નિતુ : ૯૬ (અન્યાય)
વિદ્યાને એ માણસ પર વિશ્વાસ આવી ગયો. તેને લાગ્યું કે આ અજાણી વ્યક્તિ જે કોઈ પણ છે એ તેને મદદ કરવા માટે જ આવી છે. રાત્રે એને લેવા માટે ગાડી આવી પહોંચી. તેણે જોયું તો ગાડીમાં માત્ર ડ્રાઈવર જ હતો. તે પાછળની સીટ પર બેસી ગઈ અને તેની સાથે ચાલી ગઈ.
બધી બાજુથી હારેલી વિદ્યાને લાગ્યું કે કોઈ તો છે જે એની મદદ કરવા માટે આવ્યું છે. તેણે તે માણસની ઓળખ ગાડીના ચાલકને પૂછી.
"મને જેણે ફોન કરેલો એ કોણ હતું?"
"મને ખબર નથી." ચાલકે ઉતાવળીયો જવાબ આપ્યો.
"તમે...?"
"હું તો ખાલી ડ્રાઈવર છું."
"ક્યાં જવાનું છે આપણે?"
"હમણાં ખબર પડી જશે."
વિદ્યાએ નોંધ્યું કે ચાલક તેની વાતો પર વધારે ધ્યાન નથી આપી રહ્યો અને તેના જવાબ પણ પરાણે આપી રહ્યો છે. તેણે મૌન સાધ્યું અને બહાર જોવા લાગી. શહેરના વિસ્તારોને કાપી ગાડી બહાર જઈ રહી હતી. તે વિસ્મિત થઈ રહી હતી, કે આવા એકલવાયા વિસ્તારમાં કોને શું કામ હશે? પછી થયું કે કોઈ એવો વ્યક્તિ હશે જે શહેરના ભીડભાડ વાળા વિસ્તારથી દૂર રહેવા અને પોતાની ઓળખ છુપાવવા માંગતા હશે!
રસ્તાનો માહોલ બદલાવ લાગ્યો. ગાડી શહેરની બહાર નીકળી રહી હતી અને તેની વ્યગ્રતામાં વૃદ્ધિ થઈ રહી હતી. મકાનો ધીમે ધીમે ઓછા થઈ રહ્યા હતા પરંતુ હાઈવે હોવાથી વાહનોનો ઘોંઘાટ એટલા પ્રમાણમાં જ હતો. અચાનક તેણે યુ- ટર્ન લીધો અને થોડું ચાલી હાઈવે પરથી ઉતરી ખેતરોની વચ્ચેથી પસાર થતી નાનકડી સડક પકડી.
વિદ્યાને પાછળ કોઈ હોવાનો ભાસ થયો. તેણે રિયર મિરરમાંથી જોયું તો તેનાથી થોડે દૂર એક બીજી ગાડી તેની પાછળ પાછળ આવી રહી હતી. સુમસાન રસ્તાને પસાર કરતા ગાડી ખાસ્સું એવું અંતર કાપી ચુકી હતી અને એક મોટા બઁગલાની સામે ઉભી રહી. તેને આભાસ હતો કે પીછો કરતી બીજી ગાડી ઘણે દૂર ઉભી રહી ગઈ છે.
તેણે ઉતરી અને ચારેય બાજુ નજર કરી. કોઈ ના દેખાયું. અગાસીમાં બે ત્રણ લોકો ચક્કર લગાવી રહ્યા હતા. અંધારામાં જોવું મુશ્કેલ હતું પરંતુ ગાર્ડ્સ હોવાનું અનુમાન ચોક્કસ આવી રહ્યું હતું. ફાર્મ હાઉસની બાજુના ખાલી વિસ્તારમાં બે ત્રણ ગાડીઓ એને દેખાઈ.
એકાંતવાળી અને ચારેય બાજુ ગાઢ વૃક્ષો અને ખેતરોથી ઘેરાયેલી જગ્યા. કોઈને અનુમાન ના આવી શકે એવી રીતે એ ફાર્મ હાઉસ બનાવવામાં આવેલું. ડ્રાઈવર આગળ ચાલ્યો અને વિદ્યા તેની પાછળ પાછળ. મુખ્ય દરવાજા નજીક આવી તે ઉભો રહ્યો અને વિદ્યા ખચકાતા પગે અંદર ગઈ.
બેઠક ખંડમાં કોઈ જ દેખાતું નહોતું. તે અંદર ચાલતી રહી. બેઠક ખંડની અંદર પહોંચી તો એક બાજુથી અવાજ આવ્યો.
"વેલકમ વિદ્યા... વેલકમ." એ જ અવાજ જે તેણે ફોનમાં સાંભળેલો.
તેણે અવાજની દિશા તરફ નજર કરી તો આશ્વર્યનો પાર ના રહ્યો, " ઈન્સ્પેકટર અમર ભારદ્વાજ!"
હાથમાં ગ્લાસ અને દારૂની મહેફિલ માણતો તે બાર ટેબલ પર બેઠો હતો. પોતે હોશમાં જ હતો એટલે એમ કહી શકાય કે તેણે હજુ ગ્લાસ હાથમાં લીધો હશે. ઉભો થઈ તે વિદ્યા તરફ આવ્યો અને કહ્યું, "ગજબ છે! તારી યાદ શક્તિ અને તારું આ દિમાગ... ગજબ છે! ભૈ માનવું પડે, એક જ નજરમાં મને આંખોમાં વસાવી લીધો!"
"તમે મને ફોન કરેલો? અને આ બધું તમે કર્યું?"
"મેં માત્ર મારુ કામ કર્યું. મેં તને કહેલુંને કે હું તને રોની સુધી પહોંચાડીશ."
"સર મારી મદદ કરવાનું કારણ?"
"મને થોડું ઈનામ મળશે. એનાથી વિશેષ મારે બીજું શું જોઈએ?"
"એટલે રોનીને પકડવાનો પ્લાન તમે એટલા માટે બનાવ્યો કે તમને સરકાર તરફથી ઈનામ મળે?"
અમરને હસવું આવ્યું. મરકાટ કરી તે બોલ્યો, "હહં... તું હજુ ઘણી નાદાર છે વિદ્યા. આ દૂનિયાને ક્યારે સમજતા શીખશે? જો આવી જ રહીશ કોઈ પણ વ્યક્તિ તને ભોળવી ફાયદો ઉઠાવી લેશે. નાઈસ તું મીટ યુ અગેન મિસ વિદ્યા મલ્હોત્રા." કહી તેણે હાથ લંબાવ્યો.
વિદ્યાએ એની સાથે હાથ મિલાવ્યો અને તેને હળવાશ અનુભવાય. તેણે કહ્યું, "પણ સર... તમે તો એક સાધારણ ઈન્સ્પેકટર છો. તો પછી આ આવડું મોટું ફાર્મ હાઉસ અને આ બધું... ગાર્ડ્સ અને આ ગાડીઓ... શું છે આ બધું?"
તે સોફા પર બેસી ગયો અને ફરી હસીને કહ્યું, "સી... હું એક સાધારણ ઈન્સપેકર જ છું. એ થોડા ઘણા સરકારી પગારમાં મને શું મળવાનું? એટલે મારે આ બધું કરવું પડે છે. એમાં તારા જેવું કોઈ જો આવી જાય તો મારો ફાયદો બમણો થઈ જાય."
ઈન્સ્પેકટર હસી રહ્યો હતો અને વિદ્યા અસમંજસમાં હતી. "એટલે? મને કશું સમજાયું નહિ."
"એટલે એમ કે ના તો આ ફાર્મ હાઉસ મારુ છે કે ના એ ગાડી. મેં માત્ર મારુ કામ કર્યું છે અને એ હતું તને અહીં સુધી લાવવાનું."
"શું કામ? આ બધું કોણ કરી રહ્યું છે?" તેની અકળામણ અને શ્વાસ વધી રહ્યા હતા. જો કે સામે બેઠેલો ઈન્સ્પેકટર એકદમ નિરાંતે બેઠો હતો. તેણે ફરી પૂછ્યું, "સર... મને અહીં કોણે બોલાવી છે?"
એવામાં પાછળથી અવાજ આવ્યો, "મેં બોલાવી છે તને."
ઈન્સ્પેક્ટરે ગ્લાસ પકડેલી હથેળીમાંથી એક આંગળી છૂટી કરી પાછળ પગથિયાં તરફ ઈશારો કર્યો. વિદ્યાએ પાછળ ફરી જોયું અને એના પગ નીચેથી જમીન સરકી ગઈ. સફેદ કફની અને ઉપર ભૂરા રંગની બંડી પહેરેલ એક માણસ એના તરફ આવ્યો. વિદ્યા પાછળ ખસકી રહી હતી. એ જોઈ અમર ઉભો થયો અને તેના કાનમાં કહ્યું, "હમ... મૂંઝાવાની જરૂર નથી. ડર નહિ."
તે થોભાઈ, એટલામાં તે માણસ ત્યાં પહોંચી ગયો. તેની આંખોમાં આખો નાંખી તેણે ઊંચા સ્વરે કહ્યું, "મારુ નામ, રતન છે. રતન જરીવાલા. તું તો જાણતી જ હોઈશ."
વિદ્યા કશું કહેવા કે સાંભળવાની હાલતમાં ન્હોતી. અજાણી વ્યક્તિ પર નકામો વિશ્વાસ મૂક્યાનો તેને પસ્તાવો ભરાયો. રતન તેને કહેવા લાગ્યો, "આ મારુ ફાર્મ છે અને આ અમર જેવા બહુ ઓછા લોકોને મોકો મળે છે અહીં આવવાનો. યુ આર લક્કી કે તું અહીં સુધી આવી શકી."
"આ બધું કરવાનું કારણ?"
"કારણ હતું તારી સાથે વાત કરવાનું. તે જે હિમ્મત બતાવી છે એ મને ગમી. કોઈના સાથ વિના તું સીધી જજ સાહેબ સુધી પહોંચી ગઈ! સરસ. મને અમરે બધી વાત કરી. રોનીએ જે કર્યું એ બધું ખોટું છે હું માનું છું. પણ તું એની સામે કેસ નહિ કરે."
વિદ્યાએ અમર સામે એક નજર નાંખી. "તમે રીશ્વતખોર છો એ તો સમજાયું અને એ પણ સમજાયું કે કોના માણસ છો?" તે આગળ કહેવા લાગી, "રોની વિશે જાણવા છતાં તમે મને કેસ ના કરવા કહો છો! તમારે એને રોકવો જોઈએ ના કે મને."
"શું કામ?" રતને બેફિકરાઈથી કહ્યું.
"સર એ... એ પોતાના મનમાં જે આવે એ કરે છે. ખરા ખોટાનું ભાન રાખ્યા વગર અને કોઈને પણ રંજાડે છે. એણે મારી સાથે... " વિદ્યા એકસાથે બોલી રહી હતી. રતને એને અટકાવી અને ધમકી ભર્યા સ્વરે કહેવા લાગ્યો, "એય છોકરી, બસ કર. તારું આ ભાષણ સાંભળવા તને નથી બોલાવી. તને ખબર પણ છે તું કોના માટે બોલી રહી છે?"
"નીચ અને નફ્ફટ એવા તારા દીકરા માટે." વિદ્યા બેધડક થઈ બોલી.
અમરે ગ્લાસ નીચે મુક્યો અને ઉભો થઈ ગયો. તે વિદ્યાને નુકસાન પહોંચાડવાના ઈરાદે આગળ ચાલ્યો, "આમ બોલવાની હિંમત કેમ થઈ તારાથી?"
પણ જરીવાલાએ તેને અટકાવ્યો. "ના અમર, રહેવા દે."
વિદ્યાએ કહ્યું, "પોતાની સત્તાનો પાવર બતાવી રહ્યા છો?"
"સત્તા મારી પાસે છે, એટલે બતાવી રહ્યો છું. સમજી લે કે હું સારો માણસ છું. કાલે સવારે રોની આ સત્તા સંભાળશે અને પછી તને બોલવાનો પણ મોકો નહિ મળે. એટલે તને શાંતિથી સમજાવી રહ્યો છું. એણે ખાલી બે ઘડીનો આનંદ લીધો એમાં આટલી બધી શું ઉછળે છે! "
"એના એ આનંદની હું એને સજા આપીશ જરીવાલા. એ લાયક નહિ છોડું કે તારી કાળી સત્તા સંભાળી શકે." તેને પોતાને એ જાણ નહોતી કે એ કેટલા આવેશમાં આવી ચુકી હતી. કોમળ સ્વભાવ છોડી વિદ્યા એક પછી એક થનારા પ્રહારથી કઠોર થતી જતી હતી.
તે વિદ્યાને કહેવા લાગ્યો, "ઠીક છે. ચાલ બોલ, તારા મનમાં જે આવે તે બોલ. અમરે મને કહ્યું ત્યારે જ મને સમજાયું કે તું આવી જ કોઈ છોકરી હશે. એટલે મને મન થયું કે તારી એક મુલાકાત જરૂર લેવી જોઈએ. રોની મારા સપનાને પૂરું કરી રહ્યો છે. હું રાજનીતિની રમત રમી એમ. એલ. એ. બની ગયો. પણ એ મારાથી પણ આગળ જશે."
"હં... એવા માણસ પર વિશ્વાસ કોણ કરશે?"
"બધા કરશે. તને શું લાગે છે તું એને રોકી શકીશ? જો માણસ કઠણ થઈને ના રહેને તો એ રાજનીતિ ના ચલાવી શકે. એટલે મેં એને ખુલ્લી છૂટ આપી છે. એમાં તારી જેવું કોઈ એના રસ્તામાં આવશે તો મને જરાય મજા નહિ આવે. એટલે આ કેસ કબાડા છોડ અને શું જોઈએ છે એ બોલ. જે જોઈએ એ હું આપીશ, પણ હવે મારા રોનીનું નામ કોઈ બીજા સામે ના લેતી. તું ખાલી તારી કિંમત બોલ."
"તમેં એવું ધારી પણ કઈ રીતે લીધું કે હું કોઈ કિંમત લઈને શાંત થઈ જઈશ."
"એ તો તારે થવું જ પડશે." તેણે અમર સામે જોયું અને અમરે ટિપોઈ પર પડેલી એક બેગ ખોલી. બેગ આખી પૈસાથી ભરેલી હતી. રતને એમાંથી અમૂક પૈસા કાઢી વિદ્યાના હાથમાં રાખતા કહ્યું, "આલે અને તારું મોઢું સદાને માટે બંધ રાખજે."
એ પહેલીવાર હતું જયારે વિદ્યાને પોતનું સ્વાભિમાન તૂટતાં દેખાયું. ઘવાયેલી અને પોતાના દરદને રાહત આપવા ન્યાય માટે ભટકતી વિદ્યાના સ્વાભિમાન પર ઘા થયો. એની સૌમ્યતા અને વિનયી સ્વભાવનો જે બદલો રોનીએ આપેલો, એનાથી વિશેષ ઘા એના બાપે એની કિંમત આંકી આપ્યો.
તેની અંતરાત્મા છેક સુધી કમ્પી ઉઠી. પૈસાને ફેંકી એ બોલી, "હું એટલી સસ્તી નથી જરીવાલા અને ના મને તારા પૈસાની ભૂખ છે. તું કે તારો રોની જે સપના જોવા હોય એ જોઈ લો. પણ હું એને સજા જરૂર આપીશ."
તેની ઠેકડી ઉડાડતા રતન બોલ્યો, "આખા શહેરમાં રખડી લીધા પછી પણ આટલો બધો ઘમંડ છે તારામાં? કોઈએ હાથ પકડ્યો? નહિ ને! કોઈ તારી મદદ કરશે પણ નહિ. જરીવાલા નામ છે મારુ. બહુ મહેનત કરી છે મેં મારા આ સામ્રાજ્યને ઘડવામાં. તું મારુ કશું નહીં બગાડી શકે. મારા આ સામ્રાજ્યને મારો દીકરો હજુ ઉપર લઈ જશે. એક રકમ આપી હતી મેં તને મારા રોની વતી. પણ તું એનીયે હકદાર નથી."
રતન અભિમાન બતાવી રહ્યો હતો. તે એકબાજુ જતો રહ્યો અને કહ્યું, "અમર, આને એના ઘર સુધી પહોંચાડી દે. હવે એને કોઈ પૈસા આપવાની જરૂર નથી."
હાથમાં રહેલ ગ્લાસ એક ઘૂંટડે ખતમ કરી તે ઉભો થયો અને વિદ્યા પાસે જઈ બોલ્યો, "તો પછી શું જરૂર છે આને ઘર સુધી પહોંચાડવાની? આપણી વાત નથી માની. એની જાતે જશે જ્યાં જવું હોય ત્યાં."
વિદ્યા તેઓના અસલી ચેહરા જોયા બાદ ફિક્કી મુસ્કાન આપી ચાલતી થઈ. તે હજુ બહાર નહોતી નીકળી એવામાં પાછળ ઉભેલા રતને અમરને કહ્યું, "વાહ, કમાલ કરી તે. મારી સાથે રહીને ઘણું બધું શીખી ગયો છે."
"બસ તમારી સંગતની અસર છે. બસ તમેં જરા મારી સામે પણ જોજો."
જરીવાલાએ હસીને કહ્યું, "ચિંતા ના કર. તારો નિખીલ અને રોની બંને દોસ્ત તો છે જ. મેં રોનીને કહી દીધું છે કે અભિષેકની જેમ તારા નિખીલને પણ રાજનીતિમાં સાથે રાખે."
અમરે કહ્યું, "હા... એ અભિષેક અને એનો બાપ બંને મને વારે- વારે ફોન કરે છે. આ છોકરીની કેસની વાત સાંભળી બંને ડરી ગયા છે. એ તો કહેતો હતો કે જો વિદ્યાએ કંઈક કર્યું તો એને રેસ્ટોરન્ટ બંધ કરવું પડશે. રોનીએ હદ કરી છે. આવું કરતો રહેશે તો..." અમર આગળ ના બોલ્યો. જરીવાલાએ કહ્યું, "એની જરૂર નહિ પડે. હું હમણાં જ એની સાથે વાત કરું છું."
સાંભળી વિદ્યાને ખબર થઈ કે અમર નિખીલનો બાપ છે. અંદરો અંદર ચાલી રહેલી આખી રાજ રમત એને સમજાવા લાગી. અહીંથી તેણે એકલીએ જવાનું હતું. તે તેના ફાર્મ હાઉસની બહાર નીકળી અને વૃક્ષોથી ઘેરાયેલી અંધકાર ભરેલી સડકે ચાલવા લાગી. આશાનું એક કિરણ જાગેલું એ નક્કામું ખરું, છતાંય કહી શકાય કે જરીવાલાના ફાર્મ હાઉસમાં જે બન્યું એ ઘટનાએ વિદ્યાને એક મોટો ઘા આપેલો.