જીવનમાં અણકલ્પેલા, અણધારેલા બનાવો અવારનવાર ટી.વી કે સમાચારમાં જાણવા મળે છે, જેમ કે, દાવાનળ ફાટી નીકળ્યો અને ભારે નુકસાન થઈ ગયું. પ્લેન ક્રેશમાં અનેક લોકો મરી ગયા. રોગની મહામારીમાં લાખો લોકો મૃત્યુ પામ્યા! મોટો બોમ્બ બ્લાસ્ટ થયો. કુદરતી હોનારતો જેમ કે, પૂર, ધરતીકંપ, વાવાઝોડાં થયા અને હજારો લોકો માર્યા ગયા! કેટલાય લોકો અકસ્માતમાં માર્યા ગયા. નિર્દોષ બાળક જન્મતાં જ કેમ અપંગ થયું? આવા અનેક પ્રસંગોથી હૃદય દ્રવી જાય અને ખૂબ મથામણ પછી પણ સમાધાન નથી મળતું. અંતે આપણે “સહુ સહુનાં કર્મો” એમ કરીને અસમાધાનને વરેલા ભારે મન સાથે ચૂપ થઈ જઈએ! આપણે કર્મો બોલીએ છીએ પણ ખરેખર કર્મ શું છે? કેવી રીતે બંધાય છે? કર્મમાંથી મુક્તિ મળી શકે? આ બધાની પાછળ કોઈ ગુહ્ય કારણ છૂપાયેલું હશે?
સામાન્ય રીતે લોકો કામ-ધંધો કરવો, સત્કાર્ય કરવું, દાન-ધરમ કરવું એ બધુ કર્મ કર્યું કહે છે. જયારે આત્મજ્ઞાનીઓ એને કર્મ નહીં પણ કર્મફળ કહે છે. જે પાંચ ઇન્દ્રિયોથી જોઈ શકાય, અનુભવી શકાય એ બધું કર્મફળ કર્મ કહેવાય. ગયા ભવમાં જે કર્મ બાંધ્યું હતું, ચાર્જ કર્યું હતું, તેનું આજે રૂપક આવ્યું. અત્યારે જે નવું કર્મ બાંધીએ છીએ તે તો સૂક્ષ્મમાં થાય છે, જેની કોઈને ખબર પડતી નથી.
ઉદાહરણ તરીકે, એક શેઠ પાસે એક સંસ્થાના ટ્ર્સ્ટીઓ ધર્માદા માટે દાન આપવા દબાણ કરે છે તેથી શેઠ પાંચ લાખ રૂપિયા દાનમાં આપે છે. ત્યાર પછી એ શેઠના મિત્ર શેઠને પૂછે છે કે “અલ્યા, આ લોકોને તેં ક્યાં આપ્યા? આ બધા ચોર છે, ખાઈ જશે તારા પૈસા.” ત્યારે શેઠ કહે છે, “એ બધાને, એકે એકને હું સારી રીતે ઓળખું, પણ શું કરું? એ સંસ્થાના ચેરમેન મારા વેવાઈ થાય તે તેમના દબાણથી આપવા પડ્યા, નહીં તો હું પાંચ રૂપિયાય આપું એવો નથી!” હવે પાંચ લાખ રૂપિયા દાનમાં આપ્યા તે બહાર લોકોને શેઠ માટે ધન્ય ધન્ય થઈ ગયું પણ એ એમનું કર્મફળ હતું અને ચાર્જ શું કર્યું શેઠે? પાંચ રૂપિયાય ના આપું! તે મહીં સૂક્ષ્મમાં અવળું ચાર્જ કરે છે. તે આવતા ભવમાં પાંચ રૂપિયા પણ નહીં આપી શકે કોઈને! અને બીજો ગરીબ માણસ એ જ સંસ્થાના લોકોને પાંચ જ રૂપિયા આપે છે ને કહે છે કે, “મારી પાસે પાંચ લાખ હોત તો તે બધા જ આપી દેત!” જે દિલથી આપે છે તે આવતા ભવે પાંચ લાખ આપી શકે. આમ બહાર દેખાય છે તે તો ફળ છે ને મહીં સૂક્ષ્મમાં બીજ પડે છે તે કોઈનેય ખબર પડે એમ નથી.
કર્મબીજ ગયા ભવમાં વાવે છે, તે કર્મનું ફળ આ ભવમાં આવે છે. ત્યારે એ ફળ કોણ આપે છે? ભગવાન? ના. એ કુદરત આપે છે. એ ફળ ભોગવતી વખતે પાછો ગમો-અણગમો, રાગ-દ્વેષ અજ્ઞાનતાને કારણે નવું બીજ નાખે છે. જેનું ફળ આવતા ભવે ભોગવવું પડે. એટલાથી પૂરું નથી થતું. એ બીજમાંથી ઝાડ થાય ને ફળ આવે ત્યાં સુધી બીજા કેટલાય સંયોગોની એમાં જરૂર પડે છે. બીજ માટે જમીન, પાણી, ખાતર, ટાઢ, તડકો, ટાઈમ બધા સંજોગો ભેગા થાય પછી કેરી પાકે ને આંબો મળે. તેમ કર્મબીજમાંથી ફળ આપવા માટે અનેક સંજોગોની જરૂર પડે છે.
કર્મનો સિદ્ધાંત એવો છે કે જેવું બીજ વાવીએ તેવું ફળ લણીએ. જેમ એક વાવમાં આપણે બોલીએ કે “તું ચોર છે.” તો વાવ પડઘો પાડશે, કે “તું ચોર છે, તું ચોર છે.” પણ જો આપણે કહીએ કે “તું રાજા છે.” તો વાવ પડઘો પાડશે કે “તું રાજા છે, તું રાજા છે.” જગત વાવસ્વરૂપ છે, આપણું જ પ્રોજેક્શન છે. આપણે જે કર્મ કર્યું તેનું અનેકગણું ફળ આવ્યા વગર રહેતું નથી.
કર્મ કેવી રીતે બંધાય છે? કર્તાભાવથી. પોતે આત્મા છે અને આત્મા કશુંય કરતો નથી. જે પોતે નથી કરતો ત્યાં “હું કરું છું” એ આરોપણ કરવું એનું નામ અહંકાર. “હું આ દેહ નથી, હું આત્મા છું”, એવું ભાન થવું તે આત્મજ્ઞાન. જ્ઞાની પુરુષ પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે જ નવું બીજ પડતું અટકે છે, જેથી પાછલાં કર્મના ફળ પૂરાં થઈ મોક્ષ પદને પમાય છે!