Exam in Gujarati Short Stories by VIKRAM SOLANKI JANAAB books and stories PDF | પરિક્ષા

Featured Books
Categories
Share

પરિક્ષા


     ' પરિક્ષા '

લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ'
 
" મંજુકાકી, શું કરો છો? આ નાવડીના ગાજર લાવી છું. તમારા સંજયને ગાજરના અથાણાં બહુ ભાવે છે તો મને થયું કે લેતી જાવ.." જશોદાબેને ઓસરીની પરસાળ પર ગાજર મૂકીને મંજુબેનને ટહૂકો કરતાં કહ્યું.
 
  જશોદાબેન મંજુબેનના પાડોશી હતાં. પોતે આધેડ વયના હોવા છતાં કોઈ સંતાન નહોતું તેથી મંજુબેનના એક ના એક દિકરા સંજયને પોતાના દિકરાની જેમ ગણતાં.
 
  " સંજય આજે કેમ સવારનો દેખાતો નથી? " ઘરમાં આમ - તેમ નજર ફેરવતાં જશોદાબેને મંજુબેનને પૂછ્યું.
 
" ઈ તો સવારનો જૂનેગઢ ગ્યો છે. આજે એને નોકરીની પરિક્ષા છે. સવારે મને પગે લાગીને કહેતો ગયો કે આ વખતે તો બહુ મહેનત કરી છે તો નોકરી પાકી જ છે." મંજુબેને હરખાઈને જશોદાબેનને કહ્યું.
 
" પરબતભાઈએ એને રાત - દિવસ એક કરીને ભણાવ્યો છે એ હું જાણું છું અને સંજય પણ ખંતથી ભણ્યો છે. ગામના બીજા છોકરાઓની જેમ ટીખળ - ટોળી નથી કરતો એટલે નોકરી તો આવી જ જશે. " જશોદાબેને મંજુબેનના સૂરમાં સૂર પુરાવતા કહ્યું.
 
સંજય જશોદાબેન અને પરબતભાઈનો એક નો એક દીકરો હતો. સ્વભાવે બહુ શાંત અને ભણવામાં પણ હોંશિયાર હતો. એમ. એ. સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને હવે નોકરીની પરિક્ષાઓ આપતો હતો. દર વખતે મહેનત કરીને પરિક્ષા આપતો પણ પરિક્ષાઓમાં ગેરરીતિ કે પેપર ફૂટી જવાને લીધે તે એક કે બે માર્ક્સમાં રહી જતો. એની જાણમાં ઘણાં છોકરાઓ કે જે રખડતાં અને મહેનત પણ ન કરતા તે નોકરી પર લાગી ગયા હતા. એ બધામાં એક વાત હતી કે તે બધા પૈસાદાર હતા અને તેમનાં માં - બાપની વગ બહુ ઉપર સુધી હતી. આ બધા કઈ રીતે નોકરી પર લાગી ગયા તે એને સમજાતું નહોતું.
 
  મંજુબેને ગાજર સમારીને ફળીયામાં સુકવવા મૂકી દીધાં. સાંજે જશોદાબેન આવે એટલે તેમાં મસાલો અને તેલ ભરીને તે હોંશે - હોંશે સંજય માટે અથાણાં બનાવવા માગતાં હતાં.
 
   સાંજના સાત થવા આવ્યા છતાં હજુ સુધી સંજય આવ્યો નહોતો. મંજુબેનને ચિંતા સતાવતી હતી. પરિક્ષા પૂરી કરીને સંજય સીધો ઘરે આવી જતો તો આ વખતે આટલી વાર કેમ લાગી?.
 
   રાત્રે આઠ વાગ્યે સંજય ઘરે આવ્યો એટલે મંજુબેનને શાંતિ થઈ. સંજયના ચહેરા પર નિરાશા હતી. તે કશુ બોલ્યો નહિ.
 
  મંજુબેને સંજય માટે જમવાની થાળી તૈયાર કરી અને તેને જમવા બેસાડીને કહ્યું, " આજે જશોદાબેન તારા માટે ગાજર લાવ્યા છે તને બહુ ભાવે છે એટલે અથાણાં બનાવવા છે."
 
  દર વખતે અથાણાંની વાત સાંભળીને હરખાઈ જતો સંજય આજે એકદમ ગૂમસુમ હતો. જશોદાબેને તેને પૂછ્યું, " સંજય, શું વાત છે? કેમ કંઈ બોલતો નથી? પરિક્ષા સારી નથી ગઈ?."
 
" પરિક્ષા તો સારી જ ગઈ છે પણ પેપર આજે પણ ફૂટી ગયું. પેલા રમણીકભાઈનો મૌલિક જે કદી વાંચતો જ નથી તે કહેતો હતો કે મારો વારો આવી જશે કારણ કે રમણીકભાઈ ઘણાં રાજકારણીઓને ઓળખે છે. " સંજયે ભીની આંખોએ મંજુબેનને કહ્યું અને થાળી પરથી ઉઠી ગયો.
 
  મંજુબેનને પણ બહુ દુ:ખ થયું પણ એને એમ હતું કે સવારે સંજય કદાચ બધું ભૂલી જશે એમ માની અથાણાં કરવા લાગી ગયાં.
 
   રોજ સવારે છ વાગ્યે ઉઠી જતો સંજય આજે નવ વાગવા છતાં ઉઠ્યો નહોતો એટલે હાથમાં અથાણાંની બરણી સાથે મંજુબેન સંજયને જગાડવા માટે ગયાં.
 
  અંદર ઓરડામાં જઈને જોયું તો મંજુબેનની ચીસ નીકળી ગઈ. એના હાથમાંથી અથાણાંની બરણી પડી ને ભાંગીને ભુક્કો થઈ ગઈ. દેશી ખોરડાની મોભાર સાથે સંજયની લાશ લટકતી હતી.
 
   થોડીવાર પછી પોલીસ પણ આવી. મંજુબેનના આક્રંદ સાથે એટલા જ શબ્દો હતા કે, " સાહેબ, પેપર નહિં પણ અમારું ભાગ્ય ફૂટી ગયું છે."
 
  પોલીસે આત્મહત્યાનો કેસ નોંધી ફાઈલ બંધ કરી દીધી. આવા તો કેટલાય સંજયની ફાઈલો બંધ થઈ ગઈ છે. મંજુબેન જેવી કેટલીય માતાઓના આક્રંદ હજુ પણ ગુંજી રહ્યા છે. છતાં આજે પણ આવી પરિક્ષાઓમાં હજુ પણ પેપર ફૂટી રહ્યા છે જેની કોઈ તપાસ થતી નથી અને કેટલાંય સંજય માનસિક રીતે હારીને લાશ રૂપે લટકી રહ્યા છે.
 
લેખક :- વિક્રમ સોલંકી 'જનાબ'