લોભી ના દાવ પેચ
लोभमूलानि पापानि संकटानि तथैव च।
लोभात्प्रवर्तते वैरं अतिलोभात्विनश्यति॥
-गरुड़ पुराण
લોભ પાપ અને બધી સંકટોનું મૂળ કારણ છે, લોભ શત્રુતામાં વૃદ્ધિ કરે છે, વધુ લોભ કરનાર વિનાશને પામે છે.
એક ગામમાં એક દિવસ વિજયાદશમી ના દિવસે દર વર્ષ ની જેમ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ દૂર-દૂરથી મોટા-મોટા પહેલવાનો આવ્યા. તે પહેલવાનોમાં એક એવો પહેલવાન પણ હતો જેને હરાવવું કોઈના બાવડાની તાકાત ન હતી. જાણીતા પહેલવાનો પણ તેની સામે વધુ સમય ટકી શકતા નહોતા.
સ્પર્ધા શરૂ થાય તે પહેલાં સરપંચ આવ્યા અને બોલ્યા, "ભાઈઓ, આ વર્ષના વિજેતાને અમે 3 લાખ રૂપિયા ઇનામમાં આપીશું. જે ગયા વર્ષ કરતાં ત્રણ ગણી રકમ છે."
ઇનામની રકમ મોટી હતી, પહેલવાનોમાં વધુ જોશ ભરાઈ ગયો અને તેઓ સ્પર્ધા માટે તૈયાર થઈ ગયા. કુસ્તી સ્પર્ધા શરૂ થઈ અને તે જ પહેલવાન બધાને એક પછી એક ચિત કરતો રહ્યો. જ્યારે હટ્ટાકટ્ટા પહેલવાનો પણ તેની સામે ટકી ન શક્યા, તો તેનો આત્મવિશ્વાસ વધુ વધી ગયો અને તેણે ત્યાં હાજર દર્શકોને પણ પડકાર ફેંક્યો - "છે કોઈ માઈનો લાલ જે મારી સામે ઊભો રહેવાની હિંમત કરે!! …"
ત્યાં ઊભેલો એક દુબળો-પાતળો માણસ આ કુસ્તી જોઈ રહ્યો હતો. પહેલવાનનો પડકાર સાંભળીને તેણે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો અને પહેલવાનની સામે જઈને ઊભો રહ્યો.
આ જોઈને તે પહેલવાન તેના પર હસવા લાગ્યો અને તેની પાસે જઈને બોલ્યો, "તું મારી સાથે લડવાનો… હોશમાં તો છે ને?"
ત્યારે તે દુબળા-પાતળા માણસ પહેલવાનના કાનમાં ધીરેથી બોલ્યો, "અરે પહેલવાનજી, હું ક્યાં તમારી સામે ટકી શકું? તમે આ કુસ્તી હારી જાઓ, હું તમને ઇનામના બધા પૈસા તો આપીશ જ અને સાથે 3 લાખ રૂપિયા વધુ આપીશ. તમે કાલે મારે ઘરે આવીને લઈ જજો. તમારું શું છે, બધા જાણે છે કે તમે કેટલા મહાન છો, એક વખત હારવાથી તમારી પ્રતિષ્ઠા થોડી ઓછી થઈ જાય છે!"
છ લાખ રૂપિયા મોટી રકમ હતી. દર વર્ષે કુસ્તી કરે તોય છ વર્ષે છ લાખ રૂપિયા થાય. લાલચ માણસને આંધળો બનાવી દે છે.
પહેલવાન તેની સામે આશ્ચર્યતાથી જોઈ રહ્યો. પાતળા માણસે આગળ કહ્યું. “ વાત એમ છે મારા હમણાજ લગ્ન થયા છે અને મારે પત્ની સામે બહાદુરી દેખાડવાની છે.”
પહેલવાન એની વાતમાં કબુલ થયો.
કુસ્તી શરૂ થઈ, પહેલવાને થોડી વાર લડવાનો નાટક કર્યું અને પછી હારી ગયો. આ જોઈને બધા લોકો તેની મજાક ઉડાવવા લાગ્યા અને તેને ખૂબ નિંદા સહન કરવી પડી. પાતળો માણસ ત્રણ લાખ લઇ ઘર ભેગો થઇ ગયો.
"त्रिविधां नरकस्येदं द्वारं नाशनमात्मनः ।
कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् ॥" (भगवद्गीता 16/21) –
કામ, ક્રોધ અને લોભ આ ત્રણ નરકના દ્વાર છે, જે આત્મ-નાશનું કારણ બને છે, તેથી આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ.
બીજે દિવસે તે પહેલવાન શરતના પૈસા લેવા તે દુબળા માણસના ઘરે ગયો અને છ લાખ રૂપિયા માગ્યા. ત્યારે તે દુબળો માણસ બોલ્યો, "ભાઈ, કઈ વાતના પૈસા?"
કહે છે ને લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે.
"અરે, તે જ જે તેં મેદાનમાં મને આપવાનું વચન આપ્યું હતું," પહેલવાન આશ્ચર્યથી જોતાં બોલ્યો.
દુબળો માણસ હસતાં બોલ્યો, "તે તો મેદાનની વાત હતી, જ્યાં તમે તમારા દાવપેચ લગાવી રહ્યા હતા અને મેં મારા દાવ પેચ લગાડ્યા … પણ આ વખતે મારા દાવપેચ તમારા પર ભારે પડ્યા અને હું જીતી ગયો."
પહેલવાન શું બોલે ? જો તેની સામે મારા મારી કરે તો પોલ ખુલી જાય અને તેને કુસ્તી માંથી બહાર કાઢી નાખવામાં આવે.
પહેલવાન જીવનના મેદાન માં હારી ગયો.
"लोभमूलं हि विश्वस्य व्यापारः संनिवर्तते।
तत्र चौराः सदा जीवन्ति लोभिनां संनिधौ सदा॥"
અર્થ: લોભ એ આખા વિશ્વના વ્યવહારનું મૂળ છે. જ્યાં લોભીઓ હોય છે, ત્યાં ચોર (અથવા ધૂર્ત લોકો) હંમેશાં સમૃદ્ધ રહે છે.
થોડા પૈસાના લાલચમાં વર્ષોની સખત મહેનતથી કમાયેલી પ્રતિષ્ઠા પણ થોડી જ ક્ષણોમાં માટીમાં મળી જાય છે અને ધનથી પણ હાથ ધોવા પડે છે.
નૈતિક મૂલ્યો સાથે સમજૂતી ન કરવી જોઈએ. લોભ કરેલી વાત લાંબા ગાળે વિનાશ જ નોતરે છે.
"लोभमूलानि पापानि संकटानि तथैव च । लोभात्प्रवर्तते वैरं अतिलोभात्विनश्यति ॥"
લોભ પાપ અને બધી મુશ્કેલીઓનું મૂળ છે, લોભથી દુશ્મની ઉત્પન્ન થાય છે, અતિ લોભ વિનાશનું કારણ બને છે.
"लोभेन बुद्धिश्चलति लोभो जनयते तृषाम् । तृषार्तो दुःखमाप्नोति परत्रेह च मानवः ॥"
(हितोपदेश, मित्रलाभ, १४२) –
લોભથી બુદ્ધિ ભટકી જાય છે, લોભ તૃષ્ણા પેદા કરે છે, તૃષ્ણાથી માણસ દુઃખી થાય છે અને અંતે તેનો નાશ થાય છે.
॥ भज गोविन्दम् ॥
कामं क्रोधं लोभं मोहं त्यक्त्वाऽत्मानं भावय कोऽहम् ।
आत्मज्ञान विहीना मूढाः ते पच्यन्ते नरकनिगूढाः ॥२६॥
કામ, ક્રોધ, લોભ, મોહને છોડીને, સ્વયંમાં સ્થિત થઈને વિચાર કરો કે હું કોણ છું, જે આત્મજ્ઞાનથી રહિત મોહિત વ્યક્તિઓ છે, તેઓ વારંવાર છુપાયેલા આ સંસાર રૂપી નરકમાં પડે છે.
लोभेन बुद्धिश्चलति लोभो जनयते तृषाम् ।
तृषार्तो दुःखमाप्नोति परत्रेह च मानवः ।।
(हितोपदेश, मित्रलाभ, १४२)
અર્થાત્ લોભથી બુદ્ધિ વિચલિત થઈ જાય છે, લોભ સરળતાથી ન ઓલવાતી તૃષ્ણાને જન્મ આપે છે. જે તૃષ્ણાથી ગ્રસ્ત થાય છે તે દુઃખનો ભાગીદાર બને છે, આ લોકમાં અને પરલોકમાં પણ.
लोभात्क्रोधः प्रभवति लोभात्कामः प्रजायते ।
लोभान्मोहश्च नाशश्च लोभः पापस्य कारणम् ।।
(हितोपदेश, मित्रलाभ, २७)
અર્થાત્ લોભથી ક્રોધનો ભાવ ઉપજે છે, લોભથી કામના કે ઇચ્છા જાગૃત થાય છે, લોભથી જ વ્યક્તિ મોહિત થઈ જાય છે, એટલે કે વિવેક ગુમાવી દે છે, અને તે જ વ્યક્તિના નાશનું કારણ બને છે. વાસ્તવમાં લોભ સમગ્ર પાપનું કારણ છે.
अतिलोभो न कर्तव्यो लोभं नैव परित्यजेत्।
अतिलोभाभिभूतस्य चक्रं भ्रमति मस्तके॥ पञ्चतन्त्रम्
માણસ અત્યંત લાલચી ન થવો જોઈએ; અને બધી ઈચ્છાઓ પણ છોડવી જોઈએ નહિ. અત્યંત લાલચી માણસના માથા પર ચકરું ફરતું હોય છે.