સિકંદર
-રાકેશ ઠક્કર
શું હવે ઈદ પર સલમાનની ફિલ્મ જોવા જતાં પહેલાં એના ચાહકો પણ બહુ વિચાર કરશે? આવો પ્રશ્ન થવાનું કારણ એ છે કે બે વર્ષ પછી ઈદ પર સલમાન ખાનની ‘સિકંદર’ (2025) જોવા જનારાને મનોરંજન બાબતે ખાલી હાથ આવ્યા હોય એવું લાગ્યું છે.
‘સિકંદર’ માં એટલી બધી ખામીઓ છે કે એ લોકોના દિલમાં તો ઠીક બોક્સ ઓફિસ પર રાજ કરી શકે એવી નથી. ઘણા સમીક્ષકોએ તો સુપરસ્ટાર ગણાતા સલમાનની ‘સિકંદર’ ને માત્ર એક સ્ટાર આપ્યો છે. એને ફિલ્મ કહેવી કે કેમ એવો પ્રશ્ન કર્યો છે અને ટીવી સિરિયલ વધુ સારી હોય એવો અભિપ્રાય આપ્યો છે. ‘સિકંદર’ પછી એ વાત નક્કી થઈ ગઈ છે કે નિર્દેશક એ. આર. મુરુગોદોસની આમિર ખાન સાથેની ફિલ્મ ‘ગજની’ એક રિમેક હોવાથી ચાલી હશે. કેમકે ‘સિકંદર’ જોયા પછી કોઈ માની શકે એમ નથી કે મુરુગોદોસે ‘ગજની’ બનાવી હશે.
શરૂઆતમાં સલમાનની વિમાનમાં ફાઇટ જોઈને એમ લાગતું હતું કે એક જબરદસ્ત વાર્તા સાથે ફિલ્મ બની છે. પણ પછી ઊંચી ઉડાનને બદલે વાર્તા નીચે જ ઉતરતી રહી. ઇન્ટરવલ સુધી તો કશું જ નવું જોવા મળ્યું નહીં. એમ લાગતું હતું કે અનેક સરપ્રાઈઝ હશે પણ સૌથી મોટી સરપ્રાઈઝ એ છે કે એમાં કોઈ વિલન જ નથી. વિલનના નામ પર ‘કટપ્પા’ સત્યરાજ મહેમાન ભૂમિકામાં છે. દર્શકો એવી આશા સાથે ગયા હતા કે સલમાન વિલન સાથે મારધાડ કરીને એને સબક શીખવશે. સત્યરાજનો આજ સુધી ઉપયોગ થયો ન હતો છતાં નિર્દેશક મજબૂત વિલન તરીકે રજૂ કરી શક્યા નહીં. વિલનનું પાત્ર જોકર જેવું બનાવી દીધું છે. પ્રતીક બબ્બરને પણ પછી ગાયબ કરી દેવામાં આવ્યો છે.
બહુ સ્પષ્ટ અભિપ્રાય આવ્યો હોય તો એ છે કે ‘સિકંદર’ ના સૌથી મોટા વિલન નિર્દેશક પોતે છે. એમને માત્ર એક વિચાર આવ્યો અને ફિલ્મ બનાવી નાખી છે. એમાં કોઈ વાર્તા, સંગીત કે અભિનય પણ નથી. એડિટિંગ એટલું ખરાબ છે કે ગમે ત્યારે ગમે તે દ્રશ્ય આવી જાય છે. અને એ પૂરું થયા વગર બીજું આવી જાય છે. ફિલ્મમાં ગીતો ખોટી જગ્યાએ મૂકવામાં આવ્યા હોવાથી અસર મૂકી જતાં નથી.
સલમાન ખાનના અભિનયની વાત કરીએ તો એણે એક નવો જ સ્લો મોશનમાં સંવાદ બોલવાનો આવિષ્કાર કર્યો છે. તેથી એ બોલતો ના હોય ત્યારે જ સારો લાગ્યો છે. એક એવો દમદાર આઇકોનિક સંવાદ નથી જે યાદ રહી જાય. અને તેથી એક સામાન્ય અભિપ્રાય બહાર આવ્યો છે કે તે ‘બિગ બોસ’ ઝોનમાં દેખાયો છે. એ સમજાતું જ નથી કે સલમાન ગુસ્સામાં બોલે છે, દુ:ખી થઈને બોલે છે કે સામાન્ય રીતે બોલે છે. એ કારણે અભિનયમાં ઇમોશનની કમી લાગે છે. એક્શનના દ્રશ્યોમાં પણ કેમેરો એવો ફરે છે કે સલમાન હોવાનું લાગતું જ નથી. માત્ર સલમાનના ઓરા પર જ પાત્ર રચ્યું છે. બીજા પાત્રોને મહત્વ અપાયું જ નથી.
રશ્મિકા મંદાનાનું પાત્ર જરૂરી લાગતું હોવા છતાં જરૂરી લાગ્યું નથી. તે પોતાની ફિલ્મોની યાદીમાં ‘સિકંદર’ નું નામ રાખી શકે કે કેમ એની મૂંઝવણ રહેશે. એને ગણતરીના જ દ્રશ્યો મળ્યા છે. ફિલ્મની વાર્તા જ એવી હતી કે એમાં કોઈ દમ જ ન હતો એટલે કદાચ સલમાનનો વાંક ના ગણી શકાય. એમાં શાહરૂખ કે અલ્લુ હોત તો પણ જોવી ગમી ના હોત. મતલબ કે સલમાને સ્ક્રિપ્ટ પર ધ્યાન આપ્યું જ નથી. ફિલ્મમાં કોઈ ચોક્કસ વાર્તા જ નથી. જો સલમાનને વધારે પૈસાદાર સાબિત કર્યો હોય તો એ ટ્રેનમાં અને ભાડાની ટેક્સીમાં મુસાફરી શા માટે કરે છે?
અત્યાર સુધી એમ કહેવાતું હતું કે સલમાન જેમની સાથે કામ કરે છે એ નિર્દેશક તરીકે નબળા હોય છે. આ વખતે એણે હિટ નિર્દેશક પસંદ કર્યા ત્યારે એમણે જ દગો આપ્યો. એવો પ્રશ્ન થયો છે કે શું ઈદ પર ગમે તે રીતે ફિલ્મ બનાવીને રજૂ કરવાનું નિર્દેશક પર દબાણ હતું?
નિર્માતા પણ એવું માનતા હશે કે ફિલ્મમાં જે હોય તે લોકો સલમાનના નામ પર ઈદ પર જોવા આવશે જ. આ કારણે હવે એવું બની શકે કે ઈદ પર સલમાનની કોઈ ફિલ્મ રજૂ થવાની જાહેરાત થશે ત્યારે મફતમાં ટિકિટ મળશે તો પણ જોવા જતાં પહેલાં સો વખત વિચાર કરશે. તેથી સમીક્ષકોએ સલમાનને એક વર્ષનો બ્રેક લેવાની સલાહ આપી છે અને પછી કમબેક કરવા કહ્યું છે.
‘સિકંદર’ પછી સલમાનને હીરોને બદલે વિલન તરીકે કામ કરવાની સલાહ આપવામાં આવી છે. આ સાચી સલાહ છે. સલમાન માટે પોતાની કારકિર્દીના વિલન બનવાને બદલે પડદા પર વિલન બનવું વધારે લાભદાયક રહેશે!