Mara Anubhavo - 33 in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા અનુભવો - ભાગ 33

Featured Books
Categories
Share

મારા અનુભવો - ભાગ 33

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 33

શિર્ષક:- સ્વામી માત્રાનંદજી

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ 33. "સ્વામી માત્રાનંદજી"


હીરા અને રત્નોને જો ધરતી ઉપરથી મેળવી શકાતાં હોત તો તેમનું મૂલ્ય ન રહ્યું હોત. ધરતી ઉપર ઘણા ઊંડા પેટાળમાંથી ઘણું ખોદકામ કર્યુ પછી કદાચ તેમની પ્રાપ્તિ થાય છે. માટી દૂર કરવા તથા પથ્થરોને દૂર કરવા કોદાળીના કેટલાય ટચકા મારવા પડતા હોય છે. માટી અને પથ્થરોને દૂર કરવાની સાધના જ સાધના છે. તેનાથી થાકી જનારા કે ધીરજ ખોઈ બેસનાર હીરાના અધિકારી નથી થઈ શકતા હોતા. જીવનમાં ઉત્તમ વ્યક્તિની પ્રાપ્તિ, હીરાની પ્રાપ્તિ કરતાં પણ વધુ મહત્ત્વની છે. પછી તે વ્યક્તિ પતિ હોય, પત્ની હોય, મિત્ર હોય કે ગુરુ હોય, કોઈ પણ હોય. શ્રેષ્ઠ વ્યક્તિથી સંસારમાં કશું જ વધુ કીમતી નથી સોનું શોધવા નીકળેલા માણસો કરતાં ઉત્તમ વ્યક્તિ શોધવા નીકળેલા માણસો વધુ ડાહ્યા હોય છે, કારણ કે સોનાના સુખ કરતાં ઉત્તમ વ્યક્તિનું સુખ ઘણું વધારે છે. સોનું તો કદાચ કોઈ સમયે દુઃખરૂપ થઈ શકે છે. પણ ઉત્તમ વ્યક્તિઓ જીવનમાં અનાયાસે મળી જતી હોય છે. અનાયાસે મળતા લાભોમાં તો ઈશ્વરકૃપાની અનુભૂતિ કરવી જ જોઈએ.


હું નિરાશ થઈને ભણવાનું છોડીને ખાધાપીધા વિના ગ્લાનિભર્યો ઉપરની છતમાં સૂઈ ગયો હતો. મારા બે સહાધ્યાયીઓ મારા વલણથી થોડા દુખી હતા. હરિભજનદાસજી  બે-ત્રણ વાર આવીને મને ઠપકો આપી ગયા, અરે, ઇસમેં ક્યા હો ગયા? આજ પાઠ નહીં આયા તો કલ આયેગા, દેખ, મૈં તીન વર્ષસે 'લઘુ' પઢતા હૂં ફિર ભી મુઝે તો તેરી જિતની ભી નહીં આતી.' તેમની લાગણીથી મને આશ્વાસન મળતું, સુખ મળતું. પણ હવે હું ભણી નહિ શકું તેવું લાગવા માંડયું હતું. સાંજે પણ હું ભિક્ષા લેવા ગયો નહિ. શ્રી હરિભજનદાસજી મારી વાત સ્વામી માત્રાનંદજીને કરી.


આશ્રમમાં પંદર- વીસ સંતો રહેતા તેમાં સ્વામી માત્રાનંદજીનું વ્યક્તિત્વ તથા સ્વરૂપ તદ્દન નિરાળું હતું. થોડી ઠીંગણી અને દૂબળી-પાતળી કાયા, જાડાં વસ્ત્રો, અલગારી વ્યક્તિત્વ, કોઈની લપ્પનછપ્પનમાં રસ નહિ. સીડી નીચે ત્રાંસા ખાનાને રૂમ બનાવીને તેમાં જ તેઓ નિવાસ કરતા. બપોરે માત્ર પંચાજીરીના ચાર-પાંચ ફાકડા ફાકી લેતા, સાંજે ભિક્ષા લેવા આવતા અને છ રોટલી અને ત્રણ ચમચા દાળનો આહાર લેતા. આખો દિવસ પોતાના ખાના જેવા રૂમનું બારણું બંધ કરીને રાધેકૃષ્ણ.... રાધીકૃષ્ણ....'નો જાપ જપ્યા કરતા. ભજન સિવાય તેમનો કોઈ કાર્યક્રમ ન હતો. કોઈ આડંબર નહિ, કશું પ્રદર્શન નહિ. એટલે કોઈ પણ તેમના દર્શને ન આવતું. તેમને દર્શનાર્થીઓની જરૂર પણ ન હતી. પોતાના ઇષ્ટદેવના સ્મરણમાં તલ્લીન રહેવાથી કોની જરૂર હોય?


મધ્ય પ્રદેશમાં અકોલા(તે સમયે)માં કોઈ પાઠશાળામાં તેઓ અધ્યાપક રહીને સંસ્કૃત ભણાવતા, નિવૃત્ત થઈને વિધિવત્-સંન્યાસ લીધો અને પોતાના પ્રિયતમને પામવા આવી ગયા વૃંદાવન. ઇન્દોરના કોઈ શેઠ તેમને મહિને બે મહિને કાંઈક નજીવી રકમ મોકલતા. તેમાંથી પંચાજીરી બનાવીને ડબ્બો ભરી રાખતા. બસ તે જ તેમનો બપોરનો આહાર થઈ જતો. સાંજે ભિક્ષા કરીને તે વૃદ્ધ સંત સામેના લીમડા નીચે પોતાનાં વાસણ ઘસવા આવતા. પોતાનાં વાસણ પણ પોતે જાતે ઘસતા. આટલી નિઃસ્પૃહતા તથા આટલી નિષ્કામતા ભાગ્યે જ જોવા મળે.


વૃંદાવનમાં પ્રતિદિન હજારો યાત્રાળુઓ આવે. સંતોનાં દર્શન કરવા આશ્રમે આશ્રમે ફરે. નવાબોને પણ શરમાવે તેવી સાહેબીમાં રાચતા ગાદીતક્રિયાવાળા અને વાઘાંબરના આડંબરી આસન ઉપર પલાંઠી વાળીને બેઠેલા, કૃત્રિમ અને ભારે સ્વરમાં વાતચીત કરતા માણસોને તેઓ મોટા સંત સમજીને પગે લાગીને ધન્ય થઈ જતા. તો કોઈ વાર ત્યાગીનો ડોળ કરીને ત્યાગી થઈ બેઠેલા પણ અતિમાનભોગી લોકોને પરસિદ્ધ માનીને લાંબા દંડવત્ કરતા લોકોને ખબરે ન હતી કે ખરેખર દર્શન કરવા યોગ્ય સાચા સંત તો અહીં પરમહંસ આશ્રમની સીડી નીચે બનાવેલા ખાના જેવા રૂમમાં બિરાજે છે. કોઈને શું દોષ દઈએ? પ્રદર્શન અને પ્રચારની પ્રબળતા હોય તો લોકપ્રવાહને જહન્નમમાં પણ વાળી શકાય છે. તેમાંય ગુજરાતી પ્રજા ધાર્મિકક્ષેત્રમાં વધુ ભોળપણવાળી તથા ભાવનાશાળી હોવાથી તરત જ વળી જાય છે. વળી તે દૂઝણી ગાય છે એટલે ચારે તરફથી દોહનારા પવાલીઓ લઈને પહોંચી જાય છે. સાંજે જ્યારે તેઓ પોતાનાં વાસણ ઘસવા લીમડા નીચે આવ્યા ત્યારે હરભજનદાસજીએ મારી વાત કરી. ઉસને પઢના છોડ દિયા હૈ.’ મારી સાથે તેમને કશો જ પરિચય ન હોવા છતાં તેમને મારા પ્રત્યે લાગણી થઈ. પરમાત્મા અને મહાત્મા અદ્વૈતુકી કૃપા કરતા હોય છે. મને તેમની પાસે બોલાવ્યો અને પાઠશાળામાં શું સમજ નથી પડતી તે પૂછ્યું. તરત જ તેમણે સમજણ પાડીદીધી. પાઠ સમજાઈ ગયો. બહુ જ આનંદ થયો. મેં તેઓને પ્રતિદિન ભણાવવાની પ્રાર્થના કરી. થોડી આનાકાની પછી સાંજના આ જ સમયે વાસણ ઘસતાં ઘસતાં ભણાવવાનું તેમણે નક્કી કર્યું. બસ, હવે કામ સરળ થઈ ગયું. તેઓ રોજ પોતાનાં વાસણ ઘસતા જાય અને અમને બન્નેને, કોઈ વાર ત્રણેનેભણાવતા જાય. અમે સેવા કરવા માગીએ તો પણ પોતાનાં વાસણ પોતે જ થશે. અડધા કલાકનો સમય લાગે. તેમાં અમારું ભણવાનું પણ થાય. તેમની ભણાવવાની શૈલી સુંદર હતી. અઘરી વાતને પણ બહુ સારી રીતે સરળતાથી ભણાવી દેતા. મારું કામ ઝડપથી ચાલ્યું. એક વાર તેઓ માંદા પડ્યા. અમે બંને રાત્રે તેમની પાસે થોડી વાર બેસીએ, હું મારા રચેલા શ્લોકો તેમને સંભળાવું. તે બહુ જ પ્રસન્ન થાય અને મને આશીર્વાદ આપે.


મારી માફક તે પણ જીવનની શરૂઆતમાં આર્યસમાજી હતા. પાછળથી વિચારો બદલાયા અને કૃષ્ણભક્ત થયા હતા.


અમારો સંબંધ દિવસે દિવસે ઘનિષ્ઠ થતો ગયો. હિરભજનદાસ તો ભક્ત હતા જ, સ્વામી માત્રાનંદજી તો ભક્તશિરોમણી હતા અને હું પણ ઉપાસના તો કરતો, પણ સાકાર કરતાં નિરાકારમાં વધુ રુચિ હતી. સ્વામીજીએ મને આગ્રહ કરીને કહ્યું કે મારે રોજ બિહારીજીનાં દર્શન કરવા જવું. મારી ખાસ ઇચ્છા ન હોવા છતાં, તેમનું માન સાચવવા હું રોજ બિહારીજી જતો. દર્શન કરતો, ખાસ કાંઈ અદ્ભુત અનુભૂતિ ન થતી.


એક વાર દર્શન કરીને પાછો ફરી રહ્યો હતો, દીવાબત્તી થઈ ચૂકી હતી. સામે પચ્ચીસ-ત્રીસ ભક્તોનું ભજનમંડળ આવી રહ્યું હતું. ખૂબ જોરજોરથી તાનમાં આવીને લોકો કીર્તન કરી રહ્યા હતા.


ભજનમંડળને પસાર થવા દેવા માટે હું રસ્તાની એક તરફ ખસીને ઊભો રહ્યો. મંડળ જ્યારે નજીક આવ્યું ત્યારે લાઇટના પ્રકાશમાં મેં જોયું કે એંશી વર્ષના સ્વામી માત્રાનંદજી તેમાં ભળી ગયા છે અને આંખો બંધ કરીને બબ્બે ફૂટ કૂદી કૂદીને કીર્તન કરી રહ્યા છે. તેમની મસ્તી તથા ચહેરા ઉપરની આભા જોઈને હું દિગ્મૂઢ થઈ ગયો. મને મારા નિરાકારવાદ પ્રત્યે થોડી ગ્લાનિ થઈ. કાશ! મારી પણ સ્થિતિ આવી થાય! ભક્તિની કેટલી ઊંચી ભૂમિકા છે! આ પ્રસંગે મારા ઉપર સજ્જડ અસર કરી. મારું મન સાકાર તરફ વળવા લાગ્યું. હવે બિહારીજીનાં દર્શનમાં રસ પડવા લાગ્યો. સ્વામી માત્રાનંદજીએ મને વ્યાકરણવિદ્યાની સાથે સાકારભક્તિની ભૂમિકા પણ આપી.



આભાર

સ્નેહલ જાની