lડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
1967 ની મધ્યમાં કોઈ એક દિવસે નયા સુદામડા, ગ્રામ પંચાયત ઓફિસ:
ગામની હદ જ્યાં પુરી થાય છે એ ચોકમાં આવેલ ગ્રામ પંચાયતની ઓફિસથી ઓતરાદી દિશા એ આગળ વધીએ એટલે, ગામની હદ પુરી કરતી કુદરતી રેખા, એટલે કે નદી આવેલી છે. અને નદીની પાર સામે છેડે ચાકલીયા ગામ આવેલું છે. જે હવે ગુજરાતમાં છે. જયારે નયા સુદમડા એટલે કે અજવાળિયું એ મધ્યપ્રદેશમાં છે, ત્યારે થોડું ઉત્તર-પશ્ચિમ તરફ 2-3 ખેતર છોડીને રાજસ્થાનની સરહદ લાગુ પડે છે. હકીકતમાં રાજાશાહીના ના જમાનામાં ચાકલીયા આવતું તો હોલ્કરની સરહદમાં હતું. પણ અજ્વાળીયા એટલે કે સુદામડા ગામની બહાર વહેતી નદી એ જાણે કુદરતી રીતે ભાગ પાડ્યા હોય એમ,ચાકલીયા ગાયકવાડની સરહની વધુ નજીક હતું. કેમકે, ચાકલીયા પછી અડાબીડ જંગલ 80-100 માઈલમાં ફેલાયેલા હતા, અને પછી ગાયકવાડી સરહદ ચાલુ થઇ જતી. જંગલોનું કોઈ ધણીધોરી ન હતું, લૂંટારા હત્યારા ગુનેગારોને બહારવટિયાનું છુપાવાનું આશ્રય સ્થાન હતું. પણ મહિપાલ રાવે વળાવિયા અને ચોકિયાતના બંદોબસ્તથી, ચાકલીયા માણસોને વસવા યોગ્ય બનાવ્યું હતું, અને કેટલાક ગરીબ પરિવારોને ત્યાં મફત જમીન આપીને વસાવ્યા હતા, લગભગ 70-80 વર્ષ પૂર્વે અનોપને મદદ કરનાર અને જનાર્દન - રઘલાના હાથમાંથી ખજાનો છીનવીને છુપાવી દેનાર સંગ્રામ સિંહ એમનો એક હતો. માત્ર એનો પરિવાર જ નહિ, આખેઆખું ચાકલીયા ગામ અજ્વાળીયા એટલે કે નયા સુદમડા એટલે કે, મહિપાલ રાવને વફાદાર હતું. એટલે સુધી કે પ્રત્યેક ગ્રામજન મહિપાલ રાવ કે એના કુટુંબી માટે જીવ આપવા પણ તૈયાર હતા, જયારે અનૂપે સંગ્રામને આ ખજાનો શ્રી નાથજીનો છે એ જણાવ્યું અને જનાર્દન, રઘલા અને લખુડીના ઈરાદા વિશે વાત કરી ત્યારે સંગ્રામ તરત જ એ ખજાનો સહી સલામત શ્રી નાથદ્વારા પહોંચાડવા સહમત થઈ ગયો હતો. અને પોતાના જીવન ભોગે એ ખજાનો એણે કુંભલગઢ, ઉદયપુર વચ્ચે શ્રી નાથદ્વારા પાસે જ ક્યાંક 15-18 કિલોમીટરમાં દબાવ્યો હતો. જેના વિશે એ વખત એની સાથે રહેલા એના એક માત્ર દીકરા અભય સિંહને ખબર હતી, એના બાપા એ એના પાસેથી વચન લીધું હતું કે કોઈપણ ભોગે એ ખજાનો શ્રી નાથદ્વારા પહોંચાડવો, છ આઠ વર્ષ વીત્યા. અભયનો મહિપાલ રાવ અને એના ભાઈ ના કુટુંબ સાથે ઘરોબો ચાલુ રહ્યો.પણ છપ્પનીયા દુકાળ વખતે ઉદયપૂર જઈને વસેલા ભુખથી મરણીયા થયેલ જનાર્દન રાવ ની પોતાની પુત્રવધુ પાસેથી એ કાળઝાળ દુકાળમાં 2 વખત એક આખો રોટલો ખાવા મળે એ લાલસામાં અભયસિંહનો એ રાઝ ખોલી નાખ્યો કે ખજાનો ક્યાં છે એ અભયને ખબર છે. બસ પછી તો લખુડીની લાલસા અને એના દીકરા જનાર્દનની કરોડપતિ થવાની કસકે અભયસિંહનું જીવવું દુષ્કર કરી દીધું. એના પર અજાણ્યા લોકોએ હુમલા કર્યા એના ખેતરો સળગાવી દેવાયા. ગનીમત એ હતું કે એને ગામમાં પોતાના વફાદાર ટોળી તૈયાર કરી હતી, અને ગામ આખાને ખબર હતી કે શ્રી નાથદ્વારાનો ખજાનો ક્યાંક છુપાવ્યા છે જેને વિશે માત્ર અભય સિંહ જ જાણે છે, અને એનું રક્ષણ કરવું આપણી ફરજ છે, જયારે અભય નો દીકરો જવાન થયો. ત્યારે ખજાનો ક્યાં છુપાવ્યો છે એ નકશો સોંપ્યો અને આખા ચકલીયા ગામ સમક્ષ પ્રતિજ્ઞા લેવડાવી કે જ્યાં સુધી શ્રી નાથદ્વારા ખજાનો પાછો નહિ પહોંચાડ્યા ત્યાં સુધી કોઈ પણ ભોગવિલાસ વગર જીવશે, અને અને જો પોતાના જીવનમાં એ કાર્ય ન કરી શકે તો પછી એ ખજાના વિશે પોતાના વારસદાર ને જણાવશે ભલે ગમે એટલા વર્ષો થાય, અભય સિંહ પર હુમલા સતત ચાલુ જ રહ્યા આવા જ એક હુમલામાં એ મરાયો અને પછી એની જગ્યા એના દીકરા એ લીધી.ધીરે ધીરે જંગલ આછા અને ઓછા થતા રહ્યા, અંગ્રેજોની પીંઢારા અને લૂંટારા વિરુદ્ધ કડક કાર્યવાહી થી ચાકલીયાનો વિકાસ વધતો ચાલ્યો કુદરતી રીતે જ સેંકડો વર્ષોથી ઉપજાઉ બનેલી જમીન ત્યાં મહેનત થી ખેતી કરનાર પર જાણે મહેર કરતા હોય એમ સોનાનો પાક આપવા લાગી હતી, ચાકલીયા ની સમૃદ્ધિ એટલે પહોંચી કે નયા સુદમડા કરતાં પણ અધિક સમૃદ્ધ થઈ ગયું. અને જરૂરત માં એ નયા સુદમડાને મદદ કરવા ઉભું રહેતું. આમ તો બન્ને ગામ વચ્ચેની પંચાયત એક જ હતી. જેનું મુખ્યાલય નયા સુદામડામાં હતું. છાસવારે ચાકલીયાના આગેવાનો નદી પસાર કરીને નયા સુદામડા માં આવતા અને ગામના વિકાસ વિશે ચર્ચા કરતા, એવા જ રીતે એક વાર આજે નયા સુદામડા થી સંદેશો આવ્યો છે કે ગામના 2-4 જણને કંઈક મોટું કામ કરવું છે તો તમે લોકો એમની યોજના સાંભળીને યોગ્ય જવાબ આપો. ચાકલીયાના આગેવાનો નયા સુદમડા કે ચાકલીયા માંથી ગમે તેને જયારે જોઇએ ત્યારે મદદ કરવા તૈયાર જ હતા. છેલ્લા 75-80 વર્ષથી ગામની આવકનો એક ચોક્કસ ભાગ ગ્રામજનોના વિકાસ માટે અનામત રખાતો. વખત જતા એ રકમ હવે કરોડોમાં થઇ હતી. એમની એક માત્ર શરત એ રહેતી કે એ લોકો જેને આગળ આવવામાં મદદ કરે એ મદદ લેનારે ચાકલીયાના આગેવાનોને જયારે જરૂરત હોય ત્યારે મદદ કરવાની. ગામ આખું શ્રી નાથજીનું ભક્ત હતું. અને એમની મૂર્તિ સામે જ પ્રતિજ્ઞા લેવાની રહેતી, લગભગ દરેક કિસ્સામાં મદદ લેનાર જયારે ચાકલીયા ના આગેવાનો એ માંગી ત્યારે મદદ કરી જ હતી. અપવાદરૂપ એકાદ બે કિસ્સામાં મદદ ન કરનાર નું ધનોત પનોત નીકળી ગયું હતું. એટલે મદદ માંગનાર અને દેનાર બન્નેને ખત્રી હતી કે આ વચન પાળવું જ પડશે. એટલેજ આજે ચકલીયાના આગેવાનો નયા સુદામડાના 2 જુવાનને મદદ કરવા અહીં આવ્યા હતા અને એમની યોજનાને સાંભળી રહ્યા હતા.
xxx
એક કલાક પહેલા,
"મયલા, શું લાગે છે તને? ઓલા ચાકલીયા વાળા લોન આપશે?"
"હા, રમલા મને ખાતરી છે. એ લોકો ના નહિ કહે."
"પણ મને હજી વિશ્વાસ નથી બેસતો કે એ લોકો આપણી જેવા શિખાઉ લોકો પર આવડો ભરોસો કરે."
"કરશે એમણે ભરોસો કરવો જ પડશે. આપણા ઉજ્વળ ભવિષ્ય માટે."
"પણ શું કામ એ આપણા પર દાવ લગાવે? આટલું મોટું જોખમ એ લોકો આપણા માટે ઉપાડે એવું મને નથી લાગતું."
"તું શાંતિ મને વિચાર કરવા દઈશ" મયલા એ કંઈક અધિકારપૂર્વક કહ્યું અને રમલો ચૂપ થઈ ગયો. પછી મયલાએ રમલાને કૈક સમજાવવા માંડ્યું.
"પણ, મારે મારા ઘરમાં વાત કરવી પડે, મારી માં તને ખબર છે ને, ઈને સમજાવવી કેટલી મુશ્કેલ છે. આ મને મુંબઈ મોકલવાની ય કેટલી આનાકાની કરી હતી.
"ઈ બધું તું મારા પર છોડી દે, તારી ભાભીને મેં બધું સમજાવ્યું છે. અને એ તારી માંને સમજાવવા જ ગઈ છે. આમેય તે મુંબઈ જઈને મોકલેલ રૂપિયાથી જ તારા બાપુએ ગીરવે મુકેલ જમીન છૂટી થઈ, બહેનનો કરિયાવર એવો સરસ થયો કે ગામ આખું જોતું રહી ગયું. મારુ મન કહે છે કે તારી માં ચોક્કસ હા પડી દેશે, તારું શું મન છે એ કહેને."
"જો માં, હા પડે તો મને કઈ વાંધો નથી, મારા માટે તો મારા માં બાપુ જ સર્વસ્વ છે."
"બસ તો પછી કામ ફતેહ સમજ, આપણે કરોડોમાં રમીશું."
xxx
મયલો સુદામડા ગામના સરપંચના નાના ભાઈનો જમાઈ હતો. અત્યંત ગરીબાઈમાં ઉછરેલા પણ હોશિયાર અને મહત્વાકાંક્ષી એવા આ યુવક ની પોતાના જમાઈ તરીકે નાના ભાઈએ જયારે પસંદગી કરી ત્યારે સરપંચાજીને એ ગમ્યું ન હતું. પોતાના ભાઈની પણ જાણે પોતાની સગી દીકરી હોય એવી દીકરી માટે એને આ વર પસંદ ન હતો. પણ લગ્ન પછી જયારે આ જમાઈ મુંબઈ કમાવવા ગયો અને દોઢ બે વર્ષે જયારે એ પાછો આવ્યો ત્યારે એના રૂપ રંગ ફરી ગયા હતા. વીસ એકવીસ વર્ષના એ જવાનીથી ફાટફાટ થતા યુવાન પાસે મગજ પણ એટલું જ સરસ હતું અને મુંબઈના દોઢ બે વર્ષના વસવાટમાં એને પોતાના ઘરની ગરીબાઈ દૂર કરી દીધી હતી. અને સામાન્ય મજૂરથી શરૂ કરેલ કારકિર્દીમાં એ 20 જણાના સુપરવાઇઝરના પદ પર પહોંચ્યો હતો. એ જોઈને સરપંચ દીકરીનું આણું વળાવવા સહમત થયા હતા. એ વખતે પોતાની નવોઢાને ગામમાં જ મૂકીને મુંબઈ પરત જતી વખતે એ યુવાને વચન આપ્યું હતું કે હવે હું દોઢ બે વર્ષે આવીશ ત્યારે તને પણ મુંબઈ લઇ જઈશ, ત્યાં સુધી મારા માં બાપની સેવા કરજે, ને મારા ભાઈને સંભાળજે. જતા જતા એ ગામમાંથી પોતાના જેવડાં પણ ગામના ઓટલે બેસીને રોટલા ભાંગતા 2-4 જણને કમાવા માટે સાથે લઇ ગયો હતો રમલો ય એમનો એક હતો. બાકીના માં બાપ તો તૈયાર થયા હતા. પણ રમલાની માં એ આનાકાની કરેલી કેમ કે મોટી દીકરી પછી જન્મેલા 3 દીકરા જન્મીને ટૂંક સમયમાં મરી ગયા હતા. જેમતેમ સમજાવટથી છેવટે એ તૈયાર થયા હતા. મુંબઈ પહોંચીને બધાને પોતે જ્યાં કામ કરતો હતો ત્યાં મજૂરીનું કામ મયલા એ અપાવ્યું. અને બે-ત્રણ મહિનામાં જ એ સમજી ગયો કે રમલો ય પોતાના જેવો જ હોંશિયાર છે. એણે રમલાને થોડું અઘરું કામ આપવા માંડ્યું જેમ જેમ અઘરું કામ માથે પડતું એમ રમલો ખીલતો ગયો. છેવટે સાત આઠ મહિના પછી મયલા એણે રમલાને એક દિવસ પોતાની ખોલીમાં બોલાવીને પોતાની મહત્વાકાંક્ષા જણાવી. રમલો એની વાતો સાંભળીને આભો બની ગયો.
"પણ, મયલા આ, આ, આપણે મજુર મટીને,, આ બધું કેવી રીતે થાય."
"ઈ બધું હું સાંભળી લઈશ તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. મને ખબર છે કે ક્યાં શુ કરવું, માલ ક્યાંથી લેવો કેમ બનાવવું કારીગરો ક્યાં મળે, કોને વેચવું કેટલો ફાયદો. મારા મગજમાં બધું છે. ખાલી હું તારા જેવા થોડા હોશિયાર અને વિશ્વાસુ મિત્રની રાહમાં હતો. હું એકલો બધા મોરચે ન લડી શકું, ઉપરાંત મારે કેટલાક ઘણા કહેવાય એવા કારીગરોની પણ જરૂર હતી. મારો ભાગીદાર બનાવવાજ મેં તને અઘરી જવાબદારી આપીને ઘડ્યો છે. મને આપણા ગામના જેટલા લોકો અહીં કામ કરે છે એનો સાથ મળશે તો, આ સપનું 15 દિવસમાં પૂરું થઈ જશે. હા, ગામથી થોડા રૂપિયા ઉધાર લેવા પડશે અને બાકીની બેન્ક લોન માટે મેં બેન્ક મેનેજર થી વાત કરી છે. "
બસ પછી તો બધું ઝડપથી થવા લાગ્યું ગામમાંથી રૂપિયા મણગાવ્યા. હવે સરપંચને પોતાના નાના ભાઈના જમાઈ ઉપર ભરોસો બેસી ગયો હતો એણે થોડા પોતાના પાસેથી અને થોડા ઉછીના વ્યાજે લઈને કરી આપ્યા. અને મયલા રમલાનું કામ ભાગીદારીમાં ચાલુ થઈ ગયું. ગામના 5-6 જણા એમને ત્યાં જોડાયા. જયારે બાકીના બે-ત્રણ ને પોતાની સલામત મજૂરીની નોકરી છોડીને ભાગ્યના ભરોસે બેસવું ન હતું, એ મજૂરી કરતા રહ્યા અને મયલા રમલાની જોડી ઉપરાંત એમની સાથે જોડાયેલ ગામવાળા પ્રગતિના પંથે દોડવા મંડ્યા. દોઢ બે વર્ષની તન અને મગજને તોડનારી અથાક મહેનતે મયલો અને એ બધા મુંબઈમાં ઘર બંગલો ધરાવતા થયા અને સાથે સાથે મજુરમાંથી માલિક પણ બન્યા. હવે એમને હજી વધુ ઉડવું હતું. મયલાના હાથમાં ઘડાયેલ રમલોય સ્વતંત્ર નિર્ણય લેતો થયો હતો. અને આઝાદી પછી સ્વબળે સ્થાપિત થયેલ અનેક ઉદ્યોગ ગૃહમાં એમને પોતાનું નામ દર્જ કરાવવું હતું આ અને અંગ્રેજોના જમાનાની સ્થાપિત ઉદ્યોગ ગૃહ એવા બિરલા, ટાટા, અનોપચંદ, અને એવા કેટલાક સાથે વેપાર સંબંધો જોડીને પોતાનું નામ કમાવું હતું એટલે જ એ લોકો ચાકલીયાના આગેવાનો પાસે મોટી રકમની માંગણી કરવા આવ્યા હતા.
xxx
"જુવો, આ અમારા જમાઈ મહિન્દર કુમારની જામીન હું લઉં છું." નયા સુદામડાના સરપંચે મયલા તરફ આંગળી દેખાડતા કહ્યું.
"હા અમે ઓળખીયે છીએ એમને, આમેય એ લોકોની સફળતા વિશે સાંભળ્યું છે. પણ આવડી મોટી રકમ..."
"પણ, હું વચ્ચે છું ને? તમે શું કામ ચિંતા કરો છો." સરપંચે કહ્યું.
"વાત ચિંતાની જ છેને સરપંચજી, તમે તો જાણો છો કે ચાકલીયાની સંપત્તિમાં શ્રી નાથદ્વારાનો ભાગ નીકળે છે અને એ જ અમે આપણા ગામના આગળ વધવા માંગતા લોકોને લોન રૂપે આપીયે છીએ. એ શરતે કે એ લોકો જેટલું કમાશે. એમાંથી 10% એ જ ફંડમાં ઈમાનદારીથી અધિક આપવું પડશે જે ફંડમાંથી એમને લોન મળી છે. કેમ કે અમે લોકો તો એ રકમના માત્ર ટ્રસ્ટી છીએ."
"હું તમને બધાને એથી પણ વધારે ખાતરી આપું છું બસ ને" સરપંચ કઈ કહે એ પહેલા મયલાએ પ્રભાવશાળી અવાજે કહ્યું. હું નફાના 10 નહિ 15% આપીશ, અરે 15% શુ કામ એક કામ કરો મારે 40 લાખની લોન જોઇએ છે. તો હું અમારી કંપનીમાં 25 % ભાગ સુદામડા ગામનો રાખવા તૈયાર છું.
"પણ જમાઈ બાબુ, હવે અમારું ગામ ગુજરાતમાં આવે છે. અને સુદામડા.."
"ઓહ એટલે તમે ગભરાવ છો? માફ કરજો થોડા અવિવેક લાગે તો પણ તમને સુદામડાના
વડવાઓના તમારા વડવાઓ ઉપરના ઉપકાર યાદ તો હશે જ ને? આજથી 60-70 વર્ષ પહેલા તમે લોકો અહીંના લોકોને ત્યાં મજૂરી કરતા હતા. આ સરપંચાજીના જ વડ દાદા મહિપાલ રાવજીએ જ તમને મજૂરી માંથી મુક્ત કર્યા અને ચાકલીયાની જમીન તમારા વડવાઓને દાન આપી હતી. હું દાન નથી માંગતો, લોન માંગુ છું. હું પણ શ્રીનાથજીમાં અપાર શ્રદ્ધા ધરાવું છું. હવે લોન આપવી ન આપવી એ તમારા પર છે. પણ સાંભળ્યું છે કે તમારી એક દીકરી છે પરણાવવા જેવડી પણ સ્હેજ ભરાવદર અને શ્યામ હોવાથી એનું સગપણ તૂટી ગયું છે. આ મારા ભાઈબંધ રમલાને એ ગમે છે. તો અમે લોકો આ રમલના માં-બાપુ સાથે સાંજે તમારા ઘરે માગુ નાખવા આવવાના છીએ. અને લોનનું તો એવું છે કે તમે નહિ આપો તો લોન કોઈ બીજોય આપશે. અત્યારે સરકાર પણ દેશમાં ઉદ્યોગ વધારવા ઝડપથી અને ઓછા દરે લોન આપે છે. સાંજ સુધીમાં તમે વિચારી રાખજો. હાલ રમલા, તારા માં બાપુને મળવાનું બાકી છે." કહી મયલા એ ભરી સભામાંથી રમલાનો હાથ પકડીને ચાલતી પકડી.
xxx
એ દિવસે સાંજે જયારે, ચાકલીયાથી નાવમાં બેસીને સુદામડા પાછા ફરતી વખતે મયલા-રમલાના શરીર નાવમાં હતા. પણ મનતો ઉડીને મુંબઈ પહોંચી ગયું હતું. કેમકે ચાકલીયાના આગેવાને પોતાની દીકરીની સગાઈ તો રમલા હારે કરી જ હતી. અને સાથે સાથે એ બેઉ ભાગીદારને જોતી 40 લાખની લોનનો ચેક પણ મુંબઈની બેન્કનો આપ્યો હતો. અને મયલાને ખાનગીમાં કહ્યું પણ હતું કે જયારે રૂપિયાની જરૂર હોય ત્યારે મને કેવરાવજે, કેમ કે મયલાએ અને રમલાએ પંચની સાક્ષીએ સુદામડા ગામનો એટલે કે ચાકલીયાના ફંડના ટ્રસ્ટનો 25% ભાગ સરકારી દસ્તાવેજમાં લખીને આપ્યો હતો. પણ ત્યારે એને ખબર ન હતી કે એક દિવસ એનું આ લખાણ એમના સંતાન વીસી એન્ટરપ્રાઇઝના માલિક વિક્રમ મહેન્દ્ર ચૌહાણ અને રાઠોડ ગ્રુપ ઓફ કંપનીની એકમાત્ર જીવિત વારસદાર પૂજા રણમલ રાઠોડને ભારે પડશે.
ક્રમશ:
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.