Horror movies based on true events in Gujarati Magazine by Anwar Diwan books and stories PDF | સત્ય ઘટના પર આધારિત હોરર મુવીઝ

Featured Books
Categories
Share

સત્ય ઘટના પર આધારિત હોરર મુવીઝ

આમ તો લોકોને મારધાડ અને એક્શન પર આધારિત કે ક્રાઇમ પર આધારિત ફિલ્મો વધારે ગમતી હોય છે પરંતુ એ પણ હકીકત છે કે વિશ્વમાં હોરર ફિલ્મોનું પણ મોટું બજાર છે અને દરેક દેશમાં આ ઝોનરની ફિલ્મો સફળતા હાંસલ કરે છે અને દર્શકોમાં તે હંમેશા લોકપ્રિય બનતી હોય છે.રૂંવાડા ઉભા કરી દેનાર મુવીઝ જોતાં સમયે ડર લાગે છે અને ક્યારેક તો એની અસર એવી પણ હોય છે કે માણસ પોતાના ઘરનાં જ એક ઓરડામાંથી બીજા ઓરડામાં જતો ડરતો હોય છે અને અંધારામાં તો તેનાં પુંઠિયા ફાટી જાય છે ઘરમાં રહેલ ભોંયરામાં પણ જવામાં તેને ભીતિનો અનુભવ થાય છે પણ તેમ છતાં લોકો પરદા પર જ્યારે ખતરનાક સીન આવે તો આંખો મીંચી દે પણ તે હોરર ફિલ્મો જોવાનું છોડતા નથી અને એ કારણે જ દરેક દેશમાં આ ફિલ્મો જોનાર એક આગવો વર્ગ છે.મોટાભાગે તો આ પ્રકારની ફિલ્મો કાલ્પનિક કથાઓનાં આધારે બનતી હોય છે પરંતુ એ જાણીતી વાત છે કે આપણાં જીવનમાં બનતી ઘટનાઓ કયારેક આ પ્રકારની ફિલ્મો કરતા પણ વધારે ભયભીત કરી દેનાર હોય છે અને આ પ્રકારનાં ્‌અનુભવોને પરદા પર દિગ્દર્શકોને પણ કંડારવામાં અલગ થ્રીલનો અનુભવ થાય છે.આપણે આજે એવી જ કેટલીક હોરર ફિલ્મોની વાત કરીશું જેનો પાયો સત્ય ઘટનાઓ પર આધારિત હતો.
અ નાઇટમેર ઓન એલમ સ્ટ્રીટ
અ નાઇટમેર ઓન એલમ સ્ટ્રીટ (૧૯૮૪)માં બનેલી ફિલ્મ છે જેનો વિલન ફ્રેડી ક્રુગર આઇકોનિક વિલનની યાદીમાં સ્થાન પામે છે.ક્રુગર એલમ સ્ટ્રીટ પર રહેતા બાળકોની તેમનાં સપનામાં હત્યા કરે છે.જો કે આમ તો આ કથા આપણને લાગે કે કપોળ કલ્પના હશે પણ એ જાણીને નવાઇ લાગશે કે આ પ્રકારનાં અનુભવો કેટલાક બાળકોને થયા હતા અને એ કારણે જ આ વિલનને અર્બન લિજેન્ડમાં સ્થાન અપાય છે.જો કે મુળ જે ઘટના હતી તેમાં વિલન ખુની પંજો ધરાવતો ન હતો.ફિલ્મનાં સર્જક વેસ ક્રેવેને જણાવ્યું હતું કે તેમનાં મનમાં આ ફિલ્મનો ખયાલ એલ એ ટાઇમ્સમાં પ્રસિદ્ધ થયેલા એક લેખને વાંચીને આવ્યો હતો.કંબોડિયાનાં લોહિયાળ વિસ્તારમાંથી પલાયન પામીને અમેરિકામાં આવીને વસેલા મોંગ પરિવારનાં નાના છોકરાને અચાનક જ ડરામણા સ્વપના આવવા માંડ્ય હતા અને આ સપનાઓને કારણે તે છોકરાએ ઉજાગરા કરવા માંડ્યા હતા તે દિવસો સુધી સુતો ન હતો તેને ડર સતાવતો હતો કે જો તે સુઇ જશે તો તેનું મોત થઇ જશે.જો કે આખરે તેના શરીરે તેનો સાથ છોડી દીધો હતો અને તેને જોરદાર ઉંઘ આવી ગઇ હતી અને તેનો ડર સાચો સાબિત થયો હતો કારણકે તે ત્યારબાદ એ ઉંઘમાંથી ક્યારેય જાગી શક્યો ન હતો તેનું ઉઁઘમાં જ મોત થઇ ગયું હતું.સિત્તેર અને એંસીનાં દાયકામાં મોટાભાગે તો એશિયન પરિવારનાં ઘણાં બાળકો આ જ રીતે ઉંઘમાં જ મોતને શરણ થયા હતા આ વાતને આધાર બનાવીને જ વેસ ક્રેવેને ફ્રેડી ક્રુગરની રચના કરી હતી અને આ ફિલ્મની સફળતાને કારણે તે યાદગાર બની ગયો હતો.આ ફિલ્મ પણ અમેરિકાની યાદગાર હોરર ફિલ્મોમાં સ્થાન પામે છે.
વસ્તીથી દુર એકાંત ઘરમાં મોડીરાત્રે ઘરનાં બારણાં પર ટકોરા પડે અને ત્યારબાદ ભયંકર ઘટનાઓની હારમાળા સર્જાય આ આમ તો કોઇ ફિલ્મનાં પ્લોટ જેવું લાગે છે પણ ખરેખર તો તે હકીકત છે.વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી ધ સ્ટ્રેન્જર્સની કથા પણ કંઇક એવી જ છે.ફિલ્મમાં એક દંપત્તિ ઢિંગલા જેવો ચહેરો ધરાવતા એક હત્યારાનો શિકાર બને છે અને આ મોત પહેલા તેમને અનેક પ્રકારની યાતનાઓમાંથી પસાર થવું પડે છે.આ ફિલ્મનાં ટ્રેલરમાં દાવો કરાયો હતો કે આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે.એક વિચારબીજ પરથી કઇ રીતે ઉત્તમ ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર થઇ શકે છે તેનું આ ફિલ્મ ઉદાહરણ છે.ફિલ્મનાં કથાલેખક બ્રાયન બર્ટિનોએ જણાવ્યું હતું કે તેમણે તેમનાં જ બાળપણની યાદોને આ ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં ઉપયોગમાં લીધી હતી.તેઓ જણાવે છે કે તેમનું ઘર શેરીનાં અન્ય ઘરોથી ઘણું દુર હતું.એક રાતે જ્યારે તેના માતાપિતા ઘરની બહાર હતા ત્યારે કોઇએ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો.તેમણે કોઇની પુછપરછ કરી હતી જેનાં અંગે જવાબ મળ્યા બાદ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા પણ જ્યારે તેમને ખબર પડી કે આ ઘરમાં જે બાળકો છે તેમનાં માતાપિતા ઘરની બહાર છે ત્યારે તેમણે ઘરમાં બળજબરી પ્રવેશ કર્યો હતો.જો કે ત્યારે કોઇની હત્યા થઇ ન હતી પણ આ વિચાર વર્ષો સુધી મનમાં જ ઘુમરાતો રહ્યો હતો અને આખરે આ ફિલ્મની સ્ક્રીપ્ટમાં તેમણે તેનો ઉપયોગ કર્યો હતો.
૧૯૭૪માં રિલીઝ થયેલી ધ ટેક્સાસ ચેનન શો માસ્કરેને હોરર ફિલ્મોની યાદીમાં અચુક સ્થાન અપાય છે અને આ ફિલ્મનાં સર્જક ટોબે હુપરે જ્યારે જણાવ્યું હતું કે આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે ત્યારે તો લોકોમાં રીતસર ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.આ ફિલ્મમાં એક પ્રવાસીઓનાં ગૃપનું એક આદમખોર હત્યારો અપહરણ કરે છે અને તેમને ખુબ જ રીબાવે છે.આ વાત આમ તો સત્યઘટનાની નજીકની છે પણ ફિલ્મમાં જે ઘટનાઓ દર્શાવાઇ છે તેમાં મુળ ઘટનાઓ કરતા વધારે જ ચિત્રણ કરાયું હતું.ફિલ્મમાં લેધરફેસ માનવીય ત્વચાનો માસ્ક પહેરે છે અને આ પાત્ર અંગે હુપર જણાવે છે કે તેનો આધાર સિરીયલ કિલર એડ ગેઇન પર આધારિત છે.ગેઇન માણસનાં હાડકા અને ચામડીમાંથી લેમ્પશેડથી માંડીને ઘણી અન્ય વસ્તુઓ બનાવતો હતો તેણે તો તેના ડાઘ તેની માતાથી છુપાવવા માટે માનવ ત્વચામાંથી બનેલ સુટ પણ બનાવ્યો હતો.બાકીની વાત હુપર જ્યારે મોન્ટગોમરી વોર્ડમાં રહેવા ગયો ત્યાં તેણે જાણી હતી.અહી જ તેને એક ચેઇનશો જોઇને તેમનાં હત્યારાનાં હથિયાર અંગેનો વિચાર આવ્યો હતો.તેની સાથે તેમણે સિરીયલ કિલર ગીનની વાતને જોડી દીધી હતી અને આમ હોરર ફિલ્મોમાં યાદગાર મનાતી ફિલ્મની રચના થઇ હતી.જો કે એડ ગેઇનનાં આધારે અન્ય પણ કેટલીક ફિલ્મો બની છે જેમાં સાયકો અને સાયલન્સ ઓફ ધ લેમ્બ સામેલ છે આ ફિલ્મનાં હત્યારાઓ નોર્મન બેટ્‌સ અને બફેલો બીલ ગેઇનને આધારે જ રચાયા હતા.
૧૯૬૮માં રિલીઝ થયેલી નાઇટ ઓફ ધ લિવિંગ ડેડ ઝોમ્બી ઝોનરની ફિલ્મોનો પાયો હતી જેના પરથી ત્યારબાદ તો અનેક ઝોમ્બી ફિલ્મો બની છે પણ આ ફિલ્મ યાદગાર હોરર ફિલ્મોની યાદીમાં સ્થાન પામે છે.આ ફિલ્મને આધારે જ ૧૯૮૫માં રિટર્ન ઓફ ધ લિવિંગ ડેડ ફિલ્મ બની હતી.આ ફિલ્મ આમ તો જર્યોજ રૂમેરો અને જહોન રૂસો વચ્ચેનાં મતભેદને કારણે બની હતી તેઓ નાઇટ ઓફ ધ લિવિંગ ડેડની ફ્રેન્ચાઇઝી પર ફિલ્મ બનાવવા માંગતા હતા અને તેમનાં મતભેદોને કારણે સર્જાયેલા કન્ફયુઝનને કારણે આ ફિલ્મનો પાયો નંખાયો હતો.આમ તો આ ફિલ્મને માટે સત્યઘટના પર આધારિત ફિલ્મ તેવું ટાઇટલ અપાય છે ત્યારે એ સવાલ ઉભો થાય છે કે ખરેખર ઝોમ્બી અસ્તિત્વ ધરાવે છે...જો કે આ ફિલ્મની સ્ટોરી યથાર્થ ઠરે તેવા કેટલાક બનાવો બન્યા હતા.એક ઘટનામાં એવું કહેવાયું હતું કે કેમિકલ ભરેલ ટ્રક કબ્રસ્તાનની પાસે ઉલટી જાય છે અને તેમાં રહેલ કેમિકલ કબરમાં જાય છે અને કબરમાંથી મડદુ બેઠું થાય છે.જો કે મુળ ઘટનામાં જે બન્યું હતું અને ફિલ્મમાં જે દર્શાવાયું હતું તેમાં ઘણો ફરક હતો પણ નાઇટ ઓફ ધ લિવિંગ ડેડની ઘટનાને સત્યઘટના ગણાવાઇ હતી.જો કે આમ તો આ ગેરદોરવણીની વાત હતી પરંતુ આ પ્રકારની વાતો હંમેશા ચર્ચાતી જ હોય છે અને એ કારણે જ હોરર ફિલ્મોની રચના પણ થતી જ રહે છે.
૧૯૫૮માં ન્યુયોર્કનાં સીફોર્ડ વિસ્તારમાં હરમાન પરિવારે તેમનાં ઘરમાં થયેલા ડરામણાં અનુભવોની વાત કરી ત્યારે તેણે ખાસ્સો ચકચાર જગાવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે તેમનાં ઘરમાં વિચિત્ર અવાજો સંભળાય છે અને ઘરની વસ્તુઓ આપમેળે જ અહીંથી તહી સરકે છે અને બંધ બોટલ અચાનક જ ખુલી જાય છે અને આપોઆપ જ તેમાનું પ્રવાહી બહાર નિકળે છે.પહેલા તો તેમને લાગે છે કે તે બધું તેમનાં બાળકોની શયતાનિયત હશે પણ ત્યારબાદ અન્ય કેટલાક અનુભવો થયાં બાદ તેમણે તંત્રનો સંપર્ક કર્યો હતો.પહેલા તો તેમને પણ એવું જ લાગ્યું હતું કે આ પરિવારે લોકોનું ધ્યાન તેમના તરફ ખેંચાય તે માટે નાટક કર્યુ હતું પરંતુ તેમને પણ કેટલાક ખતરનાક અનુભવો થયા હતા અને તે કારણે જ આ ઘટનાનાં નિષ્ણાંતને બોલાવવામાં આવ્યા હતા જેણે આ ઘટનાઓની તપાસ કરી હતી.તેણે આવીને તપાસ કરી અને કેટલાક તારણો આપ્યા હતા જેનો અસ્વીકાર કરાયો હતો.જો કે હરમાન પરિવારમાં કશુંક તો થયું હતું પણ તેના વિશે કશો ખુલાસો કરાયો ન હતો.જો કે આ ઘરમાંથી તે પરિવાર તો અન્યત્ર શિફ્ટ થયો હતો પણ પેલી કથા તો લોકોમાં પ્રચલિત થઇ જ જવા પામી હતી.૧૯૮૨માં ફિલ્મ પોલ્ટરગીસ્ટ થિયેટરોમાં રિલીઝ થઇ હતી જો કે ફિલ્મમાં જે કથા દર્શાવાઇ છે તે સાચી બીના કરતા અલગ છે.સ્ક્રીપ્ટ લેખકોએ પણ એ સ્વીકાર કર્યો હતો કે તેમણે માત્ર કેટલીક ઘટનાઓનો જ ફિલ્મ બનાવવા માટે સહારો લીધો હતો.
આપણે એ વાત તો સાંભળી છે જેમાં એક આયાને એક ફોન કોલ આવે છે જેમાં તે જે બાળકને રાખે છે તેના વિશે વાત કરાય છે અને આ પ્રકારનાં કોલ જ્યારે સતત આવે છે ત્યારે તે આ મામલે પોલીસને ફોન કરે છે અને જ્યારે પોલીસ આવીને એ કોલ વિશે તપાસ કરે છે ત્યારે જણાય છે કે એ કોલ તો તેના ઘરમાંથી આવતા હતા.આ આખી વાતને આધારે જ ૧૯૭૯માં વ્હેન અ સ્ટ્રેન્જર કોલ્સ ફિલ્મ બની હતી.આ ફિલ્મની શરૂઆતની વીસ મિનિટને સિનેમાનાં ઇતિહાસની સૌથી થ્રિલિંગ માનવામાં આવે છે આ ઘટનાઓને કારણે દર્શકો સીટ પર ચોંટી રહે છે.આ ફિલ્મ ખુબ જ સફળ રહી હતી અને તેના આધારે જ તેની સિક્વલ બની હતી જેનું નામ હતું વ્હેન અ સ્ટ્રેન્જર કોલ્સ બેક અને તેની રીમેક બની હતી ૨૦૦૬માં જેનું નામ હતું વ્હેન અ સ્ટ્રેન્જર કોલ્સ.જો કે ફિલ્મ કરતા પણ મુળ ઘટના વધારે કરૂણાંત હતી.૧૯૫૦ની એક રાતે કોલંબિયા પોલિસ ડિપાર્ટમેન્ટને એક ફોન આવે છે જે તેર વર્ષીય જેનેટ ક્રિસ્ટમેને કર્યો હતો.ફોનમાં માત્ર બાળકની ચીસ સંભળાઇ હતી અને માત્ર એટલું જ કહેવાયું હતું કે જલ્દી આવો અને ફોન ડેડ થઇ જાય છે.પોલીસ તો આ કોલથી પરેશાન થઇ જાય છે કારણકે ફોન કોણે કર્યો અને ક્યાં જવાનું છે તે ત્યારે તેમને સમજાયું ન હતું.ત્યારે જેનેટ ગ્રેગ રોમેકનાં ત્રણ વર્ષનાં બાળકને સંભાળવાનું કામ કરતી હતી.જ્યારે તે બાળકનાં માતાપિતા ઘેર આવે છે ત્યારે તેમને જેનેટનું શરીર મળ્યું હતું જેના પર ઘણાં ઘા હતા અને તેના ગળે ટુંપો દેવાયો હતો.આ મામલે તપાસ કરાઇ હતી પણ તેનો હત્યારો મળ્યો ન હતો.જો કે તપાસમાં એ જણાયું હતું કે જેણે પણ આ કૃત્ય કર્યુ હતું તે ઘરની પરિસ્થિતિથી પુરેપુરી રીતે વાકેફ હોવો જોઇએ.પોલીસને પણ આ કોઇ જાણભેદુનું જ કામ લાગ્યું હતું.
૧૯૯૬માં રિલીઝ થયેલી સ્ક્રીમમાં રિયલ સિરીયલ કિલરની તો વાત કહેવાઇ જ હતી પણ તેની સાથોસાથ અજાણ્યા કોલની વાત પણ બહુ સચોટ રીતે રજુ કરાઇ હતી.ફિલ્મનાં આરંભનાં દૃશ્યમાં એક છોકરી પોતાનાં ઘરમાં એકલી હોય છે ત્યારે તેને ફોન કોલ આવે છે જેમાં બીજા છેડે રહેલો વ્યક્તિ તેને ડરામણી ફિલ્મ અંગે પુછતો હોવાનું દર્શાવાયું હતું.જો કે વાત ત્યારે આખી પલટાય છે જ્યારે આ વાત કરનાર બીજું કોઇ નહિ પણ સિરીયલ કિલર હોય છે અને તે એ જ ઘરમાં છુપાયેલો હોય છે.ફિલ્મ એક નાના શહેરની છે જેમાં ટીનેજર એક સિરીયલ કિલરનો ભોગ બને છે જેણે એડવર્ડ મંચ દ્વારા દોરાયેલ ધ સ્ક્રીમનો મુખવટો ધારણ કર્યો હોય છે અને તે ટીનેજરોને ફોન કોલ કરે છે તેમનો પીછો કરે છે અને તેમને મોતને ઘાટ ઉતારે છે.આમ તો આ ફિલ્મને પુરેપુરી રીતે સત્યઘટનાત્મક કહી શકાય નહિ કારણકે તેનો કેટલોક ભાગ જ સત્યઘટના પર આધારિત છે.આ ફિલ્મની વાર્તાનો આઇડિયા લેખક કેવિન વિલિયમસનને અખબારમાં છપાયેલ એક ન્યુઝ સ્ટોરી પરથી આવ્યો હતો જેમાં ડેની રોલિંગે પાંચ વિદ્યાર્થીઓની હત્યા કરી હોવાની વાત હતી.ત્યારબાદ તે જ્યારે એક રાતે પોતાના ઘેર પાછા આવે છે ત્યારે તેમને તેમનાં ઘરની બારી ખુલ્લી જોવા મળી હતી અને આ બાબતે જ તેમનાં મનમાં ફિલ્મની સ્ટોરીનો આઇડિયા જન્મ્યો હતો.જો કે પેહલા તો માત્ર અઢાર પેજની ટુંકી વાર્તા જ લખાઇ હતી ત્યારબાદ તેના પરથી ફિલ્મની વાર્તાનો જન્મ થયો હતો.પહેલા આ ફિલ્મનું ટાઇટલ સ્કેરી મુવી હતું જે ત્યારબાદ સ્ક્રીમ થયું જેની ત્યારબાદ તો સિક્વલ બની હતી.
ધ બ્લોબ આમ તો પહેલા ૧૯૫૮માં રિલીઝ થઇ હતી અને ત્યારબાદ ૧૯૮૦માં તેની રીમેક બની હતી.ધ બ્લોબમાં એક એવા મીટિઓરની વાત કરાઇ હતી જે પૃથ્વી પર ખાબકે છે અને તેમાંથી એક એવો જીવ જન્મે છે જે તેનાં સંપર્કમાં આવનાર તમામ સજીવ વસ્તુઓને નષ્ટ કરે છે.આ જીવ ત્યારબાદ એક શહેર પર હુમલો કરે છે.જો કે સવાલ એ થાય છે કે આ વાતમાં કોઇ સચ્ચાઇ હતી ખરી...૧૯૫૦માં ફિલાડેલ્ફિયામાં બે પોલીસ અધિકારીઓએ આકાશમાંથી કોઇ વસ્તુ ધરતી પર આવીને લેન્ડ થયાની વાતનો રિપોર્ટ નોંધાવ્યો હતો.તેમણે જ્યારે તપાસ કરી ત્યારે ત્યાં એક પર્પલ રંગનો પદાર્થ મળ્યો હતો જે દેખાવે તો સાબુ જેવો હતો જેને સ્પર્શ કરતા તે ઓગળી જતો હતો.અડધા કલાકમાં તો તે જેલી જેવો પદાર્થ સંપુર્ણપણે ઓગળી ગયો હતો.ત્યાં એરફોર્સનાં લોકો આવ્યા હતા પણ ત્યાં તપાસને લાયક કશું જ બચ્યું ન હતું.આમ તો આખી વાતમાં કશું જ ન હતું પણ કે લિંકર અને થિયોડોર સાયમનસને તેના આધારે એવી વાર્તા રચી હતી જે પાછળથી ફિલ્મનો આધાર બની હતી.૧૧૦,૦૦૦.૦૦નાં ખર્ચે બનેલી આ ફિલ્મે ૪,૦૦૦,૦૦૦.૦૦ ડોલરની આવક મેળવી હતી.
એનાબેલની વાર્તાનો આરંભ આમ તો ૧૯૭૦માં થયો હતો જ્યારે એક નર્સિંગ સ્ટુડન્ટને તેની માતા તરફથી એક ઢિંગલી બર્થડે ગિફ્ટ તરીકે મળી હતી.જો કે આ ઢિંગલી ઘરમાં આવ્યાનાં બાદમાં જ ઘણી વિચિત્ર ઘટનાઓ બનવાનો આરંભ થયાનો પેલી છોકરી અને તેની રૂમમેટને અનુભવ થયો હતો.તે લોકો એ ઢિંગલીને જ્યાં મુકતા હતા તે ત્યારબાદ ઘરનાં અન્ય ખુણામાંથી જ મળતી હતી.ત્યારબાદ હેલ્પી મી લખાયેલા મેસેજ મળવા શરૂ થયા હતાં.આ મામલે ત્યારબાદ એક તાંત્રિકની મદદ લેવામાં આવી હતી જેણે જણાવ્યું હતું કે ઢિંગલીમાં એક એનાબેલ નામની છોકરીનો આત્મા છે.ત્યારબાદ આ ઢિંગલી હિંસક બની ગઇ હતી અને તેણે આ છોકરીઓ પર હુમલો કર્યાનું પણ કહેવાય છે.ત્યારબાદ આ મામલાઓનાં નિષ્ણાંત મનાતા એડ અને લોરેનને બોલાવવામાં આવ્યા હતા.તેમણે તપાસ કરી ત્યારે તેમને જણાયું કે ઢિંગલીમાં જે આત્માનો વાસ હતો તે પ્રકૃત્તિએ શૈતાની હતી.તેમણે ઘરને પવિત્ર કર્યું હતું અને તેઓ ઢિંગલીને પોતાની સાથે લઇ ગયા હતા.તેમણે ત્યારબાદ આ ઢિંગલીને તેમણે એક અભિમંત્રિત કબાટમાં પુરી દીધી હતી.આ વાતને આધારે જ ૨૦૧૩માં ધ કન્ઝ્‌યુરિંગ નામની ફિલ્મ બની હતી ત્યારબાદ ૨૦૧૪માં એનાબેલ નામની ફિલ્મ બની હતી અને ૨૦૧૭માં એનાબેલ ક્રિએશન અને ૨૦૧૯માં એનાબેલ કમ્સ હોમ નામની ફિલ્મ બની હતી.
સ્ટીવન સ્પીલબર્ગ આમ તો તેમની ડાયનાસોરને કારણે વધારે ચર્ચાસ્પદ બન્યા હતા પણ તે પહેલા તેમણે ૧૯૭૫માં ધ જોઝ નામની ફિલ્મ બનાવી હતી જે તે સમયમાં ખાસ્સી સફળ રહી હતી અને આ ફિલ્મને પણ સત્યઘટના પર આધારિત ફિલ્મ કહેવાય છે.આ ફિલ્મની અસર એટલી ખતરનાક હતી કે લોકો ત્યારે સમુદ્રમાં જતા પણ ડરતા હતા.આમ તો આ ફિલ્મની કથા પીટર બેન્ચલીની નવલકથા પર આધારિત હતી.આ ફિલ્મમાં પચ્ચીસ ફુટ લાંબી ગ્રેટ વ્હાઇટ શાર્કની વાત હતી જે આદમખોર બની જાય છે.આ માછલીએ એમિટી નામનાં શહેરમાં તરખાટ મચાવ્યો હતો.ત્યારે તેણે ત્રણ લોકો પર હુમલો કર્યો હતો.શેરિફ માર્ટિન બ્રેડી, ઓસનગ્રાફર મેટ હુપર અને પોતાની જાતને શાર્ક હન્ટર ગણાવતો ક્વીન્ટ ત્યારબાદ તે શાર્કને મારવાનું અભિયાન ચાલુ કરે છે અને તેને મોતને ઘાટ ઉતારે છે.લોકો આ નવલકથાને ન્યુજર્સીમાં ૧૯૧૬માં શાર્ક દ્વારા લોકો પર કરાયેલા હુમલાની વાત સાથે સાંકળે છે.જો કે બેન્ચલીએ એ વાતનો ઇન્કાર કર્યો હતો.તેણે કહ્યું હતું કે તેને આ વાતનો આઇડિયા ૧૯૬૪માં લોન્ગ આઇલેન્ડ પરનાં દરિયાકાંઠા પર ૪૫૦૦ પાઉન્ડની ગ્રેટ વ્હાઇટ શાર્કને ફ્રાંક મુંડસે હાર્પુન વડે મોતને ઘાટ ઉતારી હતી અને તે વાત અખબારમાં પ્રસિદ્ધ થઇ હતી.બેન્ચલીએ જણાવ્યું હતુ કે મુંડસનાં આધારે જ ક્વીન્ટનું પાત્ર લખાયું હતું.જો કે આ વાત કઇ ઘટના પર આધારિત છે તે વાત એટલી મહત્વની નથી પણ આ ફિલ્મ આજે પણ હોરર ફિલ્મોની યાદીમાં ટોચનાં ક્રમે મુકવામાં આવે છે.