૨૨ માર્ચ, ૨૦૧૫. બરાબર દસ વર્ષ થયા. મને યાદ છે દસ વર્ષ પહેલાનો એ દિવસ. મને શરદી થઈ હતી અને લગભગ ચાર દિવસથી હું દવા લેતી હતી. પણ આજના દિવસે ઊઠી ને સવારે મારા થી કંઈ બોલાયું જ નહીં. મારો અવાજ નીકળતો બંધ થઈ ગયો હતો. હું ગભરાઈ ગઈ. મારા સંતાનોને વગ૨ બોલ્યે તૈયાર કરી શાળાએ મોકલી આપ્યા. એમની વાર્ષિક પરીક્ષાઓ ચાલુ હતી. દિકરો અગિયાર સાયન્સની બીજા સેમેસ્ટરની પરીક્ષા આપતો હતો અને દિકરી સાતમા ધોરણમાં હતી. એમના ગયા પછી મેં મારા પતિને ઉઠાડ્યા અને સમજાવ્યું કે મારો અવાજ નથી નીકળતો. એ પણ ગભરાઈ ગયા. ફટાફ્ટ ઘરના કામ પતાવીને અમે મારા પતિની જે એમ.ડી. ડોક્ટરની દવા ચાલે ત્યાં ડોકટર દવાખાને આવે એ સમયે અને પહોંચી ગયા. એમણે મને તપાસી અને સોનોગ્રાફી કરાવવા મોકલ્યા. રિપોર્ટ લઈને પાછા એમની પાસે ગયા તો એમણે કહયું કે કદાચ ટીબી હોય શકે છે. તમે ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ને બતાવો. ત્યાંથી અમે ચેસ્ટ સ્પેશ્યાલિસ્ટ પાસે ગયા. એમણે રિપોર્ટ જોઈને મને તરત જ એડમીટ થવા કહ્યું પણ મેં ના પાડી કે દવાથી પતે તો પતાવો મારા સંતાનોની પરીક્ષા ચાલે છે. એમણે દવા લખી આપી અને અમે ઘરે આવ્યા. સંતાનો પણ શાળાએથી આવી ગયા. મને પૂછ્યું દવા લાવ્યા કે નહીં ? મેં હા પાડી. અને ડોકટરે જે દવા આપેલી તે બતાવી. એટલે એ બંનેને વિશ્વાસ આવ્યો અને પાછા વાંચવા બેસી ગયા. પણ રાત થતાં મારી તબિયત વધુ બગડવા માંડી. મને સતત ખાંસી આવવા માંડી. છાતીમાં દુખવા લાગ્યું. અમે એમ. ડી. ડોકટરને ફોન કર્યો, એમણે એક દવા લાવીને લઈ લેવા કહ્યું ને મારા પતિ એ દવા લઈ આવ્યા ને મેં લઈ લીધી. છાતીમાં દુખાવો ઓછો થયો પણ ખાંસી ચાલુ જ હતી. બીજા દિવસની સવાર થતાં સંતાનોને પાછા શાળાએ મોકલ્યા અને અમે ફરીથી ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ પાસે ગયા. એેમણે એમ. આર. આઈ. કરાવવા કહ્યું અને કહ્યું તમારે એડમિટ તો થવું જ પડશે. અમે એમ. આર. આઈ. કરાવવા ગયા પણ ત્યાંથી એમ કહ્યું કે રિપોર્ટ આવતા વાર લાગશે એટલે અમે પાછા ચેસ્ટ સ્પેશિયાસ્ટ પાસે ગયા. એમણે મને કહ્યું કે તમે રિપોર્ટ આવે ત્યાં સુધી હોસ્પિટલમાં રહો બીજા બે ચાર ટેસ્ટ કરી લઈએ. મેં મારા પતિને કહ્યું તમે ઘરે જાવ અને દિકરા દિકરીને કહેજો કે સાંજ સુધીમાં હું ઘરે આવી જવા એટલે એ લોકો એમની પરીક્ષાની તૈયારી કરે ટેન્શન નહીં લે. બે ત્રણ કલાક પછી મારા પતિ પર એમ. આર આઈ. કરાવેલું ત્યાંથી ફોન આવ્યો કે રિપોર્ટ લઈ જાવ. એટલે એ મને હોસ્પિટલ મળવા આવ્યા અને કહ્યું હું રિપોર્ટ લેવા જાઉં છું. મેં હા પાડી ને એ ગયા. ને ત્યારે જ ડોકટર મારી પાસે આવ્યા એમની સાથે અમારા એમ.ડી. ડોક્ટર પણ હતા. એમણે મને પૂછયું કે તમારા પતિ ક્યાં છે ? મેં ઈશારાથી એમને કહયું કે રિપોર્ટ લેવા ગયા છે. મેં ઈશારાથી જ પૂછ્યું કે કંઈ વાત છે? મને કહો હું સાંભળી લઈશ. ને એમણે કહ્યું કે એમ. આર. આઈ. કરાવ્યો ત્યાંથી ફોન હતો. તમારે ધીરજ અને શાંતિ રાખવી પડશે. ને અમારા પર વિશ્વાસ રાખવો પડશે. એટલામાં મારા પતિ પણ આવી ગયા. અને ડોક્ટરે સમજાવ્યું કે મારા બે ફેફસામાંથી એક ફેફસામાં સ્કીન ડિસીઝનો વાયરસ ફેલાય ગયો છે અને બીજા ફેફસામાં ફેલાવાની શરૂઆત છે. એ અડધા દિવસમાં આખા ફેફ્સામાં ફેલાઈ જાય એટલી ઝડપથી વધે છે. ને મારી સ્વરપેટીની આજુબાજુ પણ કફનું આવરણ થઈ ગયું છે એટલે અવાજ બંધ થઈ ગયો છે. જેટલી જલ્દી સારવાર શરૂ કરીશું એટલાં બચવાના ચાન્સ વધી જશે. ને તમારે બીજા કોઈની સલાહ લેવી હોય તો પણ અમને વાંધો નથી. અમે બંને જણા અવાક થઈ ગયા. મને મારી આંખો સામે ફક્ત મારા બે સંતાનો દેખાતા હતા. કદાચ મારા પતિને પણ એમ જ થયું હશે. એમણે તરત જ ડોક્ટરને કહ્યું તમારે જે કરવું હોય તે કરો અમે બીજે કશે નહીં જઈએ. અમને તમારા પર વિશ્વાસ છે. છતાં અમારા એમ.ડી. ડોક્ટર અને ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ બંનેએ કહ્યું કે આ સારવાર માટે તો અમારે પણ શહેરના મોટા ચેસ્ટ સ્પેશિયાિસ્ટની સલાહ લેવી પડશે કારણ કે ખૂબ જ ઝડપથી વાયરસ ફેફસામાં ફેલાઈ રહ્યો છે. મારા પતિએ કહ્યું તમને જે યોગ્ય લાગે તે કરો અમે તમને નહીં રોકીશું. મારા પતિ જરા ટેન્શનમાં આવી ગયા. મેં ઈશારાથી એમને શાંતિ રાખવા કહ્યું. એમને પણ તો બે વર્ષ પહેલાં હાર્ટ એટેક આવી ચૂક્યો હતો. ડોક્ટરે શહેરના મોટા ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ નો સંપર્ક કર્યો. મારા પતિ પણ એ સમયે એમની સાથે હતા. મોટા ડોકટરે અમારા ડોકટરને સલાહ આપી કે જે છેલ્લી ટ્રીટમેન્ટ છે ત્યાંથી ઈલાજ શરૂ કરો. અને ડોકટરે ઈલાજ શરુ કર્યો. મારે હોસ્પિટલમાં એડમીટ થવું પડ્યું. આ પહેલી વખત હતું કે હું રાતના સમયે મારા સંતાનોથી દૂર હતી. મારા પતિને હાર્ટ એટેક આવ્યો ત્યારે હું રાતે હોસ્પિટલ રહેતી હતી પણ અત્યારે તો હું પોતે જ હોસ્પિટલમાં હતી. મને એમની ફિકર થતી હતી. એટલામાં મારી દિકરીનો મેસેજ આવ્યો. મમ્મી તું ક્યારે આવે છે ? મેં મેસેજ કર્યો તમે વાંચીને સૂઈ જાવ. હું કાલે આવીશ. તો એણે લખ્યું કે ના તું આવ અમને ખૂબ રડવું આવે છે. હું અને ભાઈ રડીએ છે તું આવ. ને મેં મારા પતિને કહયું તમે ઘરે જાવ ને એમને સમજાવો. આમ તો મારા સાસુ ઘરે હતા પણ એમનાથી પણ એ સમજ્યા નહીં. મારા પતિ ઘરે ગયા તો બંને જણા રુમમાં બેસીને રડતાં હતાં. મારા પતિ એ પણ એમને સમજાવ્યા કે મમ્મી કાલે આવી જશે પણ બંનેનું રડવાનું બંધ જ ન થયું. મારા પતિ એ મને મેસેજ કર્યો કે આ બંને નથી માનતા શું કરું ? મેં એમને મેસેજ કર્યો કે અહીં લઈ આવો પછી પાછા મૂકી આવજો. એમણે મને લખ્યું કે બંને જણા તને જોઈને ગભરાઈ જશે કારણ કે મારા નાક પર તે નેબ્યુલાઇઝર હતું. મેં કહ્યું કંઈ નહીં લઈ આવો. એ સમયે મને સમજાયું કે સંતાનો મા વગર કેટલા અધૂરા છે. મારા પતિ હોસ્પિટલમાં હતા ત્યારે એમને ખાતરી હતી કે મમ્મી સવારે આવશે પણ અત્યારે એમને નથી ખબર કે મને શું થયું છે. ને એ બંને જણા આવ્યા. મને ભેટીને ખૂબ રડ્યા. પછી ધીરેથી મેં એમને લખીને સમજાવ્યું કે બે ત્રણ દિવસ માં મને સારું થઈ જશે અને હું ઘરે આવી જઈશ. મને પૂછયું થયું છે શું ? ખાલી બોલાતું જ નથી ને તું ઘરે ચાલ. ઘરે આ નાક પર લગાડીને બેસી રહેજે. મેં લખીને સમજાવ્યું કે કાલે ગળામાંથી કફ કાઢી લેશે ને બોલાતું થઈ જશે એટલે હું આવી જઈશ. ને બંને જણા ઘરે જઈ શાંતિથી સૂઈ ગયા. પણ હકીકત એ હતી કે મને પણ ખબર ન હતી કે હું સારી થઈશ કે નહીં ? પણ મારે સારા થવાનું હતું. મારા સંતાનો માટે. મારો ઈલાજ શરૂ થયો. દસ હજારનું એક એવું ઈન્જેકશન મને રોજ આપવાનું શરૂ કર્યું. સાથે બીજી પણ ટ્રીટમેન્ટ શરૂ થઈ. બે ત્રણ દિવસ થયા ને મારી દિકરીએ જીદ કરી કે મને મમ્મી પાસે લઈ જાવ. મારા પતિએ કહયું ડોક્ટરે ના પાડી છે કે છોકરાઓને ન મળવા દેવાય. ઈન્ફેકશન લાગી જાય. પણ એણે કહ્યું હું દૂર બેસી રહેવા પણ મને લઈ જાવ. કાલે મારી અંગ્રેજીની પરીક્ષા છે ને મમ્મી જ્યાં સુધી મને નહીં લખી આપે હું વાંચીશ કેવી રીતે ? મને ની આવડે. મારા પતિને ખબર જ ન પડી કે એ શું કહી રહી છે. એમણે મને મેસેજ કર્યો. મેં કહ્યું કે એના ચોપડા નોટ પેન ને એને લઈને આવો હું કરી આપું છું. મારાથી ખાલી બોલાતું જ ન હતું. બીજી કોઈ તકલીફ ન હતી પણ ઈલાજ ચાલુ એટલે હોસ્પિટલમાં રહેવું જ પડે. મારા પતિ મારી દિકરીને લઈને આવ્યા. મેં એના કોર્ષ પ્રમાણે અંગ્રેજી વાક્યના ઉચ્ચાર લખી આપ્યા જેથી એ વાંચી શકે. ત્યારે મારા પતિને ખબર પડી કે મારા વગર તો સંતાનો બિલકુલ અધૂરા છે. એમને તો ખબર જ ન હતી કે સંતાનો કેવી રીતે ભણે છે કે હું કેવી રીતે એમને સાચવું છું. મને હોસ્પિટલમાં એડમીટ થયાને દસ દિવસ થઈ ગયા હતા. ફરી પાછી મારી સોનોગ્રાફી અને એમ. આર. આઈ. કરવામાં આવ્યા. મારું એક ફેફસું ઇન્ફેકશનથી બચી ગયું હતું હવે બીજાને બચાવવાનું હતું. મારે હજી હોસ્પિટલમાં રહેવું પડે એમ હતું. મેં મારા સંતાનોને કહ્યું મામાના ઘરે ચાલ્યા જાવ રહેવા માટે પણ તેઓ ન ગયા. અમારા ઘરે જ રહ્યા. રોજ મારી પાસે આવીને બેસે. આમ ને આમ લગભગ વીસ દિવસ પછી મારા ફેફસા ઈન્ફેક્શન મુક્ત થયા અને મને ઘરે જવાની રજા આપવામાં આવી. પરંતુ એ જ દિવસે મને તાવ આવી ગયો. અને મારે પાછું હોસ્પિટલમાં જ રોકાવું પડ્યું. ફરી પાછું બધાને ટેન્શન થઇ ગયું. પણ બે દિવસ પછી તાવ બંધ થયો અને મને ઘરે જવા માટે રજા આપવામાં આવી. આમ લગભગ બાવીસ દિવસ પછી હું ઘરે આવી. પણ ડોક્ટરે કહ્યું કે અવાજ આવતા વાર લાગશે. લગભગ ત્રણ મહિના પછી મારાથી બોલાતું થયું. આમ, એક વાઈરસ સાથેની મારી જંગ ત્રણ મહિને પૂરી થઈ. આનાથી મને એટલું સમજાઈ ગયું કે સંતાનો માટે મારે હમેશા સ્વસ્થ જ રહેવું પડશે અને મેં મારી પોતાની વધુ કાળજી લેવી શરૂ કરી.