રોશની ની દુનિયામાં ખુબજ ધમાલ લાગતી હતી.સાંજ પડતાં અંધારાના ઓળા ઉતરવા લાગ્યા હતા.રસ્તો પરની લાઈટો નો પ્રકાશ રેલાઈ રહ્યો હતો.દરેક દુકાન પર પણ ગ્રાહકને આકર્ષવા માટે શણગારી ને ઝબુક ઝબક થઈ રહી હતી. દરેક વસ્તુ કાચના શોકેશ માં ગોઠવાયેલ ને એના ઉપર પડતો રંગબેરંગી પ્રકાશ શોભા વધારી રહ્યો હતો..સાંજ થવાથી દરેકને પોતાના સ્થાને પહોંચવા ઉતાવળ દેખાઈ રહી હતી.
આમ પણ શહેરો માં સાંજ વહેલી પડી જતી હોય છે.ઊંચી ઇમારતો થી ઊંચે રહી સૂર્ય પ્રકાશતો રહી નીચે નમતા જલ્દી થાકી જતો હોય એવું લાગે.
બઝાર ની ચહલ પહલ માં કેટલાક થાક વશ મંદ ગતિ ચાલી રહ્યા હતા તો કેટલાક સાંજ ન સમય ફરવા નીકળ્યા હોય એમ લાગતું હતું.તો વળી કેટલાક ખરીદીમાં વ્યસ્ત હતા.એમના ચહેરા પર સંતોષની આછી ઝલક અંકિત હતી..આ જ વિરોધાભાસ દેખાઈ રહ્યો હતો..કોઈને પોતાના સ્થાને પહોંચવાની ઉતાવળ તો કોઈને શાંતિ થી ફરવું..ખરીદી કરવી હતી.
આ વાતાવરણ માં એક આઠ દશ વરસ નો છોકરો..નામ રસિક..ઉતાવળા ડગલા ભરતો જઈ રહ્યો હતો પોતાના ઘર તરફ આખો દિવસ અખબાર..મેગેઝિન બૂમો પાડી બસ સ્ટેશન રેલવે સ્ટેશન પર વેંચવાના થાક સાથે... મન પર આખા દિવસ ન અનુભવો ફરી રહ્યા હતા..ત્યાં વિચારધારાને તોડતો એક અવાજ એના કાન પર અથડાયો," એ.. ઈ..છોકરા આમ આવ તો."
તેણે આસપાસ નજર કરી..કોઈ ઓળખીતો ગ્રાહક હોય.પણ કોઈ નજરે ન ચડ્યું.ફરી ચાલવા લાગ્યો..ત્યાં અવાજ આવ્યો,"તને બોલાવ્યો તો ઊભો કેમ ન રહ્યો?" અવાજ સાથે કોઈકે તેનો હાથ પકડી લીધો તેણે પાછળ જોયું તો કોઈ અજાણ્યો માણસ હાથ પકડી દોરી જતો હતો.બે ત્રણ દુકાન પસાર કર્યા બાદ એક દુકાનમાં લઈ જવાયો..ચારે તરફ વિવિધ સ્ટાઈલીશ કપડાં લટકતા હતા.શું થઈ રહ્યું છે એ વિચારમાળા ને તોડતો અવાજ આવ્યો,"ચલ તારો શર્ટ ઉતારતો..." અવાક નજરે રસિક ક્યારેક પોતાના શર્ટ તરફ તો ક્યારેક પેલા શેઠને જોતો રહ્યો.
ખમીસ ઉતાર્યા બાદ વારાફરતી અવનવી ડિઝાઇન..રંગ.. ના કપડાં પહેરાવતાં ગયા..તેને આ બધું સ્વર્ગલોક જેવું લાગતું હતું.જે કપડાં તેના માપસર હતા એ શેઠ એકબાજુ પસંદ કરી ઢગલો મૂકતા રહ્યા..આઠ દશ જોડી કપડાં થયા એટલે શેઠ બોલ્યા..બસ કરો હિસાબ હવે..
રસિક તો સ્વપ્નલોકની દુનિયામાં હતો.દરરોજ સમાચારમાં વાંચતો દુષ્કાળ ની સ્થિતિમાં રાહતકાર્ય..અનાજ વિતરણ..ગરીબને કપડાં વિતરણ..સંસ્થા શ્રેષ્ઠીઓ તરફથી..
રસિક ના નાના મગજમાં પણ એવું જ થયું કે કદાચ આ શેઠ પણ આ કપડાં તેને આપશે બધા મિત્રો વચ્ચે આ કપડાં પહેરી પોતાનો વટ પડશે..કદાચ શહેર માં આ રીતે કપડાં વિતરણ મોટા શેઠિયા કરતા હશે..આઠ દશ જોડી બધા ભલે તેને ન આપે પણ એકાદ બે જોડી તો આપશે જ..બાકી ભલે બીજા છોકરાઓ ને આપે..આવા સ્વપ્નની દુનિયામાંથી પાછા લાવતો એક જ અવાજ પૂરતો હતો.." એ.. ઈ..તારો શર્ટ પહેરી લે..તું જા હવે...
તેના સ્વપ્ન પર જાણે પ્રહાર થયો..ઘડીભરમાં કોઈએ રાજામાંથી ફરી રંક બનાવી દીધો હોય એમ લાગ્યું..ફરી વધુ કડક અવાજ આવ્યો," સાંભળ્યું નહીં.. તેં..ચલ દુકાન ની બહાર નીકળ.."
રસિક એક નજર દુકાનદાર પર..એક નજર ઓલ્યા શેઠ પર ને છેલ્લી નજર જુદા રાખેલ કપડાના ઢગલા પર નાખીને ધીમા શકે પગથિયા ઉતારવા લાગ્યો..શું થયું કશું જ તેને ન સમજાયું..પણ ત્યાં તેના કાન પર દુકાનદાર અને શેઠની વાત ન શબ્દ અથડાયા..
" મારો છોકરો આટલી ઉંમરનો આવા જ કદ કાઠા નો છે..તેને સાથે નથી લાવ્યો એટલે આ છોકરાને માપ માટે બોલાવી લીધો..આ કપડાં મારા છોકરાને બરાબર થઈ જશે."
છેલ્લા વાક્ય થી રસિકના નાના મગજને ઘણું સમજાઈ ગયું..આ તો ફક્ત તેના શરીરનું જ માપ લેવાયું છે..તેની ગરીબી નું નહિ..
કોઈ એની ગરીબીનું માપ કાઢે તો કદાચ તેને આ કપડાં મળી શકે
નિરાશા ન વિચારને ખંખેરી ચાલવા લાગ્યો ઘર તરફ...પણ આ વખતે તેના.. ડ.. ગ..લા...ધીમા પડી ગયા હતા.