Nitu - 102 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 102

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 102


વિદ્યા કામમાં લાગશે તો અન્ય વિચારો ઓછા થશે એવું એના મિત્રો જાણી એને રુચિકર હોય એમ કરતા રહ્યા. નિકુંજે તેના માટે દરેક કામ કરવા હામી ભરી. વિદ્યા મૌનમૂક આ બધું જોયા કરતી હતી. તેની હાલતને લીધે નિકુંજ કે દિશા એને વધારે ભીંસમાં સાંપડવા નહોતા માંગતા. તેથી જો એનું મન હોય તો જ કામ કરવા કહેતા. 

તેમનું અનુમાન સાચું ઠર્યું. સમય જતાં વિદ્યાએ પોતાનું કામ સંભાળ્યુ. એના મનમાંથી વીતેલી ઘટનાઓની છાપ ધીમે ધીમે આછી થઈ એ ખરું, પરંતુ વિસરાય તો નહોતી જ. દિશાના પપ્પાએ એના કહેવાથી ફાયનાન્સ કરી આપી અને નિકુંજે બધી લીગલ પ્રોસેસ હેન્ડલ કરી લીધી. વિદ્યાને બિઝનેસ કરી આગળ વધવાની એક નવી તક મળી. 

લગભગ એક વર્ષ જેટલો સમય વીતી ગયો અને ધારણા મુજબ તે પોતાના કામમાં પરોવાઈ ગઈ. જોકે કામ કરતા કરતા એને રોનીના વિચારો ક્યારેય પણ આવી જતા. વીતેલા સમયમાં તેણે અનેક વખત આત્મહત્યાના પ્રયત્ન કર્યા એટલે નિકુંજ એને છોડીને જવા તૈય્યાર નહોતો. એના મનમાં પેઠેલા ઘા જેટલા દેખાય રહ્યા હતા એના કરતા વધારે ઊંડા હતા. બસ, એ કોઈ સાથે ખુલીને વાત નહોતી કરતી. 

નિકુંજે જવાનો નિર્ણય લીધો પણ એને એકલી છોડવા એનું મન નહોતું માનતું. દિશાએ રસ્તો આપ્યો કે મેનેજર તરીકે એ ત્યાં જ રહી જાય. છતાં એમ વિચારી કે એ વધારે સમય ત્યાં નહિ રહે, એણે મેનેજર ને બદલે એમ્પ્લોય તરીકે ઓપરેરની જોબ લીધી અને મેનેજર તરીકે શાહ આવ્યા. ધીમે ધીમે સમય આગળ વધતો ગયો અને તેની ટાઈમ્સ માર્કેટિંગે નામના મેળવવાની શરૂઆત કરી દીધી. ક્યારેક જો વિદ્યા એના ભૂતકાળમાં સરી જતી તો એનું મોટા ભાગનું કામ નિકુંજે કરવું પડતું. બે વર્ષ વિત્યા પછી પણ એ માનસિક રીતે શાંત નહોતી થઈ શકી. એ સતત રોનીના વિચારોમાં ખૂંચેલી રહેતી. 

નિકુંજ અને રમણ સતત એકબીજાનાં સમ્પર્કમાં હતા. પરંતુ એક બાજુ વિદ્યાની હાલતને લીધે, તો સામે રતન જરીવાલા સત્તા પર હતો. તેથી તેઓએ કોઈ ચોક્કસ પગલું લેવાની જરૂર હતી. અગર કાચું કપાયું તો બધું વિફળ જશે. માટે સમય આવ્યે કોઈ કામ કરીશું એમ વિચારીને તેઓ શાંત બેઠા હતા. રોનીએ આપેલો ગુસ્સો એના મનમાં ભભકતો રહેતો હતો. એટલે ક્યારેય પણ અને કોઈને પણ વિદ્યા ગુસ્સા અને તિરસ્કારથી જોયા કરતી. 

નિતુની સાથે આ બધી વાત કરતા નિકુંજ ગળગળો થઈ ગયો હતો. એને આજે પણ એની પીડા અનુભવાય રહી હતી. તે આગળ બોલ્યો, "એ સોફ્ટ વિદ્યા જેને મેં જોઈ, એને તું કોઈ દિવસ જાણી જ નથી શકી. રોનીએ આપેલા ઝખમ ને કારણે મારી વિદ્યા પોતાનું સ્વરૂપ જ ભૂલી ગઈ. એ બદલાય ગઈ. દરેક પ્રત્યે આદર રાખતી વિદ્યા માનવ માત્ર પર આગ જેમ વરસવા લાગી. મેં શક્ય એટલા પ્રયત્ન કર્યા કે એ કોઈના પર ગુસ્સો ના કરે અને મારુ એવું કરવું એને ના ગમતું. એટલે એ મારા પર પણ ગુસ્સે થઈ જતી. શરૂઆતમાં તે મુર્જાયેલી રહેતી. પણ ધીમે ધીમે એણે કામમાં ધ્યાન આપ્યું અને એની સમજણથી એણે ટાઈમ્સ માર્કેટિંગને નામાંકિત કંપનીઓમાં સ્થાન અપાવી દીધું. આ બધી વાત તારો પતિ મયંક પણ જાણે છે." 

નિતુની ભ્રમર ભેગી થઈ ગઈ, લલાટે લીટીઓ ખેંચાય ગઈ અને ચેહરો આશ્વર્યના ભાવમાં. "શું?"  અચંબિત થતા તેણે ઉદ્દગાર્યું અને પછી ઉમેર્યું, "પણ મયંકે તો મને આ વાત કોઈ દિવસ કરી જ નથી!" 

"હા... કારણ કે એ વખતે મયંક થોડો નાનો હતો. વાત છ વર્ષ પહેલાની છે. અમારી કંપની ચાલવા લાગી એ ખરું. પરંતુ પહેલા પ્રિન્ટ મીડિયા અને પછી ટેલિવિઝન, એ રીતે અમે શરૂઆત કરેલી. જ્યારે ટીવી એડની વાત આવી ત્યારે પ્રોડક્શન હાઉસ તરીકે સૌથી પહેલા અગ્રવાલ પ્રોડક્શન હાઉસ, એટલે કે તારા સસરા જગદીશભાઈ જ અમારી સાથે બિઝનેસ પાર્ટનર તરીકે જોડાયેલા." 

અસમંજસતાથી નિતુએ કહ્યું, "અમારા લગ્ન પછી એ કંપનીમાં તો મેં કામ કર્યું છે. છતાં મને કોઈ દિવસ એ વાતની જાણ કરવામાં જ નથી આવી!" 

"કારણ કે તું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં નહોતી. એ તારા સસરા જ સંભાળતા. બીજું કારણ એ પણ હતું કે ટાઇમ્સે પોતાનું પ્રોડક્શન શરુ કર્યું. તારા સસરાની પાસે ડિસ્ટ્રીબ્યુટર ઘણાં બધા હતા એટલે અગ્રવાલ પ્રોડક્શન હાઉસ સાથે છેલ્લા ત્રણ વર્ષથી અમારો કોઈ પ્રોજેક્ટ પણ નથી થયો." 

નિતુએ પૂછ્યું, "એટલે પપ્પા અને મયંક, બંને વિદ્યાને ઓળખે છે?" 

"હા. એ બંને એને ઓળખે છે અને વિદ્યા પણ પહેલેથી એ બંનેને ઓળખે છે. તમારા લગ્ન પહેલાથી અમે છૂટા પડી ગયા એટલે તને વિદ્યાનો કોઈ પરિચય નથી." 

"તો શું મયંકને વિદ્યાનો ભૂતકાળ પણ ખબર છે?" 

"ના. તેણે જ્યારે એના પપ્પા સાથે બિઝનેસ જોઈન કર્યો ત્યારે અમે છુટા પડી ગયેલા હતા. બસ થોડો ઘણો પરિચય હતો. એનો ભૂતકાળ અમારી સિવાય અન્ય કોઈને ખબર નથી. જ્યારથી કંપની શરુ થઈ ત્યારથી શાહ મેનેજર તરીકે રહ્યા છે અને બધાની સેવામાં જસ્સી. એ બંને સિવાય ઓફિસમાં કોઈને જાણ નથી. રમણ, હું અને દિશા. અમે પાંચ લોકો જ એનો ભૂતકાળ જાણીએ છીએ." 

નિતુને બીજું આશ્વર્ય થયું. એણે પૂછ્યું, "શાહ તો સમજી શકાય... પણ જસ્સી? એ તો એક સાધારણ સર્વન્ટ છે!" 

"હા. એને મેં જ કામ પર રાખેલી. એ મારી વિશ્વાસુ છે. ટાઈમ્સની ઓફિસની દરેક પળની ખબર આપે છે એ મને. તારી અને નવીનની વાત હોય કે પછી વિદ્યા તને એના ફાર્મ પર લઈ જતી હોય." 

નિતુની આંખો પહોળી થઈ ગઈ. એની સમક્ષ એક પછી એક રહસ્ય ખુલ્લી રહ્યા હતા. શ્વાસ ફૂલી રહ્યો હતો. એ આશ્વર્યમાં બોલી, "એટલે એમ કે... તમને બધી જ જાણ છે!" 

"હા... ટાઈમ્સના એક એક ખૂણાની. પણ વિદ્યા એ વાતથી અજાણ છે કે જસ્સી મારે માટે કામ કરે છે." 

યાદ કરતા નિતુ બોલી, "હા... હવે મને સમજાય છે કે મારા પ્રમોશનની વાત સૌથી પહેલા એને કઈ રીતે ખબર પડી હશે." તે જસ્સી સાથે વીતેલ સમય યાદ કરવા લાગી અને અચાનક કંઈક સ્ફૂર્યું હોય એમ આશાવાદી નજર કરતાં એ બોલી, "તમે બધું જાણો છો તો અત્યાર સુધી ચુપ કેમ રહ્યા? તમને ખબર જ છેને એ મારી સાથે... હું શું સમજુ?" 

"આઈ નો નિતુ, કે તેણે જે કર્યું છે એ ખોટું જ કર્યું છે. તેણે નહોતું કરવું. તને આપેલી ઓફર બાબત જસ્સીએ મને વાત કરી એ પછી હું બધું સમજવાનો પ્રયત્ન જ કરી રહ્યો હતો. એટલામાં તે હા કરી દીધી અને આ બધું..." 

અફસોસ જતાવતા તેણે કહ્યું, "મારી પાસે કોઈ વિકલ્પ જ નહોતો. પરિસ્થિતિ જ એવી હતી કે એની હા માં હા મિલાવ્યા સિવાય મારી પાસે કોઈ રસ્તો શેષ નહોતો રહ્યો." નિરાશા સાથે મોઢું લટકાવી તે બેસી ગઈ. પછી પૂછ્યું, "રોનીનું શું થયું? શું એ હજુ આઝાદ ફરે છે? અને તમે એમ્પ્લોયી નહિ પણ વિદ્યાનાં ફ્રેન્ડ છો તો પછી જોબ કેમ છોડી દીધી? તમે તો ક્યારેય એને છોડવાના જ નહોતા!" 

જવાબ આપતા તેણે કહ્યું, "હા... નીર્ધાર તો મેં કંઈક એવો જ કરેલો. પણ પરિસ્થિતિ એવી સર્જાય કે મારે એનાથી અલગ થવું પડ્યું. છતાં જસ્સીના રૂપમાં મેં એક એવું વિશ્વાસુ વ્યક્તિ એની પાછળ લગાડ્યું છે કે જેથી એની બધી માહિતી મારા સુધી પહોંચતી રહે." 

કંઈક યાદ આવ્યું હોય એમ નિતુએ એને અટકાવતા પૂછ્યું, "તમેં એના ફ્રેન્ડ છો તો પછી વિદ્યા સામે તમે જે કમ્પ્લેઈન કરી હતી એ શું હતું? મને તમારા વિશે ખબર પડી પછી મેં ઘણું બધું શોધ્યું છે. તમારા અંગે ઈન્ટરનેટમાં મેં ન્યુઝ પણ જોયા છે. વિદ્યા એના એપ્લોયીને દાબમાં રાખી કામ કરાવે છે એવો ચાલેલ કોર્ટ કેસ! અને ઓફિસમાં જે વાત ફેલાય છે કે તમે કમ્પ્લેઇન કરી પછી તમારો કોઈ અતોપતો જ નથી... અને વિદ્યાથી તમારા અંગે કોઈ વાત નથી કરતું. આ બધું શું છે?" 

"એની પાછળ પણ એક ઘટના છે." 

"શું ઘટના છે?" 

નિકુંજે એક નિઃસત્ત્વ હાસ્ય આપી કહ્યું, "ઘણીવાર જેવું દેખાતું હોય છે એવું હોતું નથી નિતુ. કદાચ વિદ્યાની વાત જાણીને તને એના પર દયા આવી હશે. પણ એક એવી ઘટના છે જે તને વિદ્યાનાં વિષયમાં સાચો નિર્ણય કરવામાં મદદ કરશે. પછી નિર્ણય તારા હાથમાં હશે. તારે એના વિરુદ્ધ કેસ કરવો કે નહિ? એ ખરાબ છે કે નહિ? એ બધું તને સ્પષ્ટ થઈ જશે. આગળ શું કરવું એનો નિર્ણય તારા હાથમાં છે." 

"શું છે તે?" 

એક શ્વાસ લઈ તે બોલ્યો, "તને યાદ જ હશે, જ્યારે તું ઇન્ટરવ્યુ આપવા આવી ત્યારે વિદ્યાએ તને તારી ઓળખ છુપાવવા કહ્યું હતું." 

"હા... અને એમ પણ કહ્યું હતું કે સમય આવ્યે જણાવશે. બટ સ્ટીલ નાવ, એણે મને કંઈ નથી કહ્યું. હું ડિવોર્સી છું એ વાત એણે મને છુપાવવા ક્યા કારણથી કહ્યું? મને એ સમજાયું જ નહિ કે મારી ઓળખ છુપાવરાવી એને શું મળ્યું?" 

"હમ્મ... કારણ કે તારું ઓળખ છુપાવવાનું કારણ પણ એ ઘટના જ છે. તું અને વિદ્યા પહેલા પણ મળ્યા હતા. એટલે જ એ તને તારા ઇન્ટરવ્યુ સમયે સાચી ઓળખથી જાણતી હતી. પણ તને એનો ખ્યાલ નથી." 

નિતુએ પોતાના કાન ખોલ્યા અને આ વણકહેલી વાતને ધ્યાનથી સાંભળવા લાગી. નિકુંજે આગળ કહ્યું, "એ ભીષણ રાતે ત્રણ જિંદગી દાવ પર લાગી હતી અને દરેક વ્યક્તિ પોતાનું જીવન બચાવવા

ઝઝૂમી રહી હતી. એ રાતે શું થયું હતું એ હું તને કહું છું, સાંભળ..."