16. આવકાર
એ આજે ખૂબ ખુશ હતી. કેમ ન હોય? અસાધ્ય કહેવાતા રક્તપિત્તના રોગથી તે મુક્ત બની હતી, ડોકટરોની ટીમે તેને રોગમુક્ત જાહેર કરી હતી. ઘણાં વર્ષ સુધી પોતે આશ્રમમાં રહી સઘન સારવાર કરાવી આખરે આવા અસાધ્ય ગણાતા રોગથી મુક્ત થઈ પોતાને ઘેર જતી હતી. આખરે પોતાને ઘેર.
તે ઉત્સાહથી આશ્રમની ઓફિસમાંથી બહાર નીકળી.
તેને લેવા દીકરો પોતાની કારમાં આવેલો. પોતે ગઈ ત્યારે તો પતિને એક સ્કૂટર જ હતું. પોતાની સારવાર પાછળ સારો એવો ખર્ચ થઈ ગયેલો એ બદલ તે મનોમન દુઃખી હતી. આખરે આટલા વખતમાં દીકરાને ઘેર કાર પણ આવી ગઈ. મા તરીકે તે તો ખુશ થાય જ ને?
તેને એમ કે ઘર આખું તેને લેવા ઉત્સાહથી આવ્યું હશે પણ તે જ્યાં બહાર જઇને જુએ તો દીકરો એકલો જ લેવા આવેલો. તો પણ, દીકરાને જોઈ તે ખુશી થઈ. "વહુ કેમ આવી નહીં? " તેણે પૂછ્યું.
દીકરો કહે "બસ, એમ જ. ઘરમાં કામ હતું. આમેય તું આરામથી કારમાં બેસી શકે ને, એટલે. નાના બાબાને પણ સ્કુલથી આવવાનો ટાઈમ થઈ ગયો છે."
તે ઘેર જઈ સહુને મળવાના કોડ સેવી રહી.
તે પુત્રની બાજુની સીટમાં ગોઠવાઈ ગઈ.
"મમ્મી, તું આરામથી પાછળ બેસ. પાછળ વધુ સગવડભર્યું રહેશે." પુત્રે કહ્યું. થોડું ન ગમ્યું પણ તે પાછળ જઈને બેઠી.
ઘેર પહોંચી. સામે પૌત્ર દોડતો દાદીને ભેટવા આવ્યો.
"અરે તું તો કેવડો મોટો થઈ ગયો! સ્કૂલ થી આવી ગયો? હવે તો દાદી આવી ગઈ છે તારે માટે" કહેતી તે પૌત્રને ભેટવા આગળ ગઈ.
તે પૌત્રને તેડવા જતી હતી ત્યાં "દાદી હમણાં જ આવ્યાં છે. એમને હેરાન ન કર." કહેતાં વહુ દીકરાને અંદર લઈ ગઈ.
પતિ આવ્યા. તે બે થડકરા ચૂકી ગઈ. તે પતિની બાજુમાં બેસવા જતી હતી ત્યાં પતિ બેસી ગયા અને તેને પોતાની સામે બેસાડી દીધી. જો કે વીતેલા સમયની વાતો ઘણી કરી.
તેને ઘરમાં અલગ રૂમ અપાયો. ‘સારું, મારો ખ્યાલ રાખે છે’ એમ મનોમન કહી તે રૂમમાં ગઈ. થોડો સમય સાવ એકલી બેઠી રહી .
તેની જમવાની થાળી કામવાળી આપી ગઈ. ટીપોય પર મૂકી ચાલતી થઈ ગઈ. જમીને તે થાળી બહાર મૂકવા ગઈ. વહુએ તેને અલગ રખાવી. થાળી પોતે ઉઠાવવાને બદલે કામવાળી દ્વારા કપડું ફેરવી, કપડેથી પકડી લઈ જવાઈ. તેની થાળી, પાણીનો પ્યાલો, ગાદલું, બધું અલગ રખાયું.
રાત્રે સૂતાં. પતિ આવ્યા. પોતે રોમાંચિત થઈ ગઈ. આટલા વર્ષે હવે તો તેમની હૂંફ મળશે!
પતિએ તો દૂર પથારી કરી. પોતે રોમાંચિત થઈ સામેથી પતિની નજીક ગઈ. પતિ પડખું ફરી ગયા. તેને પોતાનાં અલગ ગાદલામાં સૂઈ જવા કહ્યું. "આ ઉંમરે એ બધું સારું ન લાગે." કહી દૂર જતા રહ્યા.
સવારે તેણે વહેલા ઊઠી નહાઈને ઘરનાં પાણિયારાં પરનો ગોળો લઈ વિછળ્યો અને પાણી ભર્યું. સહુ માટે પ્રેમથી રોટલીઓ કરવા લોટ પણ બાંધ્યો.
સંતોષથી તે પોતાના રૂમમાં ગઈ. થોડીવારે તેણે પોતાના રૂમમાંથી પૂજા વગેરેથી પરવારી બહાર આવતાં જોયું. ગોળાનું બધું પાણી ઢોળી દેવાયેલું. નવો ગોળો આવી ગયેલો અને પોતે પાણી ભરેલું તે ગોળો ફોડીને ફેંકી દેવાયેલો.
પોતે જેનાથી નહાએલ એ સાબુ પણ બહાર ફેંકી દેવાએલો.
તેને લાગી આવ્યું. સમય જતાં બધું સરખું થઈ જશે કહી મન મનાવ્યું.
પોતે લોટ બાંધી પૌત્રને બોલાવવા ગઈ. પૌત્ર રમવા આવ્યો પણ દૂરથી રમવા લાગ્યો. તેણે પૌત્રને પાસે બોલાવ્યો તો તે ના પાડતાં કહે દાદીને અડવાની ના છે. તે કહે કોણ તને ના પાડે છે? તો કહે બધાં જ.
તે રસોડાં તરફ ગઈ તો જોયું કે લોટનો પિંડો કચરાપેટીમાં હતો.
હવે તે કોઈ સાથે કાઈં જ બોલતી નહીં. થોડો વખત તે એમ ને એમ રહી.
એક દિવસ સવારે ઊઠીને ઘરનાં સહુએ જોયું તો તુલસીક્યારે સાથીયો પુરેલો, દીવો કરેલો અને 'બા' ઘરમાં ન હતાં.
***