વિવિધલક્ષી માહિતીઓનું સુવ્યવસ્થિત આયોજન અને સંગ્રહ એટલે ડેટાબેઝ
દુનિયાભરના અઢળક વિષયોની ડિજિટલ લાયબ્રેરી કરતા એડવાન્સ
સમયાંતરે ડેટાબેઝની ઓથેન્ટિસિટીને લઈને થતા વિવાદ વચ્ચે સિક્યુરિટીના પાસાઓ પર એક નજર
અલ્લાદિનના ચીરાગ જેવા ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ એટલી મોટી સખળડખળ થાય છે કે ન પૂછો વાત. અહીં ચૂંટણી જેવો માહોલ ન હોવા છતા ટેકનોલોજીની અપડેટ્સ આવતા અનેક નિષ્ણાંતો દોડતા થઈ જાય છે. જ્યારે પણ ડેટાને લઈને વાત કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલા ફેસબુકનો વિવાદ જ સામે આવે છે. ડેટા અને ઈન્ફોર્મેશનમાં એક નાનકડો તફાવત અને ખૂબ નજીકની સામ્યતા છે. જે માહિતી કે વિષય અંગે ઈન્ટરનેટ પર શોધ કરવામાં આવે છે એ ઈન્ફોર્મેશન છે અને આવી જ માહિતીઓનો ડિજિટલી વ્યવસ્થિત રીતે સંગ્રહ એ ડેટા છે. આ ડેટા જે માળખામાં સચવાય છે એને ડેટાબેઝ કહેવાય છે. ગણતરીની સેકન્ડમાં મળી આવતા જવાબ, એના આવિષ્કારથી લઈને ઉત્પાદન સુધીની વાત એટલી વ્યવસ્થિત રીતે સર્વર્સમાં સચવાયેલી હોય છેકે, જાણે ડેટાના મલ્ટિ લેવલના શૉ રૂમમાં આવ્યા હોય. દુનિયાના કોઈ પણ વિષયની એક ટર્મીનોલોજી હોય છે. જેમા એના કેટલાક કોડ અને કી વર્ડ હોય છે. એના આધારે જે તે રીસર્ચ અને રો મટિરિયલ સુધી પહોંચી શકાય છે. જેમકે, ટ્રેન નંબર કરતા એનુ નામ ખબર હોય તો એના રૂટમાં વાયા સ્ટેશનથી જઈને ટ્રેક ક્યાં સુધી જાય એની ખબર હોય છે. પણ જે તે ટ્રેનની તમામ ટેકનોલોજી આપણને યાદ રહેતી નથી અને કોઈ રસ પણ લેતું નથી. કારણ કે પ્રક્રિયા જટિલ છે. આવી જ એક જટિલ પ્રક્રિયાની સરળ અને સીધી સમજ મેળવીએ આજના ડેટાબેઝના અંકમાંથી.
શું છે ડેટાબેઝ?
કોઈ પણ ડેટાનો સુવ્યવસ્થિત સંગ્રહ કરવા માટે એને જે તે કેટેગરી સાથે લિંકઅપ કરાય છે. જેમાં કોઈ એક એવી યુનિક વસ્તુ કે જે રીપિટ ન થવાની હોય એને આધાર રાખી જુદી જુદી પેટા કેટેગરી તૈયાર કરીને ટેબલ બનાવાય છે. આ ટેબલની ખાસ વાત એ હોય છે એમાં રીપિટેશનનો ચાન્સ ખૂબ જ ઓછો હોય છે. જ્યારે કોઈ ડેટાનું ફોર્મેટ નક્કી કરાય છે ત્યારે એની સાઈઝ અને માત્રા જાેઈને ફોર્મેટની પસંદગી કરાય છે. જેમ કે ૨૦ જીબીના ડેટાનું ફોર્મેટ મેન્યુઅલી કરવું શક્ય નથી. આ સમયે ડેટાબેઝનો ઉપયોગ થાય છે.
ડેટા કેવી રીતે સચવાઇ છે?
આટલો બધો ડેટા સચવાય છે કેવી રીતે? તે સૌથી મોટો પ્રશ્ન છે. આ માટે કોઈ માણસ નહીં પણ ટેકનિક કામ કરે છે. જેને ડાયનામાઈક ક્વેરી કહેવાય છે. ઈન્ટરનેટની પાછળ દિમાગ જેવું કામ આ ડેટાબેઝ કરે છે. ડેટાબેઝની સંજ્ઞા ડીબી છે. જેમાં કોઈ પણ વિષય લક્ષી માહિતી એક ચોક્કસ ફોર્મેટમાં સચવાયેલી હોય છે. જે રીતે પુસ્તકને વ્યવસ્થિત રીતે ગોઠવીને રખાય છે. એ રીતે આ ડેટા ગોઠવાયેલો હોય છે. આ માટે ચોક્કસ પ્રકારના સોફટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. જે પછીથી હાર્ડડિસ્કમાં સચવાય છે. આ ફોર્મેટ એવું હોય છે જેમાં તમે સરળતાથી ફેરફાર અને ઉમેરો કરી શકો છે. દરેક સંસ્થા કે કંપનીનો એક અલગ ડેટાબેઝ હોય છે. આ સમગ્ર સિસ્ટમને ડીબીએમએસ એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કહે છે. જેના ફિચર્સ જુદા જુદા સોફટવેર અનુસાર અલગ અલગ હોય છે.
ડેટાબેઝના જાણીતા સોફટવેર
- ડીબેઝ : સૌ પ્રથમ આ સોફટવેર ખાસ વિષય લક્ષી માહિતીને સાચવવા માટે તૈયાર થયું હતું. જેમાં આંકડકીય માહિતી વધારે હતી. જ્યારે માઈક્રોકોમ્પ્યુટર ઉપયોગમાં લેવાતા ત્યારથી એનો ઉપયોગ થતો. પછી સમયાંતરે સોફટવેરમાં અપડેશન થતું ગયું. જેમાં સર્ચ એન્જિન, ક્વેરી, ફોર્મ અને ક્વિકરન જેવા ફીચર્સ આપવામાં આવે છે. આ માટે એક પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ થાય છે. પણ આ સોફટવેર થોડું જૂનું છે. જેની ફાઈલનું એક્સટેન્શન ડીબીએફ હોય છે. એશટોન ટેલ નામની એક કંપનીએ આ સોફટવેર તૈયાર કર્યુ હતું. ૧૯૮૦ના દાયકામાં તેનો ઉપયોગ થતો. ત્યાર બાદ એપલ અને આઇબીએમમાં એનો ઉપયોગ થવા લાગ્યો. જે બંને એ સમયમાં ડોઝ સિસ્ટમથી ચાલતા હતા.
- ફોક્સપ્રો : આ એક એવો સોફટવેર છે જે ટેક્સ્ટ બેઝ પ્રોસિજર માટે ખાસ પ્રોગ્રામિંગની મદદથી કામ કરે છે. જેમાં ઓબજેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો ઉપયોગ થાય છે. જે પછીથી એમએસ ડોઝ, વિન્ડોઝ અને યુનિક્સમાં પણ ઉપયોગમાં લેવાયું. પણ કેટલીક ટેકનિક વસ્તુને કારણે વર્ષ ૨૦૦૭માં એનું ઉત્પાદન બંધ કરી દેવાયું છે.
- આઇએમએસ : આ સિસ્ટમને સૌથી બેસ્ટ માનવામાં આવે છે, કારણ કે સમગ્ર ડેટા અહીં હાઈરાઈકલ મોડલમાં સેવ થાય છે. એટલે પેરેન્ટ અને પછી એના ચાઈલ્ડ. આ ડેટાબેઝનું મોડલ બીજા કરતા ઘણી રીતે અલગ છે. ઉપયોગમાં સરળતા, સમજવામાં સરળતા અને સારી એવી સિક્યુરિટીને કારણે એનું નામ આજે પણ ચર્ચામાં છે. પ્રોગ્રામ ડિવાઈસ અને બિઝનેસ ડેટા એમ બંને પ્રકારનો ડેટા એક સાથે સંગ્રહ કરી શકે છે.
- ઓરેકલ : ઓરેકલને આરડીબીએમએસ પણ કહેવાય છે. આ એક ઓબ્જેક્ટ રિલેશનલ ડેટાબેઝ છે. જે ચોક્કસ ઓટો ફોર્મેટ અને ક્વેરી ફોર્મેટમાં કામ કરે છે. અહીં સર્વર ટેકનોલોજીને પણ એમબેડ કરી હોવાથી ક્યારેક સર્વર પર ઓરેકલ સિસ્ટમ આધારિત હોય છે. આમા ડેટાએન્ટ્રી ચોક્કસ હોવી અનિવાર્ય છે. કારણ એક ભૂલ પડી તો એનું એડિટિંગ કરવું ઘણું પ્રોગ્રામિંગ માગે છે. ઓરેકલ કોર્પોરેશને આ સોફટવેર તૈયાર કર્યો છે. જેની પાછળ લેરી એલિસન અને તેના બે મિત્રોનું દિમાગ છે.
- એમવાયએસક્યુએલ : એક ઓબજેક્ટ ઓરિયેન્ટેડ ડેટાબેઝ સિસ્ટમ છે. જેની શરૂઆત માઈકલ વિડેનિયસે કરી હતી. એસક્યુએલનું આખું નામ સ્ટ્રચર્ડ ક્વેરી લેંગ્વેજ થાય છે. ૧૯૯૫માં આ સોફટવેર સૌથી વધારે માર્કેટમાં ચર્ચિત હતું. હવે આ ટેકનોલોજીની માલિક ઓરેકલ કોર્પોરેશન છે. ડેટાએન્ટ્રી જેટલી એક્યુરેટ કરવામાં આવે એટલો ડેટા ચોક્કસ અને પરિણામ પણ બેસ્ટ મળે છે. પણ જાે એક પણ સ્પેલિંગ ખોટો પડે તો માહિતી બીજાના નામે ચડી જતા વાર લાગતી નથી.
મુખ્ય મોડલ
કોઈ પણ ડેટાબેઝ ત્રણ મોડલ પર કામ કરતું હોય છે. હાઈરાઈકલ મોડલ, નેટવર્ક મોડલ અને રિલેશનલ મોડલ. કારણ કે એક ચોક્કસ લોજિકના આધારે ડેટાને સેવ કરવામાં આવે છે. આ માટે ખાસ એક લોજિકલ સ્ટ્રક્ચરને ફોલો કરવાનું રહે છે. જેમ કે, બેન્કમાં આંકડાકીય માહિતી વધારે હોય તો નામ કરતા ગ્રાહકનું આઈડી યાદ હોય તો ઝડપથી સર્ચ થાય છે. બીજી તરફ કંપનીમાં એક જ નામ ધરાવતા બે ત્રણ લોકો હોય ત્યારે રીપિટેશન વાળો મુદ્દો આવે છે. પણ અહીં એમના આડી અલગ અલગ રહેવાના, પિતાના નામ કે સરનારા જુદા રહેવાના, બ્લડગ્રૂપ કે કંપનીમાં પોસ્ટ જુદી રહેવાની. આ કેટેગરીમાં હવે રેટિના સ્કેન અને ફિંગર પ્રિન્ટ ટેકનોલોજી આવતા મેચિંગ થવાનો કે રીપિટ થવાનો કોઈ ચાન્સ જ નથી. મોડલ જેટલું મોટું એટલી ડેટાની જરૂરિયાત વધારે. આ ઉપરાંત કેટેગરી પણ વધારે હોય ત્યારે ડેટાની એક્યુરેસી વધારે હોવી અને ડેટા વધારો હોવો જાેઈએ. કારણ કે આ એક સર્વર સાથે જાેડાયેલી ટેકનોલોજી છે.
હાઈરાઈકલ મોડલ : આ મોડલમાં સમગ્ર સ્ટ્રક્ચર ટ્રી ફોર્મેટમાં હોય છે. જે રીતે એક ટ્રીમાં એક ડાળી હોય અને પાન હોય છે એ રીતે દરેક રેકોર્ડ સચવાયેલા છે. જેના રૂટ અલગ હોય છે.
નેટવર્ક મોડલ : અત્યારના ટેકનોલોજીના યુગમાં આ મોડલને સૌથી પાવરફૂલ મનાય છે. પણ મર્યાદા એ છે કે, તે ખૂબ જ જટિલ છે. તેના દરેક નોડ અંદરથી લિંક થયેલા હોય છે. અહીં દરેક રેકોર્ડનું લિંકિંગ હોય છે.
રિલેશનલ મોડલ : આ મોડલને સૌથી પાવરફૂલ માનવામાં આવે છે. જે ખૂબ જ ફલેક્સિબલ છે અને ટેબલ ફોર્મેટ હોવાથી સમજવામાં સરળ પડે છે. જેમાં એક કરતા વધારે ટેબલ એકબીજા સાથે જે તે ફિચર્સને લઈને કનેક્ટેડ હોય છે. જેમ કે, કોર્ષનું નામ કોર્ષના આઈડી સાથે કનેક્ટ હોય તો સીધા કોડ નાખવાથી કોર્ષની માહિતી મળી રહે.
મુખ્ય કોમ્પોનેટ
- યુઝર
- ડેટાબેઝના એડમિન
- એપ્લિકેશન પ્રોગ્રામ
- મેન્યુપલેશન
કી વર્ડ
ઑપેરશન : ઈન્સર્ટ, ડીલીટ, અપડેટ, સર્ચ
ઈન્સર્ટ : જેનું નામ એવું કામ, ડેટાબેઝમાં જે તે રેકોર્ડ એડ કરવાનું કામ કરે છે.
ડીલિટ : ટેબલમાંથી રેકોર્ડ કાઢવાનું કામ કરે છે.
અપડેટ : જે તે હયાત રેકોર્ડમાં સુધારા વધારા કરી શકાય છે.
સર્ચ : જે તે રેકોર્ડને સર્ચ કરી શકાય છે.
ફાયદા
- કોઈ પણ ડેટાને સુવ્યવસ્થિત રીતે સાચવી શકાય છે.
- દરેક રેકોર્ડ સાથે એનો ટાઈમિંગ હોય છે એટલે તારીખ વાર યાદ રાખવા નથી પડતા
- કોઈ એક રેકોર્ડની એકથી વધારે કેટેગરી હોય ત્યારે વસ્તુ સાચવવી સરળ પડે.
- મોટી સંખ્યામાં રેકોર્ડ હોય ત્યારે કાગળની જરૂરિયાત ઓછી કરી શકાય છે
- સરળતાથી પ્રાપ્ય સોફટવેરમાં કોઈ પણ ક્વેરી ફાયર કરાવી શકાય
- ઈન્ટરનેટ કનેક્ટિવિટી હોવાને કારણે ગમે ત્યાં ગમે ત્યારે એક્સેસ કરી શકાય.
- દરેક રેકોર્ડની એક્યુરેસી જાળવી શકાય
- રેકોર્ડમાં ઓથેન્ટિકેશન મળે એટલે તે પ્લેઝર બુક જેવું કામ કરે છે.
- સ્પીડ અને સરળતા બંને મળતી હોવાથી ગમે વસ્તુના ટેબલ્સ બનાવી શકાય છે.
મર્યાદા
- ડેટા એન્ટ્રી કરવાનો કંટાળો આવે જ્યારે કેટેગરી વધારે અને વિષય ઓછા હોય
- ડેટા એન્ટ્રી વખતે રીપિટેશન થવાનો સૌથી મોટો ખતરો
- એકથી વધારે ડુપ્લિકેટ એન્ટ્રી હોય તો ઓથેન્ટિકેટ કરવામાં મહામુશ્કેલી પડે
- રેકોર્ડમાં ખામી હોય તો સર્ચનું પરિણામ ખોટું પડે
- જટિલ હોવાને કારણે એકથી વધારે કોમોડિટીનું લીસ્ટિંગ ન થઈ શકે
- ડેટા કોપી કરેલો હોય ત્યારે કામ આવતું નથી. પણ દર વખતે મેન્યુઅલી એન્ટ્રી મારવી પણ શશ્ય નથી હોતી
- સમય માગી લે એવું કામ છે.
- એક લિંક તૂટે તો બીજા કેટલાક સંબંધી રેકોર્ડને માઠી અસર થઈ શકે