મોતીલાલ : પહેલા નેચરલ અભિનેતા
દાદા સાહેબ ફાળકે એ હરિશચંદ્ર ફિલ્મ દ્વારા હિન્દી ફિલ્મોનાં ઉદ્યોગનો પાયો નાંખ્યો હતો જે આજે વિશ્વમાં સૌથી વધારે ફિલ્મોનું નિર્માણ કરનાર ઉદ્યોગ બની રહ્યો છે જ્યાં લાખો લોકોને રોજગાર મળે છે અને વિશ્વનાં કરોડો લોકોને મનોરંજન મળે છે.ફિલ્મોમાં કામ કરનારા કલાકારો પોતાની ભૂમિકાઓમાં પોતાના અભિનય વડે પ્રાણ પુરે છે અને ક્યારેક આ અભિનય એટલો તો યાદગાર હોય છે કે વર્ષો સુધી તે કલાકાર લોકોનાં મન મસ્તિષ્કમાં જીવતો રહે છે. આપણાં હિન્દી ફિલ્મોનાં કલાકારોમાં કેટલાક મેથડ એક્ટર છે અને ઘણાં કલાકારો નૈસર્ગિક અભિનય વડે દર્શકોમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરે છે.હિન્દી ફિલ્મોમાં જે કેટલાક કલાકારો પોતાની નૈસર્ગિક અભિનય પ્રતિભાને કારણે આજે પણ એટલા જ લોકપ્રિય છે તેમાં મોતીલાલ, બલરાજ સાહની, કનૈયાલાલ,સંજીવ કુમાર અને નાના પાટેકર જેવા કલાકારોનાં નામ લેવામાં આવતા હોય છે.જેમાં મોતીલાલને હિન્દી ફિલ્મોનાં સૌપ્રથમ નૈસર્ગિક અભિનેતા ગણાવાય છે.બિમલ રોયની દેવદાસમાં આમ તો દિલિપ કુમારનાં અભિનયની ચર્ચા સૌથી વધારે થાય છે પણ આ ફિલ્મમાં એક અન્ય કલાકારે પણ તેની અભિનય પ્રતિભા વડે દર્શકો પર ઉંડી અસર છોડી હતી તેમાં ચુન્ની બાબુની ભૂમિકા કરનાર મોતીલાલનું નામ પણ એટલું જ મહત્વપુર્ણ છે.આ ભૂમિકા માટે મોતીલાલને તેમનો પહેલો ફિલ્મફેર પુરસ્કાર સહાયક અભિનેતા તરીકે મળ્યો હતો.
૪ ડિસેમ્બર ૧૯૧૦નાં રોજ શિમલામાં જન્મેલા મોતીલાલનો પરિવાર ત્યાનાં સંભ્રાંત પરિવારોમાંનો એક હતો.તેમનાં પિતા તેમનાં સમયનાં જાણીતા શિક્ષણવિદ્દ હતા જો કે મોતીલાલ જ્યારે એક વર્ષનાં હતા ત્યારે જ તેમનું નિધન થયું હતું.મોતીલાલનો ઉછેર તેમનાં કાકાએ કર્યો હતો જે તે સમયનાં જાણીતા સિવિલ સર્જન હતા.મોતીલાલનું પ્રારંભિક શિક્ષણ પહેલા શિમલા અને ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં થયું હતું તેમણે અંગ્રેજી સ્કુલોમાં અભ્યાસ કર્યો હતો.ત્યારબાદ તેઓ દિલ્હી ગયા જ્યાં તેમણે સ્કુલ અને કોલેજનો અભ્યાસ પુર્ણ કર્યો હતો.અભ્યાસ બાદ તેઓ નૌસેનામાં દાખલ થવા માટે બોમ્બે આવ્યા હતા.જો કે અહી પરિક્ષા પહેલા તેઓ બિમાર પડી ગયા હતા તે કારણે તેઓ પરિક્ષા આપી શક્યા ન હતા.જો કે વિધાતાએ તેમનાં માટે અલગ જ માર્ગ નક્કી કર્યો હતો અને એ માર્ગ પર તેમનું પહેલું પગલું ત્યારે મંડાયું જ્યારે તેઓ એક દિવસ સાગર સ્ટુડિયોમાં ફિલ્મનું શુટિંગ જોવા ગયા હતા.ત્યારે ત્યાં કે પી ઘોષની ફિલ્મનું શુટિંગ ચાલતું હતું.ત્યારે મોતીલાલ પણ શહેરનાં જાણીતા લોકોમાં સામેલ હતા અને ઘોષની નજર તેમનાં પર પડી હતી અને તેઓ તેમનાં તરફ આકર્ષાયા હતા.૧૯૩૪માં જ્યારે સાગર ફિલ્મ દ્વારા શહેર કા જાદુ નામની ફિલ્મનું નિર્માણ કાર્ય આરંભાયું ત્યારે મોતીલાલને આ ફિલ્મનાં નાયક તરીકે ઓફર કરાઇ હતી.ત્યારબાદ તેમણે સબિતા દેવી સાથે ઘણાં સફળ સામાજિક નાટકોમાં અભિનય આપ્યો હતો.તેમણે સાગર મુવીટોનનાં બેનર તળે બનેલી જાગીરદાર (૧૯૩૭) અને હમ તુમ ઔર વો (૧૯૩૮)માં મહેબુબ ખાન સાથે કામ કર્યુ હતું.મહેબુબ પ્રોડકસન્સ માટે તકદીર (૧૯૪૩) અને કેદાર શર્માની અરમાન (૧૯૪૨) અને કલિયા (૧૯૪૪)માં અભિનય આપ્યો હતો.તેમણે એમ એસ વાસનની ફિલ્મ પૈગામ (૧૯૫૯) જે જૈમિની સ્ટુડિયોઝનાં બેનર તળે બની હતી તેમાં અને રાજ કપુરની જાગતે રહો (૧૯૫૬)માં પણ કામ કર્યુ હતું.૧૯૬૫માં તેમણે ભોજપુરી ફિલ્મ સોલહો સિંગાર કરે દુલ્હનિયામાં પણ અભિનય આપ્યો હતો.જો કે તેમની સૌથી યાદગાર ફિલ્મોમાં એમ એસ વાસન દ્વારા બનેલી આર કે નારાયણનાં પુસ્તક પર આધારિત ફિલ્મ સંપત (૧૯૫૨)માં એક જેન્ટલમેન વિલનની ભૂમિકા ભજવી હતી.આ ઉપરાંત બિમલ રોયની દેવદાસમાં તેમણે ચુન્ની બાબુની ભૂમિકા દ્વારા તેમણે દર્શકોમાં ઉંડી છાપ છોડી છે અને આજે પણ આ ભૂમિકાઓ દર્શકો યાદ કરે છે.દેવદાસમાં દિલિપ કુમારની સાથોસાથ ચુન્ની બાબુ તરીકે મોતીલાલને પણ યાદ કરાય છે.આ ફિલ્મ માટે મોતીલાલને પહેલો ફિલ્મફેર પુરસ્કાર સહાયક અભિનેતાનાં રૂપમાં મળ્યો હતો.અભિનેતા નસિરૂદ્દીન શાહે તેમને હિન્દી ફિલ્મોનાં ત્રણ ઓલ ટાઇમ ગ્રેટ કલાકારોની યાદીમાં સામેલ કર્યા હતા અન્ય બે કલાકારો હતાં બલરાજ સાહની અને યાકુબ.આમ તો મોતીલાલ એક સંભ્રાંત વ્યક્તિ તરીકે જ ઓળખાય છે જો કે તેમનો અંતિમ સમય થોડો ગરીબીમાં ગુજર્યો હતો તેમને જુગાર અને રેસની લત હતી અને ૧૯૬૫માં તેઓ નિર્ધન અવસ્થામાં જ મોતને ભેટ્યા હતાં.વ્યક્તિગત જીવન અંગે વાત કરીએ તો તેઓ લાંબા સમય સુધી નાદિરા સાથે રિલેશનશીપમાં રહ્યાં હતા બાદમાં શોભના સમર્થ તેમનાં જીવનમાં આવ્યા હતા.શોભનાએ નૂતનને લોન્ચ કરવા માટે બનાવેલી હમારી બેટીમાં મોતીલાલે નૂતનનાં પિતાની ભૂમિકા ભજવી હતી.ફિલ્મ અનાડીમાં તેમણે તેમનાં ગાર્જિયનની ભૂમિકા કરી હતી જો કે આ પાત્ર થોડુ ખલનાયિકીનો રંગ ધરાવતું હતું.દિલિપ કુમારની પૈગામ અને દેવદાસમાં તેમણે તેમની આગવી અભિનય શૈલી વડે પોતાની છાપ છોડી હતી.મોતીલાલ ત્રણ દાયકા સુધી હિન્દી ફિલ્મોમાં અભિનેતા તરીકે સક્રિય રહ્યાં હતા અને લગભગ સાંઇઠ જેટલી ફિલ્મોમાં કામ કર્યુ હતું.મહાત્મા ગાંધીએ જે કેટલીક જૂજ ફિલ્મો જોઇ હતી તેમાં એક અછુત હતી અને આ ફિલ્મમાં પણ તેમણે એક અછુતની ભૂમિકા ભજવી હતી જેની પ્રસંશા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલે પણ કરી હતી.પ્રારંભના ગાળામાં તેમણે પરંપરાગત નાયકની ભૂમિકાઓ ભજવી હતી પણ ત્યારબાદ ૧૯૪૦ની આસપાસનાં ગાળામાં તેમણે થોડી અલગ પ્રકારની ભૂમિકાઓ પર ધ્યાન આપ્યું હતું.એ સમયનાં કલાકારો મોટાભાગે રોમેન્ટિક ભૂમિકાઓ પસંદ કરતા હતા પણ મોતીલાલે જે ભૂમિકાઓ કરી તે તેમનાં સમયમાં બોલ્ડ ગણાતી હતી.નાદિરા સાથે બ્રેકઅપ થયા બાદ મોતીલાલ શોભના સમર્થનાં પરિચયમાં આવ્યા હતા જે ત્યારે સાગર ફિલ્મ્સની ફિલ્મોમાં કામ કરતા હતા.આ ફિલ્મોમાં મોતીલાલ પણ કામ કરતા હતા આમ પહેલા બંને વચ્ચે મૈત્રી થઇ હતી જો કે ત્યારે શોભના સમર્થ વિવાહિત હતા અને ચાર સંતાનોની માતા હતા.શોભનાનાં લગ્ન કુમરાસેન સમર્થ સાથે થયા હતા પણ બંને વચ્ચે સંબંધો તંગ રહેતા હતા.શોભના સમર્થ તનુજાની માતા અને કાજોલની નાની હતા.જો કે કુમારસેન સાથે લગ્ન વિચ્છેદ બાદ મોતીલાલે શોભનાને લગ્નની પ્રપોઝલ આપી હતી પણ શોભના માન્યા ન હતા પણ તેઓ આજીવન એકબીજાની ખુબ જ નિકટ રહ્યાં હતા.મોતીલાલને જુગાર અને રેસની જેમ જ દારૂની પણ લત હતી અને વધારે પડતો દારૂ પીવાને કારણે ૧૯૬૦ની આસપાસ તેમની તબિયત ખરાબ થવા માંડી હતી અને તે કારણે તેમણે ફિલ્મોમાં કામ કરવાનું ઓછુ કરી નાંખ્યું હતું.એક ઇન્ટર્વ્યુમાં તેમણે કહ્યું હતું કે તેમને ત્રણ વખત હાર્ટ એટેક આવ્યો હતો.તેઓએ અભિનયથી દુરી બનાવી પણ ત્યારે તેમણે ડાયરેકશન અને પ્રોડકસન તરફ વળ્યા હતા તેમણે છોટી છોટી બાતેની સ્ક્રિપ્ટ લખી અને તેનું દિગ્દર્શન પણ કર્યુ હતું જોકે ફિલ્મ રિલીઝ થતાં પહેલા જ તેમનું અવસાન થયું હતું.આ ફિલ્મ માટે તેમને મરણોપરાંત બે નેશનલ એવોર્ડ મળ્યા હતા.૧૭ જુન ૧૯૬૫માં તેમનું અવસાન થયું હતું.મોતીલાલ તેમની નેચરલ એક્ટિંગને કારણે જેટલાં પ્રખ્યાત છે તેટલા જ તેમની વ્યક્તિગત જિંદગીમાં તેઓ જે બેબાક રીતે જીવ્યા હતા તે કારણે પણ એટલા જ મશહૂર થયા હતા.પ્રેમનો એકરાર કરવા માટે યુવાનો અલગ અલગ પ્રકારની રીતો અપનાવતા હતા પણ મોતીલાલે જે રીત અપનાવી તે રીત તો આજનાં યુવાનો પણ વિચારી ન શકે તેવી હતી.તેમણે તેમનાં પ્રેમનાં એકરાર માટે એક હેલિકોપ્ટર ભાડે લીધુ હતું અને શોભનાનાં ઘરની ઉપર ચકકર લગાવવા માંડ્યા હતા એટલું જ નહિ તેમણે એક લવલેટર લખ્યો જે પત્થરમાં લપેટીને તેમનાં ઘરની બારી પર ફેંક્યો હતો જે કાચ તોડીને ઘરમાં ગયો હતો અને શોભનાએ આખરે તેમનાં પ્રેમનો એકરાર સ્વીકાર્યો હતો.શોભના પણ તેમનાં સમયનાં બોલ્ડ અભિનેત્રી હતાં જેમણે ૧૯૪૩માં આવેલી રામરાજ્યમાં સીતાની ભૂમિકા ભજવી હતી.૧૯૯૭માં તેમને સ્પેશ્યિલ ફિલ્મફેર અપાયો હતો.શોભના બાદ તેમની પુત્રી તનુજા અને નુતન કોઇ ઓળખનાં મહોતાજ નથી તો તનુજાની પુત્રી કાજોલ અને નુતનનાં પુત્ર મોહનિશ બહલ પણ એક યાદગાર અભિનેતા મનાય છે.મોતીલાલ સાથે તેઓ આજીવન મિત્ર તરીકે જોડાયેલા રહ્યાં હતા તેમણે લગ્ન કર્યા ન હતા.મોતીલાલ સિલ્વર કિંગ, ડોકટર મધુરિકા, દો ઘડીકી મૌજ, લગ્ન બંધન, જીવન લતા, દો દીવાને, દિલાવર, કોકિલા, કુલવધુ, જાગીરદાર જેવી ફિલ્મોમાં નજરે પડ્યા હતા.મોતીલાલે જે ફિલ્મોમાં અભિનય આપ્યો તેમાં યે જિંદગી કિતની હસીન હૈ, છોટી છોટી બાતે, વક્ત, સોલહ સિંગાર કરે દુલ્હનિયા, જી ચાહતા હૈ, લીડર, યે રાસ્તે હૈ પ્યાર કે , અસલી નકલી, પરખ, અનાડી, પૈગામ, અબ દિલ્લી દુર નહી, જાગતે રહો, દેવદાસ, ધુન, એક દો તીન, અપની ઇજ્જત, શ્રી સંપત, હમારી બેટી, હસતે આંસુ, લેખ, ગજરે, મેરા મુન્ના, આજકી રાત, દો દિલ, ફુલવારી, પહેલી નજર, દોસ્ત, મુજરીમ, રૌનક, ઉમંગ, આગે કદમ, તકદીર, તસ્વીર, અરમાન, પરદેશી, સસુરાલ, અછુત, હોલી, આપ કી મર્જી, સચ હૈ, હમ તુમ ઔર વો, તીન સૌ દિન કે બાદ, કેપ્ટન કીર્તિકુમાર, જાગીરદાર, કોકિલા, દિલાવર, દો દીવાને, જીવન લતા, લગ્ન બંધન, દો ઘડી કી મૌજ, ડો.મધુરિકા, સિલ્વર કિંગ, શહેર કા જાદુ, વતન પરસ્તમાં અભિનય આપ્યો હતો તો ૧૯૬૫માં આવેલી છોટી છોટી બાતેનું નિર્દેશન કર્યુ હતું.
કન્હૈયા લાલ : ખલનાયિકીનો પાયો નાંખ્યો
બોલિવુડની જે કેટલીક યાદગાર ફિલ્મો છે તેમાં મુગલે આઝમ, મધર ઇન્ડિયા, દેવદાસ અને શોલેને ગણાવવામાં આવે છે જેમાં મધર ઇન્ડિયા તો કાલજયી ફિલ્મ મનાય છે કારણકે આ એ ફિલ્મ હતી જેને ઓસ્કારમાં મોકલવામાં આવી હતી અને માત્ર એક મતને કારણે તે ઓસ્કાર ચુકી હતી.મધર ઇન્ડિયામાં નરગીસનો અભિનય યાદગાર છે પણ સાથોસાથ સુનિલ દત્ત અને શાહુકાર સુખીલાલ તરીકે કન્હૈયાલાલનો અભિનય આજે પણ યાદગાર મનાય છે.આ ભૂમિકા માટે મહેબુબ ખાને બીજીવાર કન્હૈયા લાલ પર પસંદગી ઉતારી હતી કારણકે આ પહેલા મહેબુબે ઔરત ફિલ્મ બનાવી હતી જેની રિમેક હતી મધર ઇન્ડિયા. એ ઔરતમાં શાહુકાર તરીકે કન્હૈયા લાલે અભિનય આપ્યો હતો અને આ કારણે જ મહેબુબે તેમને આ રોલ માટે ફરીથી પસંદ કર્યા હતા.જો કે કન્હૈયા લાલ એ અભિનેતા છે જેમણે પરદા પર ખલનાયક તરીકે એવી ભૂમિકાઓ ભજવી હતી કે અસલ જીવનમાં પણ તેમને લોકો ખલનાયક જ માનતા હતા તેમને જોતાની સાથે જ ગાળો આપતા હતા અને તેમનાં ઘર પર પત્થરો પણ વરસાવાયા હતા જો કે કન્હૈયા લાલ માટે તો એ પત્થર એવોર્ડથી કમ ન હતા.ધુર્તતા પુર્ણ આંખો, કુટિલતા અને વહેશીપણું દર્શાવતું પરદા પરનું વ્યક્તિત્વ કન્હૈયા લાલની ઓળખ બની ગયા હતા.વ્યાજખોર શાહુકાર તરીકે તેમનો અભિનય એટલો જબરજસ્ત રહેતો હતો કે આજે પણ આ પાત્ર માટે તેમનો જ ચહેરો આંખો સામે તરવરી જાય છે.તેમનો અભિનય એટલો નેચરલ રહેતો કે તેમને હિન્દી ફિલ્મોદ્યોગમાં દેશી ઘી તરીકે ઓળખવામાં આવતા હતા. એ એવા અભિનેતા હતા કે તેમને દિગ્દર્શકને ક્યારેય એ કહેવું પડતું ન હતું કે કેવી રીતે દૃશ્ય ભજવવાનું છે.ફિલ્મોમાં તેમનાં દ્વારા બોલાત ડાયલોગ આજે પણ એટલા જ તરોતાજા લાગે છે, જીવન મૃત્યુમાં તેમનાં મ્હોમાંથી નિકળેલ ભઇયે તો તમામને આજે પણ યાદ છે.આ ફિલ્મમાં તેમણે ભઇયે અલગ રીતે બોલીને તેમની શૈલીની છાપ છોડી હતી.જો કે કન્હૈયા લાલની ફિલ્મોની ખાસિયત એ હતી કે તેઓ ફિલ્મમાં અમુક ડાયલોગ વારંવાર બોલતા હતા અને એ ડાયલોગ જ તેમની ઓળખ બની રહેતા હતા.જેમ કે ગંગા જમુનામાં કુતરાને જોતા જ રામ બચાયે કલ્લુ કો અંધા કર દે લલ્લુ કો અને દુશ્મનમાં કર ભલા સો હો ભલા આજે પણ યાદ કરાય છે.આમ તેઓ પરદા પર ભલે એક જ પ્રકારની ભૂમિકા કરતા પણ ક્યારેય તેઓએ દર્શકોને બોર કર્યા ન હતા.તેમની બોડી લેંગ્વેજ અને હાવભાવ કમાલનાં રહેતા હતા.તેમની એન્ટ્રી સાથે જ દર્શકોને લાગતું કે હવે કશું અશુભ થશે પણ પરદા પર તેમની હાજરી એક કોમિક સ્ટાઇલ ધરાવતી હતી.તેમનાં પાત્રમાં ચરિત્ર કલાકારની સાથોસાથ, વિલન અને કોમેડિયનનું પણ મિશ્રણ જોવા મળતું હતું.
પંડિત કન્હૈયાલાલ ચતુર્વેદીનો જન્મ ૧૫ ડિસેમ્બર ૧૯૧૦માં વારાણસીમાં થયો હતો.તેમનાં પિતા વારાણસીમાં સનાતન ધર્મ નાટક સમાજ નામની એક રામલીલા મંડલી ચલાવતા હતા.તેમની રામલીલા જ્યારે ચાલતી ત્યારે તે સમયનાં બનારસનાં મહારાજા પણ તે જોવા આવતા હતા અને ખુશ થઇને અશરફીઓ આપતા હતા. કન્હૈયા લાલનાં એક મોટાભાઇ સંકટા પ્રસાદ હતા અને તેમની બહેનનું નામ હતું કુંવર.કન્હૈયા લાલે માત્ર ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો કારણકે તેમને માત્ર રંગમંચ અને નાટકોમાં જ રસ હતો.જો કે પિતા ન્હોતા ચાહતા કે તે આ બધામાં પડીને જીવન બરબાદ કરે.જ્યારે તેઓ વયમાં થોડા મોટા થયા ત્યારે તેમનાં પિતાએ તેમને એક દુકાન ખોલી આપી હતી પણ આ બંદા તો દુકાન બીજાને સોંપીને નાટકો જોવા ચાલ્યા જતા હતા.પિતાએ દુકાન બંધ કરીને લોટની ચક્કી ચાલુ કરી આપી હતી પણ અહી પણ નાટકોની જ ચર્ચા થતી હતી આમ ચક્કી પણ ઠપ્પ થઇ ગઇ હતી.આખરે પિતાએ તેમને નાટક મંડલી સાથે જોડાવા માટે પરવાનગી આપી હતી.તેઓ નાટકોમાં અભિનય આપવાની સાથોસાથ નાટક લખવાનું પણ કામ કરતા હતા એટલું જ નહિ તેઓને કાવ્યોનો પણ શોખ હતો.કહેવાય છે કે તેમણે કેટલાક નાટકોનું નિર્દેશન પણ કર્યુ હતું.જો કે એ દરમિયાન તેમનાં પિતાનું અવસાન થયું હતું અને આ અરસામાં બનારસમાં બહારની મંડલીઓ આવવાને કારણે સ્પર્ધા વધી ગઇ હતી અને એ કારણે નાટક મંડલીને બંધ કરવી પડી હતી.
તેમનાં ભાઇ સંકટા પ્રસાદ ફિલ્મોમાં કેરિયર બનાવવા માટે મુંબઇ આવ્યા હતા અને જ્યારે લાંબો સમય સુધી તેમની કોઇ ખબર ન આવી ત્યારે તેમને જોવા માટે કન્હૈયાલાલ મુંબઇ પહોંચ્યા હતા.જો કે મુંબઇ આવ્યા બાદ તેઓ પણ અહી જ રોકાઇ ગયા અને સાગર મુવીટોન સાથે પોતાની અભિનય કારકિર્દીનો આરંભ કર્યો હતો.તેમણે સાગર મુવીટોનની પહેલી ત્રણ મુવી વીર અભિમન્યુ, રોમાંટિક પ્રિન્સ, અબુલ હસનમાં કામ કર્યુ હતું.સંકટા પ્રસાદની સિફારીસ પર તેમને મહિને ૩૫ રૂપિયે મહિનાનાં પગારે નોકરીએ રાખી લેવાયા હતા.આ સમયગાળામાં સાગર મુવીટોન સાથે એકટર સિંગર સુરેન્દ્ર અને મહેબુબ પણ જોડાયેલા હતા.કહેવાય છે કે તેમણે સૌથી પહેલા સાગર કા શેરમાં એકસ્ટ્રા તરીકે કામ કર્યુ હતું.તો કેટલાક માને છે તેમણે ગ્રામોફોન સિંગરમાં કામ કર્યુ હતું એક દિવસ જ્યારે તેઓ શુટિંગ સમયે ભીડમાં ઉભા હતા ત્યારે સુરેન્દ્ર ત્યાં હાજર હતા અને તેમણે કન્હૈયાલાલને કોઇની સાથે વાત કરતા સાંભળ્યા અને તેમની સ્ટાઇલ સુરેન્દ્રને ગમી ગઇ હતી અને આ ફિલ્મમાં તેમને એક નાનો રોલ અપાવ્યો હતો.તેઓ અભિનયની સાથોસાથ ડાયલોગ લેખનનું પણ કામ કરતા હતા એક દિવસ તેઓ જ્યારે સાધના ફિલ્મ માટે કામ કરતા હતા ત્યારે તેમનાં લખેલા સંવાદ તે જ્યારે વાંચતા હતા તે સ્ટાઇલ ચિમનલાલ દેસાઇને પસંદ પડી ગઇ હતી અને તેમને એ જ ફિલ્મની એ જ ભૂમિકા ભજવવાની ઓફર કરી હતી.આ ફિલ્મ હીટ થઇ હતી અને ત્યારબાદ તેમણે એક હી રાસ્તા, સિવિલ મેરેજ, સેવા સમાજ જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું.જ્યારે તેઓ મહેબુબ સ્ટુડિયો ગયા ત્યાં તેમણે સંસ્કાર ફિલ્મ માટે ગીતો પણ લખ્યા હતા.મહેબુબ ખાને ૧૯૪૦માં ઔરત નામની ફિલ્મ બનાવી હતી જેમાં તેમણે એક વ્યાજખોર શાહુકાર સુક્ખી લાલાની ભૂમિકા ભજવી હતી.જો કે આ ફિલ્મ સુધીમાં તો તેમણે ઘણી લોકપ્રિય ફિલ્મ કરી હતી પણ તેમ છતાં તેમને ભેદભાવનો શિકાર બનવું પડતું હતું જ્યારે તેઓ ઔરતમાં કામ કરતા હતા ત્યારે તેમનાં મેકઅપ માટે કોઇ મેકઅપમેન પાસે સમય રહેતો ન હતો આથી તેમનાં ચહેરા પર મેકઅપનાં નામે માત્ર એક મુંછ ચોંટાડવામાં આવતી હતી.જ્યારે આ વાત તેમણે સિનેમેટોગ્રાફર ફરીદૂન ઇરાનીને વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે ચિંતા ન કરો તમે એકદમ નેચરલ ખલનાયક લાગો છો તમારે મેકઅપની જરૂરત નથી હું આ જ રૂપમાં શોટ લઇશ અને જ્યારે તેમણે શોટ લીધા ત્યારે કન્હૈયાલાલે પોતાનો કમાલ બતાવ્યો હતો.તેઓ માનતા હતા કે અભિનેતાને યાદગાર બનાવનાર બાબત માત્ર સંવાદ જ હોય છે અને ઔરતમાં તેમનાં પાત્રને યાદગાર બનાવવામાં વજાહત મિર્જાનાં સંવાદોએ પણ મદદ કરી હતી.કહેવાય છે કે વજાહત મિર્જાએ જ તેમને આ ભૂમિકા અપાવી હતી.આ ફિલ્મની તેમની સુક્ખીલાલાની ભૂમિકામાં તેમણે અભિનયનાં એવા ઓજસ પાથર્યા હતા કે સમીક્ષકોથી માંડીને સામાન્ય દર્શકો આફરીન પોકારી ગયા હતા.મહેબુબને તો તેમની એક્ટિંગ એટલી પસંદ પડી હતી કે જ્યારે તેમણે વર્ષો બાદ આ ફિલ્મની રિમેક બનાવી ત્યારે મોટાભાગનાં પાત્રોને રિપ્લેસ કરાયા હતા પણ કન્હૈયા લાલને એ જ ભૂમિકા માટે રિપીટ કરાયા હતા.આ ફિલ્મ માટે નરગીસ બાદ સૌથી વધારે ફી કન્હૈયા લાલને જ અપાઇ હતી આ ફિલ્મની ભૂમિકા માટે તેમણે માથામાં ટકો કરાવી નાંખ્યો હતો.આ ફિલ્મ જ્યારે રિલીઝ થઇ ત્યારે લોકોએ તેમનાં ઘર પર પત્થરો વરસાવ્યા હતા અને કન્હૈયાલાલે આ પત્થરને એવોર્ડ સમાન ગણાવ્યા હતા.જો કે તેમણે માત્ર નેગિટિવ ભૂમિકાઓ ભજવી છે એવું નથી તેમણે કેટલાક પોઝિટીવ પાત્રો પણ ભજવ્યા હતા જેમાં ૧૯૪૧માં આવેલી ફિલ્મ બહેનમાં એક સજ્જન પોકેટમારની ભૂમિકા ભજવી હતી આ ફિલ્મમાં તેમનાં ભાગે ગણીને ચાર સીન આવ્યા હતા પણ તેમનું કામ જોઇને ચારનાં ચૌદ સીન કરાયા હતા.૧૯૪૧માં તેમણે રાધિકામાં મંદિરનાં પુજારીની ભૂમિકા ભજવી હતી તો તક ૧૯૪૪માં લાલ હવેલીમાં કોમેડીયન તરીકે કામ કર્યુ હતું.આ જ પ્રકારની ભૂમિકા તેમણે ૧૯૬૬માં આવેલી બિરાદરીમાં નિભાવી હતી આ ફિલ્મમાં બે ગીતોમાં તેઓએ ડાન્સ પણ કર્યો હતો.આવું જ એક ગીત જાનેબહારનું માર ગયો રે રસગુલ્લા ઘુમાઇ કે પર પણ તેમણે ઠુમકા લગાવ્યા હતા.સત્યમ શિવમ સુંદરમમાં તેઓ પરદા પર યશોમતિ મૈયા સે બોલે નંદલાલા અને મેરી સુરત તેરી આંખેમાં એક મ્યુઝિક ટીચર તરીકે પુછો ન કૈસે મૈને રૈન બિતાઇ ગાતા નજરે ચડ્યા હતા.ગંગા જમુના, ધરતી કહે પુકાર કે અને દુશ્મનમાં પણ તેમની ભૂમિકા પોઝિટીવ હતી.જો કે તેઓ પરદા પર ભલે સારા વ્યક્તિ તરીકે આવતા પણ તેમણે ખલનાયક તરીકે લોકોનાં મનમાં એવી છાપ છોડી હતી કે લોકોને લાગતું હતું કે આ માણસ જરૂર કશીક કારસ્તાની કરશે.આ એ સમય હતો જ્યારે દેશમાં હજી શહેરીકરણ પુરેપુરૂ શરૂ થયું ન હતું હજી ગામડાની રીતભાત લોકોમાં ઉંડે ઉતરેલી હતી તેવામાં તેમનાં જેવા લાગતા લોકો આસપાસ વધારે નજરે ચડતા હતા અને આ કારણે જ તેમનાં પાત્રો હંમેશા સફળ રહ્યાં હતા.ઉપકાર ફિલ્મમાં તેમણે ભારત કે ઘરમે મહાભારત ડાયલોગ તેમણે જ લખ્યો હતો.૪૫ વર્ષની કારકિર્દીમાં તેમણે ૧૫૫ ફિલ્મોમાં કામ કર્યુ હતું.આ ફિલ્મોમાં હમલોગ, દાગ, અમાનત, મધર ઇન્ડિયા, પરખ, ગંગા જમુના, ઘરાના, સૌતેલા ભાઇ, ભરોસા, ગૃહસ્થી, હિમાલય કી ગોદમે, ઉંચે લોગ, ગબન, દાદી માં, રામ ઔર શ્યામ, ઉપકાર, બંધન, જીવન મૃત્યુ, બનફુલ, અપના દેશ, આનબાન, સત્યમ શિવમ સુંદરમ, જનતા હવાલદાર,હમ પાંચ ઉપરાંત ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હતું.
વ્યક્તિગત જીવનની વાત કરીએ તો કન્હૈયાલાલે માત્ર પંદર વર્ષની વયે લગ્ન કર્યા હતા પણ પચ્ચીસ વર્ષની વયે તેમની પત્નીનું દેહાંત થઇ ગયું હતું.તેમણે બીજા લગ્ન કર્યા પણ જ્યારે તેમનાં પુત્ર પ્રભુલાલનું અકાળે અવસાન થયું ત્યારે તેમની પત્નીનું માનસિક સ્વાસ્થ્ય કથળ્યું હતું અને તેની અસર કન્હૈયાલાલનાં જીવન પર પણ પડી હતી.પાન ખાવાની લત તો હતી જ તે ભાંગનું પણ સેવન કરતા હતા અને ત્યારબાદ દારૂનો સાથ પક્ડયો જે જીવનનાં અંત સુધી છુટ્યો ન હતો.અસ્થમાને કારણે તેમને બ્રાંડીની લત લાગી હતી જે ત્યારબાદ દારૂમાં તબદિલ થઇ હતી ઘણીવાર તો તેઓ સેટ પર પણ નશામાં જ પહોંચી જતા હતા પણ અભિનય સાથે એટલો લગાવ હતો કે ક્યારેય તેમનાં ડાયલોગ તે ભૂલતા ન હતા પણ જો સાથી કલાકાર કોઇ ભૂલ કરે તો તેઓ સંભાળી લેતા હતા.૧૪ ઓગસ્ટ ૧૯૮૨માં તેમણે આ દુનિયાને અલવિદા કરી હતી.જ્યારે તેઓ જીવતા હતા ત્યારે તેમનાં વિના કલાજગતની મહેફિલ અધુરી મનાતી હતી.તેમણે સ્ટારડમ પણ જોયું હતું અને ખુબ નાણાં પણ કમાયા હતા પરંતુ ક્યારેય તેમણે ના તો સ્ટાર જેવા નખરા કર્યા હતા ના તો તેમણે કોઇ ફિજુલખર્ચી કરી હતી તે હંમેશા બસમાં જ સફર કરતા હતા.તેઓ ધોતી, કુરતો જેકેટ અને ટોપી તથા હાથમાં છતરી સાથે જ રહેતા હતા.આ તેમની ટ્રેન્ડમાર્ક સમાન સ્ટાઇલ બની ગઇ હતી.એક ઇન્ટર્વ્યુમાં તેમણે કહ્યું હતું કે મોતીલાલનાં પિતાની ભૂમિકા કરનાર એક કલાકાર સેટ પર હાજર ન હતા અને આ ભૂમિકા માટે તેમને કહેવાયું હતું જે તેમના માટે એક તક હતી પણ ત્યારે સેટ પર હાજર રહેલા અન્ય લોકોને તેમનાં પર વિશ્વાસ ન હતો કે તે એ ભૂમિકા કરી શકશે કારણકે તેમને એક પાનું ભરીને સંવાદ અપાયો હતો પણ અભિનયનો કીડો સળવળતો હતો એટલે તે કામ તેમણે એવી રીતે પાર પાડ્યું કે લોકોએ વાહ પોકારી હતી.કન્હૈયાલાલ મુન્સીની ઝુલબનનું દિગ્દર્શન સર્વોત્તમ બદામીએ કર્યુ હતું અને મોતીલાલ અને સબિતા દેવીએ તેમાં અભિનય આપ્યો હતો.આ ફિલ્મ માટે તેમનાં પગારમાં દસ રૂપિયાનો વધારો થયો હતો અને મહિને પાંત્રીસને બદલે પિસ્તાલિસ આપવાનું નક્કી થયું હતું.સાધનામાં તેમને દાદાની ભૂમિકા અપાઇ હતી જે સાગર મુવીટોને બનાવી હતી.આ ફિલ્મમાં તેમનાં દોહિતની ભૂમિકામાં પ્રેમ અદીબ હતાં.આ રોલ જ્યારે તેમણે કર્યો ત્યારે ભરયુવાનીમાં હતા અને આ ફિલ્મ બાદ તેમને આ પ્રકારનાં જ રોલ મળતા ગયા હતા.તેમનાં જીવનનાં પાસાઓને દર્શાવતી ફિલ્મ નામ થા કન્હૈયા એમ એક્સ પ્લેયર પર રીલિઝ થઇ છે જેમાં તેમનાં જીવન અંગે મહત્વપુર્ણ માહિતી આપવામાં આવી છે.