Nitu - 103 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 103

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 103

નિતુ : ૧૦૩ (વિદ્યા અને નિકુંજ) 


વિદ્યા પોતાના કામમાં લાગી ગયેલી. છતાં ક્યારેક જો એ એકાંતમાં બેઠી હોય કે પછી એવી કોઈ વાત નીકળે જે એના ભૂતકાળને ભળતી હોય, તો એના મનમાં એના ભૂતકાળની છબીઓ તાજી થવા લાગતી. એના ગુસ્સાનો પાર ના રહેતો. એની જીદ્દ બહાર નીકળી આવે અને એની ઈચ્છાનુસાર કામ ના થાય તો જીદ્દવશ એનો કોપ વરસે. 

નિકુંજે આ બધાથી એને ઉગારવા એક નવો રસ્તો કાઢ્યો. વિદ્યા કશેય બહાર જવા ન ઈચ્છતી. ટાઈમ્સ શરુ કર્યા પછી એને એના બિઝનેસ પાર્ટનરો પાર્ટીઓમાં ઈન્વાઈટ કરતા. બિઝનેસ પાર્ટી હોય તો પણ એ જવાનું પસંદ ના કરે. નિકુંજે એને બહાર લઈ જવાનું શરુ કર્યું. માત્ર એ જ હતો જેની સાથે તે સરખી રીતે વર્તન કરતી અને એની કહેલી વાત માનતી. કેમ ન માને? ભૂતકાળમાં એને પણ નિકુંજ માટે લાગણી તો જન્મેલી, પણ પરિસ્થિતિ એવી થઈ કે સપના અધૂરા રહી ગયા. 

તે તેને કોઈ સાથે નહિ, તો પોતાની સાથે એકલા બહાર જવા કહેતો. ક્યારેક જો સમય મળે તો બહાર ફરવા લઈ જતો. આમ જ સમય વિતતો ચાલ્યો અને વિદ્યા ફરી નિકુંજના રંગમાં રંગાવા લાગી. દરેક સપ્તાહે એકાદ દિવસ તો એવો બનાવી જ લેવાતો કે એ બંને બહાર ગયા હોય. વિદ્યાને નિકુંજ સાથેનો આ ક્વોલિટી ટાઈમ ખુબ ગમતો. એવું લાગતું જાણે કે એ બધું ભૂલી માત્ર એની સાથે રહેવા માંગતી હોય, હંમેશા માટે! કે એ હમેંશા માટે રહેવું પણ ઓછું પડે એટલો લાંબો સાથ! 

આટલું પર્યાપ્ત નહોતું. બિઝનેસ તો સેટ થઈ ગયો અને દિવસે ને દિવસે વધતો જતો હતો. ચાર વર્ષના સમયગાળામાં એણે ઘણી મોટી સફળતાઓ હાથવગી કરેલી. એટલે નિકુંજે વિચાર્યું કે જે ભાડાના મકાનમાં એ રહે છે એને ભૂલી હવે કંઈક નવું કરે. વિદ્યાની આ અંગે સંમતિ લેવાય. એનું પોતાનું કહી શકાય એવું, મોટુંમસ મકાન ખરીદવામાં આવ્યું. તેની સાથે બહાર જવું ગમતું, પણ હકીકતમાં બહાર જવું નહિ, નિકુંજ સાથે જવું એને વધારે ગમતું. 

હર સમય શહેરના કોઈ ખૂણાને શોધવો એનાં કરતા સાથે નિરાંતે બેસીને સમય પસાર થાય એ માટે નિકુંજની જાણ બહાર વિદ્યાએ એક ફાર્મ હાઉસ ખરીદી લીધું. એને ક્યારેય એમ ન લાગતું કે તે અલગ વ્યક્તિ છે. એને મન એક જ વાત ચાલવા લાગી, કે બસ હવે નિકુંજ એની સાથે જ રહેવાનો છે. હા, ક્યારેક તે પોતાના વતન, પોતના માતા- પિતા પાસે ચક્કર લગાવી આવે પણ એકાદ બે દિવસ પછી તો વિદ્યા સાથે જ. તે સપનામાં પણ ના વિચારતી કે નિકુંજ એને છોડીને કશેય જવાનો છે. એટલે તેણે નિકુંજને આ ફાર્મ હાઉસ ગિફ્ટના રૂપમાં આપવાનું પસંદ કર્યું. 

અજાણ નિકુંજ ગાડીમાં પાછળની સીટ પર સોગિયું મોં કરીને બેઠો હતો અને બાજુમાં વિદ્યાના મોઢા પર અનેરી ખુશી છલકતી હતી. 

કંટાળેલા સ્વરે એણે કહ્યું, "વિદ્યા તું હવે મને જણાવીશ કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ?" 

વિદ્યાએ એની મજાક ઉડાવતા કહ્યું, "તું કેટલીવાર પૂછીશ મને? થોડી ધીરજ રાખ. બધું સમજાય જશે." 

"પણ ક્યારે? ક્યારની ગાડી ચાલી જ જાય છે. ભૈ થોડી ઉતાવળ રાખજે. જેથી મને જલ્દી ખબર પડે કે આપણે ક્યાં જવાનું છે." એણે ડ્રાઈવરને કહ્યું. 

તુરંત વિદ્યા બોલી, "એટલી બધી શું ઉતાવળ? થોડી ધીરજ રાખતાં શીખ." પછી તેણે ડ્રાઈવરને કહ્યું, "નિરાંતે ચલાવો તમે. કોઈ હરકત નથી." 

તે મોં ફુલાવી બીજી બાજુ જોઈને બેસી ગયો. આખે રસ્તે તે અસમંજસતા ભર્યું વર્તન કર્યા કર્યો અને વિદ્યા એની મજાક ઉડાવતી રહી. શહેરથી બહાર નીકળી ઘણું ચાલ્યા બાદ મેઈન રોડથી નીચે ઉતરી ગાડી એક અંતરાળ વિસ્તારમાં આવી અને એક મોર્ડર્ન બનાવેલા ગેટ પાસે ઉભી રહી. 

બંને ગાડીની બહાર આવ્યા અને વિદ્યાએ ડ્રાઈવર સામે જોયું, તો એને જાણે પહેલાથી જ બધી ખબર હોય એમ ઉતરી આગળ ચાલ્યો. ગેટ ખોલ્યો અને વિદ્યા નિકુંજનો હાથ પકડી આગળ ચાલવા લાગી. એના માટે હજુ આ બધું વણ ઉકેલ્યા કોયડા જેવું જ હતું. "આ તું ક્યાં લઈ આવી? કોનું ફાર્મ હાઉસ છે આ? કોઈ પાર્ટી- બાર્ટી રાખી છે કોઈએ?" 

"નિકુંજ તું કેટલા સવાલ કરે છે?" 

"હા તો સવાલ તો કરું જ ને! તું કશુંયે જણાવ્યા વિના મને અહીં લઈને આવી ગઈ! કોની જગ્યા છે આ? કોઈ દેખાતું તો છે નહિ!" 

એટલી વારમાં બંને ફાર્મના ગાર્ડનની વચ્ચે પહોંચી ગયેલા. તેનો હાથ છોડી તે થોડી આગળ ચાલી અને આનંદપ્રદ થતા બંને હાથ ખોલી એ અડધો આંટો ફરતા બોલી, "આ તારું ફાર્મ છે નિકુંજ! કેવું લાગ્યું?" 

તેને કંઈ સમજાયું નહિ. એ અસમંજસતાથી બોલ્યો, "સવાર સવારમાં તને બસ આવડી મજાક જ સુજી!" 

"આ મજાક નથી. આ ફાર્મ મેં માત્ર તારા માટે જ ખરીદ્યુ છે. તને ખબર છે અહીં સ્પેશ્યલ તારા માટે જ આ ફોક્સટેલના વૃક્ષો લગાવ્યા છે. પહેલા નહોતા, તને એ ગમે એટલે મેં લગાવી દીધા. બનાવેલું હાઉસ જો. સેકન્ડ ફ્લોર પર એક વિશાળ રૂમ બનાવરાવ્યો છે. જ્યાં તારા સિવાય કોઈ નહિ જઈ શકે." 

"વિદ્યા આ બધું..." 

"તારા માટે." નિકુંજ એની વાત પુરી કરે એ પહેલા જ એણે કહી દીધું અને પછી આગળ બોલી, "તને શું લાગે છે? તું આજ સુધી મારા માટે આટલું બધું કરતો રહ્યો અને હું તારા માટે કંઈ ન કરું! તે મને આટલું મોટું ઘર બનાવી આપ્યું, એટલીસ્ટ આ ફાર્મહાઉસ તો હું તને આપી જ શકુને?" 

ડઘાઈને તે ઉભો હતો. તેને મન આ કરવાની જરૂર નહોતી અને વિદ્યાની આ ગિફ્ટ તે સ્વીકારવા પણ નહોતો માંગતો. પરંતુ એના માટે જે સૌથી અગત્યનું હતું એ હાજર હતું, વિદ્યાની ખુશી. એટલા વર્ષોમાં આજે એ વિદ્યાને એટલી ખુશ જોઈ રહ્યો હતો. તે ફરી થોડી આગળ ચાલી અને છાતી ફુલાવી ત્યાંની તાજી હવાને પોતાની અંદર સમાવી. 

અદફ લગાવી તે ઉભી રહી, આંખો થોડી નમ થઈ, એ સ્નેહાળ ભાવે બોલી, "હું અહીં બે ત્રણ વખત આવી. ખબર નહિ આ જગ્યામાં શું છે! પણ એક અનેરી ખુશી આપે છે. અહીંની તાજગી મનને શાંત કરે છે. એવું લાગે છે જાણે... જાણે કોઈ સાથે હોય. એવું, જેની સાથે આપણે ખુશ રહીયે. એક અનોખી લાગણીનો સંચાર થઈ જાય છે. અહીં મને એકલું નથી લાગતું. લાગે છે... લાગે છે કે એ બધી જ દુનિયાને છોડી હું કોઈ પોતીકા પાસે આવી હોઉં." એ પાછળ ફરી અને નિકુંજને કહેવા લાગી, "એટલે જ મેં આ ફાર્મ હાઉસ ખરીદ્યુ. તને ગિફ્ટમાં આપવા માટે. જેથી આપણે જ્યારે અહીં આવીયે ત્યારે એ આખી દૂનિયાને પાછળ છોડી એકાંતમાં અને ખુશ રહી શકીયે." 

એના ચેહરા પર જે ખુશી હતી એ જોઈ તે તેને નાસીપાસ કરવા નહોતો ઈચ્છતો. લાંબા સમયે એને વિદ્યા ખુશ દેખાતી હતી. એને એ સમજાતું હતું કે આ ફાર્મ પર તે ખુશ રહેશે. એટલે વધારે આનાકાની કરવાનું એને ગમ્યું નહિ. તેનો ઉત્સાહ અકબંધ રહે એ માટે એણે હા ના કંઈ કર્યું જ નહિ અને વાત ફેરવતા બોલ્યો, "સવારમાં તૈયાર કરાવી સીધી અહીં લઈ આવી. હવે બસ હવા ખવરાવીને રોડવવાનો ઈરાદો છે?" 

"ના... " બોલતી એ તેની પાસે આવી અને એના બંને હાથ પકડી ઊંધા પગલે ચાલતા કહેવા લાગી, "આજની સવાર તને યાદગાર રહે એ માટે મેં બધી જ તૈય્યારીઓ કરી લીધી છે. તારૂ ફેવરિટ બ્રેકફાસ્ટ તારી રાહ જુએ છે." પછી હાથ છોડી આગળ ફરી અને નિકુંજ એની પાછળ એમ જ ચાલતો રહ્યો. તે બોલી, "આ ગાર્ડન જો. આટલું જ નથી. હાઉસની પાછળ પણ શાંતિથી બેસી શકાય એવું ગાર્ડન છે." 

વિદ્યાએ એની સાથે મળી આખું ફાર્મ બતાવ્યું. બંને ગાર્ડન અને મકાનના દરેક ખૂણાનો સાથે મળી પરિચય કરાવવા લાગી. આ આખી વાતમાં નિકુંજના મનમાં માત્ર એક જ દ્રશ્ય દેખાય રહ્યું હતું. એનું સંપૂર્ણ ધ્યાન ફાર્મને જોવા કરતા વિદ્યાના ચહેરા પર છલકતી ખુશીને જોવામાં વધારે હતું. તે માત્ર તેની હામાં હા મિલાવ્યે જતો હતો. 

બધું પત્યા પછી સાથે મળી બંને ડાયનિંગ ટેબલ પર ગયા જ્યાં બધું જ નિકુંજની પસંદનું હતું. આખો દિવસ અહીં જ વિતાવવાનું બંનેએ નક્કી કરેલું. હકીકતમાં આ ઈચ્છા વિદ્યાની હતી. બન્યું પણ એવું, પોતાના જ ફાર્મ હાઉસમાં સાથે મળી શાંતિથી આખો દિવસ પસાર થઈ રહ્યો હતો. વિદ્યાના ફોનમાંથી અત્યારનું બનેલું બધું જ તે વિડિઓ કોલ કરી દિશાને જણાવી રહ્યો હતો. એવામાં એના ફોનમાં એક મેસેજ આવ્યો. 

તેણે પોતાનો ફોન તપાસ્યો અને કોનો મેસેજ છે એ જોયું. પછી તેણે કહ્યું, "ઓકો દિશા, તું અને વિદ્યા બંને વાતો કરો. હું હમણાં આવું." તેણે ફોન વિદ્યાને હવાલે કર્યો અને પોતે બહાર ચાલ્યો ગયો. બહાર બાલ્કનીમાં આવી તેણે મેસેજ જોયો. દિશાએ ફરી નિકુંજ સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. 

તેને શોધતા વિદ્યાએ બહાર બાલ્કનીમાં આવી જોયું તો તે કોઈ સાથે ફોનમાં વાત કરી રહ્યો હતો. તેના હાવ- ભાવ જોઈ વિદ્યાને થોડું અજુગતું લાગ્યું. એને જોઈ નિકુંજ ફોનમાં સામે રહેલી વ્યક્તિને કહેવા લાગ્યો, "ઓકે ચાલ તો આપણે સાંજે મળીયે. મારી એક દોસ્ત પણ મારી સાથે જ છે. સાંજનું ડિનર આપણે સાથે લઈશું." કહી તેણે ફોન રાખી દીધો. 

વિદ્યાએ એને ફોન આપ્યો અને એ દિશા સાથે વાત કરતો કરતો અંદર ચાલ્યો ગયો. વિદ્યા બહાર ઉભા રહીને વિચાર કરવા લાગી, "કોનો ફોન હશે! અત્યારે... અને આ સાંજના ડિનરનું કોની સાથે પ્લાનિંગ કર્યું નિકુંજે?"