લવ યુ યાર ભાગ-77
"મારે તો મારા મિત અને સાંવરીને અહીં જ બોલાવી લેવા છે મારી પાસે..."અલ્પાબેન નર્વસ થઈ ગયા હતા અને પોતાના પતિ કમલેશભાઈને સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા હતા...તેમનાથી એક ડૂસકું ભરાઈ ગયું...પરંતુ કમલેશભાઈની ઈચ્છા તેમ કરવાની બિલકુલ નહોતી...માટે તે અલ્પાબેનને સમજાવી રહ્યા હતા કે..."આપણે એમ બીકના માર્યા આપણા છોકરાઓને પાછા નથી બોલાવવાના એ ત્યાં જ રહેશે અને બિઝનેસ પણ કરશે અને તૈયાર કરેલો માલ વેચી પણ દેશે અને જે આપણને હેરાન કરે છે તેને પકડી પણ પાડશે મારી પુત્રવધુ સાંવરી ઉપર અને મારા દિકરા ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે...હિંમતે મર્દા તો મદદે ખુદા......અને કમલેશભાઈની ડહાપણભરી વેપારી બુધ્ધિની વાતોથી અલ્પાબેનમાં હિંમત પણ આવી ગઈ અને તે મક્કમ અને મજબૂત પણ બનવા લાગ્યા...
સોનલબેન પણ સાંવરીને સાંત્વના આપવા લાગ્યા અને તેને સમજાવવા લાગ્યા કે, "જે ખરાબ થવાનું હતું તે થઈ ગયું હવે બધુંજ સારું થશે, ભગવાને કેવો સરસ દિકરો આપ્યો છે તને, કાલે સવારે મોટો થઈ જશે." અને સાંવરીએ, એક મા એ, પ્રેમથી પોતાના લાડકવાયાને હાથમાં લીધો અને તેને પપ્પીઓ કરવા લાગી અને જાણે તેનામાં મસ્ત બનીને દુનિયાભરનું બધુંજ દુઃખ ભૂલવા લાગી.... મા બનવાનું સૌભાગ્ય અને સુખ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ સુખ છે...
મિતાંશ પરમેશની સાથે પોતાની ઓફિસે પહોંચી ગયો અને જે માલ તેણે તૈયાર કરાવ્યો હતો તે વેચવા માટે તે ખરીદી શકે તેવી જે જે કંપની હોય તેનું તેણે પરમેશ પાસે એક લિસ્ટ તૈયાર કરાવી દીધું. અને તે લિસ્ટ પ્રમાણે બધાને ફોન અને ઈમેઇલ કરાવવાનું પણ શરૂ કરી દીધું જેથી તે માલ મોડો વહેલો વેચાઈ જાય.
મોટા ભાગનું બધું જ કામ પતાવીને મિતાંશ જમવા બેસવાની તૈયારી કરતો હતો ત્યાં તેનાં ડેડીનો ફોન આવ્યો કે, "બેટા આ બધું જે આપણી સાથે બન્યું તે કરાવવા માટે મને એક વ્યક્તિ ઉપર ડાઉટ લાગે છે.""કોની ઉપર ડેડી?" મિતાંશે સ્વાભાવિકપણે જ પૂછી લીધું...બહુ વર્ષો પહેલાંની વાત છે આશરે પચીસેક વર્ષ પહેલાંની...."મેં જ્યારે આ પેકેજીંગ મટીરીયલ્સનો બિઝનેસ શરૂ કર્યો ત્યારે મારો એક ફ્રેન્ડ કેયૂર જાની કરીને હતો અમે બંને ખૂબ સારા મિત્રો હતા લગભગ કોલેજકાળથી અમે બંને મિત્રો હતા... પછીથી અમે બંને છૂટાં પડી ગયાં હતાં પરંતુ અમારી મુલાકાત એક બિઝનેસ પાર્ટીમાં થઈ હતી... અને અચાનક મળ્યાનો એ આનંદ અનેરો હતો...બસ પછી તો બધી બહુ જૂની કોલેજકાળની વાતો નીકળી અને એ યાદ કરી કરીને અમે બંને ખૂબ જ ખુશ થયા હતાં...પછીથી અમારી બંનેની વચ્ચે થોડી બિઝનેસની ચર્ચા પણ થઈ હતી... ત્યારે ખબર પડી કે અમારા બંનેનો ધંધો અલગ અલગ છે પરંતુ ધંધાની લાઈન એક જ છે...અને એ દિવસે મેં તેને આપણાં નવા બિઝનેસમાં પાર્ટનરશીપ માટે ઓફર આપી હતી...
તેણે પણ સહર્ષ મારી ઓફરનો સ્વિકાર કર્યો હતો અને શરૂઆતમાં અમે બંનેએ સાથે આ બિઝનેસ શરૂ કર્યો હતો પરંતુ પછીથી વધારે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું થયું એટલે તેણે મને ઉપરના પૈસા આપવાની ના પાડી અને એટલા જ પૈસામાં મારો પચાસ ટકા ભાગ રાખ તેવો તેનો આગ્રહ હતો પરંતુ મેં તેમ કરવાની તેને ચોખ્ખી "ના" પાડી દીધી હતી અને ત્યારે અમારી બંનેની વચ્ચે થોડી અનબન થઈ હતી... અને ત્યારે એ ભાગીદારીના ધંધામાંથી તેના પૈસા મેં તેને પરત આપીને તેનો ભાગ છૂટો કરી દીધો હતો...
અને મેં મારી પોતાની સૂઝબૂઝથી આપણો એકલાનો જ આગવો ધંધો ચાલુ રાખ્યો હતો પરંતુ આ વાતને તો વર્ષો વીતી ગયા બેટા...
અને સમય જતાં આ વાત તો હું ભૂલી જ ગયો હતો... અને આટલા વર્ષો પછી તેણે આપણી સાથે આવું કંઈક કર્યું હોય તેવું માનવું પણ શક્ય નથી....પણ કદાચ તેણે આ વાતનો ખાર પોતાના મનમાં રાખ્યો હોય અને મારી સાથે જૂનો બદલો લેવાના ઈરાદાથી આજે આટલા બધા વર્ષો પછી પણ તેણે આપણી સાથે આવું કંઈક કર્યું હોય તો ખબર નહીં..." કમલેશભાઈ એક જ શ્વાસે બધું જ બોલી ગયા હતા...
મિત શાંતિથી પોતાના ડેડીની વાતો સાંભળી રહ્યો હતો, "પણ સાંભળો ડેડ, જે હોય તે હમણાં આપણે આ બાબતે કોઈ ચર્ચા કે કોઈ પોલીસ કમ્પલેઈન કરવાની નથી કારણ કે જે પણ છે તે પડદા પાછળ રહીને આપણી ઉપર છૂપો ઘા કરે છે અને મને તેણે મારી નાખવાની અને તમને પણ મરાવી નાખવાની ધમકી આપી છે આપણે તેનાથી ડરીને બેસી નથી જવાનું પરંતુ હમણાં આપણે તેને પકડી શકીએ તેમ નથી માટે અત્યારે આપણે ચૂપ જ બેસી રહેવાનું છે અને વખત આવ્યે તેની ઉપર ઘા કરવાનો છે અત્યારે તો હું અને સાંવરી આ માલ કઈરીતે ઠેકાણે પાડવો તેની જ ચિંતામાં ડૂબેલા છીએ અને તે થઈ પણ જશે. તમે સ્હેજ પણ ચિંતા કરશો નહીં ઈશ્વર આપણી સાથે છે. આટલો બધો માલ તૈયાર કરાવવામાં ઈશ્વરે આપણને સાથ આપ્યો છે તો તેને વેચવા માટે પણ તે સાથ આપશે જ..અને આપણે મહેનત કરી છે તો તે ઉગી જ નીકળશે."આ બાબતે તે મક્કમ હતો...અને તેણે ફોન મૂક્યો અને પોતાનું ટિફિન ખોલીને જમવા બેસી ગયો આજે તેની સાંવરીએ તેને માટે કોબીજ નું શાક, રોટલી અને ગાજરનો હલવો બનાવ્યા હતા. જમતાં જમતાં તેણે ફેસબુક ખોલ્યું અને તે આ કેયૂર જાની કોણ છે અને હાલમાં તે ક્યાં છે અને શું કરે છે? તે શોધવા લાગ્યો...વધુ આગળના ભાગમાં....~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 17/2/25