Nitu - 104 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 104

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 104

નિતુ : ૧૦૪ (વિદ્યા અને નિકુંજ) 


વિદ્યાને તેના વર્તનમાં થોડી ભિન્નતા વર્તાઈ રહી હતી. તેણે કંઈ બોલવાને બદલે એના સ્વભાવમાં આવતા બદલાવ નોંધવાના શરૂ કર્યા. એ બંને એની રૂમમાં સાથે બેઠા હતા અને તે એક મેગેજીનમાંથી એને અવનવી કોમિક વાતો સંભળાવી રહ્યો હતો. એવામાં વિદ્યાના ફોનમાં રિંગ વાગી.

તેણે જોયું તો મેનેજર શાહ હતા. ફોન ઊંચકાવી કહ્યું, "હા શાહ... બોલો!"

"સોરી મેડમ આજે રજાના દિવસે હું તમને ડિસ્ટર્બ કરી રહ્યો છું."

"ઈટ્સ ઓકે. મને ખબર છે કે જ્યાં સુધી કોઈ અર્જન્ટ અથવા ઈમ્પોર્ટન્ટ વાત ના હોય ત્યાં સુધી તમે કોલ નથી કરતાં. બોલો, શું વાત છે?" 

એની વાત ચાલતી હતી એટલે નિકુંજ મેગેજીન છોડી વોશરૂમમાં ગયો અને પોતાનું મોં ધોવા લાગ્યો. સામેથી શાહે જવાબ આપ્યો, "મેડમ કાલે જે.સી. ના માલિક હુડસન પોતાની ઓઈલ બ્રાન્ડની એડ્વર્ટાઇઝ માટે મિટિંગ કરવાના હતા. પણ નિકુંજ સર એની પાસે ગયા જ નથી."

એની વાત સાંભળી વિદ્યાને ધક્કો લાગ્યો. એ બોલી, "એવું કઈ રીતે બને? આજ સુધી તો ક્યારેય નથી બન્યું."

"હું પણ એ જ કહેવા માંગુ છું. તેનાથી આવી ભૂલ ન થઈ શકે. પણ હુડસન સરનો કોલ આવ્યો અને તેણે મને જાણ કરી કે અહીં તે માત્ર બે મિટિંગ કરવા માટે જ આવ્યા છે. બીજી કોની છે એ ખબર નહિ, પણ એક આપણી હતી જે કાલે મિસ થઈ ગઈ. હવે આ અંગે તેઓ જવાબ માંગે છે."

એટલામાં નિકુંજ મોં લૂંછતો બહાર આવ્યો. તેને કંઈ પણ જણાવ્યા વિના વિદ્યાએ કહ્યું, "ઠીક છે. એના બદલે હું મળી લઈશ. કદાચ એ કોઈ કામમાં અટવાય ગયા હોય એવું બન્યું હશે."

"ઠીક છે મેમ. હું એની સાથે કાલે આપની મિટિંગ ડન કરાવી આપું છું."

ફોન રાખી વિદ્યાએ નિકુંજ તરફ જોયું અને તેણે પૂછ્યું, "શું કહ્યું શાહે? કોઈ અર્જન્ટ કામ હતું?"

વિચાર કરી વિદ્યાએ ખોટો જવાબ વાળ્યો, "ના એક વાતે અટવાતા હતા એટલે રાઈટ ડિસિઝન લેવા મને કોલ કર્યો હતો." તેણે તેની વાત સાચી માની લીધી અને બેસી ગયો. વિદ્યાએ હોંશિયારી પૂર્વક વાત કઢવવા પૂછ્યું, "તું રોજની બનેલી મને સંભળાવે છે, પણ કાલે કંઈ કહ્યું નહિ. કેવો હતો કાલનો દિવસ?"

જુઠ્ઠી મુસ્કાન આપી વાત ફેરવવા તે બોલ્યો, "હવે આ મેગેઝીનના કોમિકમાંથી તું અચાનક ભૂતકાળમાં શું ચાલી ગઈ! હું આગળની વાત તને સંભળાવું છું. એ સાંભળ."

તુરંત તે બોલી, "ના એમ જ. આ તો કાલે તે કંઈ કહ્યું નહિ એટલે."

તેને મેગેજીનમાંથી રસ ઉડી ગયો હોય એમ એક બાજુ મૂકી ગંભીરતાથી બોલ્યો, " એ જ... રોજની જેમ ઓફિસનું કામ. બે દિવસથી તને મન નહોતું લાગતું એટલે તારું વધારાનું કામ કરી રહ્યો હતો. થાકને માર્યે ઘરે આવી વહેલા સુઈ ગયેલો. એટલે તારી પાસે આવી કોઈ વાત નહોતી થઈ."

"સોરી... મારે લીધે તારે વધારાનુંયે કામ કરવું પડે છે."

"ઈટ્સ ઓકે. તારી તબિયત વારંવાર બગડી જાય છે એટલે હું કરી લઉં છું. મને એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હા એક... બીજી વાત મારે તને કરવાની હતી."

"શું?"

"મારો એક ફ્રેન્ડ આવ્યો છે. એ અહીં સેટલ થવાના ઈરાદે આવ્યો છે અને નવું કંઈક કરવા ઈચ્છે છે. એણે મને કહ્યું કે એ થોડાં સમયમાં વિચારી મને કહેશે. હજુ શું કરવું એની ગડમથલમાં છે. આજે સાંજે એણે મને મળવા બોલાવ્યો એટલે મેં કહ્યું કે આપણે બંને આવીશું. એ બહાને તારે પણ એની મુલાકાત થઈ જશે. તો તને પૂછ્યા વિના જ મેં એને આજે સાથે ડિનર કરવા માટે હા કહી દીધી."

"હમ્મ." તેણે હકારમાં માથું ધુણાવી દીધું.

તેને એક વાતે નિરાંત ભરાય. એ જાણવા મળી ગયું કે કોનો ફોન આવ્યો હતો અને કોની સાથે ડિનર કરવાનું છે. પરંતુ એક વાત હજુ  મનમાં રહી ગઈ, કે હુડસન સાથેની મિટિંગ શું કામ ટાળી હશે? પહેલા તેને હતું કે એ ભૂલી ગયો હોય. પણ ગઈ કાલે શું કર્યું એ વાતનો જવાબ આપવામાં આનાકાની કરતા વિદ્યાને એ સ્પષ્ટ પણે ખ્યાલ આવી ગયો કે જે.સી. બ્રાન્ડનો કોન્ટ્રાકટ કરવામાં નિકુંજ પાછી પાની કરી રહ્યો છે.

સંધ્યા ઢળી ગઈ અને એવે સમયે એક રેસ્ટોરન્ટમાં કણસાયેલા શરીરવાળો, ભર યુવાનીમાં ડોલતો અને દેખાવડો વ્યક્તિ પ્રવેશ્યો. પ્રોફેશનલ કપડાં પહેરેલાં, પચ્ચીસેક વર્ષનો હશે, પણ જોતાં જ સમજાય કે મોટા મનોરથ વાળો તે કોઈ ઠરેલ બુદ્ધિજીવી જેવો છે. આવી તેણે એક જગ્યા પસંદ કરી અને રેસ્ટોરન્ટનું મેનુ હાથમાં લઈ રાહ જોતો બેઠો.

થોડીવારમાં એક લકઝરી કાર આવી અને વિદ્યા તથા નિકુંજ બહાર આવ્યા. રેસ્ટોરન્ટમાં પ્રવેશી નિકુંજે ચારેય બાજુ નજર ઘુમાવી. એક ટેબલ પર એ વ્યક્તિને બેઠેલો જોઈ તેણે વિદ્યાને એના તરફ ઈશારો કર્યો. એકી વખતે એની નજર પણ દરવાજામાંથી પ્રવેશી રહેલા તે બંને પર પડી. તે ઉભો થયો અને હાથ હવામાં હલાવી તેઓને પોતાની હૈયાતી બતાવી. બંને ત્યાં ગયા અને સાથે ટેબલ પર ગોઠવાયા.

તેનો પરિચય કરાવતા નિકુંજે પહેલા વિદ્યાનું નામ આપ્યું, "આ વિદ્યા છે મારી ફ્રેન્ડ."

તુરંત તેણે કહ્યું, "હાય વિદ્યા" અને પછી પૂછ્યું, "આ એ જ ને જેની ઓફિસમાં તું કામ કરી રહ્યો છે?"

"હા. ફ્રેન્ડ અને બોસ બંને." નિકુંજે વિનોદ કર્યો તથાપિ વિદ્યાને તુચ્છકાર જેવું લાગ્યું. તેને આ વાત મનમાં ખટકી. તેનું ધ્યાન નહોતું પણ એ સામે બેઠેલા એના મિત્રએ તેના હાવ ભાવમાં ફેર નોંધ્યો.

તેણે પોતાના મિત્રનો પરિચય આપતા કહ્યું, " વિદ્યા, મીટ હિમ. આનું નામ મિહિર છે. અમારા બન્નેના ઘર બાજુ બાજુમાં જ છે. મારાથી થોડો નાનો છે. પણ અમે બંને સાથે જ રમીને મોટા થયા છીએ."

"અને હવે કામ કરવા અને સાથે રહેવા અહીં આ શહેરમાં આવી પહોંચ્યો." હાસ્યમાં કરેલી એની વાત પર ત્રણેય હળવું હસ્યાં.

પોતાના નાનપણના કિસ્સાઓ સમ્ભળાવતાં અને એકબીજાની વાતો કહેતા તેઓએ સાથે ડિનર લીધું. એકબીજાની વાતો સાંભળી એમની વચ્ચે સારો એવો વ્યવહાર બેસી ગયો. આમેય મિહિર એક મિલનસાર વ્યક્તિ હતો. આજનું ડિનર એના તરફથી હતું. ડિનર લઈને ત્રણેય બહાર રેસ્ટોરન્ટના ગાર્ડનમાં મોડે સુધી સાથે બેઠા રહ્યા. નિકુંજનો દોસ્ત અને એમાંય સાથે એટલી વાતો કર્યા પછી વિદ્યાને એની સાથે સારું ફાવી ગયેલું.

રાત ઠરવા લાગી ત્યારે ઘર તરફ પ્રયાણ કર્યું. ચાલતા મિહિરના ડગ થોડાં ધીમા પડ્યા. આ અંગે વિદ્યાએ નોંધ લીધી અને સમજી ગઈ કે તેના મસ્તિષ્કમાં કંઈક ચાલી રહ્યું છે. તે બોલી, "તમારે કોઈ વાત કરવી હોય તો કરી લો. હું ગાડીમાં રાહ જોઉં છું." તે આગળ ચાલી અને પોતાની ગાડી પાસે આવી ઉભી રહી.

નિકુંજે તેને પૂછ્યું, "શું ડિસાઈડ કર્યું છે તે?"

તે બોલ્યો, "મેં વિચાર્યું છે કે હું એક કાફે શરૂ કરું. બધું જાણ્યા બાદ સમજાયું કે થોડું લિમિટ બહાર જાય છે. એક બે ફ્રેન્ડ છે જેણે મને પાર્ટનરશીપ કરવા કહ્યું. પણ મારી ઈચ્છા છે કે જો તને ઇન્ટરેસ્ટ હોય તો આપણે પાર્ટનરશીપમાં કાફે શરૂ કરીયે."

"સાચા સમયે આવ્યો છે તું."

"એટલે?" દ્વિધામાં એણે પૂછ્યું."હું ટાઈમ્સમાંથી બહુ જલ્દી જોબ છોડવા જઈ રહ્યો છું."

મિહિર હજુ દ્વિધામાં જ હતો. સમજવાનો પ્રયત્ન કરતા એણે કહ્યું, "હું કંઈ સમજ્યો નહિ. તું જોબ શું કામ છોડવા માંગે છે? એની જરૂર નથી. વિદ્યા આમ પણ તારી સારી એવી ફ્રેન્ડ છે અને રહી વાત કાફેની, તો એ હું હેન્ડલ કરી લઈશ. માત્ર ઈન્વેસ્ટમેન્ટમાં આપણે પાર્ટનર હોઈશું."

"અમૂક કારણ છે, અમૂક જાણવા જોગ વાત છે જે તને અત્યારે નહિ સમજાય. હું તને પછી બધી વાત કરીશ." કહેતા તેણે સામે જોયું. થોડી થોડી ઠંડી વર્તાઈ રહી હતી એટલે વિદ્યા અદફ લગાવી કોણી સાથે હાથ મસળી રહી હતી. સામે નિકુંજ અને મિહિર બંને ઉભા હતા. વાત છેડતા મિહિર બોલ્યો, "સો... તું વિદ્યા સાથે જ રહે છે?"

"હા."

"એક જ ઘરમાં?"

"હા." તેણે મિહિર સામે જોયું તો એ વિદ્યા તરફ જોઈ મનમાં કંઈક વિચારી રહ્યો હતો. એટલે નિકુંજે ઉમેર્યું, "અમારી વચ્ચે માત્ર દોસ્તી છે."

તે થોડું હસીને બોલ્યો, "હું તને સારી રીતે ઓળખું છું, આ સ્પષ્ટાની જરૂર નહોતી. તું મારા માટે ભાઈ સમાન છે. હું વિદ્યાને મળ્યો એને થોડીક જ ક્ષણો થઈ હશે, પણ એના વિશે કહું તો તે એક સારી છોકરી છે. જો તમે..."

તે આગળ કંઈ બોલે એ પહેલા એની વાતનો છેદ ઉડાવતા નિકુંજ બોલ્યો, "શક્ય જ નથી."

તે મનમાં હસ્યો અને બોલ્યો, "વિદ્યાને જોઈને એવું લાગતું નથી. તારા માટે એની આંખોમાં જે ભાવ અને લાગણી મેં જોયા છે એ માત્ર દોસ્તી પૂરતા સીમિત નહોતા. એક વાર વિચારી જોજે. તે જ્યારે એને બોસ કહી ત્યારે એના જે હાવ ભાવ બદલાયા એ મેં જોયા. કદાચ તારું ટાઈમ્સને છોડવું એને પસંદ નહિ આવે."

"મારો નિર્ણય અફર છે મિહિર." તુરંત પ્રતિક્રિયા આપતા એ બોલ્યો.

"શું હું જાણી શકું કે એની પાછળનું કારણ શું છે?"

એક શ્વાસ લઈ એ કહેવા લાગ્યો, "તું મારા પેરેન્ટ્સને તો સારી રીતે જાણે છેને! એ નહિ માને. વિદ્યા અનાથ છે, એક ભૂતકાળ ધરાવે છે અને હવે તો..." તેણે વાત અટકાવી.

"હવે તો શું નિકુંજ?"

"એ બહુ મોટી હસ્તી બનતી જઈ રહી છે. પોતાનો બિઝનેસ એણે ખૂબ આગળ વધારી દીધો છે. તને ખબર છે, આજે એણે મને મારી મિત્રતાના બદલામાં ફાર્મ હાઉસ ગિફ્ટમાં આપ્યું."

"શું?"

"હા... જરાં વિચાર, હું એ જ સ્થિતિમાં છું અને હવે એની સાથે... આ વસ્તુ શક્ય નહિ થાય. એને કોઈ સારું પાત્ર મળી જશે અને સુખી થશે."

"તમે ઘરે વાત તો કરી હશેને?"

"ના."

"તો પછી આટલી જલ્દી હાર માનવનો કોઈ અર્થ નથી. તારાથી ના થતું હોય તો અંકલ આંટી સાથે હું વાત કરીશ."

માથું ધુણાવતા એ બોલ્યો, "એ નહિ માને."

"એટલીસ્ટ ટ્રાય તો કરી જ શકાય ને!"

"પણ હજુ એક વાત છે. એના મનમાં શું છે એના માટે હું શ્યોર નથી."

મિહિર ફરી બોલ્યો, "ઠીક છે. હું ટ્રાય કરીશ અને મારી રીતે તેમના સુધી આ વાત લઈ જઈશ. પછી તમારો જે નિર્ણય હોય એ. પણ શું વિદ્યા તને ટાઈમ્સ છોડવા દેશે?"

"થોડું વસમું તો સાબિત થશે. પણ એ થઈ જશે."

ભૂતકાળની વાત કરતા નિકુંજે નિતુને આગળ જણાવ્યું, "મને લાગતું હતું કે ધીમે ધીમે એનાથી અંતર વધારી હું ટાઈમ્સને અલવિદા કહી દઈશ. એની કાળજી રહે એ માટે ટાઈમ્સમાં મારી વિશ્વાસપાત્ર જસ્સીને મેં રાખી દીધી હતી. પણ સમય શું ખેલ ખેલે છે એ જ નથી સમજાતું. મેં જેટલું ધાર્યું એનાથી ટાઈમ્સ છોડવું મારા માટે કપરું સાબિત થયું."

"એવું શું થયું?" નિતુએ પૂછ્યું.

તે બોલ્યો, "જે બીકને લીધે મેં જે.સી. નો કોન્ટ્રેક્ટ ટાળ્યો એ મિટિંગ મને જણાવ્યા વિના વિદ્યાએ અટેન્ડ કરી. જોઈન્ટ કેમ્પબેલ બ્રાન્ડ ઓઈલ એ એક વિદેશી કંપની હતી. જે સરકારી નીતિઓને લીધે આસાનીથી ભારતમાં આવી ગઈ. પોતાનું પ્રમોશન કરવા એણે ટાઈમ્સમાં એડ કોન્ટ્રાકટ કરી લીધો અને પછી એના માલિક હુડસન કેમ્પબેલે પોતાનો સાચો રંગ બતાવ્યો. આ આખી વાતમાં હુડસન કેમ્બેલને મોહરાની જેમ ચલાવનારો હતો રોની જરીવાલા."