નિતુ : ૯૫ (અન્યાય)
વિદ્યા ગાડી જોઈને ચોંકી. મેજિસ્ટ્રેટ સરની ગાડીને જોઈ એના મનમાં ચાલતી ગડમથલને જાણે વેગ મળ્યો અને એની ચેતના જાગી. મેજિસ્ટ્રેટ સર ઉતરીને પુલીસ સિક્યોરિટી વચ્ચે કોર્ટમાં પ્રવેશી રહ્યા હતા. આધેડ ઉંમરના અને આંખો પર ચશ્મા. માથાનાં વાળ સફેદી પકડી રહ્યા હતા. થોડા અંશે બહાર નીકળી આવતું પેટ. તેણે મકાનના પગથિયાં ચડવાનું શરુ કર્યું અને વિદ્યાએ બાજુમાંથી પસાર થઈ રહેલ બીજા રસ્તા પર નજર નાંખી.
કોર્ટમાં પ્રવેશવાના બીજા મુખ્ય રસ્તા તરફ તે ઉતાવળા પગલે ચાલી. જજ સાહેબ અંદર પ્રવેશે એ પહેલા તે એના રસ્તામાં આડી ઉભી રહી. કોર્ટરૂમમાં અંદર જવાના દરવાજે ઉભેલા પોલીસ જવાનોએ એને એકબાજુ જવા કહ્યું પણ તેણે એની વાત સાંભળી જ નહિ. તે જજ સાહેબની સામે ચાલી.
તેને આ રીતે જજની સામે જતા જોઈ બંને ઓફિસરે એનો રસ્તો રોક્યો અને આડા ઉભા રહ્યા. વિદ્યા વિનંતિ કરતા કહેવા લાગી, "સર, પ્લીઝ મને જવા દો. મારે જજ સાહેબનું કામ છે. મારે એની સાથે વાત કરવી છે."
"મેડમ પ્લીઝ. તમે આ રીતે ના જઈ શકો. કોર્ટનો સમય થઈ ગયો છે. સરને મોડું થાય છે. તમારે સરને મળવું જ હોય તો પરમિશન લઈને મળવા આવજો."
પુલીસ ઓફિસરે તેને જતા રહેવા માટે કહ્યું પણ વિદ્યા ત્યાંથી ખસવા તૈય્યાર નહોતી. અંતે ઓફિસરે તેને બળજબરીથી ત્યાંથી ખસેડવાનો પ્રયત્ન કર્યો. આ દ્રશ્ય તે બાજુ જ આવી રહેલ જજ સાહેબ જોઈ રહ્યા હતા. વિદ્યા અને બંને ઓફિસરો વચ્ચે તકરાર થઈ રહી હતી. ઓફિસર તેને વાત મનવતા હતા અને કોઈ છોકરી એની વાત માનવા તૈય્યાર નથી. આ દ્રશ્ય જજ સાહેબને થોડું અચરજ પમાડી રહ્યું હતું.
ત્યાં આવતા તેણે કહ્યું, "ઓફિસર! એક મિનિટ."
બંનેએ પાછળ ફરી તેની સામે જોયુ અને સલામી ભરતા ટટ્ટાર ઉભા રહ્યા. "જય હિન્દ સર."
"આ બધું શું થઈ રહ્યું છે?" જજે પૂછ્યું.
એક ઓફિસરે કહ્યું, "સર આ છોકરી તમને મળવાની જીદ્દ કરી રહી છે અને અહીં આ રીતે આવી ગઈ." તો સાથ પુરાવતા બીજા ઓફિસરે કહ્યું, "સર અમે એને કહ્યું કે તમને મળવાની પરમિશન લઈને આવે પણ એ સમજવા તૈય્યાર જ નથી."
"તમારા રસ્તામાં આવી એટલે અમે એને એક બાજુ જઈ રસ્તો ખાલી કરવા સમજાવી રહ્યા હતા." ફરી પેલા ઓફિસરે કહ્યું.
જજે એના ચશ્મા ઉતાર્યા અને તે બંને ઓફિસર તરફ ચાલ્યા. કહ્યું, "લેટ હર કમ."
"પણ સર..." ઓફિસરે વિરોધ કર્યો પણ જજ સામે બોલી શકાય ખરું? જજે હાથ ઊંચો કર્યો અને પુલીસ ઓફિસર આગળ બોલતા અટક્યો. વિદ્યા સામે જોઈ જજે પૂછ્યું, "હમ... શું મેટર છે?"
થોડું ખચકાતી પણ હિંમત કરી પાછળ ઉભેલી વિદ્યા બંને ઓફિસરોને વટાવી આગળ આવી અને જજ સામે જઈ પોતાના હાથમાં રહેલા પેપર આગળ કર્યા, "સર હું ન્યાય માટે ઠોકરો ખાઈ રહી છું. પણ મારી વાત સાંભળવા કોઈ તૈય્યાર નથી. પ્લીઝ મારી હેલ્પ કરો."
તેના હાથમાંથી અશ્વિને બનાવી આપેલ પેપર લઈ જજે પૂછ્યું, "શું થયું છે?"
વિદ્યા બોલી, "સર એક માણસે મારો ગેરફાયદો ઉઠાવ્યો છે અને મારે એની સામે કેસ કરવો છે. મેં ઘણા બધા વકીલો પાસે જઈને મારો કેસ કરવાની કોશિશ કરી પણ કોઈએ મને સાથ ના આપ્યો. કોઈ મારા વતી કેસ લડવા તૈય્યાર નથી."
"શું નામ છે તારું?"
"વિદ્યા."
પેપર ચકાસતા જજે કહ્યું, પૂછ્યું,"વિદ્યા... અહીં પેપરમાં વિદ્યા મલ્હોત્રા લખ્યું છે. આગળ?"
દુઃખને સ્મિત આપી ઉડાવી દેતી તે બોલી, "આગળ પાછળ તો કંઈ નથી. પણ મને નાનપણમાં ગમ્યું એટલે વિદ્યા મલ્હોત્રા રાખી લીધું."
"આર યુ ઓરફન?" જજે આશ્વર્યસહ પૂછ્યું.
વિદ્યાએ માથું નમાવી હા ભણી. એટલામાં તેના બધા પેપર જજે ચેક કર્યા. તેણે પૂછ્યું, "સો... રોની સામે તારે કેસ કરવો છે?"
"હા સર... પણ એનું નામ સાંભળી કોઈ વકીલ મારો કેસ લડવા તૈય્યાર નથી થતું! સર મને એક ભલા માણસે આ પેપર બનાવી આપ્યા અને કહ્યું કે હું જાતે તમારી સામે આ પેપર રજુ કરી કેસ લડું."
"તારી વાત સાચી છે બેટા. પણ તું આ રીતે મારી પાસે ના આવી શકે. કેસ રજૂ કરવાની એક પ્રોસિજર હોય છે. તારો કેસ આવશે એટલે તને ન્યાય અપાવવા હું મારાથી બનતા તમામ પ્રયત્ન કરીશ. સૌથી પહેલા તું એ પ્રોસેસ જાણ અને આ પેપર તે જેની પાસે બનાવ્યા છે એના નામના સહી- સિક્કા આ પેપર પર કરવા જરૂરી છે. તું પહેલા એ કરાવ."
તેણે તે પેપર વિદ્યાને પાછા આપ્યા. તેણે વિનંતી કરી, "સર મને આ બધી વસ્તુઓમાં ખબર નથી પડતી."
જજે કહ્યું, "એના માટે હું તો બીજું કશું નહિ કરી શકું. તારો ચેહરો મને બરાબર યાદ રહી ગયો છે, જ્યારે પણ રોણીનો કેસ લઈને તું આવશે ત્યારે હું તને ન્યાય અપાવવાની પુરતી કોશિશ કરીશ. સૌથી પહેલાં જે માણસે તને આ પેપર બનાવી આપ્યા છે એની પાસે જા. આ પેપર પર એની સાઈન કરાવ. એ તને આગળનો રસ્તો બતાવશે."
વિદ્યાના મનમાં અશ્વિન માટે થોડી મૂંઝવણ હતી. જજ એને સલાહ આપી જતા રહ્યા. પરંતુ એની પાછળ ચાલનારા એક પુલીસ ઓફિસરે વિદ્યાને તાકી. વિદ્યાને પોતાની તરફ એનું આ રીતે જોવું અજુગતું લાગી રહ્યું હતું. તે ઓફિસરના મનમાં જાણે વિદ્યા માટે કોઈ વિચારો ભમી રહ્યા હતા. વિદ્યાએ એની છાતી પર નજર કરી અને નામ વાંચ્યું, "અમર ભારદ્વાજ."
તેણે ફરી ચાલતા ઓફિસરની આંખોમાં જોયું તો એની નજર પોતાના તરફ જ હતી. એ જોતા વિદ્યા નીચે જોઈ ગઈ અને અમર જજની પાછળ ચાલતા ત્યાંથી ચાલ્યો ગયો. પોતાના પ્રોબ્લેમ સામે વિદ્યાએ એ વાતને અવગણી અને અમર પર કોઈ ધ્યાન ના આપ્યું.
અધૂરું કામ પૂરું કરાવવાની આશાએ તે ફરી અશ્વિનના ટેબલે આવી. આવીને જોયું તો અશ્વિન ત્યાં હાજર નહોતો. તેણે આજુ બાજુ નજર કરી પણ તે કશેય ના દેખાયો. તે ટેબલ તરફ ફરી અને જોયું તો તેનું લેપટોપ કે તેનો કોઈ સામાન નહોતો. બાજુમાંથી ચા લઈને નીકળતા એક ચપરાસીને તેણે ઉભો રાખ્યો.
"સાંભળો..."
"હા બોલો મેડમ."
"આ અશ્વિનભાઈ ક્યાં ગયા છે?"
"કોઈને ખબર નથી. શું થયું એ જ ખબર ના પડી! સવારે તો તાજા માજા હતા. થોડીવાર પહેલા અચાનક કહેવા લાગ્યા કે તબિયત બરાબર નથી અને પોતાનો સામાન ઉપાડી ચાલ્યા ગયા. કોઈ કામ હતું એનું?"
"ના હું એને મળવા જ આવી હતી." કહેતા વિદ્યાએ ચપરાસીને રવાના કર્યો. તે સમજી ગઈ કે જરીવાલાથી બચવા અશ્વિને આ રસ્તો કાઢ્યો છે. એટલે તેણે ચપરાસીને જૂઠું બોલી ભગાવ્યો. પેપર તૈય્યાર કરાવ્યા પણ એમાં સહી સિક્કા ના કર્યા જેથી તેનું નામ ના આવે અને એના ગયા પછી એ પોતાનો સામના ઉપાડી જતો રહ્યો.
એને જાણ હતી કે વિદ્યા ફરીથી એની પાસે આવશે. એટલે કોઈને જાણ ના થાય કે એણે તેની મદદ કરી છે, એ જતો રહ્યો. તેની મદદ કોઈ કામમાં આવે એવી નહોતી. વિદ્યા પાસે હવે કોઈ રસ્તો બાકી નહોતો. તે પરત પોતાના ઘેર આવી અને રોની માટે કોઈ રસ્તો છે કે નહિ એ વિચારમાં બેઠી રહી.
હવે તેને આદત થઈ ગઈ હતી કે નિકુંજ વિના એ એના માટે ખરીદેલી રિંગ સાથે વાતો કરતી. ફરી એણે એ રિંગ હાથમાં લીધી અને તેની સામે આસુંડા સારતી રહી.
એટલામાં તેના ફોનમાં ફોન આવ્યો. વિદ્યાએ નમ્બર જોયો, અજાણ્યો નંબર હતો. ફોન ઉઠાવ્યો, કહ્યું, "હેલ્લો."
સામેથી કોઈ પુરુષનો અવાજ આવ્યો. "શું હું વિદ્યા સાથે વાત કરું છું?" પહાડી આવાજ, કોઈ બળવાન પુરુષ હોય એવું લાગ્યું. એની બોલીમાં નીડરતા અને આત્મવિશ્વાસ હતો.
વિદ્યાને આ રીતે આવેલા ફોન માટે અચંબો જાગ્યો. એણે આંસુ લૂછતાં પોતાને તટસ્થ કરી કહ્યું, "હા, બોલું છું. તમે કોણ?"
"મારી છોડ. મારી જાણકારી તો તને મળી જશે. પણ મને તારા વિશે બધી જ ખબર છે."
"એટલે?"
"તું જે કરી રહી છે એની જાણ છે મને. રોની સામે લડવા માંગે છેને તું?"
વિદ્યાને કશું નહોતું સમજાતું. તેને કહ્યું, "જુઓ, તમે કોણ બોલો છો એ મને નથી ખબર પણ તમને આ બધી કઈ રીતે ખબર પડી?"
"મેં કહ્યુંને તને! કે તને મારી બધી જાણ થઈ જશે. રિલેક્સ, હું તને હેલ્પ કરીશ. રોની સુધી હું તને પહોંચાડીશ."
"તમે મારી મદદ શું કામ કરશો? બદલામાં શું જોઈએ તમને?"
"કંઈ નહિ. સમજી લે કે હું મદદ માટે જ આવ્યો છું. તને રોની સુધી પહોંચાડીશ. જો મારી વાત પર વિશ્વાસ હોય તો બોલ."
વિદ્યાએ હળવું હસતા કહ્યું, "આમેય હવે મને કોઈ પર વિશ્વાસ નથી રહ્યો. જેના જેના પર મેં વિશ્વાસ કર્યો છે એ બધાએ મારો વિશ્વાસ તોડ્યો જ છે. મદદની તો કોઈ પાસે આશા જ નથી રહી. એક વખત હવે તમારી મદદ અને વિશ્વાસ ચકાસી જોઈએ."
"વેલ ડન વિદ્યા. હું સાંજે ગાડી મોકલું છું. એ તને મારી પાસે લાવશે."
"થેન્ક યુ ... "વિદ્યા આગળ કશું બોલે એ પહેલા જ ફોન કટ થઈ ગયો.