સંસારની મીઠાસ
એકરસતા એ ગૃહ સંસારની મીઠાસ. પતિ – પત્ની એ સંસાર રથના બે પૈડા છે બંને હળી મળી ને ચાલે તો જ આગળ વધે નહિ તો ઘાંચીના બળદ જેવું ચાલે હજારો કિલોમીટર પણ હોય ત્યાં ને ત્યાંજ.
આવી જ એક વાત આજે લઈને આવ્યો છુ તમારી પાસે.
એક વખત ગામમાં મંદિર બંધાયું ગામના લોકોએ પૈસા જમા કર્યા. આખું બ્રહ્માંડ ભગવાનનું છે એમાં એમનું ઘર કેટલી સુંદર વાત છે. આ મંદિર માં ખૂટતા પૈસા નગરશેઠે આપ્યા. મંદિર બન્યું. લોકોએ તેમનું સન્માન કર્યું. દંપતી ના રૂપમાં તેમનું બહુમાન કર્યું.
નગરશેઠ ઘેર આવ્યા. આજે તેમને કઈક સારું કર્યા નો આંનદ હતો. ઘેર આવ્યા બાદ તેમને હસતા હસતા શેઠાણી ને કહ્યું, ‘હું આ શહેરનો નગરશેઠ છું, લોકો એટલે મારું સન્માન કરે છે અને તારું સન્માન મારા કારણે છે.’
विधाय वृत्तिं भार्याः प्रवसेत् कार्यवन्नरः
પત્નીએ ઘરની વ્યવસ્થા કરીને, પતિને કામ પર જવા દેવો જોઈએ. આજ ગૃહથાસ્રમ ની વ્યવસ્થા છે. પત્ની ગૃહ વ્યવસ્થા અને પતિ અર્થ વ્યવસ્થા.
શેઠાણીએ કહ્યું, ‘તમારું સન્માન મારા કારણે છે. હું ઈચ્છું તો તમારું સન્માન એક મિનિટમાં બગાડી પણ શકું છું અને સુધારી પણ શકું છું.’
પત્ની વિષે કહ્યું છે.
सा भार्या या प्रियं बू्रते स पुत्रो यत्र निवॄति: ।
જે મીઠી વાણીમાં બોલે તે જ સારી પત્ની છે।
વાત વાત માં વાત નાકને ટેરવે ચડી ગઈ. વા કઈ હતી નહિ ને વતેસર ઝગડાનું થઇ ગયું.
નગરશેઠને ગુસ્સો આવી ગયો. નગરશેઠ બોલ્યો: "ઠીક છે, બતાવ મારું સન્માન બગાડીને."
શેઠાણી કાઈ ન બોલી. વાત આવી ને ગઈ.
दाम्पत्यमनुकूलं चेत्किं स्वर्गस्य प्रयोजनम्।
दाम्पत्यं प्रतिकूलं चेन्नरकं किं गृहमेव तत्॥
મનુષ્યનું દાંપત્યજીવન જો અનુકૂળ હોય તો સ્વર્ગની શી જરૂર છે? અને સાથે જો મનુષ્યનું દાંપત્યજીવન પ્રતિકૂળ બની જાય તો નરક શું છે? તે ઘર જ નરક બની જાય છે.
નગરશેઠના ઘરે સાંજે મિત્રોની મહેફિલ જામી, થોડા દોસ્તો સાથે... હાસ્ય-મજાક ચાલતું હતું કે અચાનક નગરશેઠને પોતાના કુંવરનો રડવાનો અવાજ સંભળાયો. તે જોરથી રડતો હતો અને કુંવરની માં તેને ખૂબ વઢી રહી હતી. નગરશેઠે જોરથી અવાજ દઈને પૂછ્યું કે ‘શું થયું કુંવરને, શા માટે ઠપકો આપે છે?’
તો શેઠાણીએ અંદરથી કહ્યું કે, ‘જુઓ ને---તમારો દીકરો ખીચડી માંગે છે અને જ્યારે તે પેટ ભરીને ખાઈ ચૂક્યો છે.’
નગરશેઠે કહ્યું કે, ‘થોડી વધુ આપી દે.’
શેઠાણીએ કહ્યું કે, ‘ઘરમાં બીજા લોકો પણ છે, બધું આને જ કેવી રીતે આપી દઉં?’
આખી મહેફિલ શાંત થઈ ગઈ. લોકો ધીમેધીમે બોલવા લાગ્યા કે કેવો નગર શેઠ છે? થોડી ખીચડી માટે તેના ઘરમાં ઝઘડો થાય છે. નગરશેઠની પાઘડી ઉછળી ગઈ. બધા લોકો ઘરમાં અશાંતિ જોઈને ચૂપચાપ ઊભા થઈને ચાલ્યા ગયા. નગર શેઠ ઊભો થઈને પોતાની પત્ની પાસે આવ્યા અને કહ્યું કે ‘હું માની ગયો, તેં આજે મારું સન્માન ઉતારી દીધું, લોકો પણ કેવી કેવી વાતો કરતા હતા. હવે તું આ જ સન્માન પાછું લાવી બતાવ.’
શેઠાણી બોલ્યા, ‘આમાં કઈ મોટી વાત છે, આજે જે લોકો મહેફિલમાં હતા તેમને તમે ફરી કોઈ બહાને નિમંત્રણ આપો.’
આમ નગરશેઠે બધાને બેઠક અને મોજ-મસ્તીના બહાને બોલાવ્યા. બધા મિત્રો બેઠા હતા. હાસ્ય-મજાક ચાલતું હતું કે ફરી નગરશેઠના કુંવરનો રડવાનો અવાજ આવ્યો --- નગરશેઠે અવાજ દઈને પૂછ્યું: "ભાગ્યવાન શું થયું, શા માટે રડે છે આપણો કુંવર?"
શેઠાણીએ કહ્યું, "ફરી ખીચડી ખાવાની જીદ કરે છે."
લોકો ફરી એકબીજાના મોં જોવા લાગ્યા કે યાર, એક સામાન્ય ખીચડી માટે આ નગરશેઠના ઘરે રોજ ઝઘડો થાય છે. નગરશેઠ હસતાં હસતાં બોલ્યો, "અચ્છા ભાગ્યવાન, તું એક કામ કર, તું ખીચડી અહીં લઈ આવ... અમે જાતે આપણા હાથે આપણા કુંવરને આપીશું. તે માની જશે અને બધા મહેમાનોને પણ ખીચડી ખવડાવો."
શેઠાણીએ અવાજ દીધો, ‘જી એમજ થશે’
શેઠાણી બેઠક કક્ષ માં આવી ગયા, પાછળ નોકર ખાવાનું સામાન માથા પર લઈને આવતો હતો. હાંડી નીચે મૂકી અને મહેમાનોને પણ આપવાનું શરૂ કર્યું, પોતાના કુંવરને પણ પીરસ્યું. નગરશેઠના બધા મિત્રો આશ્ચર્યમાં પડી ગયા - જે પીરસવામાં આવતું હતું તે ચોખાની ખીચડી તો બિલકુલ નહોતી. તેમાં ખજૂર, પિસ્તા, કાજુ, બદામ, કિશમિશ, નારિયેળ વગેરેથી બનાવેલું સ્વાદિષ્ટ ભોજન હતું. હવે લોકો મનમાં વિચારતા હતા કે આ ખીચડી છે? નગરશેઠના ઘરે આને ખીચડી કહે છે તો માવો-મીઠાઈને શું કહેતા હશે? રોજ ખીચડી આવી બંને તો જયારે પ્રસંગ આવે ત્યારે તો કેવી મજાની ભોજન વ્યવસ્થા હશે? નગરશેઠના સન્માનને ચાર ચાંદ લાગી ગયા. લોકો નગરશેઠની શ્રીમંતાઈ ની વાતો કરવા લાગ્યા.
सर्वेषु धर्मकार्येषु पत्नी तिष्ठति दक्षिणे।
બધા ધાર્મિક કાર્યોમાં પત્ની પતિની જમણી બાજુએ ઊભી રહે છે.
નગરશેઠે પત્ની સામે હાથ જોડ્યા અને કહ્યું, "હું માની ગયો કે ઘરની સ્ત્રી સન્માન બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે --- અને જે વ્યક્તિને ઘરમાં સન્માન નથી મળતું, તેને દુનિયામાં ક્યાંય સન્માન નથી મળતું.
ગૃહથાશ્રમ માં દિશા
સિયા અને રામે જીવી દેખાડી.
વશિષ્ઠ અને અરુંધતી એ જીવી દેખાડી.
ભામતી અને અત્રી એ દેખાડી.
સૂચી તો ઘણી લાંબી છે બસ એ સૂચી માં છેલ્લો પણ પોતાનો નંબર હોજો.
"समानी व आकूति: समाना हृदयानि वः"
ઋગ્વેદનો એક મંત્ર છે, જેનો અર્થ છે, "હે ભક્તો, તમારા ઇરાદા એકસમાન હોય, તમારા હૃદયની ઇચ્છાઓ એકસમાન હોય, તમારા વિચારો એકસમાન હોય, જેથી તમારામાં પૂર્ણ એકતા હોય।"
છેલ્લે એટલું કહું.
सानन्दं सदनं सुताश्च सुधियः कान्ता प्रियभाषिणी।
सन्मित्रं सधनं स्वयोषिति रतिः चाज्ञापराः सेवकाः।।
आतिथ्यं शिवपूजनं प्रतिदिनं मिष्ठान्नपानं गृहे।
साधोः सङ्गमुपासते हि सततं धन्यो गृहस्थाश्रमः॥
ઘરમાં આનંદ હોય, પુત્ર બુદ્ધિમાન હોય, પત્ની પ્રિય બોલનારી હોય, સારા મિત્રો હોય, ધન હોય, પતિ-પત્નીમાં પ્રેમ હોય, નોકર આજ્ઞાપાલક હોય, જ્યાં અતિથિ સત્કાર થતો હોય, શિવજીનું પૂજન થતું હોય, રોજ સારું ભોજન બનતું હોય, અને સત્પુરુષોનો સંગ થતો હોય. એવું ગૃહસ્થાશ્રમ ધન્ય છે.