Aaspaas ni Vato Khas - 17 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | આસપાસની વાતો ખાસ - 17

Featured Books
Categories
Share

આસપાસની વાતો ખાસ - 17

17. MLA

બધી કારો એક સરખી ઝડપે પુરપાટ જતી હતી. એ એક્સપ્રેસ વે હતો. ઓચિંતું પાછળથી જોરથી હોર્ન વાગ્યું, મારી આંખ અંજાઈ જાય એ હદે લાઈટ આવી. હું ચલાવતો હતો તે મહાનુભાવની કારને સાચવીને સહેજ બાજુમાં લઉં ત્યાં તો અમારી કારને ડાબેથી ઓવરટેક કરી જોરથી હોર્ન વગાડતી એ વૈભવી કાર  બીજી બધી કારોને જાણે ચીરતી આગળ ધસી ગઈ. એની ઝડપ બીજી કારો કરતાં  વધુ તો હતી જ,  ખૂબ રફ ડ્રાઈવિંગ લાગ્યું. 

દસ પંદર મિનિટ  આગળ ગયા  ત્યાં  આગળ   બેય તરફ વાહનોની ખૂબ મોટી લાઇન હતી.

રેલ્વેનું  ફાટક હમણાં  જ ખૂલેલું. બધી કાર, સ્કૂટર વાળાઓ અને નાનાં  મોટાં વાહનો સાઈડ દબાવી સામેથી આવતાં વાહનને રસ્તો આપતાં ધીમેથી આગળ જતાં હતાં. ત્યાં મારું ધ્યાન પડ્યું . ફરીથી એ કાર જ્યાંથી જગ્યા મળે ત્યાંથી ઝડપભેર રસ્તો કરતી આગળ ધસી આવી. ફાટક પર  ઉભેલા સ્કુટરવાળાઓને ગાળો આપતી રોંગ  સાઈડેથી  ઘૂસી જઈ બધાથી આગળ નીકળી ગઈ.  

અમે એ કાર થી થોડા પાછળ હતા. સ્હેજ આગળ જતાં મેં જોયું કે તે કાર ધીમી પડી પણ ઊભી નહીં. તેમાંથી કોઈએ ઓચિંતું કારનું  પાછળનું બારણું ખોલી રસ્તા પર પિચકારી મારતાં અમારી કાર સાથે  તે કાર અથડાતાં રહી ગઈ. 

મને હાઇવે પર ડ્રાઈવિંગનો સારો અનુભવ છે છતાં આ કાર થી દુર રહી મેં મારી કાર ચલાવવાનું પસંદ કર્યું.

વળી થોડા અંતર પછી  એક ટોલબુથ આવતાં બીજી કારોને ઓવરટેક કરી તે  કાર વાળો ધરાર વચ્ચે ઘુસી ઉભો રહ્યો.

પાછલી કાર વાળા બે ત્રણ જણ હોર્ન મારવા ગયા પણ એને તો જાણે પડી જ ન હતી! એ  જાણે આ રસ્તાનો રાજા હોય એમ બીજાં વાહનો પર રોફ જમાવતો  જતો હતો!

વળી સહેજ આગળ જતાં  એક એસ. ટી. બસને ઓવરટેક કરી રસ્તાની નીચે ઉતરી તેની આગળ લઈ જઈ ધરાર ઉભો રહ્યો. ડ્રાઈવરે બસ થોભાવી ડોકું બહાર કાઢ્યું તો એ કાર માંથી નીચે ઉતર્યો. સફારી સૂટમાં સજ્જ, શરીરે એક મોટી ગોલ્ડ ચેઇન, હાથો પર સોનાનાં લાગતાં કડાં અને આંગળીઓ પર મોંઘી વીંટીઓ પહેરેલી. 

બસના ડ્રાઇવરે પૂછ્યું કે આગળ જઈ વચ્ચે આવી ઊભી કેમ રાખી? આમ તો એક્સિડન્ટ થઈ જાય.  

એ નીચે ઉભો ઊભો જ  ડ્રાઈવરને  ગંદી ગાળ આપતાં કહે " ખબર છે, હું કોણ છું?  મને રસ્તો નથી આપતો? ખબર પડે છે,  સાલા *** ? હું અહીંનો MLA છું."

એસ. ટી. માંથી કોઈ જવાબ આવે એ પહેલાં એનો ડ્રાઈવર કાર આગળ ધસાવી ગયો.

આગળ ટ્રાફિકજામ હતો. શહેર આવી ચૂકેલું. મને  ક્લિયર રસ્તો મળતાં હું   સ્પીડ લઉં ત્યાં તો એ કાર કર્કશ અવાજે સતત હોર્ન વગાડતી  અમારી ડાબેથી આગળ જઈ અમારી સાથે અથડાઈ. 

મારો કાર પર કંટ્રોલ સારો હતો, નહીં તો મારી સાથે કારમાં બેઠેલા મહાનુભાવના પણ રામ રમી જાત.

નુકસાન અમને થયેલું છતાં આગળ  એમની કાર ઉભાડી  એ ભાઈ અને એનો ડ્રાઈવર મને  ઉતારીને મારવા લાગ્યા. હું કાંઈક કહેવા ગયો. મને અંદરથી ઇશારો થતાં હું ચૂપ રહ્યો. તેને આગળ જવા દીધો.  ખિન્ન થઈ પાછો કાર માં બેસી હું  કાર ચલાવતો લગભગ કલાક પછી અમારા મુકામે પહોંચ્યો.

મુકામ આવતાં મેં ડોર ખોલીને સ્વામિનારાયણના સંતશ્રીને ઉતાર્યા. મોટો સમારોહ હતો. યજમાન MLA હાથ જોડતા બહાર આવ્યા.  આ તો પેલી કારવાળા! એ જ સફારી,  એ જ ઘરેણાં. અત્યારે સંત શ્રી સમક્ષ બે હાથ જોડી અભિવાદન કરતા.

સંતશ્રીએ કાર પ્રાઇવેટ રાખેલી. કોઈને ખબર પણ ન પડે કે આવા મોટા સંત હું ચલાવતો હતો તે આ કારમાં બિરાજમાન છે.

એ MLA એ સ્વામીનું અભિવાદન કરતા હાથ જોડયા. સ્વામીજીએ હાથ ઊંચો કરી આશિષ આપતાં કહ્યું

'મલિનતા, લજ્જાહીનતા, અહંકાર- આ ત્રણ MLA થી તમે મુક્ત થાઓ ' અને  એ સાથે જ સ્વામીજી પીઠ ફેરવી ગયા. હું  દોડીને તેમની આગળ થઈ ગયો.  

પેલા MLA હાથ જોડેલી અવસ્થામાં જોતા જ રહી ગયા.

***