Relationships of interest in Gujarati Moral Stories by Mir books and stories PDF | સ્વાર્થના સંબંધો

The Author
Featured Books
Categories
Share

સ્વાર્થના સંબંધો

જયંતિભાઈ, એક એવી વ્યક્તિ કે જેમણે પોતાના કુટંબ માટે આખી જીંદગી ખર્ચી નાખી. પણ આજે જીવનની સંધ્યાએ પોતાની પત્ની વર્ષાની આંખના મોતિયાના ઓપરેશન માટે એમની પાસે કંઈ નથી. એમને ખબર છે હું ન કરાવી શકા પણ મારી બીજા નંબરની દિકરી અમિતા એ કરાવી દેશે. અને થયું પણ એવું જ. બંને આંખના ઓપરેશન અને ચશ્મા અને બીજો બધો ખર્ચ એમની દિકરીએ આપ્યો.
એક સમય હતો, પોતાના અને ભાઈના સંતાનોને જરુર હોય એ દરેક વસ્તુ માંગતા પહેલા હાજર કરી દેતા. બેન બનેવીને વાર તહેવારે આમંત્રણ આપી એમની આગતા સ્વાગતા કરતાં. ભાણેજોને પણ હંમેશા ખુશ રાખતા. સગા વ્હાલામાં પણ જ્યારે કોઈને જરુર હોય પહોંચી જતાં. અને આ બધું કરવા ઉપરાંત સવારે સાત થી રાતે બાર સુધી સતત કામ કરતાં.
પણ કહેવાય છે ને કે ભલું કરનારને જ દુનિયા દગો આપે છે. તેમ એમની સાથે પણ એવું જ થયું. ભાઈ અને બહેનોએ જમીન માટે કેસ કર્યો. એમણે કહ્યું પણ ખરું કે જે તમારા ભાગનું છે એ તમારું જ છે. પણ કોઈએ ન માન્યું જમીન વેચાવી દીધી. એમના ભાગના પૈસા તો લીધા જ પણ જયંતિભાઈના ભાગમાંથી પણ લઈ ગયા. જયંતિભાઈ હતાશ થઈ ગયા કે મેં બધાને મારા ગણ્યા મારું કોઈ ન થયું. દીકરો નોકરી હતો. એમણે જે પૈસા આવ્યા તેમાંથી થોડી જમીન લીધી ને એક દુકાન લીધી કે પોતે એ દુકાન ચલાવશે નિવૃત જો થઈ ગયા હતા.
અહીં પણ એ થાપ ખાઈ ગયા. એમના દીકરાએ નોકરી છોડી દીધી કે દુકાન પોતે સંભાળશે. એને લાગ્યું કે દુકાનની કમાણી જયંતિભાઈ દીકરીઓને આપી દે છે. એમની બે દિકરી. મોટીએ લવમેરેજ કરેલા ને નાનીને એમણે પરણાવેલી. પણ છતાં મોટી દિકરીને રીત રિવાજ પ્રમાણે જે કરવું પડે એ બધું જ કરેલું. એક વખત એવો પણ આવ્યો કે મોટી દિકરી નોકરી કરતી હતી તો એનાં સંતાનોને એમણે જ સાચવ્યા અને મોટા કર્યા. નાની દિકરી દીપા એણે ના પાડેલી કે મારે લગ્ન નથી કરવા. એ નોકરી કરતી હતી પણ એમણે કહેલું વર્ષો પહેલાં કે તને ખબર છે તારો ભાઈ કંઈ કરવાનો નથી આગળ જતાં એને તારી જરુર પડશે ને ઘર સારું છે કરી લે ને એણે કરી લીધાં હતા. મોટીબેનને ત્યાં એવી કંઈ સારી પરિસ્થતિ ન હતી પણ એ પોતે એટલું કમાઈ લેતી કે એણે કોઈની પાસે હાથ ન ધરવો પડે.
પણ પિયર આવતી દિકરીને પિતા સો રુપિયા આપતા તે એમના દિકરાને લાગતું કે બધું બેનોને આપી દેશે ને એણે નોકરી છોડી દીધી. જયંતિભાઈને ઘરે બેસાડી દીધાં. એમની એકમાત્ર આવકનો સ્ત્રોત બંધ થઈ ગયો. દીકરાને એમ જ કે એમની પાસે ખૂબ પૈસા છે એ આપતા નથી. પણ જેણે આખી જીંદગી બધા પાછળ ખર્ચી નાખી હોય એ નિવૃતિના વીસ વરસ પછી પૈસા ક્યાંથી લાવે. ખાનગી નોકરી હતી કોઈ પીએફ કે કોઈ પેન્શન નહીં. આટલા વર્ષોમાં તો બચત પણ ખલાસ થઈ જાય. એમની પત્ની વર્ષાબેનને એક આંખે દેખાતું બંધ થઈ ગયું પણ પૈસા વગર કોને બતાવે. એક દિવસ વાત વાતમાં એમનાથી દીપા આગળ બોલાઈ ગયું કે દેખાતું નથી. ત્યાર પછી પણ દીપાએ બે ત્રણ મહિના રાહ જોઈ કે કદાચ એનો ભાઈ બતાવવા લઈ જાય પણ એવું કંઈ થયું નહીં. મોટી બહેનને પણ વાત કરી. એણે પણ કંઈ કહ્યું નહીં. આખરે એ લઈ ગઈ ડોક્ટરે કહ્યું ઓપરેશન કરવું પડશે બંને આંખનું. ઘરે આવી વાત કરી ભાઈ બહેન બંનેને કહ્યું પણ કોઈ કશું બોલ્યું નહીં. ત્યાર પછી પણ બે-ત્રણ મહિના રાહ જોઈ પણ કોઈ બોલ્યું નહીં ને આખરે એણે કરાવી દીધું.
જયંતિભાઈને આ વાતથી ખૂબ આઘાત લાગ્યો છે કે આજે એમણે બધું હોવા છતાં દિકરી પર આધાર રાખવો પડ્યો. દિકરીનું પણ સાસરું છે એણે પણ બધાને જવાબ આપવા પડે એ કેવી રીતે કરતી હશે એ વિચાર એમને સતત સતાવે છે. ક્યાં સુધી આમ જ ચાલશે એમને નથી ખબર. દીકરો કોઈપણ જાતની એમની જવાબદારી લેતો નથી. મોટી દીકરી કોઈ પણ પ્રકારની મદદ કરતી નથી. હવે એમની દીકરી દીપા પણ ક્યાં સુધી એમને જોશે ખબર નથી. એટલી ખાતરી છે કે જ્યાં સુધી એના સાસરિયાનો ત્રાસ વેઠાશે ત્યાં સુધી તો એ હાથ નહીં જ છોડે.
એક સમયે બધાની સંભાળ રાખવાવાળાનું આજે કોઈ જ નથી. અને એમનો બધા સંબંધો પરથી વિશ્વાસ ઉઠી ગયો. હવે એક જ વાત કરે છે "વાહ રે દુનિયા ! દરેક સંબંધ અહીં સ્વાર્થના નીકળ્યા."