બેડએસ રવિકુમાર
- રાકેશ ઠક્કર
હિમેશ રેશમિયાની ફિલ્મ ‘બેડએશ રવિકુમાર’ ના ટ્રેલર પછી એના સંવાદ અને એક્શનની બહુ ચર્ચા હતી. કેટલાક સમીક્ષકોએ ફિલ્મના વિચિત્ર રીતે બહુ વખાણ કર્યા છે. પરંતુ સામાન્ય દર્શકની દ્રષ્ટિએ આ એક મનોરંજન માટેની અને જોઈને ભૂલી જવા જેવી ફિલ્મ હોવા છતાં બોલિવૂડ માટે મહત્વની ગણાઈ નથી.
આજકાલ ફિલ્મોમાં બે ગીત હોય તો પણ વાર્તામાં એની જરૂર ન હોવાની ટીકા થાય છે ત્યારે ‘બેડએશ રવિકુમાર’માં અઢળક ગીતો છે. એમ કહી શકાય કે ગીતોની વચ્ચે થોડા દ્રશ્યો અને વાર્તા ચાલે છે. તે એ હદ સુધી કે છેલ્લે એકસાથે છ ગીતોની હારમાળા છે. ત્યારે એમ લાગશે કે આ ફિલ્મ છે કે સંગીતની કોઈ કોન્સર્ટ? દર દસ મિનિટ પછી એક ગીત નથી ગીતની વચ્ચે પણ ગીત છે. હા, એ કારણે દર્શકને શેર-શાયરી અને ડાયલોગબાજીમાંથી વિરામ મળે છે એ લાભ ખરો! એવું બન્યું હોય કે હિમેશને ગીતોનું આલબમ બનાવવું હતું પણ પછી એની સાથે આખી ફિલ્મ બનાવી નાખી.
એમાં એક્શન છે, મસાલા છે, ટ્વીસ્ટ અને ટર્ન્સ છે, રોમાન્સ છે અને ખૂનખારાબાના દ્રશ્ય છે. પરંતુ અસલમાં એની વાર્તામાં જ લૉજિકનું ખૂન થયેલું છે. કેટલીક એવી બાબતો છે જે ક્રિંજ ફિલ્મોને સારી કહેવડાવે છે. 1980 માં મસાલા ફિલ્મો બનતી હતી પણ આવી તો નહીં જ. ફિલ્મમાં હિમેશ મોંમાં સિગારેટ રાખવાનું કારણ આપતા કહે છે કે હું સિગારેટ પીતો નથી પણ ભાઈની યાદમાં મોંમાં રાખું છું!
હિમેશના આખી ફિલ્મમાં બે-ચાર પ્રકારના જ હાવભાવ જોવા મળે છે. હિમેશ ગીતકાર અને સંગીતકાર તરીકે જે માન કમાયો છે એ અભિનેતા તરીકે ગુમાવી શકે છે. બીજા કલાકારો જોની લીવર, સંજય મિશ્રા વગેરે માટે એમ કહી શકાય કે એમણે માત્ર પૈસા કમાવવા જ એમાં કામ કર્યું હશે. સની લિયોની પણ આકર્ષણનું કેન્દ્ર બની શકી નથી. પ્રભુ દેવા એક સારો ડાન્સર જ નહીં અભિનેતા છે. એણે વિચિત્ર વિલન બનીને પોતાની જ ઇમેજ પર સવાલ ઊભો કર્યો છે. એના જેવો વિલન કોઈ ફિલ્મમાં આવ્યો નહીં હોય.
મગજ ઘરે મૂકીને આવ્યા હોવા છતાં પહેલા ભાગમાં ઠીક કહી શકાય એવી ફિલ્મ બીજા ભાગમાં ‘મગજનું દહીં’ કરી દે છે. રવિકુમાર ભ્રષ્ટાચારને નાબૂદ કરવા ગોળીઓ સાથે સંવાદથી પણ હુમલો કરે છે. ‘જીન તૂફાનોં મેં તુમ જૈસોં કે ઝોપડે ઉડ જાયા કરતે થે ઉન્હી તૂફાનોં મેં હમ અપને કપડેં સુખાયા કરતે હૈ’ કે ‘દો નાલી બંદૂક દેખી હોગી લેકિન રવિકુમાર પાંચ નાલી બંદૂક સે શિકાર કરતા હૈ’ જેવા સંવાદનો અર્થ હિમેશ જ જાણે છે. આમ તો ‘કિસી ખ્વાબ કી ઈતની ઔકાત નહીં રવિકુમાર દેખેં ઔર પૂરા ન હો’ જેવા પોતાની મોટાઈના સંવાદ છે પણ એમાં પંચ અનુભવાતો નથી. એના બદલે હસવું આવે છે. ‘જો રવિકુમાર સે ઉલઝતા હૈ ઉસકે ફોટો પે હાર ચઢ જાતા હૈ’ જેવા સંવાદ પણ પ્રભાવ છોડી શક્યા નથી. સામે દુશ્મન હોય કે પ્રેમિકા એ ડાયલોગબાજીથી જ વાત કરે છે. બેડએશ રવિકુમાર’ માં હિમેશ રેશમિયાનો સંવાદ છે કે,‘શીશે કે ઘર મેં રહનેવાલે ચટ્ટાનો કો ચુનૌતિયાં નહીં દીયા કરતે.’ ત્યારે હિમેશને એટલું જ કહેવાનું કે તારે પણ તારા અભિનયને પડકાર આપવાની જરૂર ન હતી!
ફિલ્મનો સ્ક્રીનપ્લે એટલો અજીબ છે કે એક વાતનો બીજી સાથે મેળ હોતો નથી. રવિકુમારને ગોળી વાગે કે ચાકૂ પણ જીવતો જ રહે છે. ભલે એક્શન ફિલ્મમાં તર્કનું બહુ મહત્વ નથી પણ કોઈ વાત ઢંગની તો હોવી જોઈએ. હિમેશે ભલે કહ્યું હોય કે ‘લૉજિક ઓપ્શનલ’ છે પણ આ ફિલ્મ જોવા માટેનું કોઈ લૉજિક દેખાતું નથી. ફિલ્મ પડદા પર આકર્ષક લાગે છે મનોરંજક નહીં. ફિલ્મમાં છેલ્લે એની સીકવલની જાહેરાત થઈ ગઈ છે એટલે સાવધાન!