નિતુ : ૧૦૦ (વિદ્યા અને નિકુંજ)
વિદ્યાને ડિસ્ચાર્જ કરી દેવામાં આવી અને નિકુંજ તેને લઈને તેના ઘેર ગયો. પોતાની જાતને દોષી માનતી વિદ્યા નિકુંજ સાથે વધારે વાત ન્હોતી કરતી. એ જાણે કોઈ વિચારોમાં ખોવાયેલી હોય એમ જ મૌનમુક બેસી રહેતી. ઘરમાં આવ્યા પછી નિકુંજે જ બધી વ્યવસ્થા સંભાળવી પડી. તેણે ધીમે ધીમે વિદ્યાને નોર્મલ કરવાના બધા પ્રયત્નો શરૂ કર્યા.
જેમ તેમ કરી તેણે બે દિવસ વિતાવ્યા. ખુરશી પર ઉદાસ બનીને વિદ્યા બેઠી હતી. માથાની ઇજા હજુ રૂઝાય નહોતી, એટલે પટ્ટી બાંધેલી જ હતી. હાથ પર ચડાવેલ બોટલોના નિશાન સાજા કરવા બેન્ડેડ લગાવેલ. ગુમસુમ અને ઉદાસ. બસ એક જ સ્થિતિ હતી એની પાસે. નિકુંજ તેની પાસે આવ્યો, તેના હાથમાં પોતાની કોલેજ લાઈફનાં ફોટોઝથી ભરેલો આલ્બમ હતો. તેણે તેની સામે જોયું, પૂછ્યું, "શું લઈને આવ્યો છે?"
નિકુંજે આલ્બમ ઓપન કરી તેની સામે ધરતા કહ્યું, "તું જાતે જ જોઈ લે!" વિદ્યાએ આલ્બમ હાથમાં લીધો. તે ફરી બોલ્યો, "કમાલ છે! નૈ? મને તારી રૂમમાંથી આ આલ્બમ મળ્યો. તે કોલેજ લાઈફને આ રીતે કેદ કરી લીધી અને બીજા કોઈને ખબર પણ ના પડવા દીધી!"
વિદ્યાની કોઈ જાતની પ્રતિક્રિયા નહિ. તેનો ઉત્સાહ મનભંગ થયો. એના શબ્દો પૂરા થતા વિદ્યાએ પહેલું પાનું ફેરવ્યું. પોતે લીડર બનીને કોલેજના વિદ્યાર્થીઓને ફ્રેશર પાર્ટીનું ડેકોરેશન કરવાનું સૂચન આપતી હતી. તે અને નિકુંજ બંને સાથે બેસીને પાર્ટીની તૈયારી કરી રહ્યા હતા. હોલમાં ચાલી રહેલ ડ્રામા પ્રેક્ટિસ અને તેની બરાબર પ્રીપરેશન કરાવતી દિશા. કલાસરૂમ, ગ્રાઉન્ડ, કેમ્પસના એક એક સ્થળ પર અને બહાર જ્યાં પણ ફરવા ગયા એ તમામ સ્થળની એ તિકડીની યાદો એમાં હતી. ત્રણ વર્ષની એક એક ક્ષણ જાણે એ આલ્બમમાં સાંચવી રાખેલી. એ બધામાં દિશા એની સાથે હતી.
આ બધા ફોટોઝ જોતા જોતા તેને દિશાની યાદ આવી. તેને સતત દિશાના ફોટો તરફ જોતી જોઈને નિકુંજે કહ્યું, "દિશા તારી સાથે વાત કરવા માંગતી હતી, હું કોલ કરું એને?"
"હં..?" તે અવિચળ રીતે બોલી. તેની કોઈ જાતની પ્રતિક્રિયા નહોતી. એ નોંધીને તેણે તુરંત દિશાને વિડીયો કોલ કર્યો.
"હાય વિદ્યા..." દિશાએ કોલ ઉઠાવતાની સાથે ઉત્સાહ પૂર્વક જવાબ આપ્યો. પણ તે એક નાનકડી ફિક્કી મુસ્કાન આપીને ચૂપ થઈ ગઈ. તેણે ફરી કહ્યું, "સોરી હું એટલા સમયથી તને કોલ જ ના કરી શકી." થોડીવાર પછી મૂડ હળવું કરવા એણે પૂછ્યું, "અહીં તો સમય જ નથી જતો. તમને બંનેને બહુ મિસ કરું છું. તમે મને મિસ નથી કરતાં?"
"હું પણ..." મૃદુતાથી વિદ્યાએ કહ્યું. દિશા એનો જવાબ સાંભળી ખુશ થઈ અને કહેવા લાગી, "તને ખબર છે? મેં મારા પપ્પાની ઓફિસ જોઈન કરી લીધી. અમે લોકો ત્યાં પણ એક ફેક્ટરી શરુ કરવાના છીએ. આપણે બહુ જલ્દી મળીશું ડિયર."
તેણે માત્ર એક સ્માઈલ આપી. જોકે દિશાની કોઈ વાતની એના પર અસર નહોતી. એ માત્ર એને જોયા કરતી હતી. એને વધારે ભાવુક થતા જોઈને નિકુંજે એની પાસેથી ફોન લઈ લીધો, એના સમાચાર પૂછતો બહાર ચાલ્યો ગયો. "શી ઈજ સો ક્રિટિકલ દિશા." બહાર આવી એણે કહ્યું.
"નિકુંજ, મને ખબર છે, પણ શું કરી શકીયે."
"હું મારાથી શક્ય એટલા પ્રયત્ન કરું છું, કે એ ફરી નોર્મલ થઈ જાય. ખબર નહિ એ દિવસ ક્યારે આવશે? જયારે આપણને આપણી વિદ્યા પાછી મળી જશે!"
"ડોક્ટરનું શું કહેવું છે?"
"દિશા...! એને માનસિક આઘાત લાગ્યો છે. એમ તો એ બરાબર જ છે. પણ દરેક વ્યક્તિ પર ગુસ્સો કરે છે. એના વ્યક્તિત્વથી તદ્દન અલગ વર્તન થઈ ગયું છે એનું. વધારે કશું બોલતી નથી. એને જોઉં છું તો... તો ડર લાગે છે." ખિન્ન મનથી તે બોલી રહ્યો.
એને આશ્વત કરતા દિશા બોલી, "ઈટ્સ ઓકે નિકુંજ! બધું નોર્મલ થઈ જશે. રોની વિશે કંઈ વિચાર્યું?"
"એક વખત વિદ્યા નોર્મલ થઈ જાય, પછી એનું પણ કંઈક કરી લઈશું. એને ખબર નથી કે વિદ્યા બચી ગઈ છે. મને લાગે છે કે જ્યાં સુધી એને સજા નહિ મળે, વિદ્યાને શાંતિ નહિ થાય."
"તારી એ વાત તો સાચી છે, પણ ત્યાં સુધી આપણે પણ કંઈક કરવું પડશેને." દિશાએ બીજું સજેશન આપવા નિકુંજને પૂછ્યું, "તે કહ્યું હતું કે એને જે ગમે એ બધું કરવાનું છે."
"હા."
"એનો સૌથી મોટો ઈન્ટરેસ્ટ બિઝનેસમાં છે. શું તે આ અંગે કોઈ વિચાર કર્યો છે?"
"હા, મેં એ વિચારી જોયું છે પણ એની આવી હાલત છે એટલે વાત કરવાનું મેં માંડી વાળ્યું."
"નિકુંજ, મને લાગે છે કે જો એ કોઈ કામમાં પરોવાઈ જશે તો બાકીનું બધું એના મનમાંથી નીકળતું જશે."
"યુ આર રાઈટ."
"મારા પપ્પા ત્યાં ઈન્ડિયામાં એક ફેક્ટરી બનાવવાનુ વિચારી રહ્યા છે. જો તું કહેતો હોય તો એ સંભાળવા માટે વિદ્યા વિશે હું પપ્પા સાથે વાત કરું."
વિચાર કરતા તેણે કહ્યું, "ના દિશા... મને નથી લાગતું કે એ આવી રીતે કોઈ કામ કરશે. એ પોતાનો બિઝનેસ ઉભો કરવા માંગે છે અને આમ કોઈના હાથ નીચે રહીને કામ કરશે તો કદાચ એને..." નિકુંજ અટક્યો.
બંનેની મંશા એ હતી કે જો વિદ્યા કોઈ કામમાં પરોવાઈ જાય તો એના મનમાં ચાલી રહેલા બીજા વિચારો શમી જાય. જો કે કોઈના હાથ નીચે કામ કરીને એ શક્ય નહોતું. કારણ કે એ પહેલા થી જ પોતાનું અલગ બિઝનેસ સેટઅપ ઉભું કરવા માંગતી હતી. આ મુદ્દે ચર્ચા કરતા દિશાએ એક નવો રસ્તો કાઢ્યો, "તમે બંને હાલ ઝીરો પર છો. જો આ રીતે કોઈ વસ્તુની શરૂઆત નહિ થાય. શરૂઆત કરવા માટે એક ખાસ્સી એવી રકમ જોઈશે. તું એ જાણી લે કે એના મનમાં શું પ્લાન હતો? હું મારા પપ્પાને કહીને એની જે ઈચ્છા હોય એ પ્રમાણે ફાયનાન્સ કરાવી આપીશ."
"થેન્ક યુ દિશા. તું વિદ્યા માટે જે વિચારી રહી છે એ..."
"ઈટ્સ ઓકે. ધીસ ઓલ ફોર અવર ફ્રેન્ડશીપ." મુસ્કુરાયને તે બોલી.
બંનેની વાત ચાલી રહી હતી કે નિકુંજની નજર બહાર આવેલી એક ગાડી પર ગઈ. તેણે દિશાને કહ્યું, "ઓકે દિશા, હું તારી સાથે પછી વાત કરું. ડોક્ટર આવ્યા છે. કદાચ વિદ્યાનું ચેક અપ કરવા માટે આવ્યા હશે." કોલ કટ કરી એ બહાર ગયો. તે બંનેની વાત વિદ્યા દરવાજા પાછળ ઉભા રહીને સાંભળી રહી હતી. તેણે કોલ કટ કરવા કોઈ આવ્યાની વાત સાંભળી એટલે બહાર જોયું. નિકુંજ બહાર જઈ રહ્યો હતો. વિદ્યાને પોતે બધી વાતની દોષી છે એવો વિચાર ઘર કરી ગયેલો. એના માટે થઈને પોતાના બંને મિત્રો આટલી ઉપાદી વ્હોરી રહ્યા છે એમ પણ એને લાગવા લાગ્યું. તે નાઉમેદ થઈને ઘરમાં અંદર જતી રહી.
જસવંત ગાડીમાંથી ઉતરી એના ઘર તરફ આવી રહ્યો હતો. જોકે એ કોઈ જાતના સમાચાર આપ્યા વિના આવ્યો હતો એટલે નિકુંજને પણ આશ્વર્ય થતું હતું. તે ત્યાં પહોંચ્યો કે નિકુંજે આશ્વર્ય સાથે ઉદ્દગાર્યું, "ડોક્ટર! તમે?"
"સોરી મેં તને કોલ ના કર્યો. વિદ્યાની સેફ્ટિને લઈને મારે આ કરવું પડ્યું. વિદ્યા એના ઘરે છે એ વાતની કોઈને જાણ ના થાય એ માટે મેં કોઈને નથી કહ્યું. ઈવન હોસ્પિટલમાંથી પણ વાત ના ફેલાય એટલા માટે મેં તને કોલ ના કર્યો. થયું કે ચેક અપ કરતો જઉં."
"ઓકે."
"ક્યાં છે વિદ્યા?" જસવંતે પૂછ્યું.
તેને આવકારો આપતા તે બોલ્યો, "એ અંદર ડ્રોઈંગ રૂમમાં જ બેઠી છે. આવો." બંને સાથે અંદર ચાલવા લાગ્યા. સાથે ચાલતા જસવંતે પૂછ્યું, "કેમ છે એની તબિયત? કોઈ સુધાર, ફેરફાર?"
અફસોસ સાથે તે બોલ્યો, "આમ તો બધું નોર્મલ છે ડોક્ટર. કોઈ ચિંતા જેવી વાત નથી. પણ એના સ્વભાવમાં ફેરફાર થવા લાગ્યા છે. કોઈ પણ અજાણ્યા માણસને જુએ છે તો એવો ગુસ્સો કરે છે કે... શું કહું! એના મૂળ સ્વભાવથી તદ્દન ઉલટ થઈ ગઈ છે. તેના આવા સ્વભાવને લીધે મને ડર લાગવા લાગ્યો છે."
"તમે જ ડરી જશો તો કેમ ચાલશે? હિમ્મત રાખો. સમય સાથે એક દિવસ બધું નોર્મલ થઈ જશે. એ જયારે જાતે ખુશ રહેવા લાગશે ત્યારે એના ગુસ્સાને પણ ભૂલી જશે."
નિઃસાસો નાખતો નિકુંજ પહેલા અંદર પ્રવેશ્યો અને જસવંત એની પાછળ. અંદર આવીને જોયું તો વિદ્યા ત્યાં નહોતી.
"ક્યાં છે વિદ્યા?"
"હમણાં જ તો અહીં બેઠેલી." યાદ કરતા તે બોલ્યો અને પછી ઉમેર્યું, "કદાચ એના રૂમમાં ગઈ હશે!" તે એની રૂમ તરફ ચાલ્યો અને સાદ કર્યો, "વિદ્યા... જો કોણ આવ્યું છે! વિદ્યા... " વિદ્યાનો કોઈ જ જવાબ નહોતો. નિકુંજની ચિંતામાં વધારો થયો. "વિદ્યા... " તેણે ફરી સાદ કર્યો. જસવંત પણ વ્યથિત થવા લાગ્યો. વ્યાકુળતાથી નિકુંજ તેની રૂમમાં ઘસી ગયો. કોઈ જ હાજર નહોતું.
તે આમથી તેમ આખા ઘરમાં એને શોધવા લાગ્યો, બૂમાબૂમ કરવા લાગ્યો પણ કોઈ જવાબ ના મળ્યો, કે ના તો વિદ્યાનાં કોઈ એંધાણ. બંને ઘરની ચારેય દીવાલો વિખવા લાગ્યા. પણ તેનો કશેય અતોપતો નહોતો. ચિંતામાં મૂકાયને જસવંતે એ જ ક્ષણે રમણને ફોન કર્યો અને વિદ્યાનાં ગૂમ થયાના સમાચાર આપ્યા. તો નિકુંજ એનો તાગ મેળવવા આખા ઘરમાં ફરી રહ્યો હતો.