ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
"આ જો આજ આપણો શિકાર છે. જેના પર વોચ રાખવાનું બોસે કહ્યું હતું, અને જેનો પીછો કરતા કરતા આપણા 3 સાથી ગાયબ થઇ ગયા." સોનલ મોહિની અને જયાબાની પાછળ એરપોર્ટની બહાર નીકળવાના રસ્તે ચાલતા ટપોરી જેવો એક માણસ પોતાના સાથીને કહી રહ્યો હતો.
"તને ખાત્રી છે ધીરીયા, કે આ એ જ છે?" મોટી ભરાવદાર મૂછ વાળા એ પૂછ્યું.
"હા હિંમત સિંહ, મને એનો ચહેરો બરાબર યાદ છે. એ જયારે રેસ્ટોરાં માંથી પાછી આવતી હતી, ત્યારે હું જ એની પાછળ હતો."
તો તો પછી આપણો ફાયદો જ છે. હુ બોસને ફોન કરું છું."
xxx
"તારો આ ફાઇનલ નિર્ણય છે પૂજા?" વિક્રમે ઇન્ડિયાની ફ્લાઇટ પકડવા નીકળતી પૂજાને કહ્યું.
"હા, કેમ કે તને મારી સાથે પરણવા કરતા ઓલી સોનલ સાથે પરણવામાં રસ છે. મારે મુવ ઓન કરવુંજ જોઈએ."
"પણ તને ખબર છે ને કે 'નયા સુદમદા પરિષદ ને તું વચ્ચે નાખીશ તો?"
"હું મજબુર છું વિક્રમ,"
"તને ખબર છેને કે એનું શું પરિણામ આવશે. હું દેવાળિયો થઇ જઈશ, મારા બાપના સપનાને હું વેચી ન શકું. હું ખતમ થઇ જઈશ."
"હું કોશિશ કરીશ કે એવું કંઈ ન થાય, તારે ખાતર મેં કોઈકનો, ઓલા પૃથ્વીનો જીવ લેવા સોપારી આપી, મને ખબર હતી કે તું ઓલી સોનલને પરણવા માંગે છે છતાં મેં તને સાથ દીધો. મારી જવાની, મારી બધી મિલકત તારા નામે હું કરવા તૈયાર હતી છતાં તે સમય માંગ્યો, અને જેવી સમય સીમા પૂરી થવા આવી કે તે સોનલ નામની રોન કાઢી. પણ બસ હવે નહિ. આખર હું પણ એક સ્ત્રી છું મારા સપના હોય કે એક પ્રેમાળ પતિ એક લાડ કરાવે એવી સાસુ. એક પોતાનું કહી શકાય એવું ઘર હોય. શું મને સપના જોવાનો અધિકાર નથી."
"હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું બસ એક વાત મારી માન. માત્ર 15-20 દિવસનો સમય મને આપ." વિક્રમે રડમસ અવાજે કહ્યું.
"મેં તને મારા જીવથી વધારે ચાહ્યો છે. આપણી વચ્ચેનો પ્રેમ દોસ્તી, જે ગણએ તને એના સોગંદ છે કે તું મને નહિ રોકે. આજે મને ન રોકીશ, હવે હું અહીં એક ક્ષણ પણ રોકાઇશ, તો રડી પાડીશ, મેં મારા હિસ્સાનું રડી લીધું છે, હવે નથી રડવું. અલવિદા.” કહીને પૂજા એ પોતાની લગેજ બેગ ખેંચીને ચાલવા લાગી અને જાણે આખા શરીરમાંથી લોહી ચુસાઈ ગયું હોય એમ વિક્રમ હોસ્પિટલ ની ફર્શ પર બેસી પડ્યો.
xxx
"રમલા હજી કંઈ જોઈતું હોય તો બોલી દે, આ મયલો દિલનો રાજા છે. જીવનમાં મરવાની ક્ષણ સુધી પછી દિલમાં કશુંક ન રાખતો કે મેં તને બરાબર ભાગ ન આપ્યો."
જો મયલા મને કઈ ખબર પડતી નથી, મારું તો મગજ જ બંધ છે, ઉપરથી તારી ભાભી અને તારી પત્ની મારી ભાભી, એ બન્ને રોયા કરે છે. આખો દિવસ, આપણે ભાગ શું કામ પાડવા છે. જે છે એ બધું તારું જ છે ને"
"પણ પછી તારી દીકરી, પૂજા?"
"તું ગમે એટલો બગડી જાય પણ જે દિવસે તારી મિલકતમાંથી પૂજાને જે કંઈ જોઈતું હશે એની તું ના નહિ જ પાડે એની મને ખાતરી છે ભાઈ, હજી કહું છું. ભાભી જેવી સુંદર સુશીલ, પત્ની હોવા છતાં...."
"બસ આ જ.. આજ વાતથી મારે તારી સાથે ભાગીદારી માંથી મુક્ત થવું છે. મારે કોઈની કટકટ નથી સાંભળવી. નાનપણમાં બહુ સાંભળી લીધું બધાનું. હવે મારી મિલકત હું મનફાવે એમ ઉડવું તો ખોટું શું છે."
"તું મિલ્કત ઉડાવ એમાં કંઈ ખોટું નથી, પણ ભાભી જેવી સુંદર પત્ની હોવા છતાં, તે જે નવા ધખારા..."
"આપણે એ ચર્ચા એકલા, અને બન્નેની પત્નીની સામે અનેક વાર કરી ચુક્યા છીએ, મારે એ ચર્ચા હવે નથી કરવી, કોક દિવસ થાક હોય અને થોડો થાક ઉતારવા કૈક નશો કરી લઈએ તો એમાં ખોટું શું છે. અને એક છોકરીની મેં મદદ કરીને ઇન્ડસ્ટ્રીમાં સ્થાન અપાવ્યું હવે એ મારા પર ઓળઘોળ છે, મને દરેક ઇવેન્ટમાં આમંત્રણ આપે છે, અને આ ખબરપત્રી ને તો એવા ન્યુઝ જોતા જ હોય છે એ બધી અફવા ઉડાવ્યા કરે અને એ વાંચીને મારી પત્ની માર પર શકે કરે અને એમાં તું ને તારી પત્ની એને સાથ આપો. તો હું શું કરું, અને આમેય તારી ભાભીને હવે સંસારમાં રસ નથી રહ્યો. મારી પણ એક મર્દ તરીકે જરૂરિયાતો હોય છે." કહી મયલા એ મોં ફેરવી લીધું અને આમ લગભગ 15-17 વર્ષ પછી 1986 માં બંને ભાગીદારો છુટા પડ્યા, પણ એ બે કુટુંબ વચ્ચે ઘરોબો એવો ને એવો જ રહ્યો. બન્નેના બંગલા આજુબાજુમાં હતા, પૂજા ત્યારે 10વર્ષની હતી, તો વિક્રમ 12 વર્ષનો હતો.
xxx
1967માં મયલા-રમલને મળેલી 40 લાખની લોન ફળી હતી, અને એ લોકો એ ધર્યું હતું એથી અનેક ગણો ફાયદો થયો હતો માત્ર 10-12 વર્ષમાં એ બન્નેની કંપની સરસ એસ્ટાબ્લીસ થઈ ગઈ હતી, ભારતમાં ઉત્પન્ન થતી એવી એક વસ્તુ ન હતી જેમાં એની કંપની એ પ્રોડક્શનમાં કે સર્વિસમાં હાથ ન નાખ્યો હોય. અને ડે રેક જગાએ સફળતા એમને સામેથી મળવા દોડતી, મબલખ રૂપિયા, આવી ગયા, બંગલો- ગાડી બદલાતા ગયા. બન્નેના ઘરે એક એક સંતાન થયું. વિક્રમ અને પૂજા, બન્નેની પત્ની પણ ગુણિયલ હતી. રમલા ની પત્ની થોડી જાડી અને સહેજ સ્યામ હતી પણ પૂજાનો રંગ એના બાપ જેવો ગોરો હતો. બન્નેની પત્નીઓને અને રમલાને મનમાં હતું કે, વિક્રમ અને પૂજા મોટા થાય એટલે એમના લગ્ન કરવા. મયલા એ ભલે ઘરની બહાર એક પછી એક છિનાળું ચાલુ રાખ્યા હતા. પણ ઘરમાં એ પોતાની પત્નીની દરેક વાતમાં સહમત હતો. અને સુમતિની દરેક વાત એ માનતો હતો. એ પણ ઈચ્છતો હતો કે વિક્રમ ના લગ્ન તો પૂજા સાથે જ થાય. પૂજાને એ પોતાના સંતાન જેટલું જ વ્હાલ કરતો. રમલા નો સસરો એટલે કે ચાકલીયા નો સહુથી મોટો આગેવાન કરોડોપતિ હતો, મયલા-રમલા એ પોતાના આઈડિયાથી એને કરાવેલું નવી નવી કંપનીઓમાં રોકાણ ફળ્યું હતું. દસ બાર વર્ષ પછી. એકવાર ચાકલીયાના બીજા આગેવાનોએ વાંધો ઉઠાવ્યો કે તમારા જમાઈને તમે ટ્રસ્ટના રૂપિયા લોન આપ્યા છે એનો હિસાબ કરી દ્યો. અને એને તરત જ 25% ભાગીદારીના કાગળ ટ્રસ્ટ સમક્ષ મુક્યો અને ગણતરી કરીને કહ્યું કે એ ચાલીસ લાખના અત્યારે 28 કરોડ 70 લાખ થયા છે. એક અવળચંડા ટ્રસ્ટીએ કહ્યું એ તો બધું કાગળ ઉપર છે. તો રમલાના સસરાએ પોતાના બચતમાંથી રૂપિયા કાઢીને ટ્રસ્ટ ના પૈસા પુરા પુરા પાછા આપી દીધા, અને એ 25% ભાગ કે જે મયલા-રમલાની બધી જ કંપનીમાં હતો એ કાગળિયા પૂજાના નામે કરી આપ્યા હતા. એટલે પૂજા એના પપ્પાની બધી મિલકત ની એકમાત્ર વારસદાર હતી ઉપરાંત વિક્રમ ની બધી જ કંપનીમાં 25% હિસ્સેદારી ધરાવતી હતી.
xxx
ચારેક મહિના પહેલા: વિક્રમના બંગલે,
એક મોટા હોલમાં વિક્રમ, પૂજા સુમતિ,ધર્મેન્દ્ર,રાજીવ, અને રાજીવની મમ્મી મંજુલા એક ટેબલના ફરતે બેઠા હતા,મહેન્દ્ર ચૌહાણના મરણને બીસ બાવીસ દિવસ થઇ ગયા હતા, ઘરમાં શોકનું વાતાવરણ ધીરે ધીરે વિદાય લઇ રહ્યું હતું. અને ગામના બધા સગા વાળા પણ સાંત્વન આપી ગયા હતા, અને ઘરની મોટી એવી સુમતિ ચૌહાણ ને તાકીદ કરી ગયા હતા કે 'જે થવાનું હતું એ થઈ ગયું હવે જલ્દી લૌકિક ક્રિયા આટોપી લો અને વિક્રમને પરણાવવાની તૈયારી કરો, આમેય આ માં- બાપ વગરની દીકરી તમારા ઘરમાં જ મોટેભાગે રહે છે. બેઉ એકમેકને પસંદ કરે છે તો કરો કંકુના.'
"બેટા વિક્રમ, જે થવાનું હતું એ થયું, તું ફરીથી ઓફિસમાં પ્રવૃત્ત થઈ રહ્યો છે એ સારી વાત છે, આ પૂજા પણ એના ઓફિસ ના કામ પતાવીને અહીં મને હિંમત આપવા માટે રહેતી હોય છે, મેં તારા પપ્પાએ અને રણમલ અને સુશીલા એ નક્કી કર્યું હતું કે તમે બંને ઉંમર લાયક થાવ એટલે લગ્ન કરાવી આપવા, તારી કોલેજ અહીં પુરી થઇ તું અમેરિકા ભણવા વ્યો ગયો, આ પૂજા પણ ભણવા માટે નીકળી ગઈ હતી, બે વર્ષ પહેલા એના મમ્મી પપ્પાના આકસ્મિક મૃત્યુ પછી અહીં એણે પોતાની કંપની સાંભળવા મંડી, તું છ મહિના પહેલા આવ્યો અને તરત જ ધંધામાં બીઝી થઈ ગયો. મેં તારા પપ્પાને કહ્યું હતું તો એમણે કહ્યું કે હું વાત કરીશ, પણ અચાનક." કહેતા એ રડી પડ્યા, પાસે બેઠેલી એની દેરાણી અને પૂજા એને શાંત કરવા લાગી, બે એક મિનિટ પછી એમણે દિશા બદલી અને પૂજાને પૂછ્યું. "દીકરી, મારે તને મારી પુત્રવધુ બનાવવી છે, તું તૈયાર છે?"
"હું તો સમજાણી થઇ ત્યારથી તૈયાર છું, તમને સાસુ બનાવવા આંટી." સહેજ શરમાતા પૂજાએ કહ્યું, એના ગાલમાં પડતા ખંજન ખુબ જ આકર્ષક લગતા હતા.
"વિક્રમ, બેટા. તું હા કહી દે, તો પરમ દિવસ જ અગિયારસ છે. તો અત્યારે જ પંડિતજીને મુર્હત પૂછી લઉ."
"સોરી મોમ," અચાનક ધડાકો કરતાં વિક્રમે કહ્યું, "હું હજી પપ્પાના અચાનક અવસાનના આઘાતમાં છું. મને થોડો સમય જોઈએ છે." વિક્રમનું આ વાક્ય સાંભળીનને બધા અવાચક થઇ ગયા હતા, પણ કોઈનું ધ્યાન ન હતું કે બંધ બારણાં પર કાન માંડીને ઉભેલા વિક્રમના નવા બોડીગાર્ડ શેરાના ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ હતી.
xxx
"રાવ અમારા માટે શું હુકમ છે?" હિંમત સિંહ પૂછી રહ્યો હતો.
"તને ખાતરી છે કે એ લોકો એ જ છે, મારે ખાલી ખોટા ઝમેલામાં નથી પડવું."
"હા મને ધીરીયા એ કહ્યું પછી, મેં ફોટા સાથે સરખાવ્યા એ જ છે. અને એ ત્રણે બાયું એકલી જ છે."
"તો પછી કરો ફતેહ, પણ જોજે હો એ લોકોને પકડીને મારા બંગલે લઈને આવજે, બીજે ક્યાંય ગોંધીને મોજ કરવા ના ઉભો રેજે, હું તને પછી એ મોકો આપીશ, મારે ઓલા જીતુભાનું ખાસ કામ છે. એ થઇ જાય પછી તારે જે કરવું હોય એ કરજે, હવે ઝડપ કર, ઈ લોકો ટેક્સી પકડે એ પહેલા એ લોકોને ગન બતાવીને કબ્જે લઇલે. હું બંગલે પહોંચું છું."
xxx
જીતુભા, અનોપચંદ કંપનીની ઉદયપુર એરપોર્ટ આવેલ કારમાં ત્રણ મહિલાઓ બેસી રહી છે, મને લાગે છે કે એ તમારી માં, બહેન અને મોહિની ભાભી છે. તમે મને જે ફોટો બતાવ્યા હતા એ જ છે."
"ગિરધારી, મારુ આંતરમન કહે છે કે, કંઈક ગરબડ છે, ઓલો શંકર રાવ બહુ ખતરનાક છે, તું સાવચેત રહેજે,"
"જીતુભા હું જીવીશ ત્યાં સુધી એમને આંચ નહિ આવવા દઉં, પણ તમે કેમ ન આવ્યા,"
"હું કોઈ અર્જન્ટ કામ માટે ઉદયપુરથી બહાર નીકળ્યો છું, મને એક બે દિવસનું કામ છે, અને અનોપચંદજી નહોતા ઈચ્છતા કે હું એ લોકો ને મળું, મને લાગે છે કે કૈક બહુ મોટું રંધાઈ રહ્યું છે. હવે એ લોકોની સલામતી તારા હાથમાં છે. તને જરૂર લાગે તો તારો તમનચો કે પછી મેં આપેલી આધુનિક ગન વાપરવામાં અચકાતો નહિ, હું કાલે સાંજે કે પરમ દિવસ તને મળીશ, એ લોકો શ્રીનાથદ્વારામાં મામા પાસે રોકાશે તું એમની આજુબાજુમાં જ રૂમ લઇ લેજે, જરૂર ન પડે તો તારી ઓળખાણ મામાને પણ ન આપતો. કાલે બપોરે તને ચતુર અને ભીમસિંહ મળશે. પૃથ્વી પણ સાંજ સુધીમાં આવશે.
xxx
સોનલ, મોહિની અને જયાબા અનોપચંદ ની કંપનીમાંથી આવેલ ગાડીમાં ગોઠવાયા, ડ્રાઈવર એના નામનું પાટિયું લઈને ઉભો હતો, એણે પહેરેલા યુનિફોર્મ પર પણ 'નીતા કોસ્મેટિક અ પ્રાઉડ સબસિડિયરી ઓફ અનોપપચંદ કંપની' લખેલું હતું.એ લોકો કારમાં બેઠા એટલે ગિરધારી ને હાશ થઇ, એણે એમની પાછળ, જ પોતાનો સુમો ચાલુ કર્યો બન્ને ગાડી વચ્ચે માંડ 00 મિત્રનું આંતર હતું, અચાનક એક કાળા કલરની મારુતિ જેમાં 3-4 લોકો બેઠા હતા, ગિરધારીને ઓવરટેક કર્યો અને કંપની ની કાર તરફ આગળ વધી, ગિરધારીને તરત જ સમજાયું કે આ એ જ લોકો છે જેનાથી ખતરો છે. એરપોર્ટથી ઉદયપુરનો રસ્તો લગભગ સૂમસામ હતો. બે એક કિલોમીટર પછી કદી મારુતિએ પોતાની સ્પીડ વધારી અને કંપનીની કારને ઓવરટેક કરવાની કોશિશ કરી, ગિરધારીએ એ સુમોના મિરરમાં એકવાર પોતાનો ચહેરો જોયો, પોતાના કપડાં પર નજર કરી અને પછી સુમોના એક્સિલેટર પર પગ દબાવ્યો, જેવી કાળી કાર કંપનીની કારથી આગળ થઈ કે તરત જ એણે કંપનીની કારનો રસ્તો રોકવા કોશિશ કરી પણ...
કાળી કારમાં સવાર લોકો બહાર નીકળે એ પહેલાજ ગિરધારીના સુમોએ એનું કામ કર્યું હતું, પાછળથી ધડાકાભેર અથડાયેલ સુમોના કારણે એ લોકો બહાર આવે એ પહેલા જ સડકના કિનારે ઘસડાય હતા, અને રેલિંગની ટેકે એમની કાર ઉભી રહી હતી, લગભગ 50-70 ફૂટ પાછળ રહેલી કંપનીની કારના ડ્રાઈવરે આ અકસ્માત જોઈને બ્રેક મારી. સોનલ અને મોહિનીની ચીસ નીકળી ગઈ હતી, શું થયું એમ જયા બા એ પૂછ્યું હતું. એમના ડ્રાઇવરે શાંતિથી જવાબ આપ્યો." માતાજી, કુછ નહિ હૈ, દારૂ પીકે ડ્રાઈવ કરને વાલો કે જગડા હૈ, હમ ચલતે હૈ." કહી એણે પોતાની કાર સાઈડમાં લઇ અને મારી મૂકી, જેવી એમની કાર નીકળી કે ગિરધારીએ પોતાનો સુમો થોડો રિવર્સ લીધો અને કાળી કારની પાછળ જોશભેર ફરીથી ટક્કર મારી, "ભફાંગગગગ અવાજ સાથે કાળી કાર અને તેમાંથી બહાર નીકળવા હવાતિયાં મારતા હિંમતસિંહ, ધીરિયો અને એના 2-3 સાથીદારો, ચાર પાંચ સો ફૂટ ઊંડી ખાઈ માં ધકેલાયા હતાં.
ક્રમશ:
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.