Mara Anubhavo - 34 in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા અનુભવો - ભાગ 34

Featured Books
Categories
Share

મારા અનુભવો - ભાગ 34

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 34

શિર્ષક:- કસાઈ સાથે

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ 34. "કસાઇ સાથે."



સ્વામી માત્રાનંદજીનું આરોગ્ય કથળ્યું. તેમને રામકૃષ્ણ મિશનમાં દાખલ કરવા પડ્યા .ત્યારે મિશનપરમહંસથી દૂર હતું. તેમની દેખરેખ રાખવા તથા સેવા કરવા હું સાથે રહ્યો. હરિભજનદાસ અવારનવાર ખબર લઈ જતા અમારા ત્રણેની સ્થિતિ સાવ શૂન્ય જેવી હતી. વૃંદાવનમાં કેટલાક શ્રીમંત શેઠિયાઓ સાધુસંતોને સારું દાન કરતા, પણ મોટા ભાગે તેનો લાભ ધૂર્ત ઠગ, દંભી અને ગુંડા જેવા સંતવેશધારી લોકો લઈ લેતા. દાનની પ્રસિદ્ધિ મેળવ્યા પછી નબળા માણસોને અટકાવવા કઠિન થઈ જતું હોય છે. ઘન તો ગુપ્ત જ સારું. સાધુ વર્ગમાં, તેમાં પણ તીર્થોના યાચક વર્ગમાં કલ્પનાતીત અનિષ્ટ તત્ત્વો સમાયેલાં હોય છે. કેટલીક જગ્યાએ તો તે સૌના ઉપર છવાઈ જાય છે. તેમનું જ ઊપજે છે. સાચા તથા ગરીબડા સાધુઓ તેમનાથી ડરે છે, ડરીને રહેવું પડે છે. આવું વાતાવરણ મોટા ભાગે તો ઘણી જગ્યાએ જોવા મળે છે. દાતાઓ પાસેથી શિયાળામાં અસંખ્ય ધાબળા, પૈસા, વસ્તુઓ તેઓ ભેગી કરે છે, વેચે છે અને એક પ્રકારની ધોંસ જમાવે છે. વ્યાકરણમાં એક શબ્દ વપરાયો છે, ‘તીર્થધ્વાંક્ષ' અર્થાત્ તીર્થોના કાગડા.



રામકૃષ્ણ મિશનમાં દવાઓના પૈસા અમારી પાસેથી લેવાતા નહિ જમવાનું પણ સ્વામીજીને મળતું. હું દૂરના અન્નક્ષેત્રમાં જમી આવતો. પણ બીજી જરૂરી વસ્તુઓ માટે તકલીફ થતી. જોકે તે કદી પણ ફળફળાદિ માટે કે અન્ય વસ્તુ માટે આગ્રહ ન કરતા. પણ મને લાગી આવતું. બીમાર માણસને બે મોસંબી તો મળવી જોઈએ ને ! હિંમત કરીને એક બહુ ધનેશ્વરી શેઠ પાસે ગયો. તેમના બારણે પાંચ-દસ સાધુઓ હંમેશાં ઊભા જ હોય. હું પણ સીડી ચડીને ઉપર ગયો. તેઓ તે દિવસે મૌનમાં હતા અને મુનીમ સાથે પૈસા ગણી રહ્યા હતા. મને જોતાં જ તેમણે ડોળા કાઢ્યા તથા ક્રોધમાં નસકોરું વગાડ્યું. કાંઈ પણ બોલ્યા વિના હું ચુપચાપ પાછો ઊતરી ગયો. થોડું દુ:ખ પણ થયું. પણ પછી થયું કે સારું થયું. જો એ શેઠે મને કાંઈક આપ્યું હોત તો હું યાચક બની જાત. ફરી ફરીને બીજા ત્રીજા માણસો પાસે યાચના કરવાની વૃત્તિ વધી જાત. પણ આ તિરસ્કારે મને ઠેકાણે લાવી દીધો.



એક દિવસ મિશનના પ્રંગણમાં હું બેઠો હતો, સ્વામીજી તેમના રૂમમાં આરામ કરતા હતા. ત્યાં એક ગાડું આવીને છૂટ્યું. મુસ્લિમ કુટુંબ હતું. પતિપત્ની વગેરેએ ફૂલી ગયેલા પેટવાળા જુવાન છોકરાને ઊંચકીને દવાખાનાના ઓટલે લીધો. તેની સ્થિતિ ગંભીર હતી. ડૉક્ટરોએ તપાસીને તરત જ તેને ઑપરેશન થિયેટરમાં લીધો. કેસ કદાચ ન પણ બચે તેવી સૂચના તેનાં માબાપને આપીને ડૉક્ટરો ઑપરેશન કરવા લાગી ગયા હતા. બહાર બાંકડા ઉપર બેસી પેલાં પતિપત્ની રડી રહ્યાં હતાં. હું પણ બાજુમાં જ બેઠો હતો. હું તેમને આશ્વાસન આપતો હતો.




પેલો પુરુષ વારંવાર મને કહેતો, દુઆ કરીએ, બાબાજી દુવા કરો. મેરા બચ્ચા બચ જાય ઐસી દુઆ કરો.' પોતાના બાળક પ્રત્યે લોકોને કેટલી તીવ્ર લાગણીઓ હોય છે ! વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે તે કસાઈનું કામ કરે છે. રોજ ચાળીસથી પચાસ બકરાં કાપે છે, કોઇકોઇ વાર સો પણ કાપવાં પડે. મને નવાઈ લાગી. મેં અને કહ્યું, “અરે ભાઈ રોજ બકરાંની ગરદન પર છરી ચલાવો છો ત્યારે કશું જ દુઃખ થતું નથી અને જ તમારા પુત્રની ગરદન નહિ પણ પેટના રોગ ઉપર ડૉક્ટરોની છરી ચલાવી રહ્યા છે ત્યારે રડો છોડીને કેમ ? તેમની પાસે જ નહિ, આપણા સૌની પાસે પણ સચોટ જવાબ નથી. જ્યાં રાગ અને મમત્વ હોય છે ત્યાં આપણે લાગણીઓથી ઓતપ્રોત  થઈ જઈએ છીએ. પણ જ્યાં તેવું નથી ત્યાં લાગણીહીન થઈ જઈએ છીએ. કોઈ પ્રત્યક્ષ કસાઈ, છરી દ્વારા થયો છે, તો કોઈ કલમ દ્વારા, પણ ક્યાં કસાઈપણું નથી કરતો હોતો ? આપણી ક્રૂરતા માત્ર છરી દ્વારા જ નથી નીકળતી, બીજાં પણ ઘણાં માધ્યમો તેને અભિવ્યક્ત કરતાં જ હોય છે. કસાઈનો છોકરો બચી ગયો. તેણે અલ્લાનો આભાર માન્યો.




સ્વામી માત્રાનંદજી ધીરે ધીરે સારા થયા. તેમની ઇચ્છા વ્રજપરિક્રમા કરવાની હતી. હું, હરિભજનદાસ અને સ્વામીજી, ત્રણે જણા નીકળી પડયા,  પગપાળા જ પરિક્રમા કરવા. નંદગામ-વરસાણા-ગોકુળ-રમણરેતી વગેરે અનેક તીર્થસ્થાનોમાં ફરીને પાછા વૃંદાવન આવ્યા. વૃંદાવન છોડ્યા પછી બે વર્ષે જાણવા મળ્યું કે સ્વામીજી બ્રહ્મલીન થઈ ગયા. મારો અને તેમનો સંપર્ક માત્ર છ મહિનાનો રહ્યો હતો, પણ તેમણે મને ઘણું ઘણું શીખવ્યું હતું.



આભાર

સ્નેહલ જાની