નિતુ : ૯૪(અન્યાય)
વિદ્યા પોતાની સાથે થયેલા અન્યાય પર અવાજ ઉઠાવવા કોઈ પણ પગલાં લેવા તૈય્યાર થઈ ચૂકી હતી. પોલીસ સ્ટેશન અને વકીલોની ઓફિસોના ચક્કર માર્યા બાદ એને માત્ર નિરાશા હાથ લાગી, પણ એ હારી નહોતી. એને એ સમજાતું હતું કે અહીં કોઈ તેની મદદ કરવા તૈય્યાર નથી. જો કોઈ થતું તો પૈસાની લાલચ પર, જે તેની પાસે નહોતા.
કોઈ મોટા વકીલ માટે એની પાસે પૈસા નહોતા. છતાં એમ માનીને કે એને ન્યાય સાથ મતલબ છે. એનું મુખ્ય લક્ષ્ય તો રોનીને સજા અપાવવાનું જ છે. એ માટે ભલે કોઈ મોટા વકીલને ફી ના ભરી શકે, તે સરકારી વકીલ થકી કેસ ફાઈલ કરાવશે. નિર્ણય લઈ બીજા દિવસે સવાર થતા જ તે કોર્ટમાં પહોંચી. ત્યાં જઈને તેણે સરકારી વકીલોની ઓફિસ શોધી.
"એડવોકેટ અશ્વિન પરમાર?" એક ટેબલ પાસે આવી એણે નામ પૂછ્યું.
સામે પાંત્રીસ થી ચાલીસ વચ્ચેની ઉંમરનો એક માણસ બેઠો હતો. હાથમાં ન્યુઝ પેપર અને મો પાન ચાવવામાં મશગૂલ. વિદ્યાનો અવાજ સાંભળી એણે પેપર એકબાજુ હટાવ્યું, "હા... હું જ છું. બોલો."
"મારે એક કેસ કરવો છે."
આ સાંભળી તે થોડીવાર તેને તાકી રહ્યો. મોંની ગતિ ધીમી થઈ. પેપર ફોલ્ડ કર્યું અને ટેબલ પર મૂકી સામે બેસવાનો ઈશારો કર્યો. વિદ્યા બેઠી અને તે ઉભો થઈ જતો રહ્યો. પાન કાઢી થોડીવાર પછી મોં લૂછતો બહાર આવ્યો અને સામે બેસી બોલ્યો, "બોલો મેડમ."
"જી. મારે એક કોર્ટ કેસ કરવો છે."
"શું નામ છે તમારું?"
"વિદ્યા."
"હમ. કેમ એકલા આવ્યા છો? હજુ ઉંમર તો ઘણી નાની લાગે છે. સાથે કોઈ નથી આવ્યું?"
"ના. હું એકલી જ છું."
"ઓકે..." તેણે પોતાનું લેપટોપ પોતાની પાસે લીધું અને બધી વિગત પૂછવાની શરુ કરી.
વિદ્યાએ વિગતવાર પોતાની વાત રાખી અને અશ્વિન એની વાતને પોતાના લેપટોપ પર ટાઈપ કરવા લાગ્યો. જેવું જ તેણે રોની જરીવાલાનું નામ લીધું, કે તેની આંગળીઓ અટકી ગઈ.
"શું નામ કહ્યું તમે?"
"રોની જરીવાલા."
અશ્વિને આજુબાજુ નજર ફેરવી. અનેક લોકો ત્યાં હાજર હતા. તેણે થોડું આગળ નમતા ધીમેથી કહ્યું, "તને ખબર છેને તું કોનું નામ લઈ રહી છે?"
"ઓફકોર્સ સર. રોની..." એ કંઈ બીજું આગળ બોલે એ પહેલા જ તેણે વિદ્યાને અવાજ ધીમો રાખવા ઈશારો કરી દીધો અને કહ્યું, "ધીરા અવાજે."
"તમે લોકો એનાથી એટલા બધા ડરો છો શું કામ?"
"ડર એનો નથી. ડર એના બાપનો છે. વિદ્યા, એનો બાપ રતન જરીવાલા નીચેથી લઈને ઉપરની મિનિસ્ટ્રી સુધીની પહોંચ રાખે છે. તું કોની સામે લડી રહી છે એનું ભાન છે તને?"
"હા, સારી રીતે. મને ભાન છે કે હું કોની સામે લડી રહી છું." તેણે મક્ક્મતાથી જવાબ આપ્યો.
"જો... વિદ્યા આમ ઉતાવળ નહિ કર. એકવાર શાંતિથી બધો વિચાર કરી લે. એની પાસે પાવર છે. હું તારી સુરક્ષા માટે થઈને કહું છું. કાલે ઉઠીને એને ખબર પડશે અને તને..." તેના શબ્દો અટક્યા.
"મને શું વકીલ સાહેબ?"
"તું એક વખત શાંતિથી વિચાર કરી લે."
વિદ્યા પાસે જાણે કે હવે પીછેહઠ કરવાનો વિકલ્પ જ નહોતો. એનો નિર્ણય દ્રઢ હતો. એણે નિર્ભીક થઈ કહ્યું, "મને મારી ચિંતા નથી. પણ હું એ રોનીને જેલના સળિયા પાછળ જોવા માંગુ છું."
વિદ્યાની આંખોમાં નીડરતા અને ન્યાય મેળવવાની જે ચાહ હતી એ અશ્વિનને સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે ખુરશીને ટેકવી બેસી ગયો અને સ્વસ્થ થઈ બોલ્યો, "ઠીક છે. તારો નિર્ણય મક્કમ જ હોય તો હું તને મદદ કરીશ. પણ તારા વતી કેસ નહિ લડુ."
"એટલે?" વિદ્યાએ અસમંજસતાથી પૂછ્યું.
"હું તને પિટિશન બનાવી આપું છું. કેસ લડવા માટે તારે કોઈ અન્ય વકીલ શોધવો પડશે. તું બીજા કોઈને વાત કર. કદાચ જો એ વકીલ તારો કેસ લડવા માટે તૈય્યાર થાય."
વિદ્યાએ ચકિત થતા પૂછ્યું, "તો પછી પિટિશન બનાવવાનો મતલબ જ શું રહ્યો? ચોખ્ખી ના જ કહી દોને!"
"એવું નથી. લુક, જે પ્રમાણે તે વાત કરી કે અત્યાર સુધીમાં તું ઘણા બધા વકીલો પાસે જઈને આવી છે. બની શકે કે આગળ પણ કોઈ તારો કેસ લડવા તૈય્યાર ના થાય. આ મેટરમાં કોર્ટ પોતાનો કેસ જાતે લડવાની મંજૂરી આપે છે. હું તને પિટિશન કરી આપું છું. જો કોઈ વકીલ ના મળ્યો તો તું જાતે તારો કેસ જજ પાસે લઈ જઈ શકીશ. ઓકે?"
વિદ્યા હજુ કાયદાઓની આ ગડમથલમાં જ હતી. બિઝનેસનો અભ્યાસ કરનારી વિદ્યા કાયદાઓ વિશે કશું નહોતી જાણતી. અશ્વિનની વાત એને યોગ્ય લાગી અને એના બતાવેલા રસ્તે આગળ ચાલવાનો નિર્ણય લીધો. અશ્વિને એની પાસેથી બધી માહિતી લીધેલી એટલે વિદ્યાના વિષયમાં એણે ઘણું ખરું અનુમાન લગાવી લીધું.
તેણે રતન જરીવાલા જેવા માણસથી બચવા રસ્તો શોધી કાઢ્યો. વિદ્યાની મદદ તો કરી પણ કોઈ કામમાં ના આવે એવી. તે થોડીવાર ત્યાં બેઠી અને અશ્વિને એને કોર્ટ માટે પેપર તૈય્યાર કરી આપ્યા. પ્રિન્ટરમાંથી પ્રિન્ટ નીકળી એટલે તેણે કહ્યું, "વિદ્યા, જેટલી પ્રિન્ટ નીકળી છે એ લઈ જા. તને કેસમાં હેલ્પ થઈ જશે."
"જી... થેન્ક્યુ સર." કહી એણે બધા કાગળ હાથ વગા કર્યા અને પોતાની ન્યાય માટેની સફર ફરી શરુ કરી. કોર્ટમાં હાજર ઘણા વકીલોને મળી પણ તેનો કેસ લડવા માટે કોઈએ તૈય્યારી ના બતાવી.
કોઈ કેસ સાંભળી ના કહી દેતું, તો કોઈ હા કહે, પણ ફી ના નામે મોટું મોઢું ફાડે. નાના અને નિસહાય, કાયદાઓથી અજાણ એવા માણસો સામે થતો આ ઉઘાડો નાચ વિદ્યા જોઈ રહી હતી. અત્યાર સુધીની ન્યાય મેળવવા માટેની થયેલી સફરમાં એને સમજાવા લાગ્યું હતું કે અહીં ન્યાય અઘરો નથી. ન્યાય પ્રણાલી મુશ્કેલ નથી. અઘરું ન્યાય મેળવવાનું છે. એને સમજાતું હતું કે અહીં નીચેથી લઈને ઉપર સુધી બધા જ ભેગા મળીને કામ કરનારા છે.
ના કોઈ દોસ્ત છે, ના દુશ્મન. અહીં બધાને પોતાનું ભાન છે. માત્ર સ્વાર્થ પર તેઓ ચાલી રહ્યા છે. કોઈ કોઈ એવું અશ્વિન જેવું છે જે તેની મદદ માટે તૈય્યાર થયું. પણ જરીવાલાનું નામ પડતા એને દરેકે મદદ માટે ના કહ્યું. તે આમથી તેમ ઘણી ભટકી. રોની વિરુદ્ધ જવા માટે કોઈએ એનો હાથ ના પકડ્યો. અંતે તે થાકી.
પોતે હાર માનવા તૈય્યાર નહોતી. આગળ શું કરવું એનો વિચાર કરતી એ કોર્ટના દરવાજા પાસે ઉભી હતી. એને અશ્વિનની વાત યાદ આવી કે એ જાતે કેસ લડી શકે છે. મુસીબત એ પણ હતી કે એને કાયદાઓનું ભાન નથી. વિચારોની ગડમથલમાં એ પરોવાયેલી.
એવામાં અચાનક એક હવાલદાર એની પાસે આવ્યો અને એને ધક્કો મારતાં કહેવા લાગ્યો. "ઓ... બહેન. ચાલો ચાલો. રસ્તો ખાલી કરો."
વિદ્યાને કંઈ સમજાયું નહિ. એ હવાલદાર સામે જોઈ રહી. તે આગળ ચાલ્યો જતો હતો અને રસ્તામાં ઉભેલા દરેક લોકોને એકબાજુ જવા કહી રહ્યો હતો. થોડે દૂર જઈ એ પાછો આવ્યો અને તેની સામે આવી કડકાઈ બતાવતા કહ્યું, "તને સમ્ભળાતુ નથી! ચાલ પીછે જા થોડી પીછે જા." વિદ્યાને લાકડી અડાડતો તે કહેવા લાગ્યો.
તેણે આજુબાજુ ધ્યાન કર્યું તો બે ત્રણ હવાલદાર પ્રવેશદ્વારથી કોર્ટ સુધીનો રસ્તો ખાલી કરાવી રહ્યા હતા. બાજુમાં નજર કરી તો એની સિવાય બાકીના બધા લોકો એકબાજુ હટી ગયેલા. એણે પોતાના પગ પાછા ખેંચ્યા અને થોડી પાછળ ચાલી.
તે ચાલી રહેલા આ બધા માહોલને સમજવાની કોશિશ કરી રહી હતી. એટલામાં સાયરન વગાડતી એક પુલીસ કાર અંદર પ્રવેશી. તેની પાછળ બીજી ગાડી આવી રહી હતી. કોઈ મોટી હસ્તી હોવાનો અંદાજ આવી રહ્યો હતો. પણ કોર્ટમાં આ રીતે? પ્રશ્ન ભરી નજરે વિદ્યા આ દ્રશ્ય જોઈ રહી. બીજી ગાડી અંદર આવી તો વિદ્યાની નજર ગાડીની સામે લાલ રંગની લગાવેલી તખ્તી પર પડી. દેશના રાષ્ટ્ર ધ્વજની સાથે લાગેલી તખ્તીમાં ચાર સિંહોની આકૃતિ હતી અને બાજુમાં લખેલું હતું, "ડીસ્ટ્રીકટ મેજેસ્ટ્રેટ."