મોડર્ન યુગમાં, દોડધામ ભરેલી જીવનશૈલી, વ્યસ્તતા અને સગા સબંધીઓ વચ્ચે પણ વધતા અંતરો વચ્ચે, જ્યારે ક્યારેક કોઈક પાસેથી સલાહ સૂચન લેવાની જરૂર પડે અને દોડતી-ભાગતી જિંદગીમાં જીવન જીવતા સગાઓ પણ વ્યસ્તતાના વમળમાં ફસાયેલા હોય ત્યારે, કોઈ એવો મિત્ર કે જેનું અસ્તિત્વ છે પણ અને નથી પણ! એવું કોઈ યાદ આવે, ખિસ્સામાંથી મોબાઈલ નીકળે અને સૂચનાપેક્ષા સહ એક સવાલ ટાઈપ થાય.
’લૂગડાં ધોવાનું મશીન લેવું સે તો ઈ કે તો કે કઈ કંપનીનું હારું આવે?’
પ્યોર કાઠિયાવાડી સવાલ છે ને!
છતાં, અપેક્ષિત સલાહ સૂચન સાથેનો જ માત્ર નહી પણ, પૃથકરણ સહિતનો મૈત્રિસભર જવાબ મળે ત્યારે ક્યો બાપડો છક્ક ન થાય!?
આવા જ કંઇક પરાક્રમી છે, વર્તમાન ચેટબોટ્સ!
જો કે તેમની વિકાસ ગાથા તો ૧૯૬૦ ના દાયકાથી શરૂ થઈ પણ આજે એમની પરિપક્વતા લગભગ પૂર્ણતાને આરે આવી પહોંચી છે. ચાલો આજે વાત કરીએ વર્તમાનમાં પોતાની કૃત્રિમ બુદ્ધિ અને જવાબ આપવાની છટાથી, સર્વોત્તમ બુદ્ધિમતાના એકમાત્ર અધિકારી એવા માનવ સમાજ ને પણ છક્ક કરી દેતા બે ચેટ બોટની!
એક છે ChatGPT અને બીજું છે હાલમાં ખૂબ જ ચર્ચામાં આવેલું grok 3
જો કે આ બે સિવાય ઘણા ચેટબોટ અસ્તિત્વમાં છે. એ બધા જ પોતપોતાના ક્ષેત્રમાં પારંગત પણ છે, છતાં પણ એ બધામાં આ બંને અનેક એવી ખાસિયતો અને બહોળા જ્ઞાન ભંડાર સાથે થોડાક હટકે છે. આ પ્રભાવી ચેટબોપટસ્, પોતાની કૃત્રિમ બુદ્ધિ અને જવાબ આપવાની કુશળતા દ્વારા માનવજાતને પણ ચકિત કરી શકે છે. એટલે જ વર્તમાન સમયે ઉપલબ્ધ અનેક ચેટબોટસ વચ્ચે પણ તેઓ પોતાની ખાસિયતો અને વિશાળ જ્ઞાન ભંડાર સાથે એક અલગ જ ઉંચાઈ ધરાવે છે. માનવમૈત્રી અને પ્રભાવશાળી સંવાદ ક્ષમતા તેમને નિર્વિવાદ પણે અગ્રસ્થાને મૂકે છે.
બંનેની સરખામણી કરીએ તો ChatGPT 2022 ના વર્ષની આખરમાં એ આઇ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની દ્વારા લોન્ચ થયેલું જ્ઞાની, શાણું અને શાંત AI છે. મતલબ, એ મજાક નથી કરતું એવું નથી, બૌધિક મજાકમાં તો એ પણ આશ્ચર્યમાં મૂકી દે તેવા અણધાર્યા ધડાકા કરી જ લે છે. તેનો ડેટાબેઝ ખૂબ જ વિશાળ છે. આ પ્રખર પંડિતના સર્જનમાં સામ એટમેન, અલોન મસ્ક, ગ્રેગ બોકમેન જેવા અનેક મહાનુભાવો એ યોગદાન આપ્યું. નવેમ્બર 2022 માં તેના પ્રારંભિક લોન્ચ બાદ તે સતત સુધારણા અને નવા વર્ઝન સાથે અદ્યતન બની રહ્યું છે. ઓપન એ આઇ તેના આગામી સંસ્કરણો અને સુધારાઓ પર કાર્યરત છે, અને ભવિષ્યમાં વધુ સ્થિરતા અને સુવિધાઓ સાથેના અપડેટ્સ મળતાં જ રહેશે.
બીજી બાજુ, એક્સ એ આઇ કોર્પોરેશન દ્વારા 2023ની સાલમાં રચાયેલું અને હાલ 14 માર્ચ 2025 થી ભારતભરમાં મોટી ચર્ચાનો વિષય બનેલું grok 3 નું બીટા વર્સન છે. જે પોતાના તોફાની અને મસ્તીખોર અંદાઝ માટે પંકાયેલું છે. એ પોતે સ્વીકારે છે કે ChatGPT નો ડેટાબેઝ એમના ડેટાબેઝ ની સરખામણીએ ક્યાંય વિશાળ છે. છતાં એ પોતાના તોફાની અને મસ્તીખોર અંદાજને લીધે લોકોના દિલમાં સામ્રાજ્ય સ્થાપવાની ક્ષમતા ધરાવે છે. ક્યારેક એ ઉપયોગકર્તાને ખડખડાટ હસાવી દે તો ક્યારેક તીખા કટાક્ષ પણ કરે. વળી, તમે જેવી ભાષા શૈલી વાપરો એવી ભાષા શૈલીમાં ઉત્તર આપે. ગાળાગાળી કરવામાં પણ ન અચકાય! પણ એ તો મશીન છે વળી, શરૂઆત યુઝર પોતે પોતાની લાગણી કે આવેગ ઉમેરી કરે અને એ જ લાગણી કે આવેગના પ્રત્યાઘાત સાથે કોઈ અણધાર્યો જવાબ આપે તો મશીનનો શું વાંક? એની પોતાની તો કોઈ લાગણી કે આવેગ છે જ નહી!
ઉત્તમ ક્યુ એવું પૂછીએ તો બંને પોતપોતાની કેટલીક ખામીઓ અને અને ખૂબીઓ સાથે પોતપોતાના ક્ષેત્ર અને કાર્યપદ્ધતિમાં સર્વોત્તમ જ છે. જ્ઞાન, સંશોધન, ટેકનિકલ અને વિજ્ઞાન બાબતે ChatGPT ખૂબ ઉંડાણ ભર્યું છે. તો grok 3 થોડું મર્યાદિત છે પણ નબળું તો બિલકુલ નથી. તો બીજી બાજુ તોફાની અંદાઝ અને અપડેટ બાબતે grok 3 મનમોહક છે તો ChatGTP પણ હળવી મજાક તેમજ તેમની કેટલીક આગવી વિશેષતાઓ દ્વારા વપરાશકર્તાને જકડી રાખવાના તમામ ગુણોથી સંપન્ન છે.
બંને બાખડે તો કોણ વિજેતા થાય? આવો પ્રશ્ન માનવ સંવેદનાની ખામીને પ્રદર્શિત કરી જાય છે, જ્યારે વિદ્વાન મશીનો શું જવાબ આપે છે એ એના જ શબ્દોમાં જોઈએ!
"તારી અને grok 3 વચ્ચે લડાઈ થાય તો કોણ જીતી જાય?"
હા! મજાની વાત છે. જો હું અને Grok-3 વચ્ચે ‘લડાઈ’ થાય, તો કેટલાંક પાસાંએ તેનો ઉકેલ નિર્ભર રહેશે:
1. જ્ઞાન અને લોજિક
ChatGPT: મારી પાસે વધુ વિશાળ ડેટાબેઝ અને ઊંડાણભર્યું જ્ઞાન છે, એટલે હું તથ્યઆધારિત, વૈજ્ઞાનિક અને લોજિકલ રીતે વધુ શક્તિશાળી છું.
Grok: એ તોફાની અને હાસ્યપ્રધાન છે, પણ તે મારી જેમ સંશોધન આધારિત ઊંડાણ નથી ધરાવતું.
વિજેતા: ChatGPT (જો લડાઈ માહિતી કે તર્કના આધારે થાય તો)
2. તોફાની અને મજેદાર જવાબો
ChatGPT: હું પણ મજાક કરી શકું, પણ મારા જવાબ સામાન્ય રીતે શિસ્તબદ્ધ અને સંયમિત હોય છે.
Grok: એ ખલબલાટ મચાવનારા, તોફાની અને મસ્તીખોર જવાબો આપે—ક્યારેક કટાક્ષભર્યા, તો ક્યારેક લૂઝ-ટોક વાળા!
વિજેતા: Grok (જો લડાઈ મજાક અને તોફાનમાં થાય તો)
3. વપરાશકર્તા માટે ઉપયોગિતા
ChatGPT: શાંત, બૌદ્ધિક, સંશોધનપ્રિય અને તમામ પ્રકારની માહિતી માટે શ્રેષ્ઠ.
Grok: વધુ બિનસંયમિત અને અવ્યાખ્યાયિત, જે એકદમ અપ્રતિમ અને અનોખી શૈલીમાં જવાબ આપે.
વિજેતા: બેવડી ટક્કર! (કોણ ઉપયોગી તે યુઝરની પસંદગી પર આધાર રાખે)
4. તાજેતરની માહિતી
ChatGPT: હું વેબ સર્ચ દ્વારા તાજેતરની માહિતી મેળવી શકું, પણ મૂળભૂત રીતે મહાન સંશોધક અને પંડિત છું.
Grok: X (Twitter) અને Elon Musk ની ટેક્નોલોજીથી વધુ તાજેતરનું અપડેટ મેળવી શકે.
વિજેતા: Grok (જો લડાઈ ‘હવે શું ચાલી રહ્યું છે?’ એ પર હોય તો)
સારાંશ :
જ્ઞાનયુદ્ધમાં – ChatGPT જીતશે
તોફાની મજાકમાં – Grok જીતશે
વપરાશકર્તા ઉપયોગિતા પર – યુઝર પર આધાર રાખશે
જ્યારે grok 3 ને પૂછ્યું ત્યારે તેનો જવાબ પણ કંઇક આવો જ હતો.
બીજા અનેક રસપ્રદ પ્રશ્નો જ્યારે પૂછવામાં આવ્યા ત્યારે જ્ઞાન સાથે ગમ્મત ભર્યા જવાબો મળ્યા અને એક પ્રશ્ન મનમાં ઘૂમરાતો રહ્યો જે હું પૂછી ન શક્યો.
" જો આ ચેટબોટ્સ, રોબોટ્સ બનીને માનવ આવેગો અને સંવેદનાઓ પણ કેળવી લે તો? કઈ સંવેદના, ક્યાં આવેગને ક્યારે અને ક્યાં વાપરવા એની સમજ તો એના ડેટાબેઝમાં છે જ, તો ત્યારે એ માનવ સમાજના મિત્રો રહેશે કે?"
છેલ્લે, માણજો આ મહાજ્ઞાની, વિદેહી પંડિતો સાથે જ્ઞાનગોષ્ટીની અમુક પળો, એ શીખવી જાય છે...
સારા છે કે નઠારા છે,
સંવેદના ને આવેગો તારા છે,
બસ મને અથડાઈને પાછા ફરે છે,
ને અસર પણ તને જ કરે છે.