફોટો ક્લિક કરીને કમાવું હોય, કેટલાય તો સામેથી પરમિશન માંગીને ફોટો ક્લિક કરતા હોય છે. પણ.."
"પણ શું આંટી?"
"પણ છેલ્લા કેટલાક દિવસથી કોઈ મને રોજ મેસેજ કરીને મારી આખી દિનચર્યા વિશે જણાવે છે કે આજે તમે આ કર્યું કે અહીં ફરવા ગયા કે આ રેસ્ટોરાંમાં જમ્યા."
"ઓહ્હ.. એ તો ડેન્જર કહેવાય. તમે ઓળખો છો એમને?"
"ના એટલે જ મને ડર લાગ્યો હતો. અને ગઈ કાલે તો" હદ થઇ ગઈ."
"શું થયું હતું ગઈ કાલે? હું તો તમારી સાથે જ હતી."
"આપણી કનેક્ટિંગ ફ્લાઇટને 3 -4 કલાકની વાર હતી. આપણે રેસ્ટોરાંમાં જમ્યા. હું એરપોર્ટ પર વેઇટિંગ લોન્જમાં બેઠી હતી અને તું કૈક વિન્ડો શોપિંગ કરવા આજુબાજુમાં જ હતી ત્યારે કોઈ મારી પાસે આવ્યું અને.."
"અને શું થયું. આંટી." ચિંતિત સ્વરે ઉજાએ પૂછ્યું.
"અને એણે અચાનક એક ફોન મારી સામે લંબાવ્યો અને મને કહ્યું કે વાત કરો. મેં કહ્યું કોણ છો તું. અને ફોન પર કોણ છે. તો એ બહેરો હોય એમ મારી સામે હસ્યો. એજ વખતે એના ચાલુ ફોનમાંથી અવાજ આવ્યો. 'સુમતિ.."
"અરે બાપરે કોણ હતું એ?" હવે પૂજાને ગભરામણ થવા લાગી હતી. કેમ કે દુબઈના એરપોર્ટમાં કોઈ અજાણ્યો માણસ સુમતિ આંટીને ફોનમાં વાત કરવા ઇનસિસ્ટ કરે અને ફોનમાં સામે વાળો એમને નામથી બોલાવે એ ગંભીર વસ્તુ હતી. પણ તો તમે બૂમ કેમ ન પડી હું નજીકની સોપમાં જ હતી, અને આજુબાજુ પણ ઘણા લોકો હતાં.
"પૂરું સાંભળ, એણે ફોનમાં જે કહ્યું એ સાંભળવું જરૂરી છે. એણે કહ્યું કે 'ચૌહાણ એન્ટરપ્રાઇઝ' અને 'પૂજા ગ્રુપ ઓફ કંપની'એ ખાંસી સફળતા હાંસલ કરી છે. હવે મારો ભાગ મને આપી દો "
"કોણ હતું એ, તો તમારે તરત જ વિક્રમ કે મને કહેવાની જરૂર હતી, આપણે દુબઇ પોલીસ નો પણ કોન્ટેક્ટ કરી શક્ય હોત, તમે ઓળખતા હતા એને?" પૂજાએ પ્રશ્નોનો મારો ચલાવ્યો.
"ના હું એ વખતે તો ન ઓળખી શકી, અને ફોન લાવનાર હું એને રોકુ એ પહેલા વેઇટિંગ લોન્જમાંથી બહાર નીકળી ગયો. હું એની પાછળ જવા ઉભી થઇ પણ મને એજ વખતે એ અવાજ નો છે એ યાદ આવ્યું. અને અચાનક ગભરામણ થવા લાગી. આખા શરીરમાં પરસેવો થવા લાગ્યો મને થયું કે હું બેહોશ થઈ જઈશ, મારા મોં માંથી રાડ નીકળી ગઈ આજુબાજુમાં બેઠેલા પેસેન્જરે જમા થવા લાગ્યા અને મને હાર્ટમાં દુખવા માંડ્યું. મારી સાથે કોણ છે એ શોધતા લોકોએ બુમાબુમ કરી અને તારું ધ્યાન ખેંચ્યું."
"ઓહ્હ, તો તમને લાગે છે કે કોઈ તમને તમારી રોજિંદી જિંદગી વિશે જણાવીને તમારી કંપનીમાં પાર્ટનરશિપ માંગે છે. આવું તો હોતું હશે? કોણ હતું એ, મતલબ કે કોનો હતો એ અવાજ?"
"માત્ર મારી કે વિક્રમ ની જ નહિ તારી કંપનીમાં પણ ભાગ માંગે છે. એટલે કે એણે એવું કહ્યું, અને હું એ હરામીને ઓળખી ગઈ, એ કઈ પણ બૂરું કરી શકે છે, એટલે જ મને હાર્ટએટેક.."
"તમે ગભરાવ નહિ આંટી. તમારે મને સહેજ સ્વસ્થ થયા પછી તરત જ કહેવાની જરૂર હતી. હવે અહીં રોકાવું જોખમી છે. હું હમણાં જ વિક્રમને બોલવું છું અને આપણે અત્યારે જ કોઈપણ ફ્લાઈટમાં અથવા ચાર્ટર કરીને નીકળી જઈએ. પણ કોણ હતો એ કે જેને આપણી મહેનતે ઉભી કરેલ કંપનીઓમાં ભાગ જોઈએ છે?"
"એ હલકટ હતો. સજ્જન સિંહ, તારો મામો સજ્જન સિંહ." સુમતિ બહેને કહ્યું અને પૂજા આશ્ચર્યથી એમની સામે તાકી રહી, કેમ કે જીવનમાં પહેલી વાર એ એના મામા વિશે સાંભળી રહી હતી.
ક્રમશ:
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.