નામ એમનું રામનાથ.નાનકડા ગામમાં નાની એવી દુકાન.લોકોના કપડાં સીવી ગુજરાન ચલાવવાનું ત્રણ જીવનું. મોટો સૌરભ અને નાની કુસુમ.એની માતા તો બંનેની જવાબદારી રામનાથ ને સોંપી મોટી અનંત યાત્રા પર સિધાવી ચૂકી હતી એ વખતે સૌરભ પાંચ વરસનો અને કુસુમ ત્રણ વરસની. ગામડાનું સાદુ જીવન એટલે દરજીકામની આવકથી સંતોષ મય દિવસો પસાર થતા.રામનાથનું એક જ સપનું હતું સૌરભને ખૂબ ભણાવવો ને "મોટો સાહેબ" બનાવવો. એ સ્વપ્નને સાકાર કરવા રામનાથ દિવસ રાત મહેનત કરતા..આજ કાલ કરતા સૌરભ હવે બારમા ધોરણમાં અને કુસુમ નવમા ધોરણ માં અભ્યાસમાં પહોંચી આવ્યા.સૌરભ પણ પિતાના સ્વપ્ન ને સમજીને યથાર્થ ઠેરવતો હોય એમ અભ્યાસમાં સદાય તેજસ્વી પરિણામ લાવતો રહ્યો.સહુ કોઈને ઈર્ષા આવે એવું મગજ ધરાવતો.શાળા ના શિક્ષકો તો મધ્યમવર્ગ ના પાણીદાર મોતી તરીકે બિરદાવતા.આ વરસ બોર્ડ નું મહત્વનું વર્ષ.મનોમન નક્કી કરી લીધું સૌરભ એ સારી કોલેજ માં એડમિશન મેળવવા પરિણામ સારું લાવવું જોઈશે.આજના સમય માં સારી કોલેજ માં પ્રવેશ મેળવવો એ પડકાર છે. કાં તો કોઈ વગદાર ની ભલામણ ચિઠ્ઠી જોઈએ કાં તો રિઝર્વ બેંકના ગવર્નર ની સહી વાળી નોટો નું ડોનેશન.....આ બન્ને સૌરભ માટે શકય નહોતું એટલે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નહીં એમ માની ને આખરી મહિનામાં મિત્રોના પુસ્તકો..અપેક્ષિત..ગાઈડ..ની મદદ લઈ દિવસ રાત જોયા વિના તલ્લીન બની ગયો.પિતા રામનાથ પણ પુત્રની ધગશ જોઈ મનોમન ખુશ થતા કે સ્વપ્ન સિધ્ધ થશે જ. આખરે એ દિવસ આવી જ ગયો..ગામડામાં તો પ્રાથમિક થી આગળ ક્યાં સગવડ હોય અભ્યાસની..સૌરભ એ પિતાજીના ચરણ સ્પર્શ કરી પરીક્ષા આપવા શહેર તરફ પ્રયાણ કર્યું.આખા વરસની મહેનત સાકાર થતી હોય એમ સૌરભના બધા જ પેપર સારા ગયા હતા. પરીક્ષા નો બોજ હળવો થયો પણ પરિણામની ચિંતા સતાવ્યા કરતી હતી.પાસ તો તે નક્કી થઈ જશે એનો વિશ્વાસ પણ તેથી શું ? એને તો સારા ટકાથી પાસ થવું હતું ને.. સૌરભ ખૂબ આનંદિત થયો પરિણામ તારીખ જાહેર થતાં જ લાગ્યું એની મહેનતનું ફળ પાકી ગયું છે..બસ સ્વાદ ચાખવાનો બાકી...પરિણામ લેવા ફરી શહેરની શાળામાં સવારે જવાનું હોવાથી સાંજે એક માત્ર આવતી બસમાં પ્રયાણ કર્યું .રામનાથના આશીર્વાદ સાથે..
******
વહેલી સવાર ના ક્રમ મુજબ સફાઈ માટે રામનાથ એ દુકાન ખોલી..તો નજર નીચે પડેલા છાપાં ઉપર ગઈ..પહેલા જ પાના પર સૌરભના ફોટા ઉપર શીર્ષક હતું - "બોર્ડ પરીક્ષામાં પ્રથમ"છાપું લઈ દોડતા રહ્યા રામનાથ જુઓ જુઓ મારા સૌરભના ફોટો છપાયો..એમને પણ થયું હાશ હવે સારી કોલેજ માં પ્રવેશની ચિંતા નહીં. બપોર વેળા થઈ ત્યાં જ એક પોલીસ અધિકારી બીજા ચાર પાંચ વ્યક્તિ સાથે તેના ઘરની ડેલી પાસે ગાડીમાંથી ઊતર્યા.."શું સૌરભ અહીં રહે? આ રામનાથનું ઘર છે?હા..હા..આ જ એનું ઘર છે.. એ તો પરિણામ લેવા કાલ સાંજની બસમાં શહેર ગયો છે.આજ સાંજના આવી જશે..બોલો સાહેબ શું કામ હતું એનું??"કદાચ તમે આજનું છાપું નથી વાંચ્યું લાગતું" ઇન્સ્પેક્ટરે કહ્યું." અરે.શું વાત કરો છો સાહેબ..એક વાર નહીં પૂરું સાત વાર વાંચ્યું ને ફોટો તો કેટલીય વાર જોયો..બેટા કુસુમ..જરા સાહેબ માટે મીઠું મોઢું લેતી આવ ને"ઇન્સ્પેક્ટરે હાથમાં છાપું બતાવ્યું જુઓ ખરી વાત એ છે તમે હર્ષની લાગણીમાં આખું છાપું જોયું જ નથી..આ જુઓ...એમ કહી અંદરના પાના પર છપાયેલ એક સમાચાર પર આંગળી મૂકી..."બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત..ચાર હતભાગીના સ્થળ પર મૃત્યુ..દશ ઘવાયા..ત્રણની હાલત ગંભીર..."તમારા સૌરભ ને શહેરની હોસ્પિટલમાં દાખલ કરેલ છે..અમે તમને લેવા આવ્યા છીએ..અમારી સાથે ગાડી માં ચાલો." *******હોસ્પિટલ પહોચતા રામનાથને જાણ થઈ સૌરભને ઓપરેશન થિયેટરમાં લઈ જવાયો હતો..પણ..ગંભીર સ્થિતિ હોવાથી ડોક્ટર બચાવી ન શક્યા...એકાએક આનંદ ના સાગર માં મ્હાલતા રામનાથ ને આ આઘાત દિગ્મૂઢ બનાવી ગયો..શૂન્ય અવસ્થા માં આંખ ના આંસુ પણ સુકાઈ ગયા.એમનું સ્વપ્ન..એમનો પ્યારો સૌરભ સફળતાના સર્વોચ્ચ શિખર પર બિરાજમાન થઈ સદાને માટે અંતિમ મંજિલે ચાલી નીકળ્યો હતો.ડોક્ટરોને પણ ચિંતા થઈ જો રામનાથ ના અશ્રુ નહીં વહે તો અજુગતું બની શકે છે.
*******
બીજા દિવસની સવાર નું છાપું રામનાથ ને આપ્યું..ફરી એમને આજ પણ સૌરભ નો ફોટો દેખાયો..ફોટો એ જ હતો...પણ ફોટો ની ઉપરનું "શીર્ષક" બદલી ગયું હતું....' બોર્ડ માં પ્રથમ..'. ની જગ્યાએ આજ ફોટો ઉપર' ફૂલ ગયું ફોરમ રહી...'. છપાયું હતું..આ સાથે જ છેલ્લા ચોવીસ કલાકથી રામનાથની આંખોએ રોકાયેલ અશ્રુ નો બંધ વહેવા લાગ્યો.. એમાં એમણે જોયેલ સ્વપ્ન પણ તણાવા લાગ્યા...