"આપણે હમણાં આ વાતને ભૂલી જ જવી છે અત્યારે આ માલ જે તૈયાર થઈ ગયો છે તે વેચવામાં પડી જવું છે અને ત્યાં સુધી તમે બરાબર સાજા થઈ જાવ ડેડી અને જરા મનમાં શાંતિથી વિચારજો કે તમારી ક્યારેય કોઇની સાથે કંઈ દુશ્મની કે કંઈ બોલચાલ થઈ હોય એવું કંઈ થયું હતું ખરું? આ વ્યક્તિ જેણે આપણી સાથે આવું કર્યું તેની આપણી સાથે નક્કી કોઈ દુશ્મની હોવી જોઈએ ડેડી."કમલેશભાઈ શાંતિથી મિતાંશની આ વાત સાંભળી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે, કદી કોઈની સાથે દુશ્મની તો થઈ નથી તો પછી આ કોણ હશે જેણે આમ કર્યું અને "શાંતિથી સાચવીને રહેજો બેટા" એમ કહીને તેમણે ફોન મૂક્યો પરંતુ તેમનું મગજ વિચારે ચડી ગયું કે, કોણ હશે આવું ખતરનાક માણસ જેણે અમારી સાથે આવું કર્યું....!! એ રાત્રે તેમને જરાપણ ઊંઘ આવી નહિ તે આખી રાત તે પડખાં ફેરવતાં રહ્યા અને વિચારતા રહ્યા કે કોણ છે આ માણસ જેણે મારા મિતાંશને કીડનેપ કર્યો અને અમને બંનેને મારી નાખવાની ધમકી પણ આપી...?બીજે દિવસથી સાંવરીએ મિતાંશને સ્પષ્ટ શબ્દોમાં એકલા ઓફિસે નહીં જવા અને એકલા ઘરે પાછા નહીં આવવા જણાવ્યું હતું એટલે પરમેશને લઈને મિતાંશ ઓફિસે જવા માટે નીકળ્યો.સાંવરીની મમ્મીએ આ બધીજ વાતો સાંભળી લીધી હતી એટલે તે અને સાંવરી એકલા ઘરમાં હતા ત્યારે સાંવરીની મોમ સોનલબેન સાંવરીને કહી રહ્યા હતા કે, "જોયું ને એકદમથી કેવું થઈ ગયું તે.. કિસ્મતનું પાનું ફરતાં વાર નથી લાગતી..! ક્યારે શું થાય તે કશુંજ કહી શકાતું નથી.. ગયા ને તારા બધાજ દાગીના?"પોતાની મમ્મીને વચ્ચે જ અટકાવતાં સાંવરી બોલી કે, "શું મમ્મી તું પણ દાગીના વેચી ઓછા દીધાં છે? કાલે છોડાવી લઈશું.. બિઝનેસમાં તો નફો પણ થાય અને નુકસાન પણ થાય એટલે એવું બધું વિચારવાનું ન હોય અને તું ચિંતા ના કરીશ આ તારી છોકરી બહુ હોંશિયાર છે ગમે તેમ કરીને માલ વેચી દેશે અને તેના પૈસા ઉભા કરી દેશે..""બેટા, જેટલું બોલવું સહેલું છે ને તેટલું જ કરવું અઘરું છે સમજી તું?""મોમ, તું મારી સાથે જ છે ને, તું જોજે ને છ મહિનામાં આ બધુંજ દેવું દૂર થઈ જશે અને મારા દાગીના પણ પાછા આવી જશે."અને સોનલબેને એક ઉંડો નિસાસો નાંખ્યો અને બોલ્યા, "એવું થાય તો સારું ને બેટા.."અને તેમની આંખમાં ઝળઝળીયાં આવી ગયા...સાંવરી પણ પૂરા વિશ્વાસથી બોલી રહી હતી કે, "એવું જ થશે મા." અને સોનલબેનની આંખમાં પાણી આવેલું પાણી જોઈને પોતાની મા ને વળગી પડી... અને તે પણ રડવા લાગી...પોતાની મોમને રડતાં જોઈને જાણે હિંમત હારી ગઈ હતી... સોનલબેને પોતાની સાંવરીને હ્રદય સોંસરવી ચાંપી લીધી...સાંવરી ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી અને સોનલબેન પણ રડી રહ્યા હતા અને એટલામાં સાંવરીનો નાનો લાડકવાયો લવ ઉઠી ગયો અને સોનલબેન તેને લેવા દોડ્યા સાંવરી ઉભી થઈ પાણી પીધું અને પોતાનું મોં ધોવા લાગી. સોનલબેન પણ લવને પોતાના હાથમાં લઈને ડ્રોઈંગ રૂમમાં આવ્યા અને સાંવરીએ તેમને પણ પાણી આપ્યું અને તે સાંવરીને કહેવા લાગ્યા કે, "જે ખરાબ થવાનું હતું તે થઈ ગયું હવે બધુંજ સારું થશે બેટા, ભગવાને તને કેવો સરસ દિકરો આપ્યો છે.. કાલે સવારે મોટો થઈ જશે." અને સાંવરીએ પોતાના લાડકવાયાને હાથમાં લીધો અને તેને પપ્પીઓ કરવા લાગી અને જાણે તેનામાં મસ્ત થઈને દુનિયાભરનું બધુંજ દુઃખ ભૂલવાની કોશિશ કરવા લાગી....આ બાજુ અલ્પાબેન અને કમલેશભાઈ બંને પોતાના દિકરાની અને વહુની ચિંતામાં ડૂબી ગયા હતા...અને અલ્પાબેન તો વળી કમલેશભાઈને એમ પણ કહેવા લાગ્યા કે, "આપણાં મિત અને સાંવરીને આપણે પાછા અહીં ઈન્ડિયામાં જ બોલાવી લઈએ મારે મારા છોકરાઓને મારાથી દૂર નથી રાખવા...પૈસા તો કાલે કમાઈ લેવાશે પણ મારા દિકરાને કશુંક થઈ જશે તો..?અને વળી આપણા ઘરમાં શું ખોટ છે અને આપણો બિઝનેસ પણ અહીંયા સારો જ ચાલે છે ને...જે નુકસાન થયું તે...પણ હવે મારે વધારે નુકસાન થાય તેવું નથી કરવું...મારે તો મારા મિત અને સાંવરીને અહીં જ બોલાવી લેવા છે મારી પાસે..."અને તેમનાથી એક ડૂસકું ભરાઈ ગયું...કમલેશભાઈ પણ પોતાની પત્નીની લાગણી સમજી શકતા હતા પરંતુ તેમનું વેપારી મગજ એમ કરવાની ના પાડી રહ્યું હતું...તે પોતાની પત્નીને શાંતિથી સમજાવવા લાગ્યા કે, "બધું જ બરાબર થઈ જશે.. તું ચિંતા ન કરીશ.. જેણે આપણી સાથે આવો ખતરનાક ખેલ ખેલ્યો છે તે પણ પકડાઈ જશે..અને ધંધાના નુકસાનની તો મને ચિંતા જ નથી એ તો ધંધો કરીએ તો ફાયદો પણ થાય અને નુક્સાન પણ થાય તમારે તેની તૈયારી રાખવી જ પડે...હવે રહી વાત છોકરાઓને અહીં ઈન્ડિયામાં પાછા બોલાવવાની તો એ શક્ય નહીં બને.. આપણે એમ બીકના માર્યા આપણા છોકરાઓને પાછા નથી બોલાવવાના એ ત્યાં જ રહેશે અને બિઝનેસ પણ કરશે અને તૈયાર કરેલો માલ વેચી પણ દેશે અને જે આપણને હેરાન કરે છે તેને પકડી પણ પાડશે મને મારી પુત્રવધુ સાંવરી ઉપર અને મારા દિકરા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે..""પણ એવું ન બને તો...?" અલ્પાબેન હજી અવઢવમાં હતા..."એવું જ બનશે...અને નહીં બને તો આપણે ત્યાં જઈશું અને આપણાં છોકરાઓને મદદ કરીશું... હિંમતે મર્દા તો મદદે ખુદા.." અને કમલેશભાઈની ડહાપણભરી વેપારી બુધ્ધિની વાતોથી અલ્પાબેનમાં પણ હિંમત આવી ગઈ અને તે પણ મક્કમ અને મજબૂત બનવા લાગ્યા...કોણ હશે જેણે મિતાંશને કીડનેપ કર્યો હશે? તેની નાણાવટી ફેમિલી સાથે શું દુશ્મની હશે? શું તેને કમલેશભાઈ કે મિતાંશ કે પછી સાંવરી શોધી શકશે? મિતાંશે જે માલ તૈયાર કરાવીને રાખ્યો તે શું મિતાંશ અને સાંવરી મળીને વેચી શકશે કે પછી તેમની કંપની દેવામાં ડૂબી જશે?કમલેશભાઈના નિર્ધાર મુજબ જ થશે કે પછી તેમની આશા ફોગટ નિવડશે..?જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 3/2/25