નિતુ : ૯૯ (વિદ્યા અને નિકુંજ)
વિદ્યાની હાલત નિકુંજ માટે અસહનીય હતી. તે તેની બાજુમાં જઈને બેઠો અને ક્યાંય સુધી પોતાની જાતને વિદ્યાની આ હાલત માટે દોષી માનીને મનમાં અફસોસ કરતો રહ્યો. એ ગમગીનીમાં બેઠો હતો. એવામાં એને વિદ્યાના શરીરમાં હલચલ દેખાય. બાજુમાં ઉભેલી નર્સ ડોક્ટરને આ ન્યુઝ આપવા જતી રહી.
વિદ્યાએ ધીમેથી આંખો ખોલી અને સામે નિકુંજ બેઠેલો દેખાયો. એને જોઈ તે ચકિત રહી ગઈ. તે ઉભી થવા માંગતી હતી પણ નિકુંજ સમજી ગયો અને એને રોકી. એના બન્ને હાથ વડે ટેકો આપી ફરી બેડ પર સુવરાવી દીધી. તે તેની સાથે વાત કરવા માંગતી હતી. હાથમાં પરોવેલી બોટલોની નળીયોના ભાર સહિત એણે એનો હાથ નિકુંજના હાથ પર રાખ્યો.
નિકુંજથી એ સહન ના થયું અને તે ઉભો થઈ ગયો. એનાથી રડી જવાયું અને તે પોતાના આંસુ સન્તાડવા વિદ્યાથી વિમુખ થઈ ઉભો રહ્યો. વિદ્યા લેશમાત્રનો ખંડ પાડ્યા વિના સતત એની તરફ જોઈ રહી હતી.
"નિકુંજ...!" એણે ધીમેથી એને બોલાવ્યો.
તે પોતાના આંસુ લૂછી સ્વસ્થ થઈ તુરંત એની તરફ ફર્યો. વિદ્યા આશાવાદી નજરે એને જોઈ રહી હતી. તે એના તરફ ગયો અને બેડની બાજુમાં રહેલા ટેબલ પર બેસી કહેવા લાગ્યો, "હેય વિદ્યા... હાઉ આર યુ?"
વિદ્યાએ પોતાનો હાથ લંબાવ્યો અને બંને હાથ વડે નિકુંજે એનો હાથ પકડ્યો. તે કહેવા લાગી, "આપણે રેસ્ટોરન્ટમાં મળવાનું નક્કી કર્યું હતું. પણ મારા લીધે આપણે હોસ્પિટલમાં મળી રહ્યા છીએ."
નિસાસો નાંખી તે એકાદ ક્ષણ પછી બોલ્યો, "એ બધી વાતો આપણે પછી કરીશું. અત્યારે આરામ કર."
તે જાણે પોતાનામાં જ ખોવાયેલી હોય એમ બોલી, "મેં બધું ખતમ કરી નાખ્યું."
નિકુંજ એને શાંત કરતા કહેવા લાગ્યો, "એવું બધું અત્યારે ના વિચાર! તું ખાલી આરામ કર."
"નિકુંજ મારા લીધે જ બધું ખતમ થઈ ગયું."
"રિલેક્સ વિદ્યા. તું એકવાર સાજી થઈ જા... પછી નિરાંતે આપણે બધી વાત કરીશું. હમ?"
થોડું ઉત્સુક થતા તે બોલી, "મારે તે દિવસે તારી સાથે રહેવાનું હતું."
નિકુંજને તેના વલણ પર વહેમ ગયો. વિદ્યા પોતાનમાં ખોવાઈને બોલી રહી હતી. તે એકની એક વાત વારંવાર વાગોળી રહી હતી. ડોક્ટરની વાત સાચી સાબિત થઈ. વિદ્યાના મનમાં એની સાથે થેયેલી બધી ઘટનાઓએ એક ઝખમ ભરી દીધું હતું. એનું સન્માન, આત્મવિશ્વાસ અને પોતાનામાં રહેલ અભિમનાપણું બધું જ હણાઈ ચૂક્યું હતું. તે તુરન્ત સજાગ થઈ ગયો અને વિદ્યાને શાંત કરવા લાગ્યો.
એટલામાં નર્સ ડોક્ટર સાથે અંદર પ્રવેશી. વિદ્યા પોતાના શબ્દોની સાથો સાથ આવેશમાં આવી રહી હતી. તે જોર જોરથી બોલવા લાગી, "આ બધું મેં જ કર્યું છે. મારો જ વાંક છે. નિકુંજ આપણે સાથે રહેવાનું હતું." તે પોતાના બંને હાથ બેડ પર પછાડી રહી હતી. એની કરતૂતોને જોઈ ડોકટરે નર્સને ઈશારો કર્યો. નર્સ ટેબલ પર રહેલી દવાઓ તરફ ગઈ અને એમાંથી એક ઇન્જેક્શન તૈય્યાર કરવા લાગી.
"મારે જ બધું સમજવાની જરૂર હતી." તે વધારે ને વધારે આવેશમાં આવી રહી હતી. નિકુંજે એનો એક હાથ પોતાના હાથમાં પકડી રાખ્યો હતો અને બીજી તરફ ડોક્ટર અને નર્સે એને સંભાળી. જસવંતે એને ઇન્જેક્શન આપી દીધું અને જોતામાં જ એ ફરી બેભાન થઈ ગઈ. તેની આવી હાલત જોતા નિકુંજ ડર્યો. તેણે જસવંતને પૂછ્યું, "ડોક્ટર સાહેબ આ...?"
તેણે એક શ્વાસ લેતા કહ્યું, "લૂક નિકુંજ! મેં આ અંગે જ તમને જણાવ્યું હતું. એના મન પર જે ઘા થયા છે એ રૂઝાતા ઘણો સમય લાગશે. વી હોપ કે એ વહેલી તકે બધી પરિસ્થિતિને સ્વીકારવા લાગે. અત્યારે એ આ તમામ ઘટનામાં પોતાને દોષી માની રહી છે."
"પણ ફરીવાર જગ્યા પછી એ જો આવું જ કરશે તો?"
"ના... એ હવે આવું નહિ કરે. એ જાગશે ત્યારે એના મનમાં અલગ વિચારો આવી જશે. એણે પહેલીવાર તને જોઈને જૂની વાતો યાદ કરી છે. હવે જાગશે ત્યારે એને ખબર હશે કે તું અહીં જ છે. એટલે આવું નહિ થાય. પણ તું એની પાસે જ રહેજે. એ જાગશે ત્યારે ગુસ્સો તો કરશે જ. એને શાંત રાખવી જરૂરી છે."
"ઓકે... ડોક્ટર."
જસવંત એને સલાહ આપી જતો રહ્યો. જેમ જેમ સમય વીતિ રહ્યો હતો અને વિદ્યાની વણકહેલી એક એક વાત નિકુંજ સામે આવી રહી હતી, તેમ તેમ એનું મનોબળ તૂટી રહ્યું હતું. તે તેના બેડના કિનારે બેઠો અને રડમસ થઈ કહેવા લાગ્યો, "આઈ એમ સોરી વિદ્યા... આઈ એમ રિયલી સોરી... દિશાએ મને કહ્યું હતું કે હું તારું ધ્યાન રાખું, પણ... મારાથી ચૂક થઈ ગઈ અને તું આ હાલતમાં...!" તેને અચાનક દિશાની યાદ આવી. "દિશા!... મારે આ બધું દિશાને જણાવવું જોઈએ."
તે ઉભો થઈ બહાર ગયો અને દિશાને કોલ કર્યો. તેણે દરેક વાત દિશાને જણાવી. સાંભળીને તે જાણે ડઘાઈ ગઈ, "વૉટ...! નિકુંજ આટલું બધું થઈ ગયું અને એણે આપણને જાણ પણ ના કરી! હું હમણાં જ ત્યાં આવવા માટે નીકળું છું."
"ના દિશા. એની જરૂર નથી. હું બધું સંભાળી લઈશ. તારે લંડનથી અહીં સુધી આવવાની જરૂર નથી."
"પણ નિકુંજ..." ચિંતા સહ દિશા બોલી રહી હતી. નિકુંજે તેને અટકાવતા વચ્ચે કહ્યું, "જો જરૂર હશે તો હું કહીશ તને."
"ઓકે... પણ બધા અપડેટ્સ મને આપતો રહેજે. નહિતર મને એની ચિન્તા રહેશે."
"હા. હું તને સમયે સમયે બધું જણાવતો રહીશ."
દિશાને આ વાતની જાણ કરી તે થોડી હળવાશ અનુભવતો હતો. પણ ચિંતાગ્રસ્ત તો પહેલા જેટલો જ હતો. તે ફરી જસવંત પાસે ગયો. તેણે જસવંતને પૂછ્યું, "સર... વિદ્યાની હાલતમાં કોઈ સુધાર થાય એના માટે શું કરી શકીયે?"
તેણે કહ્યું, "સી નિકુંજ, જનરલી એ કહેવું મુશ્કેલ છે, કે એનો ઈલાજ શું કરી શકાય?"
"એટેલ શું આનો કોઈ ઈલાજ નથી?"
જસવંતે કહ્યું, "ઈલાજ તો છે. સો ટકા કામ નહિ કરે. માનવ મસ્તિષ્ક પર એકવાર જે અસર થાય છે અને જે વિચારો મનમાં ઘુસી જાય છે એને બહાર કાઢવા અઘરા સાબિત થતા હોય છે. ખાસ વિદ્યા જેવા કેસમાં. એનો ઈલાજ માત્ર સમય છે. સમય જતા બધું ભૂલાતું જાય અને કંઈક મનમાં વિશેષ આવી જાય તો એનો ઈલાજ થઈ શકે. વિદ્યાની સાથે જે થયું એમાં એ પોતાની જાતને દોષી ગણવા લાગી છે. જે એની મનોવૃત્તિ થઈ રહી છે એ તે અને મેં જોઈ લીધી છે."
"હા... તમેં કહ્યું એમ સમય વિત્યે તો એને કદાચ સારું થઈ શકે છે પણ અત્યારનું શું?"
"એના માટે હું કહીશ, કે એની સાથે આ ઘટનાને લગતી કોઈ બાબત ના જણાવો તો જ સારું છે. બાકી એને જે પસંદ હોય અથવા પહેલા તમારો જે વ્યવહાર હોય, એવું વર્તન જ કરો તો વધારે સારું. અચ્છા એક વાત મારે જાણવી હતી!"
"હા. પૂછો."
જસવંતે પૂછ્યું, "રમણે મને બધી હકીકત કહી અને તમારો બંનેનો જે વ્યવહાર છે એ મેં જોયો. વિદ્યાએ જાગીને જે કંઈ કહ્યું એ મેં સાંભળ્યું. શું તમારા બંને વચ્ચે કોઈ સંબંધ...?"
જસવંતે અધૂરો સવાલ કર્યો. તે સમજી ગયો અને કહ્યું, "કહેવું મુશ્કેલ છે કે એ મનમાં શું વિચારી રહી છે!"
"મારી એક સલાહ માનો તો એને ખુશી મળે એવું કામ તમે કરી શકો છો. પણ જ્યાં સુધી તમને પુરેપુરી ખાત્રી ના થાય, ત્યાં સુધી આગળ કોઈ પગલું ના ભરો. કારણ કે એને હવે બાકી કોઈના પર વિશ્વાસ નથી. જો તમારા પરથી પણ વિશ્વાસ ઉડી જશે તો... બની શકે કે એ પોતાનું પૂરેપૂરું માનસિક સન્તુલન ગુમાવી બેસે. હોપ યુ...?
"હમ... હું સમજુ છું, સર."
"શારીરિક રીતે નહિ પણ માનસિક રીતે, એની હાલત હાલ ક્રિટિકલ છે. ઉંઘના વધારે પડતા ઈન્જેક્શન પણ અમે ના આપી શકીયે. એ એના માટે જોખમ ઉભું કરી શકે છે. બે દિવસ પછી જો એ નોર્મલ હશે તો એને ડિસ્ચાર્જ કરી દઈશું. કારણ કે એને હોસ્પિટલમાં રહેવાની નહિ પણ કોઈની સાથે રહેવાની જરૂર છે. આવા સમયે જો કોઈ વિશ્વાસુ માણસનો સાથ રહે તો વધારે સારું."
"ઓકે. હું સતત એની સાથે રહીશ અને મારાથી બનતા તમામ પ્રયત્ન કરીશ કે એ જલ્દી સાજી થઈ જાય."
"વેલ્ડન." કહેતા ડોક્ટર જસવંત ફરી પોતાના કામમાં લાગી ગયો અને નિકુંજ ઉભો થઈ બહાર જતો રહ્યો.