નિતુ : ૯૩(અન્યાય)
વિદ્યા કરગરતી રહી પણ રોની જેવા માણસ વિરુદ્ધ એની એક સાંભળવામાં ના આવી. તેણે ઉભા થઈ ફરી અંદર જવાનો પ્રયત્ન કર્યો. પણ ગેટે ઉભેલી બંને કોન્સ્ટેબલે એને રોકી અને આ વખતે બહાર રોડ પર લાવી કચરાની જેમ ફેંકી દીધી.
રમણ બહાર આવ્યો અને પુલીસ સ્ટેશનના દાદર પર ઉભો ઉભો આ દ્રશ્ય જોઈ રહ્યો. વિદ્યાએ રડતા રડતા બંને કોન્સ્ટેબલ સામે હાથ જોડ્યા, "મારી સાથે આવું ના કરો, પ્લીઝ... મારે ન્યાય જોઈએ છે. મારી વાત સાંભળો... "
એક કોન્સ્ટેબલે સખ્તી અપનાવતા આંગળી બતાવી કહ્યું, "તારે જે કરવું હોય એ કર. પણ હવે અંદર ના આવતી, સમજી?" બંને ત્યાંથી ચાલી ગઈ અને તે રોડ પર બેસી રહી. રમણને એના પર દયા આવતી હતી, જોકે ઉપલી પોસ્ટના અધિકારીઓ સામે એ પણ લાચાર જ હતો.
તે તેની પાસે ગયો અને તેની સામે પગ વાળીને એક ગોઠણભેર બેસી પૂછ્યું, "ક્યારે થયું આ બધું?"
તે કશું ના બોલી એટલે તેણે ઉમેર્યું, "હું સમજુ છું, કે હવે તમને મારા પર વિશ્વાસ નહિ આવે. પણ ઉપરની પોસ્ટ પર રહેલા અધિકારીઓ સામે મારુ નહીં ચાલે. હું પણ લાચાર છું તમારી વાત ન સાંભળવા માટે."
વિદ્યાએ એના તરફ એક નજર કરી અને કહ્યું, "કાલે..."
"આજે આખો દિવસ ક્યાં હતી?"
વિદ્યાએ ફરી મૌન સાધ્યું. કોના પર વિશ્વાસ કરવો અને કોના પર નહિ એ તેને નહોતું સમજાતું. રમણ સમજી ગયો કે તે સવારથી ભૂખી તરસી ભટકે છે. તેના માથા પર હાથ ફેરવતા તેને કહ્યું, "મારાથી જો કંઈ થઈ શકે એમ હોત તો હું જરૂર કરેત."
વિદ્યાએ રડતા રડતા એની સામે પણ હાથ જોડ્યા અને કહેવા લાગી, "પ્લીઝ તમે તો મારી હેલ્પ કરો. મારુ કોઈ સાંભળવા તૈય્યાર નથી. હું એકલી છું, અનાથ છું. ક્યાં જવું? શું કરવું એની મને કોઈ ખબર નથી. મને ન્યાય અપાવો... પ્લીઝ..!"
તેની દયનિય સ્થિતિ જોઈ રમણની આંખોમાં દયા તરવરતી હતી. જોકે તે પણ મજબુર જ હતો. તેણે કહ્યું, "જો બેટા, અહીં તને કંઈ નહિ મળે. તે જોયુંને તારી સાથે શું થયું! આ બધા અધિકારીઓ રોનીના બાપ પાસેથી મફતના રોટલા શેકે છે. એના ફાર્મ પર જઈને, એની જ સાથે મોટી મોટી પાર્ટીઓ કરે છે. અહીં તારું કોઈ નહિ સાંભળે."
"તો હું શું કરું?"
"એક કામ કર. કોઈ સારા વકીલને શોધ અને તારી વાત કોર્ટ સામે લઈ જા. બાકી પોલીસ સ્ટેશનમાંથી તારી સાથે કોઈ નહિ આવે."
તે સમજી ગઈ કે અહીં હવે તેનું ચાલવાનું નથી. તે પોતાના ઘેર પાછી આવી. તેણે મનોમન નક્કી કરેલું કે કોઈપણ ભોગે એ રોનીને એની સજા જરૂર અપાવશે. આગળ શું કરવું એ વિચારમાં એણે આખી રાત ખાળી.
સવાર થતા તે કોઈ વકીલની તલાશમાં નીકળી ગઈ. આખરે તે એક વકીલની ઓફિસ પર પહોંચી. તેને તેની રાહે બેસાડવામાં આવી. વકીલે આવી તેને પૂછ્યું, "બોલો મેડમ, શું કામ છે?"
"સર મારે એક કેસ ફાઈલ કરવો છે. પણ કોઈ મારી વાત સાંભળવા તૈય્યાર નથી થતું. તમે મારી વાત કોર્ટ સુધી પહોંચાડશો?"
વકીલને થોડું આશ્વર્ય થયું. તેણે વિગતવાર બધું પૂછવાનું શરુ કર્યું, "શું થયું તમારી સાથે? કેવો કેસ છે?"
"સર એક માણસે મારો ગેરફાયદો ઉઠાવ્યો છે."
"શું નામ છે એનું?"
"રોની."
નામ પડતા વકીલને શક ગયો અને એણે આખું નામ પૂછ્યું, "રોની..! આખું નામ શું છે?"
"રોની જરીવાલા."
"તમારો કહેવાનો અર્થ છે કે રોની જરીવાલા, જે એમ.એલ.એ. રતન જરીવાલાનો દીકરો છે એ?"
"હા સર. એ જ."
વકીલ માથું પછાડતો ખુરશી પર બેસી ગયો.
"શું થયું સર?"
"શું નામ છે તમારું?'
"વિદ્યા."
"વિદ્યા! રોની સામે થોડા થોડા દિવસે આવા કેસો આવ્યા જ કરે છે. મારપીટ, આવારાગીરી અને આવા છેડતીના કેસો એના માટે સામાન્ય વાત છે. આઈ એમ સોરી, બટ હું આ કેસ લેવા નથી માંગતો. તમે કોઈ બીજા વકીલને વાત કરો."
વિદ્યા નિરાશ થઈ ત્યાંથી નીકળી. એણે બીજા વકીલની ઓફિસનો દરવાજો ખખડાવ્યો. તેણે પણ બધી જાણકારી મેળવી અને કહ્યું, "લૂક મિસ. હું ક્રિમિનલ કેસ હેન્ડલ નથી કરતો. મારુ કામ નોટરીનું છે, દસ્તાવેજ, ઘર મકાન વગેરે જેવા કેસો હેન્ડલ કરવાનું છે. હું તમારી મદદ નહિ કરી શકું, પણ બેટર છે કે તમે કોઈ ક્રિમિનલ કેસ હેન્ડલ કરતા એડવોકેટ પાસે જાવ. એ તમારી પિટિશન દાખલ કરી આપશે. હું તમને એક એડ્રેસ આપું છું."
તેણે પોતાના ટેબલના એક ખાનામાંથી એક વકીલનું કાર્ડ આપ્યું અને એની પાસે જવાની સલાહ આપી અને પોતે ઊંચા હાથ કરી દીધા.
વિદ્યા એના આપેલા એડ્રેસ પર પહોંચી. ખુબ મોટી ઓફિસ હતી. વિદ્યા અંદર ગઈ એટલે રિસેપશનીસ્ટે પૂછ્યું, "બોલો મેડમ."
"મારે એક કોર્ટ કેસ કરવો છે."
"શું નામ છે તમારું?"
વિદ્યાએ બધી જાણકારી આપી એટલે એણે તેને બેસવા કહ્યું. કાઉન્ટરની સામે રહેલ સ્ટીલની બેન્ચ પર તે બેઠી અને રિસેપશનિસ્ટ અંદર ગઈ. થોડીવારમાં બહાર આવી તેણે સાથે આવવા કહ્યું. વિદ્યા અંદર ગઈ અને વકીલે એની પાસેથી વિગતવાર બધી જાણકારી મેળવી.
આખી વાત સાંભળ્યા પછી તે વિચારમાં પડ્યો. વિદ્યાને થયું કે આ પણ એને ના જ કહેશે. તેણે પૂછ્યું, "શું થયું સર? તમે મારો કેસ લડશોને?"
તેણે જવાબ આપ્યો, "ઓફકોર્સ, કેમ નહિ. ઈનફેક્ટ આવા કેસીસ લડવામાં જ મને મજા આવે છે. એકદમ સાચી જગ્યાએ આવ્યા છો તમે."
શંકા વ્યક્ત કરતા વિદ્યાએ પૂછ્યું, "પણ સર એ રતન જરીવાલાનો... "
એનો કહેવાનો અર્થ સમજી ગયો હોય એમ એ બોલ્યો, "રતન જરીવાલા જેવા લોકોનો કેસ તો મીડિયામાં ઉછળશે. એટલે જ મને આવા કેસ લડવાની મજા આવે છે. એમાં તો હું પણ ફેમસ થઈ જઈશ. હું પિટિશન કરવાની તૈય્યારી કરું છું. તમે મારી ફી જમા કરાવી દો."
"ફી...?" તેને સમજાતું ન્હોતું.
"હા. મારી ફી દસ લાખ છે. તમે જઈને બહાર કાઉન્ટર પર મારી ફી જમા કરવો અને મારી સેક્રેટરી સાથે બધું ડિસ્કસ કરી લ્યો. પછી હું તમારો કેસ આગળ વધારીશ."
"પણ સર... આટલા બધા પૈસા તો મારી પાસે નથી."
"જો... ફી તો તમારે મને પહેલા આપવી જ પડશે. એ પહેલા તમારો કેસ આગળ નહિ ચાલે. આ તો કેસ દાખલ કરવાની છે અને જો કેસ લાંબો ચાલ્યો... અં... આમ તો નહિ ચાલે. ઈન્કેજની વાત છે. જો લાંબો ચાલ્યો તો તમારે બીજીવાર પણ આ રકમ આપવી પડશે."
"મારી પાસે આટલા બધા પૈસા નથી સર."
"તમે કશેયથી મેનેજ કરી લ્યો."
"હું એકલી છું. આવડી મોટી રકમ ક્યાંથી મેનેજ કરીશ?"
"ધેન સોરી વિદ્યા, હું તારો કેસ નહિ લઈ શકું." તેણે વિદ્યાનો કેસ લેવાની ચોખ્ખી ના કહી દીધી અને કોઈને ફોન લગાવ્યો. તે ઉભી થઈ અને બહાર જવા લાગી. દરવાજાની બહાર નીકળી કે એને અંદર બેઠેલા વકીલના શબ્દો સંભળાયા.
"યાર આ શું છે બધું! તું પહેલા બધું જાણી તો લે. આ છોકરી પાસે મારી ફી ભરવાનો વેંત નથી અને તે અહીં મોકલી દીધી. ફેમસ થવાનો ચાન્સ હાથમાંથી ચાલ્યો ગયો. આની અને જરીવાલાની બંને પાસેથી દસ દસ પેટી પડાવી સમાધાન કરેત. હવે પછી ધ્યાન રાખજે, લુખ્ખા માણસોને મારી પાસે ના મોકલતો."
માણસમાં રહેલી પૈસા અને પ્રખ્યાત થવાની ભૂખ માણસાઈ ગળી ગઈ છે, એ જોઈ વિદ્યા ત્યાંથી ચાલી ગઈ. ઘેર પહોંચી પણ મનમાં શાંતિ નહોતી. ત્રણ વકીલોની ઓફિસેથી પરત ફરી હતી. ચિંતામાં આમ તેમ ચક્કર લગાવતી એ આગળનો વિચાર કરતી રહી. એટલા બધા પૈસા એ ક્યાંથી લાવશે? કોઈ બીજા વકીલને કઈ રીતે શોધશે? વિચાર કરતા એને સુજ પડી કે વગર પૈસાએ તો સરકારી વકીલો કામ કરી આપે છે. એની પાસે જેટલી રકમ છે, એટલી રકમમાં કામ થઈ જશે અને કેસ થશે એટલે રોનીને સજા તો મળશે જ.
એની પાસે કેસ લડવા એટલી મોટી રકમ નહોતી, પણ નજીવી રકમમાં કેસ લડવા આશાનું એક કિરણ જરૂર ઉગ્યું કે જેનાથી એનું કામ થઈ શકે. તેણે સવાર થતા કોર્ટમાં જવાનો અને કોઈ સરકારી વકીલ શોધવાનો નિર્ણય લીધો.
આટલી બધી જગ્યાએથી પાછી આવેલી વિદ્યા શું કેસ કરવામાં કે રોનીને એની સજા અપાવવામાં સફળ થઈ હશે? શું કોઈ એની મદદે આવ્યું? કે પછી કોઈ બીજી વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થયુ હશે? ક્યાં સુધી અને કેવી રીતે લડી હતી વિદ્યા? શું કામ બની ગઈ તે આટલી કઠોર? જાણવા માટે જોડાયેલા રહો આ રચનાનાં અંત સુધી. આ વાર્તા આપને કેવી લાગી એ અંગે આપનો પ્રતિભાવ અચૂક આપજો.